આંધ્રના લોકો આ દેશનો હિસ્સો ન હોય તેવો મોદી સરકારનો વર્તાવ - Sandesh
  • Home
  • Ahmedabad
  • આંધ્રના લોકો આ દેશનો હિસ્સો ન હોય તેવો મોદી સરકારનો વર્તાવ

આંધ્રના લોકો આ દેશનો હિસ્સો ન હોય તેવો મોદી સરકારનો વર્તાવ

 | 3:27 am IST

નવી દિલ્હી, તા.૯

આંધ્ર પ્રદેશ માટે અપૂરતા ભંડોળની ફાળવણી પર સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીના નિવેદનથી નારાજ થયેલા તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તેમની પાર્ટીના  સાંસદોને એમ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર જાણે કે એવી રીતે વર્તાવ કરી રહી છે જેથી આંધ્રપ્રદેશના લોકોને એમ લાગે કે તેઓ આ દેશનો હિસ્સો નથી. દુબઇના પ્રવાસે ગયેલા ચંદ્રાબાબુએ તાકિદે ટેલિકોન્ફરન્સ મિટિંગનું આયોજન કરી પાર્ટીના સાસંદો અને કેન્દ્રમાં બે મંત્રીઓ સાથે હાલના ઘટનાક્રમ અને ભાવિ પગલાં અંગે ચર્ચા કરી હતી.

ટીડીપીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપની નેતાગીરીએ અમને હાંસિયામાં ધકેલી દીધાં છે. રાજ્યની માગો પૂરી ન થાય ત્યાં સુધી સંસદમાં દેખાવો ચાલુ રાખવાની સૂચના અમને ચંદ્રાબાબુ તરફથી આપવામાં આવી છે. નાયડુ સાથેની મિટિંગમાં પાર્ટીના સાંસદોએ નાયડુને સંસદમાં જેટલીએ આપેલા નિવેદનની માહિતી આપી હતી. કેટલાક સાંસદોએ નાયડુને એમ પણ જણાવ્યું હતું કે, પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે કડક વલણ જાળવી રાખવું જોઇએ. નાયડુએ પણ અમને ગંભીરતાથી વિરોધ જારી રાખવાની સૂચના આપી છે. છેલ્લા ૪ દિવસથી કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલા પ્રતિસાદથી નાયડુ ઘણા નારાજ છે.  નાયડુની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે જેટલીના નિવેદનથી ટીડીપી વિચલિત થઇ ગઇ છે, નાયડુને એમ લાગે છે કે રાજ્ય સાથે સાવકી માતા જેવો વ્યવહાર થઇ રહ્યો છે.

ભાજપને મન હજુ સબસલામત

ભાજપ અને ટીડીપી વચ્ચેની ખાઇ વધુ પહોળી બની છે ત્યારે ટીડીપીના કેટલાક સાંસદો અને નેતાઓએ જણાવ્યું હતું કે, જરૂર પડે ટીડીપી એનડીએ સાથેનો સંબંધ તોડી નાખશે. ટીડીપી કેન્દ્રમાંથી તેના મંત્રીઓને પણ પાછા બોલાવી શકે છે. પરંતુ વિઝાગના ભાજપ સાંસદ કે હરીબાબુએ જણાવ્યું હતું કે, અત્યારે તો ટીડીપી એનડીએ સાથે છેડો નહીં ફાડે. અઁદરખાને ભાજપમાં ટીડીપીના વલણ સામે નારાજગી પ્રવર્તી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના નેતાઓ માને છે કે ટીડીપીની વારંવાર બાંયો ચડાવવાની આદતના કારણે ભાજપ અને ટીડીપી વચ્ચેના સંબંધો વણસી શકે છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે જેટલીવાર તેમની માગો સ્વીકારશો તેટલીવાર તેઓ નવી માગ સાથે ઊભા રહેશે. કોઇ એક રાજ્યને સહાય કરવાની કેન્દ્રની પણ એક મર્યાદા હોય છે. કારણ કે અન્ય રાજ્યો પણ કેન્દ્ર સમક્ષ આશા રાખીને બેઠાં હોય છે.

સંસદમાં ટીડીપીના સાંસદોને શાંત પાડતા અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આંધ્રસરકારની માગણીઓ પ્રત્યે સંવેદનશીલ છે. રાજ્ય સાથે મળીને સરકાર નવા પેકેજની વિગતોને અંતિમ સ્વરૂપ આપી રહી છે.

;