Anand's youth suspected death
  • Home
  • Gujarat
  • ભેદીરીતે યુવાનનું થયું મોત, પરિવારજનોએ પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ

ભેદીરીતે યુવાનનું થયું મોત, પરિવારજનોએ પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ

 | 2:30 pm IST

આણંદ શહેરમાં ગત રાત્રીના સુમારે યોગી બેકરી નજીક બેભાન હાલતમાં મળેલા યુવાનને પોલીસ દ્વારા જનરલ હોસ્પિટલમાં લઇ જવાતા તેનું મોત નિપજતા આજે સવારે મૃતક યુવાનના પરિવારજનોએ પોલીસના મારથી મોત નિપજયુ હોવાનો આરોપ લગાવી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી હોબાળો મચાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આણંદ શહેરમાં ગોપી સિનેમા પાસે રહેતો યુવક ગત રાત્રે યોગી બેકરી નજીક ટેમ્પોમાં બેભાન હાલતમાં પડ્યો હોઈ પોલીસ દ્વારા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા મૃતક યુવાનના પરિવારજનોએ આજે સવારે જનરલ હોસ્પિટલમાં યુવાનનું પોલીસના મારથી મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો.

મૃતક યુવાનના સગા સંબંધી મોટી સંખ્યામાં હોસ્પિટલમાં ઉમટી પડતા ભારે હોબાળો થયો હતો. અને મૃતકનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આ સમયે ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓને પણ ટાઉન પીઆઇ એન. કે. ચૌહાણએ ધક્કા મારી કવરેજ નહીં કરવા જણાવ્યું હતું અને સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાને લઈને મૃતકના પરિવારના આક્ષેપો અને પોલીસના વર્તનને લઈને અનેક શંકાઓ પ્રસરી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી બી. ડી. જાડેજા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે આણંદ શહેર પોલીસ મથકના પીઆઇએ કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે.