Anusandhan DevendraPatel Research 60,000 manuscripts
  • Home
  • Columnist
  • અનુસંધાન : ફાયરપ્રૂફ તિજોરીમાં સુરક્ષિત છે ૩૦ હજાર હસ્તપ્રતો

અનુસંધાન : ફાયરપ્રૂફ તિજોરીમાં સુરક્ષિત છે ૩૦ હજાર હસ્તપ્રતો

 | 10:35 am IST
  • Share

  • વડોદરા નગરી આજે ‘સંસ્કાર નગરી’ તરીકે ઓળખાય છે
  • મહારાજા સયાજીરાવ પોતાની આગવી સૂઝબૂજ માટે જાણીતા હતા
  • 1915માં તેમણે પ્રથમ ઓરિએન્ટલ લાઇબ્રેરીની સ્થાપના કરાવી

 

દીર્ઘદૃષ્ટા મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના કારણે વડોદરા નગરી આજે ‘સંસ્કાર નગરી’ તરીકે ઓળખાય છે. મહારાજા સયાજીરાવ પોતાની આગવી સૂઝબૂજ અને દીર્ઘદૃષ્ટિ માટે જાણીતા હતા. વિદ્વાન લેખક નારાયણ માધુએ તેમના નવા જ પુસ્તક ‘દીર્ઘદૃષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ’માં પ્રસ્તુત કરેલી કેટલીક રસપ્રદ વિગતો પ્રમાણે છે. 

ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ :

પુસ્તકાલય પ્રવૃત્તિ સાથે સંબંધ રાખનાર પુસ્તક પ્રકાશન તથા ગ્રંથકારોને ઉત્તેજન આપનાર પ્રવૃત્તિઓ પણ મહારાજા શ્રીમંત સયાજીરાવની ઉદાર નીતિને આભારી છે. ૧૯૧૫માં તેમણે પ્રથમ ઓરિએન્ટલ લાઇબ્રેરીની સ્થાપના કરાવી તેમાં વિઠ્ઠલમંદિરમાંના સંસ્કૃત ગ્રંથો ઉમેર્યા. ત્યારબાદ દર વર્ષે હસ્તલિખિત તથા છાપેલાં સંસ્કૃત તથા પ્રાકૃત પુસ્તકો ઉમેરતા ગયા. ૧૯૨૭ માં આ સંસ્થાને સેન્ટ્રલ લાઇબ્રેરીની જુદી પાડી ‘ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ’ એટલે ‘પ્રાચ્યવિદ્યામંદિર’ એ નામ આપવામાં આવ્યું. આ સંસ્થા પાસે ૩૦ હજારથી વધારે હસ્તલિખિત તથા ૫૦ હજારથી વધારે છાપેલા ગ્રંથો છે. આ સંસ્થા તરફી ગાયકવાડ ‘પૌર્વાન્યમાળા’ અંગ્રેજીમાં બહાર પડે છે. અનેક અપ્રક્ટ રહેલા દુર્મીળ ( દુર્લભ) સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી ગ્રંથો બહાર પડયા છે. વિશ્વયુદ્ધ વખતે હસ્તપ્રતોના રક્ષણ માટે મહારાજાએ ફાયરપ્રૂફ્ તિજોરીની વ્યવસ્થા કરી હતી. ઐતિહાસિક હસ્તપ્રતોની જાળવણી થઈ શકે એ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતીય)એ ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ શરૂ કરાવવા જાતે પ્રયાસ હાથ ધર્યા હતા. વિશ્વયુદ્ધ વખતે હસ્તપ્રતોને સુરક્ષિત રાખવા માટે મહારાજાએ ફાયરપ્રૂફ્ તિજોરીઓ આપી હતી. આ તિજોરીઓ આશરે નવ દાયકા પછી પણ આજે પણ હંસા મહેતા લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે.

ઈ.સ.૧૮૯૩ થી મહારાજાએ વડોદરામાં ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ સ્થાપવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. વડોદરા સ્ટેટના અધિકારીઓને ગુજરાત સહિત દેશભરમાં હસ્તપ્રતો દેવા માટે મોકલ્યા હતા. કેટલાંક હસ્તપ્રતો લોકોએ ભેટ સ્વરૂપે આપી હતી અને કેટલીક ખરીદીને લાવ્યા હતા. વિશ્વયુદ્ધ વખતે થતા બોમ્બ ધડાકામાં હસ્તપ્રતો નષ્ટ ન થઈ જાય એ માટે મહારાજાએ આપેલી ફાયરપ્રૂફ તિજોરીઓમાં અંદરની બાજુ ચારેય તરફ્ રેતી અને અબરખ ભરીને આવરણ બનાવ્યું હતું, જેના કારણે આગ હસ્તપ્રતો સુધી પહોંચી જ ન શકે. મહારાજા અને મહારાણીએ પોતાના સંગ્રહમાંથી પણ હસ્તપ્રતો આપી હતી એ ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટના રેકોર્ડમાં નોંધાયેલું છે, જેમાં મહાભારત અને રામાયણની સચિત્ર હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. હસ્તપ્રતોની યોગ્ય જાળવણી થઈ શકે એ માટે મહારાજાએ ૨૦ તિજોરીઓ લંડનથી મંગાવી હતી. જેનો ઉપયોગ આજે પણ ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટના હસ્તપ્રત વિભાગ દ્વારા કરવામાં આવે છે.

ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

સાહિત્ય અને કલાકારીગરીનું સંગમ ગણાતું ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું કેમ્પસ એટલે પ્રજાવત્સલ વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડની સ્વપ્નસિદ્ધિ જ ! વડોદરામાં કે ગુજરાતમાં જ નહીં, બલ્કે ભારતીય શિક્ષણક્ષેત્રે સુધારા કરવામાં અગ્રગામી ગણાતા એ વિશ્વવિદ્યાલયની સંસ્કૃતિની આજની તારીખેય આગવી ઓળખ છે. સન ૧૮૮૧ માં વડોદરામાં આર્ટ્સ અને સાયન્સની શાખા શરૂ કરી કોલેજ શિક્ષણના શ્રીગણેશ મંડાયા. સન ૧૮૮૬માં વડોદરામાં યંત્રવિદ્યા શિક્ષણની પણ જોગવાઈ થઈ. શિક્ષણક્ષેત્રે હરણફળ ભરતી મહારાજાની વિવિધ શિક્ષણસંસ્થાઓનું કામકાજ ઝડપભેર વિકાસ પામતું રહ્યું. મ્યુઝિક કોલેજ, આર્કિઓલોજી, ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ વગેરે સિતારા દુનિયાભરમાં તેજ વેરતા થયા. કલાભવન અને શિક્ષક પ્રશિક્ષણ કેન્દ્રની દુનિયામાં બોલબાલા થઈ. સન ૧૯૧૫ સુધી અગ્રગામી વિચારના હિમાયતી વડોદરા નરેશના માર્ગદર્શન અને સહકારથી, વડોદરાની શિક્ષણસંસ્થાઓ પ્રગતિ પંથે વેગીલી હરણફળ કરતી થઈ. અમુક શિક્ષણસંસ્થાના કામ તો દુનિયામાં ચર્ચાનું ગૌરવ ભોગવતાં થયાં. દ્વિતીય શિક્ષણ પંચે વડોદરાની કોલેજોને વિશ્વવિદ્યાલયનો દરજ્જો પ્રદાન કરવાની ભલામણ કરી, પણ મહારાજાનાં કામનો ધ્રાસકો અનુભવેલ. સરકારે એ ભલામણ પ્રત્યે આંખ આડે કાન કર્યા.

પોતે નિર્માણ કરેલ શિક્ષણ સંસ્થાઓને સરકાર વિશ્વવિદ્યાલયનો દરજ્જો બક્ષે, તેથી રાહ જોવાનું વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડે ક્યારેય પસંદ કર્યું નહોતું. પોતાની વગ વાપરીને તેમણે શિક્ષણ સંસ્થાના સંવર્ધનાર્થે પારખી ચકાસીને અનેક હીરા એકઠા કર્યા હતા. ચિ. વિ. જોશી, ગંગુતાઈ પટવર્ધન, સ. વિ. દેશપાંડે, કમલાબાઈ તિલક, વિનાયકરાવ જોશી વગેરે ધુરંધરોએ બરોડા કોલેજના વિવિધ ક્ષેત્રોમાં સરસ કામ કરી પોતાનું અને કોલેજનું નામ રોશન કર્યું. વીસમી સદીને વિદાય આપતી વખતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તેર ફેકલ્ટી જ, સાત સંલગ્ન સંસ્થા, વસતી ગૃહો અને અતિથિગૃહો છે. ફેકલ્ટી ઓફ્ ફઈન આર્ટ્સ, ફેકલ્ટી ઓફ્ પરફોર્મિંગ આર્ટ્સ (ગાયન, મ્યુઝિક કોલેજ અને યુનિવર્સિટી બન્યા પછી ફેકલ્ટી એવો પ્રવાસ) તથા કલાભવનને જાગતિક સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે. ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ, નેશનલ સાયન્સ ઇર્ન્ફ્મેશન સેન્ટર, પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર, હોમસાયન્સ વગેરેનું કામ સુદ્ધાં દુનિયામાં ગૌરવભેર વખાણાય છે.

કલાભવન

સયાજીરાવ મહારાજના રાજ્ય અમલનો જે એક ઉત્તમ વિદ્યાપ્રચારનો પ્રયત્ન તે તો કલાભવન, ગુર્જરરત્ન પ્રો. ગજ્જરે પણ પ્રજાજીવનની એ દિશા જોઈ અને મહારાજ સન્મુખ હુન્નરકલાની વિકાસ યોજના ઘડીને મૂકી. ચકોર મહારાજાએ યોજના મંજૂર કરી, વિશ્વકર્માની એ શાળામાં વિશ્વકર્માના પુત્ર પ્રો. ગજ્જરને આચાર્ય નીમ્યા ને કલાભવન ઊઘડયું. કલાભવનનાં પહેલાં દશ વર્ષની કથા એ મહારાજા સયાજીરાવના રાજ્ય ઇતિહાસનું અને પ્રો. ગજ્જરના જીવન ઈતહાસનું સોનેરી પ્રકરણ છે.

સમગ્ર પશ્ચિમ ભારતમાં ટેક્નિકલ શિક્ષણનો સૌપ્રથમ પ્રારંભ વડોદરામાં થયો. માતૃભાષામાં શિક્ષણ આપવામાં નહિ આવે તો વિદ્યાર્થીઓ તો આત્મસાત્ નહિ કરી શકે એ સિદ્ધાંતનો સ્વીકાર કરીને એ શિક્ષણનું માધ્યમ ગુજરાતી ભાષા જ રાખવામાં આવ્યું. આ કારણે ગામડાના ગરીબ કારીગરોને કંગાલિયતમાંથી બહાર આવવાનો માર્ગ મળી ગયો. ગુજરાત સરકારના ઉચ્ચ સનદી અધિકારી નારાયણ માધુએ લખેલું પુસ્તક- ‘દીર્ધદૃષ્ટા મહારાજ સયાજીરાવ ગાયકવાડ’ પુસ્તક તેમની સરળ લેખનશૈલી અને પ્રભાવશીલ રાજાના જીવન અને કાર્યની વાતો પ્રભાવિત કરી દે તેવી છે. ભારતે જે શ્રેષ્ઠ રાજા મહારાજાએ આપ્યા છે તેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ એક ઉત્કૃષ્ઠ, દીર્ઘ દૃષ્ટિવાળા, પ્રજાવત્સલ અને સૌ કોઈને ગર્વ થાય તેવા ખુમારીવાળા મહારાજા હતા.

અમદાવાદ શહેર જો  ઔદ્યોગિક નગરી છે તો વડોદરાને સંસ્કારી અને સુસંસ્કૃત નગરી બનાવવાનો યશ મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને તેમના પરિવારને ફાળે જાય છે. ગાયકવાડ પરિવારના રાજા મહારાજાઓ અને રાજમાતાઓ માત્ર શિક્ષણપ્રેમી જ નહીં, પરંતુ સમાજસુધારક અને કુશળ વહીવટકર્તા પણ હતાં. નોંધપાત્ર વાત એ છે કે, તા. ૨૬ નવેમ્બર, ૧૮૮૧ના રોજ માત્ર ૧૮ વર્ષની વયે જ સયાજીરાવ ગાયકવાડને પૂર્ણ સત્તા સોંપવામાં આવી હતી. ૫૮  વર્ષ સુધી રાજવી તરીકેની તેમની શ્રેષ્ઠ કામગીરી રહી અને તેમને કદી સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડયો નહીં. તેઓ સ્થાપત્ય પ્રેમી પણ હતા અને શ્રેષ્ઠ ન્યાયકર્તા  પણ હતા. તેમની હિંમત અને દૂરંદેશીની અનેક ઘટનાઓ સૌ કોઈને પ્રભાવિત કરી દે તેવી છે.

નારાયણ માધુના આ પુસ્તકમાં પ્રસ્તુત કરાયેલી  આ બધી ઘટનાઓ સૌ કોઈને અભિભૂત કરી દે તેવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો