An encounter started between terrorists and security forces At Pulwama in South Kashmir
  • Home
  • Featured
  • પુલવામા: આતંકીઓને સેનાએ લીધા બાનમાં, અથડામણમાં મેજર સહિત 4 જવાન શહીદ

પુલવામા: આતંકીઓને સેનાએ લીધા બાનમાં, અથડામણમાં મેજર સહિત 4 જવાન શહીદ

 | 7:42 am IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં દેશે બીજા ચાર સૈનિકોને ગુમાવી દીધા છે. સીઆરપીએફના 40 જવાનોની શહાદત બાદ સુરક્ષાબળો પુલવામામાં આતંકીઓનો સફાયો કરવા માટે જબરદસ્ત ઓપરેશન ચાલી રહ્યું છે. પુલવામાના પિંગલિનામાં સમાચાર મળવા પર સુરક્ષાબળો એ આતંકવાદીઓને ઘેર્યા. મોડીરાતથી ચાલી રહેલા અથડામણમાં 55 રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. એક જવાન ઘાયલ થયા છે. અથડામણ દરમ્યાન એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું. મળતી માહિતી પ્રમાણે અથડામણ ચાલુ છે. કહેવાય છે કે બે થી ત્રણ આતંકવાદી અહીં છુપાયેલા છે.

છેલ્લાં ત્રણ કલાકથી કોઇ ફ્રેશ ફાયરિંગ થયું નથી, જો કે સર્ચ ઓપરેશન ચાલુ છે. કહેવાય છે કે જે આતંકીઓને ઘેરવામાં આવ્યા છે તે જૈશ-એ-મોહમ્મદના જ છે. આ તમામ આદિલ અહમદ ડારના સાથીઓ અને સંબંધીઓ હોવાની આશંકા છે. આ એન્કાઉન્ટરમાં એક સ્થાનિક નાગરિકનું પણ મોત થયું છે. આ અથડામણમાં ચારેય બાજુથી આખા વિસ્તારને ઘેરી લેવાયો છે. વહેલી સવારથી ચાલતા એન્કાઉન્ટરમાં ઘાયલ જવાનોને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પુલવામા જિલ્લામાં હાલ ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે.

આપને જણાવી દઇએ કે 14મી ફેબ્રુઆરીના રોજ એટલે કે ગુરૂવારે પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર એટેકને લઇ આખા દેશમાં આક્રોશ છે. પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકાર પણ એકશનમાં છે.

અલગતાવાદીઓની સુરક્ષા પાછી ખેંચી લેવાઇ
શહાદતથી દેશભરમાં ઉભો થયેલો આક્રોશ જોતા સરકારે અલગતાવાદી નેતાઓને આપેલી સુરક્ષા પાછી ખેંચી લીધી છે, તેમાં ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (APHC)ના ચેરમેન મીરવાઇઝ ઉમર ફારૂક, શબ્બીર શાહ, હાશિમ કુરૈશી, બિલાલ લોન, ફઝલ હક કુરેશી અને અબ્દુલ ગની બટ સામેલ છે. અધિકારીઓએ રવિવારના રોજ કહ્યું કે આ 6 નેતાઓ અને બીજા અલગતાવાદીઓને કોઇપણ પ્રકારનું સુરક્ષા કવચ મળશે નહીં.

રવિવાર સાંજે જ સુરક્ષા અને ગાડીઓ હટાવી લીધી
ઑર્ડર પ્રમાણે રવિવાર સાંજે જ અલગતાવાદીઓને મળેલ તમામ સુરક્ષા અને ગાડીઓને હટાવી લેવાઇ. કોઇપણ પ્રકારની આ છ નેતાઓને કે બીજા કોઇપણ અલગતાવાદીઓને કોઇ કવર કે સુરક્ષાબળ ઉપલબ્ધ થશે નહીં. જો તેમને સરકાર દ્વારા કોઇ બીજી સુવિધાઓ મળી રહી છે તો તે પણ તત્કાલ હટાવી લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન