વિદાય પહેલા બેને ગુજરાતની કન્યાઓને આપી આ ખાસ ભેટ - Sandesh
  • Home
  • Ahmedabad
  • વિદાય પહેલા બેને ગુજરાતની કન્યાઓને આપી આ ખાસ ભેટ

વિદાય પહેલા બેને ગુજરાતની કન્યાઓને આપી આ ખાસ ભેટ

 | 8:53 pm IST

ગુજરાતમાં વાર્ષિક ૬ લાખથી ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારની કન્યાને મેડિકલ અભ્યાસક્રમોમાં કોઈ પણ પ્રકારની ફી નહીં ભરવી પડે. સોમવારે આનંદીબહેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરતો પત્ર ભાજપના કેન્દ્રીય નેતૃત્વને સોંપતા પહેલાં વધુ એક બક્ષિસની જાહેરાત કરતા રાજ્યમાંથી મેડિકલમાં ભણતી અને પ્રવેશ મેળવનારી ગરીબ પરિવારની તેજસ્વી કન્યાઓ માટે મોટો લાભ કરી આપ્યો છે.

મુખ્યમંત્રી આનંદીબહેને સોમવારે સવારે શિક્ષણ વિભાગની ઉચ્ચ સ્તરે યોજેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વાર્ષિક રૂપિયા ૬ લાખ કરતાં ઓછી આવક ધરાવતા ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ માટે મેડિકલ સહિત ઈજનેરી અભ્યાસક્રમોમાં ૫૦ ટકા ફી સરકાદ્વારા ભરવાનો એટલે કે ૫૦ ટકા ફી માફ કરવાનો નિર્ણય અગાઉ લેવાયો છે. હવે બાકી ૫૦ ટકા ફી ગરીબ પરિવારોની કન્યાઓને મેડિકલમાં ભરવાની થાય છે તે પણ ૫૦ ટકા ફી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાંથી ભરવામાં આવશે. પરિણામે મેડિકલમાં ગરીબ પરિવારની કન્યાઓ માટે શિક્ષણ મફત થઈ જશે.

વર્ષ ૨૦૦૫માં મોદી શાસન વખતે સ્થપાયેલા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં અત્યારે રૂપિયા ૭૦ કરોડ જેટલી રકમ જમા પડેલી છે, જેમાંથી દર વર્ષે ૧૫ જેટલી સ્કીમ હેઠળ લગભગ ૨ હજાર જેટલી કન્યાઓને સહાય આપવામાં આવે છે. હવે તબીબી ક્ષેત્રે ગરીબ કન્યાઓની ૫૦ ટકા ફી પણ આ નિધિમાંથી ચૂકવાશે, તેમ ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

મુખ્યમંત્રી આનંદીબહેને શિક્ષણ વિભાગની બેઠકમાં એવો પણ નિર્ણય લીધો હતો કે, ધોરણ-૧૨માં સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦થી વધુ પર્સન્ટાઈલ મેળવનારી ગરીબ પરિવારની કન્યાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાંથી મળનારી ૫૦ ટકા ફીની સહાય પછી બાકી રહેતી ૫૦ ટકા ફી પણ કન્યા કેળવણીનિધિમાંથી આપવામાં આવશે.

બેઠકમાં એવી પણ વિગતો અપાઈ હતી કે, ગયા વર્ષે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેર કરાઈ એ પછી અત્યાર સુધીમાં ૬૬૭ વિદ્યાર્થિનીઓને ફી, પુસ્તકો તથા હોસ્ટેલ સહાય ચૂકવવા પાછળ રૂપિયા ૯,૧૩,૪૭,૦૦૦ વપરાયા છે.