એન્ડરસને કોહલી અને એમ્પાયર સાથે કર્યું ગેરવર્તન, ICCએ ફટકાર્યો દંડ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • એન્ડરસને કોહલી અને એમ્પાયર સાથે કર્યું ગેરવર્તન, ICCએ ફટકાર્યો દંડ

એન્ડરસને કોહલી અને એમ્પાયર સાથે કર્યું ગેરવર્તન, ICCએ ફટકાર્યો દંડ

 | 10:59 am IST

ઝડપી બોલર જેમ્સ એન્ડરસને પાંચમી ટેસ્ટ મેચના બીજા દિવસે રમત દરમિયાન અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા બદલ મેચ ફીના ૧૫ ટકા દંડ ફટકારાયો હતો અને એક ડીમેરિટ પોઇન્ટ પણ તેના ખાતામાં જોડાયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૬માં આચારસંહિતાના નવા નિયમ બાદ એન્ડરસનનો આ પ્રથમ અપરાધ છે. ભારતીય ઇનિંગની ૨૯મી ઓવરમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સામે એલબીડબ્લ્યૂની અપીલ પર ડીઆરએસ બાદ તેણે અમ્પાયર કુમાર ધર્મસેના પાસેથી પોતાની કેપ પરત લેતી વખતે આક્રમક રીતે વાત કરી હતી. આથી તેને દંડ ફટકારાયો હતો.

એન્ડરસન ભારત સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો

જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. ચેતેશ્વર પૂજારાને આઉટ કરવાની સાથે એન્ડરસને આ રેકોર્ડ બનાવતાં મુરલીધરનને પાછળ છોડયો હતો. મુરલીધરને ભારત સામે ટેસ્ટમાં ૧૦૫ વિકેટ ઝડપી હતી જ્યારે એન્ડરસને ભારતીય બેટ્સમેનોને ૧૦૭ વખત આઉટ કર્યા છે. પૂજારા બાદ તેણે રહાણેને પણ આઉટ કર્યો હતો. આ મામલે ત્રીજા નંબરે પાકિસ્તાનના ઇમરાન ખાન છે જેણે ૯૪ વિકેટ ઝડપી હતી. ૭૬ વિકેટ સાથે વેસ્ટ ઇન્ડીઝના એમ. માર્શલ ચોથા સ્થાને છે.

સીઓએ શાસ્ત્રીની સાથે ચર્ચા કરશે

ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શકતાં મુખ્યકોચ રવિ શાસ્ત્રી સાથે સંચાલકોની સમિતિ ચર્ચા કરશે. ભારતને વન-ડે સિરીઝ ઉપરાંત ટેસ્ટ સિરીઝમાં પણ હારનો સામનો કરવો પડયો છે અને સીઓએ પાંચમી ટેસ્ટ બાદ ટીમના પ્રદર્શનનું આકલન કરશે. સીઓએની ૧૧ સપ્ટેમ્બરે મુંબઈમાં બેઠક છે જેમાં મુખ્ય ચર્ચા નવા બંધારણને લાગુ કરવા પર ચર્ચા થશે અને તેની સાથે ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં પ્રદર્શન પણ ચર્ચા થશે. હવે સીઓએ નિર્ણય કરશે કે, શાસ્ત્રીને અંગત રીતે મળવું છે કે, તેમની પાસેથી લેખિતમાં જવાબ લેવો છે. અત્યારે ક્રિકેટ સલાહકાર સમિતિ કામ કરી રહી નથી. ચૂંટણી યોજાય ત્યાં સુધી સીઓએ આ બાબત સંભાળશે અને તેઓ પ્રદર્શનનું આકલન કરશે.