AMU Formers Student And Hizbul Mujahideen Terrorist Manan Wani Gunned Down By Security Forces
  • Home
  • Featured
  • અભ્યાસ અધુરો છોડી આતંકી બની ગયેલો AMUનો પૂર્વ વિદ્યાર્થી સૈન્યના હાથે ઠાર

અભ્યાસ અધુરો છોડી આતંકી બની ગયેલો AMUનો પૂર્વ વિદ્યાર્થી સૈન્યના હાથે ઠાર

 | 4:23 pm IST

જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાંથી એકની ઓળખ હિઝબુલ મુઝાહિદ્દીનના કમાડર મન્નાન વાણીના રૂપમાં કરવામાં આવી છે. મન્નાન વાણી અલીગઢ મુસ્લીમ યૂનિવર્સિટી (AMU)નો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. વાણી આ વર્ષે જ એએમયૂમાંથી ગાયબ થયો હતો. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે, તે આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનમાં શામેલ થઈ ગયો હતો. એએમયૂએ મન્નાન વાણીને કોલેજમાંથી બરખાસ્ત કરી દીધો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હંદવાડાના શાટગુંડ વિસ્તારમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ, પોલીસ અને સીઆરપીએફના એક સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકવાદીઓ ઠાર થયાં હતાં. એવું પણ કહેવાય છે કે, વાણીને ઠાર કરવામાં આવ્યા બાદ રાજ્યની ટીવી ચેનલ પર એક સંદેશ પણ પ્રસારીત થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ડૉક્ટર વાણીને શહાદાત મળી. અલ્લાહ તેમને જન્નતમાં સ્થાન આપે.’

સેનાની યાદીમાં હતો વોન્ટેડ

મન્નાન વાણી વર્ષની શરૂઆતમાં જ અલીગઢ મુસ્લીમ યૂનિવર્સિટીમાંથી પીએચડીનો અભ્યાસ અધુરો છોડી હિઝબુલ મુઝાહિદ્દીનમાં શામેલ થઈ ગયો હતો. હિઝબુલે તેને કુપવાડનો કમાંડર બનાવ્યો હતો. મન્નાન હિઝબુલ મુઝાહિદ્દીનમાં ભળ્યો ત્યારથી સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી હતી. તે ભારતીય સેનાની મોસ્ટ વોન્ટેડની યાદીમાં પણ શામેલ હતો.

સેનાની કાર્યવાહીથી આતંકીઓ ભાગી છુટ્યા

હિઝબુલ કમાંડર હંદવાડામાં છુપાયો હોવાની સેનાને જાણકારી મળી હતી. ત્યાર બાદ સવારે 9 વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય રાઈફલ્સ, પેરા સ્પેશિયલ ફોર્સ, એસઓજી અને સીઆરપીએફની ટીમો એ શાટગુંડ વિસ્તારને ઘેરી લીધો અને લાઉડસ્પીકર પર છુપાયેલા આતંકીઓને આત્મસમર્પણ કરવા જણાવ્યું. પરંતુ સૈન્યની સજ્જડ ઘેરાબંધીથી ગભરાઈને આતંકીઓએ ગોળીબાર કરી ત્યાંથી નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર વિસ્તારમાં ભારે હિંસા

આતંકીઓની ગોળીબારનો સેનાના જવાનોએ પણ આક્રમક જવાબ આપતા વળતો ગોળીબાર કર્યો હતો. ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં. આ વાત આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતા ઉપદ્રવીઓએ સુરક્ષાબળો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જોકે સીઆરપીએફના જવાનોએ અશ્રુગેસના સેલ અને પેલેટ ગનનો ઉપયોગ કરતા ભીડને એન્કાઉંટર સાઈટ પરથી ખદેડી દીધી હતી. આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈ સેનાએ તેમની પુછપરછ હાથ ધરી છે.