લગ્ન માટે બીજું પાત્ર ક્યારે મળશે?   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • લગ્ન માટે બીજું પાત્ર ક્યારે મળશે?  

લગ્ન માટે બીજું પાત્ર ક્યારે મળશે?  

 | 1:30 am IST
  • Share

પ્રશ્નોત્તરી

પ્રશ્નઃ મારું નામ સોનલ છે. જન્મતારીખ ૧૮-૦૬-૧૯૯૫ છે. સમય તથા અન્ય વિગતો જણાવી છે. નોકરી સારી છે. સગપણ માટે પ્રયત્નો ચાલે છે. કુંડળીમાં મંગળદોષ છે? મનમાં ઉદ્વેગ રહે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર : તમારા જન્મની વિગતો મુજબ જન્મસમયની ચંદ્રરાશિ કુંભ છે. નામ રાશિ મુજબ સાચું છે. કુંડળીમાં સાદો મંગળ ગણાય. ચિંતાકારક નથી. સાત્ત્વિક વાંચન વધારવાની સલાહ છે. એપ્રિલ ૨૦૨૧થી જુલાઇ ૨૦૨૨ સુધીનો સમય પ્રગતિસૂચક ગણી શકાય. તેમાં આયોજનપૂર્વક પ્રયત્નો કરવાની સલાહ છે.

(૧) સૂર્યનારાયણના મંત્રની દરરોજ એક માળા બપોરના ભોજન પહેલાં કરવી.

(૨) કુળદેવી માતાજીની વિશેષ ભક્તિ રવિવારે, મંગળવારે અને પૂનમના દિવસે કરવી.

(૩) મોસાળ પક્ષના લોકોનો સહયોગ મળે તો સરળતા અને અનુકૂળતા રહે.

પ્રશ્ન : મારું નામ આશિષ છે. મારી બહેનની જન્મતારીખ ૨૧-૦૧-૧૯૮૪ છે. જન્મસમય વગેરે વિગત આપી છે. તેનાં લગ્ન અગાઉ થયેલાં પરંતુ છૂટાછેડા થયેલા છે. હવે અમે પાત્રપસંદગી બાબતે પ્રયત્ન શરૂ કર્યા છે. આ બાબતે ક્યારે સફ્ળતા મળશે?

ઉત્તર : આપની બહેનની જન્મતારીખ મુજબ જન્મ નક્ષત્ર મઘા છે. ચંદ્ર રાશિ સિંહ આવે છે. તેથી નામ રાશિ મુજબ સાચું છે. તેની કુંડળીમાં મંગળદોષ નથી. જીવનયાત્રા દરમિયાન અમુક વળાંક કે ચઢાવ ઉતાર આવતા હોય છે. દરેકની સમજણ અને સહનશક્તિ એકસરખી હોતી નથી. આ બાબતે હાલમાં માર્ચ ૨૦૨૧ પછીનો સમય વધુ અનુકૂળ અને યોગકારક જણાય છે. સારું અને જાણીતું ઘર હોય તો ગુણાંક કે નાડીદોષ જેવી બાબતોમાં યોગ્ય બાંધછોડ કરીને ઉદાર વલણ અપનાવી શકાય. રાધાકૃષ્ણની કે શિવપાર્વતીની સાત્ત્વિક ભક્તિ કરવાની સલાહ છે. સવારે ઊગતા સૂર્ય નારાયણનાં દર્શન કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય.

પ્રશ્ન : મારું નામ ભાઇલાલભાઇ છે. મારી પુત્રીની જન્મતારીખ ૧૧-૦૮-૧૯૯૩ છે. જન્મસમય તથા અન્ય વિગત જણાવી છે. તેના સગપણ માટે ઘણા પ્રયત્નો ચાલે છે પરંતુ સફ્ળતા મળતી નથી. નાના ગામમાંથી વાતો આવે છે, પરંતુ વડોદરા જેવા શહેરમાં જન્મ, ભણતર અને ઉછેર થયો હોવાથી મન માનતું નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર : આપની પુત્રીની જન્મતારીખ મુજબ જન્મનક્ષત્ર કૃતિકા છે. ચંદ્ર રાશિ વૃષભ આવે છે તેથી નામ રાશિ મુજબ સાચું છે. આપનો આ પ્રશ્ન હાલમાં સામાજિક રીતે વ્યાપક છે. માનવીને ક્યારેક ગ્રહો કરતાં પૂર્વગ્રહો વધુ નડે છે. આર્થિક તથા શૈક્ષણિક બાબતે સમકક્ષ પરિવાર હોય તો બીજી કોઇ વાતે બાંધછોડ કરી લેવી જોઇએ. અભ્યાસમાં ટેક્નિકલ કે એન્જિનિયરીંગ ક્ષેત્ર હોય અને ભવિષ્યમાં પ્રગતિની તક હોય તેવા પાત્ર સાથે વિચારી શકાય. હાલમાં આગામી જૂન સુધી સમય અનુકૂળ જણાય છે.

(૧) દર રવિવારે તથા પૂનમે કુળદેવી માતાજીની ભક્તિ જાતે કરવી.

(૨) વિષ્ણુ સ્વરૂપની ભક્તિ વિશેષ કરવી. વિષ્ણુસહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો.

(૩) મોસાળ પક્ષની વ્યક્તિના સહકારથી અનુકૂળતા વધે. અવરોધ હળવા થાય.

પ્રશ્ન : મારું નામ જયેશભાઇ છે. જન્મતારીખ ૧૪-૦૩-૧૯૬૧ છે. જન્મસમય તથા બીજી વિગત જણાવું છું. મારું નામ રાશિ મુજબ છે? હાલમાં શનિની પનોતી ચાલે છે? પનોતી દરમિયાન મિલકત ખરીદી શકાય?

ઉત્તર : તમારું જન્મનક્ષત્ર શ્રવણ છે તેથી ચંદ્રરાશિ મકર આવે છે. નામ રાશિ મુજબ સાચું છે. તમારે મુહૂર્ત, શનિની પનોતી, રાશિમેળ, લેણાદેણી વગેરેમાં રાશિ મુજબ આગળ વધવાની સલાહ છે. હાલમાં ગોચરભ્રમણમાં શનિ મકર રાશિમાં છે તેથી શનિની મોટી પનોતીનો મધ્ય ભાગનો તબક્કો ચાલે છે. પનોતી હંમેશાં નડતી નથી. તેમાં વ્યક્તિની કસોટી થાય છે. કસોટી માનવીના ઘડતરમાં ભાગ ભજવે છે તેથી ખોટો ભય રાખવાની જરૂર નથી. કાર્યમાં નાના અવરોધ કે વિલંબ આવી શકે, તે માટે સજાગ રહેવું પડશે. સાહસ કરી શકાય. સટ્ટો કરવાની સલાહ નથી. સંપત્તિ ખરીદવા બાબતે દસ્તાવેજી કાર્યોમાં તથા આર્થિક લેવડદેવડમાં ખાસ સાચવવું.

પ્રશ્ન : મારું નામ ધર્મેન્દ્રભાઈ છે. મારી પુત્રીની જન્મતારીખ ૨૨-૦૩-૧૯૯૮ છે. અન્ય વિગતો જણાવી છે. વિવાહ સગપણ બાબતે ઘણા પ્રયત્ન કરીએ છીએ. મેળાપકમાં નાડીદોષને કારણે અમુક પાત્રો ગુમાવવાં પડે છે. તેની કુંડળીમાં મંગળદોષ ગણાય? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર : તમારી પુત્રીનો જન્મ પૂર્વાષાઢા નક્ષત્રમાં છે. જન્મસમયની ચંદ્રરાશિ ધનુ છે. તેનું નામ રાશિ મુજબ સાચું છે. વર્ગીકરણની રીતે મંગળવાળી કુંડળી ગણાય, પરંતુ અન્ય યોગને ધ્યાને લેતાં ખાસ દોષકારક નથી. આપણે ત્યાં અધકચરા જ્ઞાન અને સામાજિક માન્યતાઓને કારણે ઘણાં અનુકૂળ સુપાત્ર ગુમાવવાં પડે છે. નાડીદોષને સૂક્ષ્મ ગણિતથી જોઇએ ત્યારે સ્થૂળ રીતે જોવા મળતો નાડીદોષ મોટે ભાગે હોતો નથી. પાત્રપસંદગી માટે નજીકના સમયમાં એપ્રિલ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨નો સમયગાળો વધુ સાનુકૂળ જણાય છે. કુળદેવી માતાજીની ભક્તિ કરવી. મિનાર્કમાં જન્મ હોવાથી સૂર્યનું બળ મેળવવા સૂર્યનારાયણની ભક્તિ કરવાની સલાહ છે.

પ્રશ્ન : મારું નામ ચંદ્રવદન છે. મારી જન્મતારીખ ૦૮-૦૩-૧૯૭૦ છે. વ્યવસાય ક્ષેત્રમાં ખૂબ મહેનત કરવા છતાં આર્થિક બાબતે સફ્ળતા ઓછી મળે છે. ભાગીદારી માટે પ્રયત્ન ચાલે છે પરંતુ મનમાં અજંપો રહે છે કે સફ્ળતા મળશે?

ઉત્તર : આપની જન્મતારીખ મુજબ મીન રાશિ આવે છે. તેથી તમારું નામ રાશિ મુજબ સાચું છે. આપની કુંડળીમાં અન્ય હકારાત્મક યોગ થાય છે. આર્થિક બાબતે ધીમી છતાં મક્કમ પ્રગતિ અનુભવાય. મોટી આર્થિક જવાબદારી લઇને માનસિક શાંતિ અને કૌટુંબિક સુખશાંતિ જોખમાય તેવો રસ્તો પસંદ કરવાની સલાહ નથી. વતનથી દૂર જવાના પ્રયત્ન કરવા નહીં. દક્ષિણ દિશાના ઔદ્યોગિક એકમો સાથે હકારાત્મક વિચારસરણીથી સંબંધો વિકસાવી શકાય. તેનો લાભ વ્યવસાયમાં મેળવી શકાય.

(૧) દર રવિવારે તથા મંગળવારે કુળદેવી માતાજીની ભક્તિ જાતે કરવી.

(૨) શક્ય હોય તો દર મહિનાની સુદ આઠમે (દુર્ગાષ્ટમી) ના દિવસે વ્યવસાયના સ્થળે ‘દુર્ગા સપ્તશતી’નો પાઠ ચંડીપાઠ કરાવી શકાય.

(૩) મોસાળ પક્ષની વ્યક્તિઓ તરફ્થી મદદ, માર્ગદર્શન, સાથ-સહકાર મેળવી શકાય..

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન