Why Muslim Not Included In CAB Bill? Amit Shah Gave Clear Answer
  • Home
  • Featured
  • મુસ્લિમોને નાગરિક સંશોધન બિલમાં કેમ ના કરાયા સામેલ? અમિત શાહે આપ્યો ચોખ્ખોચટ જવાબ

મુસ્લિમોને નાગરિક સંશોધન બિલમાં કેમ ના કરાયા સામેલ? અમિત શાહે આપ્યો ચોખ્ખોચટ જવાબ

 | 5:09 pm IST

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 રજૂ કર્યું. આના પર વિરોધ પક્ષે જોરદાર હોબાળો કર્યો. પહેલા તો એ વાત પર ચર્ચા થતી રહી કે આ બિલને નીચલા ગૃહમાં રજૂ કરી શકાય છે કે નહીં. ત્યારબાદ જ્યારે વિરોધ પક્ષે બિલમાં લઘુમતીઓ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો તો શાહે કૉંગ્રેસ પર પ્રહાર કરતા ભાગલા પડ્યા તેનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કૉંગ્રેસે ધર્મનાં આધારે દેશનાં ભાગલા પાડ્યા. જો ત્યારે આવુ ના કર્યું હોત તો આજે અમારે આ ના કરવું પડ્યું હોત.

આ બિલ અલ્પસંખ્યકોની વિરુદ્ધ નથી

શાહે કહ્યું કે, “પાડોશી દેશોમાં મુસલમાનોની વિરુદ્ધ ધાર્મિક પ્રતાડના નથી થતી. આ કારણે આ બિલનો ફાયદો તેમને નહીં મળે. જો આવુ થયું તો આ દેશ તેમને પણ આનો ફાયદો આપવા પર વિચાર કરશે.” સાથે જ તેમણે દાવો કર્યો કે, “આ બિલ અલ્પસંખ્યકોની વિરુદ્ધ નથી.” વિરોધ પક્ષે કહ્યું કે, “આવા બિલ પર ગૃહમાં ચર્ચા થઈ જ ના શકે.” કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે, “સંસદને આવા બિલ પર ચર્ચાનો અધિકાર નથી. આ ભારતીય ગણતંત્રનાં મૂળભૂત મૂલ્યોનું ઉલ્લંઘન છે. શું આપણી રાષ્ટ્રિયતાનો નિર્ણય ધર્મનાં આધારે થશે? આ સંવિધાનની પ્રસ્તાવનાનું પણ ઉલ્લંઘન કરે છે.”

કૉંગ્રેસ અને ટીમસીએ કર્યો વિરોધ

કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બિલને સંવિધાનની મૂળ ભાવના વિરોધનું ગણાવ્યું. તેમણે કહ્યું કે, “સરકાર આર્ટિકલ 14ને નજરઅંદાજ કરી રહી છે. આ આપણી લોકશાહીનું માળખુ છે.” તૃણમૂલ કૉંગ્રેસ સાંસદ સૌગત રાયે કહ્યું કે, “સંવિધાનની કલમ 14 કહે છે કે રાજ્ય ભારતમાં કોઈ પણ વ્યક્તિને સમાનતા અને સંરક્ષણથી વંચિત નહીં કરે. આ બિલ નેહરૂ-આંબેડકરનાં વિચારનાં ભારત વિરુદ્ધ છે.”

અમિત શાહે આપ્યા તમામ જવાબ

એમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “ધર્મનિપેક્ષતા આ દેશનાં મૂળભૂત માળખાનો ભાગ છે. આ બિલ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.” અમિત શાહે વળતો જવાબ આપતા કહ્યું કે, “ગૃહમાં નિયમ 72(1) પ્રમાણે આ બિલ કોઈપણ આર્ટિકલનું ઉલ્લંઘન નથી કરતુ. કલમ-11ને સંપૂર્ણ વાંચો. કેટલાક સભ્યોને લાગે છે કે આ બિલથી સમાનતાનાં અધિકારનું ઉલ્લંઘન થાય છે. પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ 1971માં નિર્ણય કર્યો હતો કે બાંગ્લાદેશથી આવેલા લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવે તો પાકિસ્તાનથી આવેલા લોકો સાથે આવુ કેમ ના કરવામાં આવ્યું? ત્યારબાદ યુગાંડાથી આવેલા લોકોને કૉંગ્રેસનાં શાસનમાં નાગરિકતા આપવામાં આવી. ત્યારે ઇંગ્લેન્ડથી આવેલા લોકોને કેમ ના આપવામાં આવી? ત્યારબાદ દંડકારણ્ય કાયદો લાવીને નાગરિકતા આપવામાં આવી. ત્યારબાદ રાજીવ ગાંધીએ અસમ કરાર કર્યો. તેમાં પણ 1971ની જ કટ ઑફ ડેટ રાખવામાં આવી તો શું સમાનતા થઈ? દર વખતે તાર્કિક વર્ગીકરણનાં આધારે જ નાગરિકતા આપવામાં આવે છે.”

આ વિડીયો પણ જુઓ: વડોદરામાં ઢાળ પર પાર્ક કરેલી ટ્રક બેકાબુ બની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન