બીજાઓમાં સતત વહેંચાતાં ખ્યાલ પણ ન રહ્યો કે હવે પોતાનું કહેવાય એવું કંઈ નથી, કોઈ નથી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • બીજાઓમાં સતત વહેંચાતાં ખ્યાલ પણ ન રહ્યો કે હવે પોતાનું કહેવાય એવું કંઈ નથી, કોઈ નથી

બીજાઓમાં સતત વહેંચાતાં ખ્યાલ પણ ન રહ્યો કે હવે પોતાનું કહેવાય એવું કંઈ નથી, કોઈ નથી

 | 3:38 am IST
  • Share

તડકભડકઃ સૌરભ શાહ

જે કંઈ મળે છે તે ટૂકડે ટૂકડે મળે છે અથવા ટૂકડા ટૂકડા થઈને મળે છે. સંપૂર્મ કે આખું કશું મળતું નથી જિંદગીમાં ‘સ્પર્શ તારા શબ્દનો’ શીર્ષક ધરાવતું એક જૂનું હવે કદાચ રેર બની ચૂકેલું પુસ્તક મારા પુસ્તકાલયમાં મળી આવે છે અને ટૂકડાઓમાં વહેંચાયેલી સ્મૃતિનાં ચિત્રો આંખ સામે દેખાય છે. પુસ્તકનું સંપાદન આતિશ પાલજયુરી અને ચંદુ મહેસાનવીએ કર્યું છે. ૧૧૪ ગુજરાતી શાયરોના પાંચ-પાંચ છૂટા શેરનો આ સંગ્રહ છે. આ છૂટાછવાયા શેરના એક-એક ટૂકડા થકી જિંદગીનો નકશો સંધાય છે, સ્મૃતિચિત્રોની જિગઝો પઝલ એક અખંડ ચિત્ર ઉપસાવે છે.

તમે બધું જ જુઓ છો. કદાચ એટલા માટે કે તમને એ બધું જ જોઈએ છે, અથવા તો એમાંનું ઘણું બધું મેળવી લેવાની ઈચ્છા છે. પણ અમે માત્ર તમને જોઈએ છીએ, બસ તમને જ. તમારામાં જ બધું સમાઈ જાય છે અમારું. અમારી આકાંક્ષાઓ, અમારી વ્યથાઓ, અમારું ભવિષ્ય, અમારું આખું વિશ્વ. જિગર ટંકારવીના શબ્દોમાં:

તારી નજરમાં બ્રહ્માંડ આખું;

મારી નજર બસ તારા સુધી છે.

ઉત્સવો ઉજવાતા હશે બહારની દુનિયામાં અમારી પાસે ઉજવવા જેવા કોઈ પ્રસંગો નથી. બનાવો જ કંઈક એવા બનતા રહે છે. જેમાં હોનારતો જ સમાયેલી હોય છે. એટલે જઃ આવો તો આ ઉદાસીને અવસર બનાવીએ; બાકી તો આખી જિંદગી અવસર વગર પડી. શ્યામ સાધુનું આ આમંત્રણ એમના માટે છે જેઓ રંગીન દીવાઓ અને ધોધમાર સંગીતની દુનિયાને છોડીને આવવા માંગે છે. ન આવી શકાતું હોય તો ભલે. ડો.રશીદ મીરની જેમ અમે પણ જાહેર કરી દીધું છેઃ

હવે ન દ્વારે ટકોરા, ન કોઈ દ્વિધા છે;

ઉઘાડ-વાસના કિસ્સા સમેટી લીધા  છે.

કશુંય બોલી શકાતું નથી કારણકે કશુંય સમજી શકાતું નથી. સમજવાની ક્ષમતા નથી રહી કે સમજવાની ઈચ્છા નથી રહી એ ખબર નથી. પણ એટલી જરૂર ખબર છે કે આને કારણે સર્જાતી નિસ્તબ્ધતા છેક જીવનના અંત સુધી લંબાઈ જવાની. એ પછી કોઈ બોલશે તો ય સાંભળશે કોણ. ‘પ્રેમ’ પાલનપુરી આ લાગણીની અભિવ્યક્તિ કંઈક નોખી રીતે કરે છેઃ

જીવનભર જેમણે રાખ્યો છે

અંધારા મહીં મુજને.

કબર પર એ જ આવીને

જલાવે છે શમા જેવું.

જીદ બહુ બૂરી ચીજ છે. આ સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે તે વખતે પચી જીદ કરવા જેવું કશું બાકી રહ્યું નથી હોતું. જૂની પછડાશે પછી જેઓ આ મોંઘો પાઠ શીખે છે એમને મનોહર ત્રિવેદીના આ શેરમાં વિશ્વાસ બેસે છેઃ

એટલે ખેંચાઈ આવ્યો છું સ્વયં;

તંતુ તૂટી જાય એવી હઠ નથી.

લાલચ પણ એટલી જ બૂરી ચીજ છે. કોઈ લલચાવે છે ને તમે લલચાઈ જાઓ છો. કોઈને ટેવ છે એક એવી રમત રમાડવાની જેમાં તમે ભોળાભાવે છટકામાં સપડાઓ એ રીતે કેદ થઈ જાઓ છો. તમે જેને આમંત્રણ માની બેસો છો એ વાસ્તવમાં બીજું કશું નહીં પણ છટકું છે. નકરી દિલ્લગી છે. શિકાર કરીને સમય પસાર કરવાની એક ક્રૂર રમત છે. હર્ષ બ્રહ્મભટ્ટને આ વાત સમજાઈ હશે ત્યારે જ તો એમણે લખ્યું:

મેં તરાપો પાણીમાં મૂક્યો અને;

એકદમ વહેતી નદી થંભી હતી.

વહેવાની આશા ફોગટ નીવડયા પછી સ્થગિત થઈ જવાય છે, બંધિયાર બની જવાય છે. બહાર જવાનું માંડી વાળીને અંદર જ પગ વાળીને બેસી રહેવું વધુ મુનાસિબ જણાય છે. એકાંત અને એકલતા વચ્ચેની ભેદરેખા પણ ભૂંસાઈ જાય છે. દિનેશ ડોંગરે ‘નાદાન’ના કિસ્સામાં પણ આવું જ કંઈક બન્યું હશેઃ

એ પોપડા દીવાલથી અમથા નથી ખર્યા;

એકાંત નિત્ય ન્હોર ભરે છે દીવાલ પર.

કોઈની રાહ જોવાનો રોમાંચ એક હદ સુધી જ હોય છે. એ સમય પણ વીતી ગયા પછી કેટલીક શંકાઓ જન્મે છે અને થોડી વધુ વખત વીત્યા પછી એ શંકાઓનું સ્થાન નિશ્ચિતતા લઈ લે છે. જેનો ભય હતો એ ખાતરીમાં પલટાઈ જાય છે. એ વખતે બીજી કોઈ દિશામાં જવાને બદલે મન પોતાની તરફ પાછું વળે છે. હર્ષદ ચંદારણા કહે છે

એમઃ રાહ તારા પત્રની જોયા પછી; થાય કે મારા ઉપર કાગળ લખું.

પોતાની એકલતાની કોસવા બેસીશું તો કોઈ પાર નહીં આવે. આ એકાંતની ઈજ્જત અમે પોતે નહીં કરીએ તો બીજું કોણ કરશે. એમાં પ્રવેશવાનું તમને ઈજન છે પણ ન આવવું હોય તો નુકસાની તમારું હશે, અમારું નહીં, કારણકેઃ મારું એકાંત જન્નત સમું છે ‘અગમ’; જે ન આવે અહીં એ ગુનેગાર છે. ‘અગમ’ પાલનપુરીના આ શબ્દો અમને જગ્યા એ પહેલાં અમે ખૂબ બધા રસ્તાઓ પરથી પસાર થઈ ચૂક્યા હતા. માધવ રામાનુજવાળા ‘જ્યાં કશા કારણ વિના પણ જઈ’ શકીએ એવું એક ઘર આ વિશ્વમાં મળી પણ ગયું હતું. પણ અચાનક શું થયું કોએ ખબર, અદમ ટંકારવીની આ વાત સો ટકા સાચી પડીઃ

કૈં એ રીતે મકાનનો દરવાજો બંધ થયો; બે હાથ જોડી જાણે કે દીવાલ કરગરી.

સામે પાર પહોંચવાની અમારી હિંમત નથી એવું તમને ઔલાગ્યું હશે.

તમે વિચાર્યું હશે કે પુલ વગરની નદીમાં તણાઈ જવાનો ડર હશે. પણ ના, અમે કંઈ જૂદું જ જોયું હતું, આ પારની આંખોમાં: પૂરની પરવા નથી કરતો; આંખનું જળ જોઈને થોભ્યો. શૈલેન રાવળના આ શબ્દો અરુણ દેશાણીના એક એવા શેર તરફ લઈ જાય છે જેની વેદના કહે છે કે બધું જ હોવા છતાં, માત્ર એક જ વાતની ખોટ છે અમારી પાસે એટલે જ તો ત્યાં આવી શકાતું નથીઃ

પાંખ ઊછીની મળે છે ક્યાં અહીં;

ઊડવાના લાખ અવસર હોય છે.

એકએક ટૂકડો જોડી લીધા પછી પણ આખરી ચિત્ર ખંડિત રહી જાય છે. બીજાઓમાં સતત વહેંચાતા કરતાં રહ્યા એટલે ખ્યાલ પણ ન રહ્યો કે હવે પોતાનું કહી શકાય એવું કંઈ નથી, કોઈ નથીઃ ન આવ્યો હું મારા ભાગે; કેવા હિસ્સે બટાયો છું. ખુશાલ ‘કલ્પનાન્ત’ના આ શબ્દો વિશે હજુ આગળ પોતાની કંઈક વાત કહેવાનું વિચારાય તે પહેલાં જ ‘હવે બસ’ કહીને કિરીટ ગોસ્વામી ‘કલાત્મક’ એક શેર સંભળાવે છેઃ

કોઈને સાંભળ કદી કદી

વાત તારી તું સતત ન કર.

પાન બનાર્સવાલા

મારી એક ઉદાસ આંખને તમે બંધ કહી દો. હા, બીજી ઉદાસ આંખને પણ બંધ કરી દો. હા, હવે મને દેખાય છે.

– યહુદા આમિચાઈ (યહૂદી કવિ, ૧૯૨૮-૨૦૦૦)

www.facebook.com/Saurabh.a.shah

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન