... અને વિરોધ વચ્ચે ગાંધીજીએ તિલકના મૃતદેહને કાંધ આપી - Sandesh
  • Home
  • Columnist
  • … અને વિરોધ વચ્ચે ગાંધીજીએ તિલકના મૃતદેહને કાંધ આપી

… અને વિરોધ વચ્ચે ગાંધીજીએ તિલકના મૃતદેહને કાંધ આપી

 | 12:55 am IST

સામયિક :- પ્રભાકર ખમાર

‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને પ્રાપ્ત કરીને જ રહીશ.’

બાલગંગાધર તિલક

આ ઉદ્ઘોષણા કરીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને નવી દિશા ચીંધનાર બાલ ગંગાધર તિલક એક મહાન દેશભક્ત તરીકે સદા સ્મરણીય છે. આઝાદી માટે જીવન સમર્પિત કરનાર તિલકનો જન્મ ૨૩ જુલાઈ, ૧૮૫૬માં મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ઉચ્ચ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માસિક દસ રૂપિયાનું વેતન મેળવતા એમના પિતા ગંગાધરરાવ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. ૧૮૭૬માં ૨૦ વર્ષની વયે તિલક સ્નાતક થયા એ પછી એલ.એલ.બી. થયા. એમની દસ વર્ષની ઉંમર હતી ત્યારે માતાનું અવસાન થયું હતું. રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા તિલકનું કોલેજ સુધીનું જીવન પણ રૂઢિચુસ્ત હતું. ભોજન સમયે તેઓને સિલ્કની ધોતી પહેરવી એ પરિવારની વર્ષોની પરંપરા હતી.  એલ.એલ.બી.ના અભ્યાસ દરમિયાન તિલકે હીગલ, કાંટ, સ્પેન્સર, મિલ, બેન્થમ, રૂસો જેવા મહાન પશ્ચિમી વિચારકો વિશે અધ્યયન કર્યું. આમ છતાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની એમની શ્રદ્ધા અચલ રહી હતી. વકીલાતની પ્રેક્ટિસ દરમિયાન ભારતની આઝાદી અને દેશસેવાનો વિચાર પણ મનમાં ગુંજતો હતો. પરિણામે લાખો રૂપિયાની વકીલાતની આવક છોડીને દેશસેવામાં જીવન સમર્પિત કર્યું અને ૧૮૮૯માં કોંગ્રેસમાં જોડાયા. એ સમયે કોંગ્રેસમાં નરમ અને ગરમ એમ બે જૂથ હતા. થોડા સમયમાં જ તિલકનો મોહભંગ થયો. એક ઉગ્રવાદી નેતા તરીકે તેઓ ઓળખ ધરાવતા હતા. આથી ટૂંક સમયમાં જ તેઓએ કોંગ્રેસ છોડી અને એની બેસન્ટ સ્થાપિત ‘હોમરૂલ લીગ’ નામની સંસ્થામાં જોડાયા અને આઝાદીની લડતને વધુ ઉગ્રતાથી અને આક્રમણતાથી વેગ આપ્યો.

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેઓએ અનેક વાર જેલની સજા પણ ભોગવી. પ્રથમ જેલવાસ દરમિયાન દોઢ વર્ષની સજાના પહેલા દિવસે જ એટલું બધું કામ આપવામાં આવ્યું કે ઘંટી ચલાવતા ચલાવતા તેઓ બેભાન થઈ ગયા. કેટલાક સમય પછી સ્વસ્થતા પ્રાપ્ત કરીને પુનઃ કામે લાગ્યા. જેલવાસ દરમિયાન તેઓ વાંચન અને લેખનમાં જ સમય પસાર કરતા. ખાસ કરીને ગીતા વિશે એમને વિશેષ અભ્યાસ કર્યો. કેટલાક પુસ્તકોનું સર્જન પણ જેલવાસ દરમિયાન થયું. ૧૯૧૨માં તેઓ જેલમાં હતા ત્યારે એમનાં પત્નીનું અવસાન થયું હતું, પરંતુ શરતી જામીન પર છૂટવાનો ઇનકાર કર્યો હતો.

પત્રકારત્વ ક્ષેત્રે પણ તિલકનું ઐતિહાસિક પ્રદાન છે. આઝાદી આંદોલન માટે લોકમત જાગ્રત કરવા ‘કેસરી’ અને ‘મરાઠા’ એમ બે પ્રકાશનો શરૂ કર્યાં. દૈનિક ‘કેસરી’નો એ સમયનો પ્રસાર ૪૦થી ૫૦ હજાર હતો. કેસરીમાં ઉગ્રવાદી લખાણોને કારણે તિલક ઉપર રાજદ્રોહનો આરોપ મૂકી અંગ્રેજ સરકારે માફી માગવા કહ્યું, પરંતુ તેઓએ માફી ન માગી અને લાંબી જેલની સજા ભોગવી. આઝાદી આંદોલનની શરૂઆતમાં તિલક સશસ્ત્ર ક્રાંતિના પણ હિમાયતી હતા. એક વાર તેઓએ ગાંધીજીને કહ્યું હતું કે, ”હું સશસ્ત્ર ક્રાંતિને પણ સંવૈધાનિક માનું છું. જોકે આ સમયે મુશ્કેલી એ છે કે, એમ કરવું સંભવ નથી.”

આમ જનતા સાથે સતત સંપર્ક જળવાઈ રહે તે માટે તેઓએ લોક તહેવારોની જાહેર ઉજવણીનો પ્રારંભ કર્યો. એમાં ‘ગણેશ ઉત્સવ’ અને ‘શિવાજી ઉત્સવ’ મુખ્ય હતા. આ અંગે તેઓએ કહ્યું હતું કે, ગ્રીક ઇતિહાસ તથા આંતરરાષ્ટ્રીય રમતોત્સવના વિચાર પરથી ગણપતિ તહેવાર ઊજવવાની પ્રેરણા મળી હતી. તેમજ ઇમર્સન અને કાર્લાઇલ જેવા મહાન શક્તિશાળી દૃષ્ટાઓના દૃષ્ટિકોણ ઉપરથી એમને શિવાજી ઉત્સવ ઊજવવાની પ્રેરણા મળી હતી. તેઓ ચુસ્ત હિંદુવાદી હોવા છતાં હિંદુ-મુસલમાન વચ્ચેની એકતાના સમર્થક હતા. એક સભામાં તેઓએ આ સંદર્ભમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ”પ્રથમ દેશનો વિચાર કરવો જોઈએ. હું હિંદુ છું કે મુસલમાન એ ભેદ દેશહિતનો વિચાર મનમાં ન આવવો જોઈએ.” પ્રખર હિંદુ ધર્મનિષ્ઠ હોવા છતાં સર્વધર્મ સમભાવમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા. તેઓ ભગવાન કૃષ્ણને અવતારી પુરુષ માનતા હતા. કૃષ્ણના ગીતાના ઉપદેશમાં માત્ર ધાર્મિક નહીં પણ બૌદ્ધિક તર્ક હોવાનું તેઓ માનતા હતા.

રાજનૈતિક નેતા હોવા છતાં તિલકનું સાહિત્યક્ષેત્રે પણ ગણનાપાત્ર પ્રદાન છે. અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં એમને કેટલાક પુસ્તકો લખ્યાં છે. અંગ્રેજીમાં `Onion studies in the Antiquity of the Vedas.’આ પુસ્તકમાં એવું પ્રતિપાદન કર્યું છે કે, ઋગ્વેદની રચના આશરે ૪,૫૦૦ ઈ.પૂ.માં થઈ હતી. અન્ય એક કૃતિ’Oriental’ દ્વારા તેઓ વિખ્યાત પશ્ચિમી લેખકોની હરોળમાં સ્થાન પામ્યા હતા. આ ઉપરાંત એમનું એક મહત્ત્વનું સર્જન છે’Arctic Home of the Vedas’ અસાધારણ મૌલિક કૃતિ ગણાય છે.

૧૯૦૮માં રાજદ્રોહના અપરાધમાં એમને છ વર્ષની જેલની સજા ફ્રમાવવામાં આવી. આ કારાવાસ દરમિયાન તિલકનું ભગવદ્ ગીતા ઉપરનું ચિંતન પ્રગટ કરતું ‘ગીતા રહસ્ય’ પુસ્તક ભારતનું એક ઉત્તમ પવિત્ર પુસ્તક ગણાય છે. હિન્દી, અંગ્રેજી ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષામાં એનો અનુવાદ થયો છે. આ પુસ્તક એમની ધાર્મિક અને શારીરિક દૃષ્ટિની ઓળખ આપે છે. એમણે ગણાનાપાત્ર પુસ્તકોનું સર્જન કર્યું છે. આ રીતે તેઓ સાહિત્યક્ષેત્રે પ્રકાંડ પંડિતનું સ્થાન પ્રાપ્ત કરે છે.

૧લી ઓગસ્ટ, ૧૯૨૦માં તિલક મહારાજ મૃત્યુ પામ્યાં ત્યારે ગાંધીજીનો મુકામ મુંબઈમાં હતો. ગાંધીજી તિલકની ભવ્ય સ્મશાનયાત્રામાં સામેલ થયા હતા. એ સમયે મહારાષ્ટ્રના બ્રાહ્મણોમાં એવો રિવાજ હતો કે તિલક મહારાજ બ્રાહ્મણ હોવાને કારણે એમની નનામીને માત્ર બ્રાહ્મણો જ ઉપાડે. ગાંધીજી તો વાણિયા હતા. છતાં તિલક મહારાજની નનામીને બ્રાહ્મણો લઈ જતા હતા ત્યાં તેઓ હિંમતથી ગયા અને નનામીને કાંધ આપવા એમણે ખભો નમાવ્યો. એટલે કોઈએ કહ્યું, ”તિલક મહારાજ બ્રાહ્મણ હતા માટે બ્રાહ્મણ જ એમની નનામી ઉપાડી શકે.”

ગાંધીજી એક ક્ષણ માટે ઊભા રહ્યા અને એ ક્ષણમાં જ એમણે નિર્ણય કરી લીધો ને જેણે એમને નનામી લેવાની ના પાડી હતી તેને કહ્યું, ”લોકસેવકને ન્યાત ન હોય એ સર્વેના છે. બધાને એમને કાંધ આપવાનો હક છે.” એમ કહી એમને નનામી ઉપાડી પછી તો બીજાઓ પણ એ નનામીને ખભો દેવા આવ્યા. એમાં મરાઠી, ગુજરાતી, મુસલમાન, પારસી તેમજ ઈતર ન્યાતના લોકો પણ હતા. એ સર્વેને ગાંધીજીએ લહાવો અપાવ્યો. તિલક મહારાજ ‘લોકમાન્ય’નું બિરુદ ધરાવતા હતા. એ હકીકત આ પ્રસંગ દ્વારા સિદ્ધ થઈ હતી.

આજે સત્તા માટે અનેક દાવપેચ ખેલાય છે ત્યારે આઝાદી આંદોલનના સમયમાં તિલક મહારાજ, ગોપાલકૃષ્ણ ગોખલે, વિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય, ગાંધીજી, સુભાષ બોઝ, સરદાર પટેલ, ભગતસિંહ, નહેરુ જેવા નેતાઓનું એક માત્ર લક્ષ્ય સ્વરાજ્ય હતું. સ્વરાજ્ય દ્વારા સુરાજ્ય એ સૌનો સંકલ્પ હતો. એનું એક ઉદાહરણ તિલક મહારાજના એક કથન ઉપરથી પ્રેરણા પ્રાપ્ત થાય છે.

એક વાર એક સ્નેહીએ તિલક મહારાજને પૂછયું,

”સ્વરાજ્ય મળશે ત્યારે એ સ્વદેશી સરકારમાં તમે કયો હોદ્દો પસંદ કરશો ? વડા પ્રધાન થશો કે પછી પરરાજ્ય મંત્રી ?”

તિલકે ખૂબ જ નિખાલસ જવાબ આપતાં કહ્યું…

”મને રાજકારણમાં કંટાળો છે. સ્વરાજ્ય મળશે એટલે હું તો પુનઃ ગણિતનો અધ્યાપક થઈ જઈશ અને નિરાંતે વિદ્યાનો આનંદ લઈશ. મારે નથી જોઈતી રાજખટપટ. મારે તો હજુ ઘણું લખવું છે.”

અને છેલ્લે… 

૧લી ઓગસ્ટ, ૧૯૨૦

૧લી ઓગસ્ટ, ૨૦૨૦

તિલક મહારાજનાનિર્વાણ દિનની શતાબ્દીએ એમને શત્ શત્ વંદન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન