Onion Is Good For Health, Here Is Some Benefits Of It
  • Home
  • Supplements
  • Sanskar
  • અનેકાનેક ગુણોથી સમૃદ્ધ ઔષધ છે ડુંગળી

અનેકાનેક ગુણોથી સમૃદ્ધ ઔષધ છે ડુંગળી

 | 7:29 am IST

અહીં હું એક અતિ મહત્ત્વના ઔષધ દ્રવ્યનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નિરૂપણ કરું છું. તેનું નામ છે, ‘ડુંગળી’, ચરક-સુશ્રુતના વખતથી તે આજ સુધીમાં ક્યારેય ડુંગળીનું મહત્ત્વ ઘટયું નથી, શક રાજાઓના ભોજનમાં હંમેશાં ડુંગળી પીરસાતી…શક સ્ત્રીઓ પોતાના અનુપમ સૌંદર્ય અને સુદૃઢ શારીરિક અવયવોના સંગઠન માટે, ડુંગળીને સૌથી વધારે મહત્ત્વ આપતી. વૈદકના ગ્રંથોમાં ‘શોઢલ’નું પણ ઘણું મહત્ત્વ છે. શોઢલે શક લલનાઓના ઉજ્જવલ અનુપમ સૌંદર્યને માટે ડુંગળીને જ કારણભૂત ગણી છે. અકબર ત્રીસ પ્રકારની રસોઈ જમતો. તે ત્રીસમાંથી ૧૫માં ડુંગળી રહેતી.

ડુંગળી ભૂખને પ્રદિપ્ત કરનાર, કૃમિનાશક, વાતઘ્ન, ભોજન ઉપર રુચિ-પ્રીતિ વધારનાર, ઊલટીથી ઉત્પન્ન થતાં ઉપદ્રવોને દૂર કરનાર, બળ બુદ્ધિવર્ધક અને ધાતુઓને વધારનાર છે. સામાન્ય જનમાનસ એવું છે કે, ડુંગળી ગરમ છે. પરંતુ ડુંગળી ગરમ છે જ નહીં. વૈદકના કોઈપણ ગ્રંથમાં તેને ગરમ કહી જ નથી. ડુંગળી શીતળ છે.

ડુંગળીમાં તીખા રસનું ઉગ્રગંધી ઊડનશીલ તેલ ગંધક, લોહ, શર્કરા (કાર્બોહાઈડ્રેટ) કેલ્શિયમ, સાઈટ્રેટ તથા ક્ષારનું પ્રમાણ ત્રણથી ચાર ટકા હોય છે. આહારમાં તે પૌષ્ટિક તો ખૂબ જ છે. એમાં બે મત નથી. ભૂખ લગાડવાને માટે અને આહારને પચાવવા માટે ડુંગળી ઉત્તમ છે. આફરો, ગોળો, કબજિયાત, મંદાગ્નિ, અરુચિ વગેરે પાચન સંસ્થાનના રોગોમાં ડુંગળી ખૂબ જ હિતાવહ છે. તેમાં જળતત્ત્વ સાથે ક્ષાર અને ઊડનશીલ તેલ હોવાથી તે મળને આંતરડામાં આગળ સરકાવે છે. આમ પાચનતંત્ર સુવ્યવસ્થિત કરવામાં ડુંગળી ખૂબ જ સહાયક આહાર ઔષધ છે.

ડુંગળીના પાણીમાં પકાવેલું ભેંસ કે બકરીનું ઘી વારંવાર ફૂટતી નસકોરીને બંધ કરે છે. શુદ્ધ ઘીનો ખાવામાં ઉપયોગ કરવો અને નાકમાં તે ઘીના ટીપાં પાડવા. સર્જ્યન હેમોરોન સ્કર્વી રોગથી બચવા ડુંગળીના સેવનની સૂચના આપે છે અને તેમાં સ્કર્વી રોગનાશક ગુણ હોવાથી તે સ્કર્વીમાં પણ ઉપયોગી ગણાય છે.

આધાશીશી (માથાનો રોગ) જેને સંસ્કૃતમાં ‘અર્ધાવભેદ’ કહે છે. તે રોગમાં માથું દુખવાના સમય પહેલાં ડુંગળીના રસનાં ટીપાં નાકમાં નાખવાથી માથું દુખતું નથી. એ પણ અનુભવે નોંધાયું છે. ડુંગળીના બીજને કલોંજી કહેવામાં આવે છે. આ કલાંજી પ્રજનન અંગોની વિકૃતિઓમાં અપાય છે. કાચી ડુંગળી આર્તવ પ્રવૃત્તિ (માસિક સ્રાવ) વધારે છે. તે દૂધ વધારનાર પણ ગણાવાય છે. માસિક પીરિયડમાં બે-ત્રણ દિવસ અગાઉ તેનો ઉપયોગ કરવાથી માસિક સ્વચ્છ અને ખુલાસે આવે છે. ડુંગળીનાં બીજ (કલોંજી) ગર્ભાશયોત્તેજક અને ગર્ભાશયનું શોધન કરનાર ગણાવાય છે. તે ખૂબ જ ગરમ હોવાથી કાંજી સાથે તે અપાય છે. મૂત્રપ્રવૃત્તિમાં દાહ હોય, ટીપે ટીપે મૂત્રપ્રવૃત્તિ થતી હોય ત્યારે ડુંગળીનો રસ પીવાથી ઉત્તમ પરિણામ મળે છે. ડુંગળીના રસને સહેજ ગરમ કરી કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો- સણકા બંધ થઈ જાય છે.

ડુંગળીમાં લોહતત્ત્વ (આયર્ન) અને ચૂનાના ક્ષાર વધારે હોવાથી પાંડુ, કમળો, પ્લીહાવૃદ્ધિ, બરોળની વૃદ્ધિ અને મધુમેહમાં અપાય છે. મૂર્છા આવે છે, ત્યારે સ્મેલિંગ સોલ્ટ સુંઘાડવામાં આવે છે. તેવાં દ્રવ્યોની ગેરહાજરીમાં ડુંગળીના રસનાં ટીપાં નાકમાં નાંખવાથી દર્દી ભાનમાં આવે છે.

ડુંગળી કફનાશક છે. તેથી ઊંઘ લાવવામાં સહાયક બને છે. ડુંગળી પૈતીક વિકૃતિઓને દૂર કરે છે. ડુંગળીથી લૂ લાગતી નથી. ત્વચાના અનેક રોગોમાં તે પ્રયોજાય છે. કોલેરા કે અતિશય ઝાડા થયેલા રોગીઓની અશક્તિ ડુંગળીના સેવનથી દૂર થાય છે, સ્વરને કોમળ કરે છે, શ્રમને હણે છે.

બાળકને પેટમાં ગરબડ કે પીડા હોય, ઊંઘ આવતી ન હોય, દાંત આવતી વખતે લીલા પીળા ઝાડા થતાં હોય, ત્યારે ડુંગળીનો થોડો રસ ઔષધરૂપે આપવાથી ઉત્તમ પરિણામ મળે છે. ગ્રીષ્મમાં ડુંગળીનું પ્રથમથી જ સેવન કર્યું હોય તો ઝાડા, ઊલટી, અળાઈ વગેરે ત્વચાના રોગો થતા નથી.

ગાગરમાં સાગર

આમવાતના દર્દીઓએ ધાણા, સૂંઠ અને એરંડમૂળને સરખા ભાગે ખાંડી, બાટલી ભરી લેવી. એક ચમચી આ ભૂક્કો એક ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો. અડધું પાણી રહે ત્યારે ઉતારી ઠંડું પાડી ગાળીને પી જવું. આ ઉકાળો સવાર-સાંજ તાજો બનાવીને પીવો.

આરોગ્ય ચિંતન :- વૈદ્ય મનુભાઈ ગૌદાની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન