ઉત્તરપ્રદેશમાં જંગી બહુમત મેળવ્યાં બાદ ભાજપે પ્રદેશની કમાન હિન્દુત્વવાદી નેતા યોગી આદિત્યનાથને સોંપી છે. યોગી આદિત્યનાથે રવિવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ અવસરે બોલિવૂડના અભિનેતા અનુપમ ખેરને જ્યારે તેમની અને યોગી આદિત્યનાથની શાબ્દિક વોર અને તેમને મુખ્યમંત્રી બનાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે અલગ જવાબ આપ્યો. અત્રે જણાવવાનું કે ગત વર્ષે કોલકાતામાં એક કાર્યક્રમમાં અસહિષ્ણુતાના મુદ્દે આકરી સ્પિચ આપતી વખતે અનુપમ ખેરે યોગી આદિત્યનાથ જેવા નેતાઓને જેલમાં નાખી દેવાની વાત કરી હતી. જેના જવાબમાં આદિત્યનાથે તેમને રિયલ લાઈફ વિલન ગણાવ્યાં હતાં.

એક અહેવાલ મુજબ યોગી આદિત્યનાથને યુપીના મુખ્યમંત્રી બનાવવા મુદ્દે જ્યારે અનુપમ ખેરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલા મારા પિતરાઈ ભાઈ સાથે પણ મારી લડાઈ થઈ હતી. તેનાથી કોઈ ફરક પડતો નથી. તેઓ મુખ્યમંત્રી બન્યા છે કારણ કે ત્યાના લોકોએ તેમને પસંદ કર્યા છે. સીએમ બનવા મુદ્દે તેમણે કહ્યું કે દરેક મુદ્દે મારો મત હોવો એ જરૂરી નથી. આ અંગે કઈ બોલીને હું ટ્રોલ કરનારા લોકોને સંતોષ આપવા નથી માંગતો.

અનુપમ ખેર પોતાની આગામી ફિલ્મ નામ શબાના માટે દિલ્હીમાં મીડિયા ઈન્ટરેક્શન માટે આવ્યાં હતાં. ફિલ્મમાં તાપસી પન્નું, અક્ષયકુમાર અને મનોજ બાજપાઈ પણ છે. આ ફિલ્મ 31મી માર્ચે રિલિઝ થવાની છે.