પ્રાણીઓ તો ભગવાને માનવીને સોંપેલ વિશેષ જવાબદારી છે... - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • પ્રાણીઓ તો ભગવાને માનવીને સોંપેલ વિશેષ જવાબદારી છે…

પ્રાણીઓ તો ભગવાને માનવીને સોંપેલ વિશેષ જવાબદારી છે…

 | 2:36 am IST

કવર સ્ટોરી । રીના બ્રહ્મભટ્ટ

થોડા સમય પહેલા જ વર્લ્ડ ટાઇગર ડેની ઉજવણી કરવામાં આવી. પરંતુ આ ઉજવણીમાં ખાસ તો વાઘોની ઘટતી સંખ્યા પર ચિંતા અને ચિંતન કરવામાં આવ્યું. વાઘ એક ખતરનાક જંગલી પ્રાણી છે પરંતુ હકીકતમાં આ અત્યંત મગરુર અને ઠસ્સેદાર પ્રાણીની સુંદર અને કિંમતી ખાલ અને તેના નખને પોતાના સ્વાર્થ માટે વેચી મારતો કાળા માથાનો માનવી તેના કરતાં પણ વધુ ખતરનાક છે. પોતાનો સ્વાર્થ સાધવા કોઈનું પણ કાસળ આસાનીથી કાઢી નાખતો માનવી જળ, જંગલ અને જાનવર માટે યમદૂત બની ચૂક્યો છે. અને આમ કરીને તેણે ખાસ તો કુદરતનો સત્યાનાશ જ નથી વાળ્યો બલકે પોતાના પગ પર પણ કુહાડા મારી ભવિષ્ય અંધકારમય બનાવ્યું છે .

જી, હા પ્રાણી જગત સાથેનો આ ખેલ અસલમાં સદીઓ જૂનો છે. મેન વર્સિસ વાઇલ્ડ માટે ભલે બેર ગ્રીલ્સ મશહૂર હોય. પરંતુ જાનવર સાથે જાનવરથી પણ બદતર વર્તન કરનાર માણસ જાત જંગલી જનાવરથી કોઈ રીતે ઊતરતી નથી. હાથીના દાંત હોય કે મગરનું ચામડું કે વાઘની ખાલ અને નખ હોય કે પછી મોર હોય પરંતુ આ તમામ પશુ-પક્ષીઓને પોતાના સ્વાર્થ માટે મારી નાખનાર માણસે વન્ય જીવોને ભારે નુકસાન પહોચાડયું છે. અને કદાચ આ બાબતને ધ્યાનમાં રાખીને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ બીઆર ગ્રીલ્સ સાથે મેન્સ વર્સિસ વાઇલ્ડ કાર્યક્રમમાં નજરે પડશે. જેનો આશય જંગલ અને જંગલી પ્રાણીઓ પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલવાનો છે.

મૂળ વાત પર આવીએ તો , હાલમાં જ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટિમેશન-૨૦૧૮ ને રજૂ કરતા વડા પ્રધાને કહ્યું હતું કે, ભારત તે વાઘો માટે એક સુરક્ષિત ઠેકાણું છે. ૨૦૧૪માં સુરક્ષિત ક્ષેત્રોની સંખ્યા ૬૯૨ હતી. જે ૨૦૧૯માં વધીને ૮૬૦ થી વધુ થઇ ગઈ. તેમજ કમ્યુનિટી રિઝર્વની સંખ્યા ૪૩ થી વધીને ૧૦૦ જેટલી થઇ ચૂકી છે. વધુમાં આ અંગે વાઇલ્ડ લાઈફ પ્રોટેકશન સોસાયટી ઓફ ઇન્ડિયા અનુસાર ૨૦૦૬,૨૦૧૦ અને ૨૦૧૪ માં ટાઇગર સેન્સસમાં વાઘોની સંખ્યામાં સતત વૃદ્ધિ નોધાઇ છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે, આખી દુનિયા એકલા ભારતમાં જ દુનિયાના ૬૦ % જેટલા વાઘ મળી આવે છે. જો કે, એક સદી અગાઉ ભારતમાં એક લાખ જેટલા વાઘ હતા. જે ઘટતા-ઘટતા આજે ૩,૦૦૦ જેટલે પહોંચી ચૂકયા છે. મતલબ સાફ છે કે, આપણે વાઘોનું નિકંદન ધીમે ધીમે કાઢી રહ્યા છીએ. ક્યાં એક લાખ અને ક્યાં ૩,૦૦૦ ? આ ફરક સ્પષ્ટપણે કહી આપે છે કે, આપણે ચકલી, કાબર અને કઈ જાણે કેટલાય પશુ પક્ષીઓનું નિકંદન આપણી સુખાકારી અને લોભ, લાલચ માટે કાઢતા આવ્યા છીએ.

આમાં કઈ નવું નથી. પરંતુ અહી ચિંતાની બાબત તે છે કે, ભારતમાં વાઘ સંરક્ષિત ગલિયારો અને વન ક્ષેત્રો પર તોળાઈ રહેલ ખતરો છે. જો કે, આ બાબત અસલમાં મોટાભાગના તમામ જંગલી પ્રાણીઓને લાગુ પડે છે. જેમાં સાપથી લઈને અજગર અને અન્ય કેટલાય નાનામોટા પશુ પક્ષીઓ આવી જાય છે. જેમના રહેઠાણો છીનવતા જઈ રહ્યા છે.

જેમાં વિશેષ કરીને વાઘના આવાસીય ક્ષેત્રો કે જે પહેલાં ૯૩,૬૦૦ કિમી હતા જે ઘટીને હવે ૭૨,૮૦૦ ક્ષેત્રફ્ળ જ બચ્યું છે. જેને કારણે સ્થિતિ હવે તે છે કે, આ પ્રાણીઓ તેમના નિયત સ્થાનને બદલે માનવીય આવાસો સુધી ઘૂસી આવે છે. અન્યથા વન્ય ગલિયારા પ્રાણીઓ માટે ખૂબ જ જરૂરી છે કે જે આ પ્રાકૃતિક ગલિયારના કારણે એક સ્થાનેથી બીજે સ્થાને તેઓ આસાનીથી વિચરી શકે છે. અને આ પ્રાકૃતિક ક્ષેત્રોના અભાવે તેમને નવા આવાસ શોધવા મજબૂર બને છે.

આ ગણના દ્વારા તે બાબત પણ જાણવા મળે છે કે, કુલ અનુમાનિત સંખ્યામાંથી ૩૦ % વાઘ હાલના તબક્કે સુરક્ષિત ક્ષેત્રોની બહાર વસી રહ્યા છે. તેમજ બચેલા ૩૯ જેટલા સુરક્ષિત ક્ષેત્રો આ વધતી વાઘોની સંખ્યા માટે ઓછા પડી રહ્યા છે.

અને આ બિચારા બની બેઠેલ વનરાજો જયારે તેમના નવા આવાસની શોધમાં ભૂલથી માનવ વસ્તી વચ્ચે પહોંચી જાય છે, ત્યારે આ વાઘોને લાકડા તસ્કરો, શિકારીઓ, ખાણ માફ્યિા, અને ભૂમાફ્યિાઓનો સામનો કરવો પડે છે. વળી કેટલાય રાજ્યોમાં ચાલતી કોલસાની ખાણોનું ખનન અને સિંચાઈ પરિયોજનાઓ આ વાઘો માટે જરા પણ અનુકૂળ નથી બનતી અને કેટલીય વાર તેમના મોતનું કારણ બની રહે છે.

જેમાં વાઘોના મોતના મામલે મધ્ય પ્રદેશ પાછલા ૪ વર્ષથી પ્રથમ નંબરે આવે છે. હાલમાં પણ ૯ મહિનામાં ૨૩ જેટલા વાઘોનું મોત થઇ ચુક્યું છે. તે સિવાય દેશના અન્ય ભાગોમાં પણ કોઈને કોઈ કારણોસર વાઘોનું મોત થવાનું ચાલુ છે. અને તેથી જ ૧ લાખની સંખ્યામાંથી આજે વાઘો હજારોમાં આવી ચૂક્યા છે.

વિશેષમાં સરકારે ફ્ક્ત વાઘો જ નહીં બલકે દરેક વન્ય જીવોથી લઇ આપણી આસપાસ રહેતા નાના-મોટા પશુ પક્ષીઓનો જીવવાનો અધિકાર બનેલો રહે તે માટે ચુસ્ત વ્યવસ્થા કરવી જોઇશે. આડેધડ થતા બાંધકામો, ખોદકામો, અને ગેરકાયદે ખનન માટે ચુસ્ત નીતિ નિયમો બનાવવા જોઇશે. ત્યારે જ પ્રાણી અને પ્રકૃતિ બચશે. યાદ રાખજો પ્રાણીઓ તે ભગવાને મનુષ્યને સાંપેલ એક વિશેષ જવાબદારી છે. જે આપણે તેમના ભગવાન થઇ નિભાવવી રહી. આખરે તેઓ પ્રકૃતિનો જ એક ભાગ છે. તેમનો વિનાશ તે આપણો પણ વિનાશ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન