પ્રાણી-પ્રેમથી પ્રગટયું પ્રાણી સંગ્રહાલય - Sandesh

પ્રાણી-પ્રેમથી પ્રગટયું પ્રાણી સંગ્રહાલય

 | 12:14 am IST

વિચાર દંગલ :- વસંત કામદાર

આપણા દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ એ સમયગાળા દરમિયાન કેટલાક રજવાડી મિત્રોની સાથે બંદૂકની નાની ફેક્ટરીનો જુવાન માલિક પણ શિકાર રમવા જતો. એ અમદાવાદમાં વસતી બેને ઈઝરાએલ નામની યહૂદી જાતિનો માણસ હતો. એક દિવસ રાતનાં અંધારામાં એ બધાએ એક હરણીનો શિકાર કર્યો. તેમણે નજીક જોઈને જોયું તો એ હરણી સગર્ભા હતી અને તેના પેટમાં જીવતું બચ્ચુ હતું. આ ઘટનાએ પેલા યહૂદી માણસનાં મન ઉપર એટલી બધી અસર કરી કે તેને પ્રાણીઓને મારવાનું બંધ કરીને પ્રાણીઓને બચાવવાનું અને ઉછેરવાનું શરૂ કરી દીધું. તેણે બંદૂકની ફેક્ટરી વેચીને પ્રાણી પંખીઓ વિશે જાણવાનું શરૂ કર્યું અને થોડા સમયમાં જ તેણે તેની પત્ની સારાહની મદદથી પોતાના શાહીબાગ ખાતે આવેલા ઘરમાં જ એક નાનકડું પ્રાણી સંગ્રહાલય ઊભુ કરી દીધુ. એ પ્રાણીપ્રેમી માનવીનું નામઃ રૂબીન ડેવીડ.

હવે એ અરસામાં અમદાવાદમાં સાબરમતીનાં કાંઠે રૂપનગર નામનું એક સરક્સ ચાલતું હતું. આ સરકસમાં જાત જાતનાં દેશી વિદેશી પ્રાણી પંખીઓ પોતાના કલા કરતબ બતાવતાં. એ ઉપરાંત મહારાજાનાં પરીવેશમાં ગળે અજગર ધારણ કરીને ફરતો રખેવાળ મણીલાલ પણ લોકોને ગમતો. તત્કાલિન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સરક્સ ખરીદીને કાંકરીયા તળાવનાં કિનારે એક પ્રાણી સંગ્રહાલય વિકસાવવાનું નક્કી કર્યું. તેમણે ૧૯૫૧માં એ આખોયે પ્રોજેક્ટ રૂબીન ડેવીડને સોંપ્યો અને રૂબીન ડેવીડે રાત દિવસની અથાગ મહેનતથી કાંકરીયા તળાવ પાસે આવેલી ટેકરી ઉપર ઘેરી વનરાજી વચ્ચે પ્રાણી સંગ્રહાલય તૈયાર કર્યું. શરૂઆતમાં હિલ ગાર્ડનનાં નામથી ઓળખાતું એ ઝૂ પાછળથી કમલા નહેરુ ઝુઓલોજીકલ ગાર્ડનનાં નામથી ઓળખાયું.

આ વાત જાણીને એક રાજકુમારે રૂબીન ડેવીડને દીપડાનું બચ્ચું ભેટમાં આપ્યું પરંતુ શરૂઆતમાં તો અહીં હિંસક પ્રાણીઓને રાખવાની કોઈ વાત હતી નહીં એટલે રૂબીન ડેવીડે એ બચ્ચાને પોતાનાં ઘેર ઉછેર્યું જો કે થોડા સમય બાદ ઝૂમાં હિંસક પ્રાણીઓને રાખવાની સંમતિ મળી ગઈ એટલે એ બચ્ચા ઉપરાંત વાઘ, સિંહ તથા અન્ય હિંસક જંગલી પ્રાણીઓને પણ અહીં વસાવવામાં આવ્યા અને એ રીતે ઝૂ વિસ્તરતું ગયું.

મ્યુનીસીપલ કોર્પોરેશને રૂબીન ડેવીડને ઝૂમાં જ બંગલો ફાળવી આપવાની ઉદારતા દર્શાવી પરંતુ ઝૂને જાહેર સંપત્તિ ગણતા રૂબીન ડેવીડે એ પ્રસ્તાવનો અસ્વીકાર કરી પોતાનાં ઘેર રહીને જ ઝૂનું કામકાજ સંભાળ્યું. તેઓ રોજ સવારે આઠ વાગ્યે કાંજી કરેલાં ખાખી વસ્ત્રો પહેરી ઝૂ જવા નીકળતા અને આખો દિવસ ત્યાં કામકાજ કરીને રાત્રે આઠ વાગ્યે ઘેર પરત આવતાં. તેમને મન ઝૂનાં પ્રાણી પંખીઓ પરીવારનાં સભ્યો જેવા હતાં. તેમાંનુ કોઈ માંદુ પડે કે મરણ પામે તો તેઓ શોકમાં ગરકાવ થઈ જતાં અને જમી પણ શક્તાં નહોતા. સામે પક્ષે ઝૂનાં પંખીઓ પણ રૂબીન ડેવીડને એટલો જ પ્રેમ કરતાં.

પ્રાણી પંખીઓની સારવાર માટે તેમણે અનેક પ્રકારની દવાઓ અને પદ્ધતિઓ પણ શોધી હતી. જ્યારે વેટરનરી સાયન્સનો બહુ વિકાસ થયો નહોતો એવા સમયે રૂબીન ડેવીડે કેનાઈન મેડીસીન તૈયાર કરી હતી જેમાં શાકાહારી પ્રાણી પંખીઓ માટેનાં જંતુનાશક પાવડરનો, પ્રાણીઓની આંખનાં ચેપ માટેના આઈ વોશનો, પંખીઓનાં પોષણ માટેનાં બર્ડ ટોનિકનો તથા મેન્જ તેલનો સમાવેશ થતો હતો.

એક રાત્રે તેમનાં મિત્ર રાજેન્દ્ર પંચોલી બાસ્કેટમાં મૂકીને ત્રણ રંગીન સ્પોટડીલ બતકનાં બચ્ચા લઈ આવ્યાં. તેમની માં ને કૂતરાએ મારી નાંખી હતી. રૂબીન ડેવીડે એ મરવાનાં વાંકે જીવતાં હાડપીંજર જેવા બચ્ચાની સારવાર કરીને બચાવી લીધા. તેમણે નળકાંઠાની આસપાસ સુરખાબ જેવા દુર્લભ પ્રવાસી પંખીઓનો શિકાર કરતાં ગામવાસીઓને બમણી રકમો આપીને એ પ્રવૃત્તિ બંધ કરાવી હતી અને ઘવાયેલો પંખીઓને ઝૂમાં લાવીને બચાવ્યા હતાં. તેમણે પગમાં ઘા હોવા છતાંય સરકસમાં કરતબ બતાવતી અને ‘મધર ઈન્ડિયા’ તરીકે ઓળખાતી હાથણીને પણ બચાવી લીધી હતી. એ હાથણી ઝૂમાં ‘મોહિની’નાં નામથી બહુ લોકપ્રિય થઈ હતી. તેઓ હરતાં ફરતાં બાવાઓ પાસેથી ૩ પગ વાળો બળદ ‘સૂરજ’ અને ૬ પગ વાળી ગાય ‘પાર્વતી’ને પણ ઝૂમાં લઈ આવ્યા હતાં. કુદરતી ખોડવાળા આ મૂંગા પશુઓને અહીં વિશિષ્ઠ સેવા સારવાર મળી હતી.

ઝૂમાં ‘મહેશ’ અને ‘પરી’ નામની શાહમૃગ બેલડી તેમનાં નાચનાં લીધે બહુ લોકપ્રિય હતી. એકવાર એક ઘાતકી માણસે મગફળી ખવડાવવાનાં બહાને પરીનાં પીંછામાં આગ લગાવી દીધી. ગંભીર રીતે દાઝી ગયેલી પરી રીબાઈને મરણ પામી. એ પછી ચંદ્ર નામનાં એક સફેદ હરણની જીભ ઉપર કોઈ નરાધમે રબર બેન્ડ ચડાવી દીધું. એ પણ ખાધાપીધા વગર ભૂખથી મરી ગયું. એ જ પ્રમાણે એક રૂપાળા ચીંકારાની આંખમાં કોઈ માણસે છત્રીની અણી મારી દીધી અને એ પણ રીબાઈને મરી ગયું. આ બધી ઘટનાઓથી વ્યથીત રૂબીન ડેવીડે યોગ્ય સલામતી ગોઠવ્યા બાદ ‘ઈલેસ્ટ્રેડ વીક્લી’માં કહ્યું કે ‘અસલી હિંસક જાનવરો તો પાંજરાની બહાર હોય છે.’

તેમણે મોન્ટુ નામનાં સિંહબાળને તથા રાજુ નામનાં વાઘબાળને બ્લેકી નામની કૂતરીનાં ધાવણ ઉપર ઉછેર્યાં હતાં. તેમાંથી સિંહ મોન્ટું અને બ્લેકીનું ગલૂડીયું ટોમી તો એવા હળી મળી ગયા હતાં કે મોટા થઈને પણ તેઓ એકબીજાનાં દોસ્તની માફક જ જીવ્યા. તેમનું આવું સહજીવન પ્રાણી વિશ્વમાં આજે પણ વીરલ ગણાય છે. એ ઉપરાંત રૂબીન ડેવીડે ‘કોકો’ નામની માદા ચીપાન્ઝીને (એ પોતાની પથારી જાતે કરતી તથા ખુરશી ઉપર બેસીને મજાથી સીગારેટ પીતી) અને ૧૨૯ વર્ષનાં દરીયાઈ કાચબા ‘ગામા’ ને ચિત્રકામ પણ શીખવ્યું હતું. તેમને તેમનાં મિત્ર અને જામનગરનાં પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ટ્રાન્કવીલાઈઝર ગન ભેટ આપી હતી. તેની મદદથી અને વિવિધ છટકાઓની મદદથી તેમણે ઝૂમાંથી બહાર આવી ગયેલાં રાજુ અને તારા નામનાં બે વાઘોને, સરકસમાંથી ભાગી છૂટેલાં પાગલ હાથીને, મણીનગરમાં ઈલાબેન પટેલનાં ઘરમાં ભરાઈ ગયેલા તથા વડનગરની મસ્જિદમાં ઘૂસી ગયેલાં દીપડાઓને તેમજ કાંકરીયા અને ચંડોળાનાં માનવભક્ષી મગરો સહિત અનેક હિંસક પ્રાણીઓને પીંજરાભેગા કરી બતાવ્યા હતા.

૫૭ વર્ષે બીમારીનાં લીધે અવાજ ગુમાવી બેઠેલા રૂબીન ડેવીડે પ્રાણી પંખીઓની સાથે રમતાં અને લાડ કરતાં કહેલું કે, ‘હવે હું મારા આ મિત્રોને વધારે સારી રીતે સમજી શકું છું કારણકે હવે અમારા બંને પાસે શબ્દો અને વાચા નથી.’

૧૯૭૫માં ભારત સરકારનાં પદ્મશ્રી પુરસ્કાર ઉપરાંત દેશ વિદેશનાં અનેક ખિતાબો મેળવનાર રૂબીન ડેવીડે કાંકરીયા ખાતે ઝૂ ઉપરાંત બાલવાટિકા તથા નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ પણ બનાવ્યા. ૨૪ માર્ચ ૧૯૮૯નાં રોજ તેમનું અવસાન થયું. રૂબીન ડેવીડ વિશે તેમનાં પુત્રી એસ્થર ડેવીડે એક મજાનું પુસ્તક લખ્યું છે એ પુસ્તકનું નામ છેઃ મારા ડેડીનું ઝુ…એ ઉપરાંત પ્રખ્યાત ગુજરાતી કવિ માધવ રામાનુજે પણ રૂબીન ડેવીડ વિશે ‘પીંજરની આરપાર’ નામની એક અખબારી ધારાવાહિક શ્રેણી લખી હતી અને તે પણ પુસ્તક રૂપે સંપાદીત થઈ છે. આજે કાંકરીયા પરીસરનો નયનરમ્ય વિકાસ થયો છે ત્યારે આવા પ્રાણીપ્રેમી રૂબીન ડેવીડને પણ યાદ કરીએ તો એ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન