આણંદમાં સિવિલ હોસ્પિટલને બચાવવા અનેક સામાજિક સંસ્થા મેદાનમાં આવી

7

આણંદ તા.૧૬

આણંદ શહેરમાં વ્યાયામ શાળા મેદાન ખાતે નિર્માણ પામનાર સિવિલ હોસ્પિટલની જોરશોરથી જાહેરાત કર્યા બાદ સરકાર અચાનક પાણીમાં બેસી જઈ સિવિલ હોસ્પિટલને નાવલી ખાતે ખસેડવાનો નિર્ણય લેવાતા નગરજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે તેવામાં સામાજીક સંગઠનો દ્વારા પણ સરકારના આ નિર્ણય સામે વિરોધ પ્રગટ કરવા માટે બાંયો ચઢાવવામાં આવી રહી છે ત્યારે સરકાર સહિત સ્થાનિક રાજકીય અગ્રણીઓ દ્વારા સ્થાનિક નગરજનો સહિત સામાજીક સંગઠનોના અવાજ દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ થવા પામ્યું છે.

આણંદના વ્યાયામ શાળા મેદાનમાંથી સિવિલ હોસ્પિટલના પ્લાનને ખસેડી નાવલી ખાતે લઈ જવાના નગરજનોના વિરોધ સાથે સામાજીક જાગૃત નાગરિક સંગઠન દ્વારા રેલીનું આયોજન કરી સરકાર સુધી તેનો અવાજ પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ મામલે રાજકીય અગ્રણીઓ સુધી ગંધ આવી જતા પોલીસ ઉપર રેલીની પરવાનગી ન આપવા માટેનો દબાણ પ્રયોગ કરવામાં આવતા મોડી સાંજે સંગઠનના અગ્રણીઓને રેલી ન કાઢવા લેખિત સુચના આપી દેવામાં આવતા અગ્રણીઓએ મુંઝવણમાં મુકાયા હતા પરંતુ સરકાર અને સુરક્ષાના હિતમાં અગ્રણીઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર ટુ ચીટનીસ ભગતને આવેદનપત્ર આપી તેમનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા રજુઆત કરી હતી.

આણંદના વ્યાયામ શાળા મેદાન ખાતે સરકાર દ્વારા ભારે જોરશોર સાથે સિવિલના નિર્માણની જાહેરાત કરી લોકોની તાળીઓ અને પ્રશંસા મેળવી લીધા બાદ અચાનક સરકાર દ્વારા કાચીંડાની જેમ કલર બદલી નાખી સિવિલ હોસ્પિટલને નાવલી ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવતા નગરજનોમાં રોષ ફેલાયો છે.અવારનવાર નાના મોટા પ્રશ્નોને લઈને છાશવારે રેલીઓ અને ધરણાં પ્રદર્શનો યોજનાર અન્ય રાજકીય પક્ષો સિવિલના ગંભીર પ્રશ્ને કેમ પાણીમાં બેસી ગયા છે તેવો ગંભીર સવાલ નગરજનોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.