An easy way to get rid of acne from the body during summer.
  • Home
  • Fashion & Beauty
  • ઉનાળામાં શરીર પર ફૂટી નીકળતાં ખીલમાંથી છુટકારો મેળવવાના સરળ ઉપાય

ઉનાળામાં શરીર પર ફૂટી નીકળતાં ખીલમાંથી છુટકારો મેળવવાના સરળ ઉપાય

 | 12:42 pm IST

બ્યૂટી । શહેનાઝ હુસેન

ઉનાળામાં ઉષ્ણતામાન વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ખૂબ વધે છે. એક્ટિવ આઉટડોર લાઈફ અને વાતાવરણમાં રહેલ ભેજને કારણે પરસેવો થાય છે. આ પરસેવા પર ધૂળ કે ગંદકી ચોંટી જાય છે. શરીરના સાંધાઓમાં પરસેવો અને ગંદકી થવાથી સીબમ પ્રોડક્શનમાં વધારો થાય છે. ત્યાં ઘર્ષણનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે ચકામા, રેશીઝ વગેરે થઈ જાય છે.

આ ઉપરાંત શરીરની અંદરની ગરમી અને પરસેવાના કારણે ત્વચા પર ચીકાશ જામી જાય છે. પરસેવાની ગ્રંથિઓ અવરોધાય છે. તેમાં બેક્ટેરિયલ ઈનફેક્શન થાય છે. ડાયબિટીસ, આલ્કોહોલ, સ્વચ્છતાનો અભાવ વગેરેના કારણે શરીરમાં ઝેરી પદાર્થાનો સંગ્રહ થાય છે. ત્વચા પરના રોમ છીદ્રો પૂરાઈ જાય છે. જેના કારણે ત્યાં ખીલ ફોલ્લીઓ વગેરે ફૂટી નીકળે છે. ઉનાળાની આ સમસ્યામાંથી છુટકારો મેળવવા થોડા સરળ ઉપાયો અહીં દર્શાવ્યા છે જેનો અમલ આપને જરૂર લાભાદાયી નીવડશે.

ત્વચાને સ્વચ્છ રાખો

ત્વચાની ઉપરોક્ત જણાવેલ સમસ્યાઓથી છુટકારો મેળવવા અને તેને તંદુરસ્ત રાખવા તેની સ્વચ્છતા જરૂરી છે. દરરોજ તેની માવજત કરો અને તેને ઓઈલ ફ્રી રાખી તેના પરથી પ્રદૂષકો દૂર કરો. ત્વચા જો ઓઈલી હોય તો તેને સ્વચ્છ કર્યા પછી એસ્ટ્રીજન્ટ લોશનનો ઉપયોગ કરો. કોટન વૂલનો ઉપયોગ કરી એસ્ટ્રીજન્ટ લોશનથી ચહેરો લૂછી નાખો. ઘરગથ્થું ઉપાય તરીકે ગુલાબજળમાં કાકડીનો રસ ઉમેરી તેને ચહેરા પર લગાવો. આ મિશ્રણ ત્વચા પરની ચીકાશ દૂર કરશે. રાત્રે સૂતા પહેલા દિવસ દરમિયાન ત્વચા પર જામેલા પ્રદૂષકોને દૂર કરી ત્વચાને સ્વચ્છ રાખો.

જો ત્વચા ઓઈલી હોય અને તેના પર ખીલ કે ગડગૂમડ ફૂટી નીકળ્યા હોય તો ઓઈલી ક્રીમ કે ઓઈલી મોઇશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો નહીં. જો ત્વચા શુષ્ક હોય તો બે ચમચી મધમાં બે ચમચી દહીં નાખી આ મિશ્રણને દરરોજ લગાવો. ૨૦ મિનિટ પછી પાણીથી ધોઈ નાંખો. મધ ત્વચાને મોઇશ્ચરાઈઝ રાખવાનો કુદરતી ગુણધર્મ ધરાવે છે અને તે તમામ પ્રકારની ત્વચા માટે અનુકૂળ છે. તે ખીલવાળી ત્વચા પર પણ સાનુકૂળ છે. દહીં ત્વચાને કોમળતા પ્રદાન કરે છે અને તે ત્વચાનું કુદરતી સંતુલન પુનઃ સ્થાપિત કરવામાં મદદરૂપ છે. એવું પણ કહેવાય છે કે તેમાં ખીલમાં રૂઝ લાવવાનો ગુણ સમાયેલ છે.

અમુક લોકો ઉનાળા દરમિયાન વારંવાર સાબુથી ચહેરો ધૂએ છે. આનાથી ત્વચા પરનું સામાન્ય એસિડિક આલ્કલાઈન જળવાઈ રહેતું નથી. જો ચહેરા પર રેશીઝ, ફોલ્લીઓ કે ખીલ થયા હોય તો ચહેરો મેડિકેટેડ સાબુથી અથવા મેડિકેટેડ ક્લીનઝરથી દિવસમાં માત્ર બે વાર ધોવો જોઈએ. તમે તમારો ચહેરો સાદા પાણીથી વારંવાર ધોઈ શકો છો.

મુલતાની માટી પણ ચહેરા પરની ચીકાશ દૂર કરી ત્વચાના છીદ્રોને સંકોચે છે. મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવી આ મિશ્રણને અઠવાડિયે ત્રણ વાર લગાવો. સુકાઈ ગયા પછી તેને ધોઈ નાખો.

બે ચમચી પાણી કે ગુલાબજળમાં બે ટીપાં ટી ટ્રી ઓઈલના ભેળવો. તેને રેશીઝ કે બીજા અસરકારક ભાગ પર લગાવો.

એક ટી.સ્પૂન તજ પાઉડર, મેથી પાઉડર અને થોડા ટીપાં મધનું મિશ્રણ બનાવો આ મિશ્રણને માત્ર ખીલ પર જ લગાવો. બે કલાક રહેવા દો અથવા તેને આખી રાત રહેવા દો.

લીમડાના પાનને પાણીમાં ઉકાળો. ઠંડું પડે પછી તેને ગાળી લો અને તેના પાનની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર અથવા ખીલ પર લગાવો.

સુખડનો પાઉડર અળાઈ, ખીલ કે ગૂમડા પર લગાવી શકાય છે. જો રેશીઝ થયાં હોય તો સેન્ડલવૂડ પેસ્ટમાં થોડું ગુલાબજળ ભેળવી આખા ચહેરા પર લગાવો. ૨૦ મિનિટ પછી સાદા પાણીથી ચહેરો ધોઈ નાખો.

એક ચમચી તજના પાઉડરમાં અડધી ચમચી મેથીનો પાઉડર, લીંબુનો રસ અને થોડા ટીપાં મધ ભેળવો. આ પેસ્ટ ચીકાશ પડતી હોવી જોઈએ. તેને ખીલ પર લગાવો તેને બે કલાક પછી ધોઈ નાખો અથવા આખી રાત રહેવા દો.

વાળ અને સ્કાલ્પ પણ ત્વચા જેટલાં જ સ્વચ્છ રાખવા જોઈએ જો સ્કાલ્પ ઓઈલી હોય કે પછી માથામાં ખોડો હોય તો તેના કારણે ખીલ કે ફોલ્લીઓ થઈ શકે છે. તેથી તેને ચીકાશ મુક્ત રાખો. માથામાં ખોડો થવા દેવો નહીં, અને સૂતી વખતે વાળ ચહેરાથી દૂર રહે તેનું ધ્યાન રાખવું.

આ ઉપરાંત આપના દૈનિક ભોજનમાં તાજા ફળો, પકવ્યા વગરનો સલાડ, ફણગાવેલું અનાજ અને દહીંનો સમાવેશ કરો. દિવસ દરમિયાન ૬થી ૭ ગ્લાસ પાણી પીઓ અને સવારે સૌ પ્રથમ એક ગ્લાસ લીંબુના પાણીનું સેવન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન