અને આ રહી ભારતની ૭ સૌથી મોટી નિષ્ફળતાઓ - Sandesh
  • Home
  • Columnist
  • અને આ રહી ભારતની ૭ સૌથી મોટી નિષ્ફળતાઓ

અને આ રહી ભારતની ૭ સૌથી મોટી નિષ્ફળતાઓ

 | 4:48 am IST
  • Share

વીતેલા ૭ દાયકાઓની સિદ્ધિઓ વિશે ગયા અઠવાડિયે વાત કરી ગયા પછી હવે ભારતની ૭ સૌથી મોટી નિષ્ફળતાઓની વાત કરીએ. જેમ સિદ્ધિઓ બદલ આપણે ગૌરવ લઈએ છીએ અને સિદ્ધિઓ મેળવવામાં આપણો કે આપણા બાપદાદાઓનો ફાળો છે એવું માનીને એ સિદ્ધિઓ પર માલિક હક્ક જમાવીએ છીએ એમ પણ આ નિષ્ફળતાઓ પણ આપણી જ કે આપણા જ બાપદાદાઓને લીધે મળેલી છે એવું માનીને સ્વીકારવાનું કે એ નિષ્ફળતાઓમાંથી બહાર નીકળવાની જવાબદારી પણ આપણી જ છે. આ નિષ્ફળતાઓથી શરમાવવાને બદલે હવે ધૂળ ખંખેરીને ઊભા થઈને શું કરવું તે વિચારીએ.

૧. ભારતની સૌથી મોટી સાત નિષ્ફળતાઓમાંની પ્રથમ નિષ્ફળતા એ કે આ ૭ દાયકા સુધી એક પ્રજા તરીકે આપણે માનતા રહ્યા કે આપણે તાકાતવર નથી, આપણે નમાલા હતા અને નમાલા છીએ. કોઈએ આપણને કહ્યું નહીં કે દુનિયાની સૌથી બહાદુર પ્રજાઓમાંની એક પ્રજા હિન્દુ પ્રજા છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકે કેટલાંક પત્રકારમિત્રો સાથે પર્સનલ વાતચીત દરમ્યાન એકવાર કહ્યું હતું કે દાઉદ ઈબ્રાહીમ પોતાની ગેન્ગમાં શૂટર તરીકે હંમેશાં હિન્દુઓને રાખતો કારણ કે હિંદુ શૂટર બે ફીટ નજીકથી શૂટ કરતાં સહેજ પણ ગભરાતો નહીં, મરનારના દેહમાંથી માંસના લોચા કે લોહીના ફુવારા ઊડે તો સહેજ પણ વિચલિત થતો નહીં. જ્યારે મુસ્લિમ શૂટરના આઠ-દસ ફિટના અંતરથી પણ પિસ્તોલ ચલાવતાં હાથ ધ્રૂજતા કે ક્યાંક જેને મારવાનો છે તે માણસ તરાપ મારીને મારું હથિયાર ઝૂંટવી ના લે. દાઉદ ઈબ્રાહીમ કોમવાદી પુરવાર થયો એ પછી એને હિંદુ  શૂટર્સ મળતા બંધ થયા એટલે એણે મુસ્લિમ શૂટર્સની ભરતી કરવી માંડી.

અંડર વર્લ્ડની વાત બાજુએ મૂકીએ. આ દેશની સરહદોની રક્ષા કોણે કરી છે? અત્યારે કોણ કરે છે? ભારતના બહાદુર લશ્કરની ટુકડીઓ વિશ્વ યુદ્ધમાં વિજય મેળવવા બ્રિટનને કામ લાગી છે. છેલ્લા સાત દાયકાથી ભારતીય લશ્કર પાકિસ્તાનના સૈન્યને હંફાવી રહ્યું છે. એક પ્રજા તરીકે આપણે બહાદુર હતા અને છીએ, માત્ર જે માનસિકતા આપણામાં ઘુસાવી દેવામાં આવી છે તે દૂર કરવાની જરૂર છે. આપણા દરેક ભગવાનના હાથમાં શસ્ત્ર છે. જે પ્રજા બાયલી હોય તે પોતાના ભગવાનના હાથમાં શસ્ત્રો મૂકવાની કલ્પના કરી શકે? રામના હાથમાં ધનુષ્ય અને કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર એટલું જ નહીં આપણી તો દેવીઓ પણ શસ્ત્રધરિણીઓ છે. પણ કેટલાંક ચોક્કસ લોકોએ કેટલાંક ચોક્કસ કારણોસર ભારતીય પ્રજાને ડરપોક ચીતરવાનું ચાલુ કર્યું જેમને આપણે પડકારી શક્યા નહીં એ આપણી સૌથી મોટી નિષ્ફળતા.

૨. બીજી એક મોટી નિષ્ફળતા એ કે છેલ્લાં સાત દાયકામાં આપણે એ જ ગાણું ગાતા રહ્યા જે આપણને શીખવાડવામાં આવ્યું: ‘ભારત જેવી થર્ડ વર્લ્ડ કંટ્રીમાં તો…’ કે પછી ‘આપણા જેવા અભણ, પછાત અને જૂનવાણી દેશમાં તો…’ કલ્પના કરો કે આપણી માતા એ ખરેખર ગરીબ હોય, અભણ હોય તો આપણે એને આ રીતે ઉતારી પાડીશું! ભારતના ગરીબ, અભણ અને પછાતપણાની વાત સાચી હતી પણ હાયલી અતિશયોક્તિભરી હતી. તમે ગજવામાં દસ હજાર રૂપિયા લઈને ફરતા હો અને રસ્તામાં કોઈ તમને લૂંટી લે તો તમે ગરીબ થઈ ગયા? ના, ફરીથી મહેનત કરીને એટલી રકમ કમાઈ લેશો. તમારી પાસે એ રકમ હતી તે જ બતાવે છે કે તમારા એ રકમ કમાવવાનું સામર્થ્ય છે. મોગલોએ આ દેશને લૂંટયો, બ્રિટિશ-ડચ-ફ્રેન્ચ-પોર્ટુગીઝોએ પણ લૂંટયો. આ દેશમાં સમૃદ્ધિ હતી એટલે જ તો એમણે એ લૂંટી. આપણી પાસે સામર્થ્ય હતું ને છે એ સમૃદ્દિ પાછી લાવવાનું પણ કોઈએ આપણને એ જણાવ્યું નહીં. અધૂરામાં પુરું સત્યજિત રે જેવા અનેક સામ્યવાદી ફિલ્મ દિગ્દર્શકોેએ પોતાની મહાન કળા દ્વારા આ દેશની ગરીબીનો આંતરરાષ્ટ્રીય પ્રચાર કરીને પરિતોષિકો મેળવ્યાં.

જે દેશે આખી દુનિયાના ધર્મ-આધ્યાત્મ વિષયક જ્ઞાાનનો પાયો નાખ્યો તે જ દેશની પ્રજા અભણ તરીકે વગોવાઈ. આજની તારીખે કોમ્પ્યુટર જેવા સૌથી આધુનિક ક્ષેત્રમાં ભારતીય યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધારે ડિમાન્ડમાં છે. ભારત શું અભણ દેશ હતો કે છે? પણ આપણે માનતા રહ્યા કે આપણે ગરીબ, પછાત, અભણ છીએ. આપણા માથે રોજ એકની એક રેકર્ડ વગાડવામાં આવતી રહી અને આપણે બેવકૂફૂની જેમ આપણા ખભા પરના બકરાને કૂતરું ગણીને ઉતારી દીધું જેને હલાલ કરીને એ લોકોએ જયાફત ઉડાવી. એક પ્રજા તરીકે આપણે આપણી જાતને ઓળખી શક્યા નહીં. એનાથી મોટી બીજી કંઈ નિષ્ફળતા હોઈ શકે?

૩. ૧૯૪૭માં આઝાદ થયા પછી તરત જ આપણી શિક્ષણ નીતિમાં સ્પષ્ટ લખાઈ જવું જોઈતું હતું કે આ દેશનાં બાળકોએ એમની માતૃભાષામાં શિક્ષણ લેવાનું રહેશે, હિન્દી કે સંસ્કૃત બીજી ભાષા તરીકે ફરજિયાતપણે શીખવાની રહેશે તથા અંગ્રેજી ત્રીજી ભાષા તરીકે કમ્પલસરી રહેશે. માતૃભાષામાં જ ગણિત-વિજ્ઞાાન-ઈતિહાસ વગેરે વિષયો શીખવાડવામાં આવતાં હોત તો આજે ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દરેક રાજયમાં માતૃભાષા બચાવવાની જે ઝુંબેશ કરવી પડે છે તે કરવી પડતી ન હોત. અંગ્રેજીનું મહત્ત્વ ત્રીજી ભાષા પૂરતું બરાબર છે પણ જે તમિળમાં કડકડાટ બોલી શકે તેના કરતાં જે અંગ્રેજીમાં અસ્ખલિત બોલી શકે તેનું જ્ઞાાન-માન વધારે એવી જે તદ્ન ખોટી માન્યતા આપણામાં ભરાઈ ગઈ છે તે તો જ દૂર થઈ હોત જો આઝાદી પછી બ્રિટિશ અસર ફગાવીને આપણને, આપણા બાપદાદાઓને માતૃભાષામાં શિક્ષણ આપવાનું કમ્પલસરી બનાવવામાં આવ્યું હોત. ફ્રાન્સ-જર્મની કે ચીન-જપાનનાં બાળકોની જેમ આપણાં સંતાનો પણ આજે આપણી માતૃભાષામાં ભણીગણીને એ પ્રજાનાં બાળકો જેટલાં જ પ્રગતિશીલ હોત. દુનિયા માટે એટલો જ રિલેવન્ટ હોત અને પાવડે પાવડે ઉસેટાય એટલું ધન પણ કમાતા હોત.

૪. ભારતે આઝાદ થયા પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વજન વધારવા વિશે આપણે કશું જ કર્યું નહીં. બ્રિટનની સરકાર બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) દ્વારા દુનિયાભરમાં ત્રીસથી વધુ ભાષાઓમાં સમાચારો વહેતા મૂકે છે. જેમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, સ્વાહિલી; ઉર્દૂ, બંગાળી, નેપાળી, અરબી વગેરેનો સમાવેશ થાય છે.

આપણું આકાશવાણી કે આપણું દૂરદર્શન બીબીસીની પહોંચતી સામે પાણી ભરે. આનાથી વિપરીત, ભારતમાં અમેરિકન અને રશિયન સરકારે એટલા મોટા પાયે પ્રચાર તંત્ર ઊભું કર્યું કે આપણા દેશ પત્રકારો-લેખકો એ બંને દેશોની વિચારસરણીથી રંગાઈને ભારતીય સંસ્કૃતિથી આપણે વિમુખ જઈએ એવા સ્પોર્ટ્સ લખવા માંડયા, એવા વિશ્લેષણો આપવા માંડયા. અમેરિકા અને બ્રિટનની જેમ ફ્રાન્સ-ચીન વગેરે દેશોના મિડિયાએ (એ.એફ.પી., ઝિન્હુઆ) પણ ભારતમાં પગપેસારો કર્યો. આ તમામ વિદેશી મિડિયાનું નવ્વાણું ટકા એક જ કામ રહ્યું-ભારત જેવી પ્રચંડ શક્તિનું દુનિયામાં નીચાજોણું થાય એવા સમાચારોનું પ્રસારણ કરવું. ભારતમાં કોઈ દલિતને અન્યાય થાય તો એ સમાચારને ઈન્ટરનેશનલ લેવલે ચગાવવા પણ કરોડો દલિતો બીજા કરોડો સવર્ણોની સાથે હળીમળીને રહે છે એની નોંધપણ ન લેવી. આપણે ત્યાં પૂર, ધરતીકંપ કે દુકાળ જેવી કુદરતી આપત્તિઓ સર્જાય ત્યારે એ તબાહીને બિલોરી કાચ નીચે મૂકીને દુનિયાભરમાં દેખાડવી પણ પોતાનાં જે.એફ.કે.અને હિયરો જેવાં એરપોર્ટ્સ સ્નોને કારણે કે કામદારોની હડતાળોને કારણે કલાકો નહીં. દિવસો સુધી બંધ રહે એની વાતોને ઈન્સિગ્નિફિકન્ટ ગણીને આપણા સુધી ન પહોંચાડવી.

ભારતની ઈમેજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બગાડવામાં આ ફોરેન મિડિયાનો સૌથી મોટો હાથ રહેલો છે. આપણે બીબીસી જેવું તંત્ર આઝાદીના પ્રથમ દાયકામાં જ ઊભું કરી દીધું હોત તો ઈન્ટરનેશનલ સ્તરે ભારતની જે ઈમેજ છે તેના કરતાં ઘણી ઉજળી ઈમેજ હોત. ફોરેન મિડિયા માટે ભારત વિશે કંઈ પણ કહેવું હોય તો હજુ પણ તેઓ રસ્તા પર. કરંડિયામાંથી સાપ કાઢતા ગારુડી કે ભર રસ્તે ચાલતા હાથીઓના સ્ટોક શોટ્સ કે ફોટોગ્રાફ વાપરે છે. આ વિદેશની મિડિયા પોતાના બ્રોન્ક્સ જેવા ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહીને પિસ્તોલની અણીએ ન્યૂયોર્કની ટ્રેનોમાં લૂંટ ચલાવીને ગુજરાન ચલાવતા નિગ્રોની વાત નહીં કરે પણ મુંબઈના ધારાવી વિસ્તારને એશિયાની લાર્જેસ્ટ સ્લમ ગણાવીને એના વિશે એક કલાકની ડોક્યુમેન્ટરી બનાવશે.

અને અફકોર્સ, આમાં આપણો પણ વાંક ખરો. આપણા દેશીભાઈઓ કચ્છના ભૂકંપ વખતે કોઈ ગરીબ મૃતદેહના ખિસ્સામાંથી પાકીટ કાઢતાં પકડાય તો ફ્રન્ટ પેજ ન્યૂઝ બનાવશે પણ નાઈન ઈલેવન વખતે ટ્વિન ટાવર્સના કાટમાળ હેઠળ દટાયેલી લાશની આંગળી કાપીને વીંટી કાઢતો કોઈ અમેરિકન પકડાશે તો એ ન્યૂઝની સદંતર અવગણના કરશે.

વીતેલા ૭ દાયકામાં આપણે બીબીસી જેવું મજબૂત સરકારી પણ સ્વતંત્ર મિડિયાહાઉસ ઊભું કરી શક્યા નહીં એ આપણી ઘણી મોટી નિષ્ફળતા. આજની તારીખે હવે બીબીસીના મોડેલનું અનુકરણ કરવાને બદલે અમેરિકના પ્રાઈવેટ મિડિયા હાઉસીસનું અનુકરણ કરીને ભારતને ભારતની દૃષ્ટિએ જોતું તેમ જ દુનિયાના બાકીના દેશોને પણ ભારતની નજરે જોતું તોતિંગ મિડિયા-હાઉસ ઊભું કરવાની જરૂર છે. અત્યારે તો એ કામ એક એકલો માણસ કરે છે- આપણા વડા પ્રધાન!

બાકીની નિષ્ફળતાઓ વિશે હવે પછી.

પાન બનાર્સવાલા 

કોઈ દેશ પરફેક્ટ હોતો નથી, એને પરફેક્ટ બનાવવો પડે છે.

– મહાત્મા ગાંધી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો