વિસ્તારવાદી ચીનને ઘેરવા માટે અમેરિકાની નવી વ્યૂહરચના  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • વિસ્તારવાદી ચીનને ઘેરવા માટે અમેરિકાની નવી વ્યૂહરચના 

વિસ્તારવાદી ચીનને ઘેરવા માટે અમેરિકાની નવી વ્યૂહરચના 

 | 2:00 am IST
  • Share

તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તર પરની વાટાઘાટો યોજાઈ હતી તેમાં પણ હિંદ પ્રશાંત ક્ષેત્રનો મુદ્દો છવાયેલોઔ રહ્યો હતો.

ચીનને ચારે તરફથી ઘેરવા માટે અમેરિકાએ વધુ એક ગઠબંધન ઊભું કર્યું છે. આ ગઠબંધનમાં તેની સાથે બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જોડાયા છે. આ નવા જૂથની મૂળ ચિંતા હિંદ-પ્રશાંત વિસ્તારમાં ચીનની દખલ વધી રહી છે તેને લઈને છે. આના કારણે હવે એ નક્કી થયું છે કે, અમેરિકા અને બ્રિટનની મદદથી ઓસ્ટ્રેલિયા પરમાણુ ઊર્જાથી ચાલતી સબમરીન બનાવશે. આ સબમરીનો હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચોકી પહેરો કરશે અને ચીનની હલચલ પર બારીક નજર રાખશે. જો કે, ચીનની ઘેરાબંધી માટે ચાર દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનનું જૂથ એટલે કે, ક્વાડ પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે. ખાસ કરીને પાછલા બે વર્ષ દરમિયાન ક્વાડની સક્રિયતાથી સાફ થયું છે કે, ચીનની વિસ્તારવાદી નીતિઓને લઈને ઘણા દેશો પરેશાન છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની આગેકૂચ ભારત માટે એક પડકાર છે. એવામાં ક્વાડ અને નવું ગઠબંધન ઓક્સનો હેતુ ચીનને રોકવાનો છે. એમ પણ માનવામાં આવે છે કે, અમેરિકા હિંદ પ્રશાંત ક્ષેત્રમાં એક કે બે નહીં પણ ઘણા ગઠબંધન ઊભા કરીને ચીનને ઘેરવાની વ્યૂહરચના પર ચાલી રહ્યું છે.

નોંધનીય છે કે, અમેરિકા ચીનને પોતાના માટે સૌથી મોટો ખતરો માને છે. તેમાં કોઈ સંદેહ નથી કે, દુનિયાના બજારોથી લઈને પ્રદેશો અને મહાસાગરો ઉપર કબજો કરવાની ચીનની વ્યૂહરચનાથી અમેરિકાની ઊંઘ ઊડી ગઈ છે. બન્ને દેશો વચ્ચે વ્યાપાર યુદ્ધને લઈને જે તંગદિલી વધી છે તે ઓછી થવાનું નામ લેતી નથી. વાત ત્યાં સુધી પહોંચી છે કે, અમેરિકા દ્વારા વિશ્વમાં કોરોના રોગચાળો પ્રસરવા માટે દોષનો ટોપલો પણ ચીન પર ઢોળવામાં આવ્યો છે. જો કે, અત્યાર સુધી તેના કોઈ પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત તાજેતરમાં ચીન ખુલ્લમ ખુલ્લા અફઘાનિસ્તાનની તરફેણમાં આવી ગયું છે. આ બાબત પણ અમેરિકા માટે ગંભીર ચિંતાનો વિષય છે. અમેરિકાની પરેશાની એટલા માટે પણ વધી રહી છે કે, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન, ચીન અને રશિયાનું જૂથ બની ગયું છે, અને તેને લાગે છે કે, તેઓ આ દેશના આતંકવાદને પ્રોત્સાહન આપશે અને અમેરિકા માટે મુશ્કેલી પેદા કરશે. આ બાજુ ચીન મહાસાગરમાં સૈન્ય અડ્ડા ઊભા કરીને પોતાની તાકાત દર્શાવી રહ્યું છે. તાજેતરમાં જ તેણે દક્ષિણ ચીન સાગરમાં નવા સમુદ્રી કાયદા થોપી દીધા છે. જો કે, આ કાયદો સંયુક્ત રાષ્ટ્રની સંધીનું ઉલ્લંઘન છે. વિસ્તારવાદી નીતિઓ હેઠળ ચીન જે રીતે અન્ય દેશોની સીમાઓમાં ઘૂસણખોરી અને અતિક્રમણ કરતંુ રહે છે ત્યારે આ બાબત એનું પ્રમાણ છે કે, આંતરરાષ્ટ્રીય નિયમો અને સંધીઓનું પણ તેને કોઈ મહત્ત્વ નથી. ઓક્સનું ગઠબંધન એવા સમયે થયું છે કે, જ્યારે આ મહિનાની આખરમાં અમેરિકામાં ક્વાડ દેશોના નેતાઓની બેઠક યોજાવાની છે.

તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તર પરની વાટાઘાટો યોજાઈ હતી તેમાં પણ હિંદ પ્રશાંત ક્ષેત્રનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. જાહેર છે કે, ઓક્સ અને ક્વાડ બન્ને ગઠબંધનનો હેતુ હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ચીનને રોકવાનો છે. નોંધનીય છે કે, હિંદ પ્રશાંત ક્ષેત્ર દુનિયાનો સૌથી મોટો વ્યાપારિક માર્ગ છે. એવામાં જો ચીન તેના ઉપર કબજો કરી દે તો આ જળક્ષેત્રને યુદ્ધનો અખાડો બનવામાં વાર લાગવાની નથી.

જો કે, ઓક્સની રચનાથી યુરોપિય યુનિયનને અલગ રાખવાની અમેરિકાની વ્યૂહરચનાથી ફ્રાન્સ સહિત અનેક દેશો રોષે ભરાયા છે અને તેની કડક ટીકા કરી છે. તેને લીધે હવે નવા સમીકરણો બની શકે છે, જે વૈશ્વિક રાજકારણની દિશા બદલી શકે છે. અમેરિકા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ ચારેય સુરક્ષા પરિષદના કાયમી સભ્ય પણ છે. એવામાં આ ગઠબંધન ચીન ઉપર કેટલું દબાણ બનાવી શકે છે તે તો આગામી સમય જ બતાવી શકશે. પણ ઓક્સની રચના શક્તિ સંતુલનના નામ ઉપર એક નવી હરીફાઈ જરૃર શરૃ કરી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો