Amit Chavda Raise question On Bhupendra Patel Appoint as gujarat cm
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આખરે સાબિત થઈ ગયું, હવે ગુજરાતમાં સીઆર પાટીલની ‘ભાઉગીરી’ જ ચાલશે: અમિત ચાવડા

આખરે સાબિત થઈ ગયું, હવે ગુજરાતમાં સીઆર પાટીલની ‘ભાઉગીરી’ જ ચાલશે: અમિત ચાવડા

 | 1:40 pm IST
  • Share

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ થયા બાદ ભાજપના નેતાઓ સહિત વિપક્ષ પણ અચરજમાં છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના પાવી-જેતપુરમાં આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પ્રમુખે નવા મુખ્યમંત્રીની નિમણૂંક પર સવાલ ઉઠાવતા ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે આજે પાવી-જેતપુરના ધારસભ્ય સુખરામ રાઠવાને ત્યાં સામાજિક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. જે બાદ જેતપુર ખાતે આદિવાસી મોરચાની બેઠકમાં અમિત ચાવડાએ ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા હતા.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ભાજપને સરકારની નિષ્ફળતાઓ છૂપાવવા અને આંતરીક લડાઈના પુરાવારૂપે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું. સરકારે ભૂતકાળમાં પ્રજા પર અત્યાચાર ગુજારવાનું કામ કર્યું છે. તેમાં નવા મુખ્યમંત્રીના કાળમાં સુધારો થાય તેવી આશા રાખું છું.

ભાજપ પર આકરા પ્રહાર કરતાં અમિત ચાવડાએ જણાવ્યું કે વિજયભાઈએ જે રાજીનામું આપ્યું છે, એની પાછળ સાચા અર્થમાં સરકારની નિષ્ફળતાઓ ઉજાગર થઈ છે. ભાજપમાં જે આંતરિક વિખવાદ ચાલે છે. ભૂપેન્દ્રભાઈની નિમણૂંકથી ચોક્કસ સાબિત થઈ ચૂક્યું છે કે, હવે ગુજરાતમાં સી.આર.પાટીલની ભાઉગીરી ચાલશે. આનંદીબેનનું જે અપમાન થયું હતું, તેનો બુદ્ધિ પૂર્વક બદલો લીધો છે. માત્ર ચહેરો બદલવાથી નિષ્ફળતાઓ છુપાવી નહી શકાય.

પાવી-જેતપુર ખાતે મીડિયાને સંબોધન અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપના અણધડ વહીવટના કારણે 2 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. શું તેઓને 4 લાખની સહાય આપી શકશે? ખેડૂતો દેવાદાર થયા છે, શું તેઓના દેવા નવા મુખ્યમંત્રી માફ કરશે? લાખો યુવાનો બેરોજગાર છે, તેઓને ન્યાય મળશે? રાજ્યમાં હપ્તાખોરી અને ભ્રષ્ટાચારનું શાસન ચાલે છે તેને નવા મુખ્યમંત્રી નાબૂદ કરી શકશે? તેવા વેધક સવાલો કર્યા હતા. લોકોનું ધ્યાન હટાવવા અને લોકો સત્તા પરિવર્તનનું મન બનાવી ચૂક્યા છે અને લોકોને ભ્રમિત કરવા માટે ચહેરા બદલવાની આ રાજનીતિ ચાલી રહી છે.

અમિત ચાવડાએ આવનારી ચૂટણીમાં વિકાસના મોડેલને લઈને જવાની હિંમત નથી, એટલે ફરી પાછી જાતિવાદી રાજનીતિ કરવાના એક રાજનીતિક સમીકરણ સાથે આ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતાએ નીતિન પટેલ ઉપર કટાક્ષ કરતાં જણાવ્યું કે, જે વારેવારે તૈયારીઓ કરે, ઘોડે બેસીને છેક સુધી એમનું નામ ચાલતું હોય એવા નીતિનભાઇ અમારા વડીલ છે એમને અમારી કોન્સોલેશન કહેવું પડે તેવી પરિસ્થિતી ઊભી થઈ છે. આવી જ રીતે તમામ લોકોને બાજુ પર મૂકીને દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલે તેવા વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન