ચિંતા કરવાથી- વ્યાકુળ થવાથી આપણાં દુઃખમાં વધારો થાય છે - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • ચિંતા કરવાથી- વ્યાકુળ થવાથી આપણાં દુઃખમાં વધારો થાય છે

ચિંતા કરવાથી- વ્યાકુળ થવાથી આપણાં દુઃખમાં વધારો થાય છે

 | 1:42 am IST

શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં પંદરમા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છેઃ

યં હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્પમ

સમદુઃખસુખં ધીરં સૌડમૃતત્વાય કલ્પતે ।। ૧૬ ।।

“હે પુરુષશ્રેષ્ઠ અર્જુન, જે સુખ અને દુઃખથી વ્યાકુળ થતો નથી અને બંનેમાં સમાન રહે છે તે ધીર પુરુષ જ મોક્ષને પામવા યોગ્ય છે.”

આ શ્લોકમાં ભગવાને સુખ અને દુઃખને સમાન ભાવે જોવા જણાવ્યું છે. અહીં કહેવાયું છે કે જે સુખ અને દુઃખથી વ્યાકુળ થતો નથી, પરંતુ બંને પરિસ્થિતિમાં સમાનતાનો અનુભવ કરી શકે છે તે જ મોક્ષનો-મુક્તિનો અધિકારી બની શકે છે. દુઃખમાં તો વ્યક્તિ વ્યાકુળતા અનુભવે એ ખૂબ જ સ્વાભાવિક બાબત છે. પણ સુખમાં ય વ્યાકુળતા કેવી? અહીં ભગવાને સુખના સમયમાં સુખ જતું રહેવાના ભયથી જે વ્યાકુળતા જન્મે છે તેની વાત કરી હોય તેમ લાગે છે. માણસને જ્યારે સુખ આવે છે ત્યારે ધીમેધીમે તેના મનમાં આ સુખ જતું તો નહિ રહે ને, તેવો ભય ઉત્પન્ન થતો જાય છે, પરંતુ જે જ્ઞાાની મનુષ્ય છે તેના મનમાં આવી કોઈ વ્યાકુળતા પ્રગટતી નથી. ભગવાન આપણને અર્જુન દ્વારા બોધ આપે છે કે સુખના સમયમાં ક્યારેક તે સુખ જતું રહેશે તો મારું શું થશે? એમ વિચારીને તેને માટે વ્યાકુળ નહીં થવા જણાવે છે. તેવી જ રીતે દુઃખના સમયમાં દુઃખથી ગભરાઈ જઈને કે ડરી જઈને વ્યાકુળ નહિ થવું જોઈએ. કેમ કે એની ચિંતા કરવાથી- વ્યાકુળ થવાથી આપણાં દુઃખમાં વધારો થાય છે. વળી સુખના સમયમાં પણ સુખ જતું રહેવાની ચિંતાને લીધે સુખ સાથે જ જવા લાગે છે ને તે મનુષ્ય દુઃખ અનુભવવા લાગે છે.

એટલે જે મનુષ્ય સુખ અને દુઃખ બંને સ્થિતિમાં કોઈ જ જાતની ભિન્નતા અનુભવતો નથી, પરંતુ બંનેને એકસરખાં ગણે છે, તેના જન્મ-જન્માંતરના ફેરા ટળી જાય છે. તે મોક્ષ મેળવી શકે છે. કેમકે જો તમે સુખ-દુઃખને સરખાં ગણશો તો તમને કોઈ જાતનો મોહ પેદા નહિ થાય. જ્યારે મનુષ્યને કશાનો મોહ નથી રહેતો ત્યારે તે નવાં કર્મબંધનમાં પડતો નથી. કર્મબંધન ન થાય તો પછી મોક્ષ હાથવેંતમાં આવી જાય છે. આ શ્લોકમાં મનુષ્યે સુખના સમયમાં છલકવું જોઈએ નહિ એવો ગૂઢ અર્થ પણ છુપાયેલો છે. આપણે જોતા આવ્યા છીએ કે સુખના સમયમાં જે છલકાઈ જાય છે, અભિમાની થઈ જાય છે અંતે તો વ્યાકુળતા જ પ્રાપ્ત કરે છે. જે વ્યાકુળતા પ્રાપ્ત કરે છે તે મોક્ષને યોગ્ય રહેતો નથી. આમ ભગવાને આ શ્લોકમાં મોક્ષ મેળવવા માટે સુખ અને દુઃખ બંને સ્થિતિઓમાં સમાનતાનો દ્રષ્ટિકોણ રાખવાની વાત કરે છે અને તે રીતે મોહ-માયાના બંધનમાંથી છૂટીને મોક્ષને મેળવી શકાય છે તે વાત સહજ રીતે સમજાવી છે.

ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના ૧૮મા શ્લોકમાં ભગવાન કહે છેઃ

અન્તવન્ત હમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ

અનાશિનોડષમેયસ્ય તસ્માધુધ્યસ્ય ભારત ।। ૧૮ ।।

“કદી નાશ નહિ પામતા અને માપી શકાતા નથી તેવા સનાતન જીવાત્માનું ફક્ત ભૌતિક શરીર નાશ પામે છે, તેથી હે અર્જુન, તું યુદ્ધ કર.”

આત્મા સનાતન છે એટલે કે તે મારતો નથી ને જન્મતો પણ નથી. જે જન્મે છે તે સ્થૂલ-ભૌતિક શરીર છે અને જે જન્મે છે તે અવશ્ય નાશ પામે છે. પરંતુ આત્મા ભૌતિક નથી, તેને સ્પર્શ કરી અડકી શકાતો નથી, તેને જોઈ શકાતો પણ નથી. તેનો અનુભવ કરી શકાય છે. સમાજમાં આપણી આજુબાજુ જે વ્યક્તિઓને આપણે આપણાં સગાં-સ્નેહી અને મિત્રો તરીકે જોઈએ છીએ તે બધાયનાં શરીર નાશવંત છે એટલે એ શરીરોની માયામાં પડવું જોઈએ નહિ. સામાજિક વ્યક્તિ તરીકે આપણે તેમની સાથેના સંબંધો નિભાવવા પડે તે જરૂરી છે, પરંતુ તેમના મોહમાં અંધ બની જવું જોઈએ નહિ. જે વસ્તુ આજે નહિ તો કાલે નાશ થઈ જવાની છે તેની પાછળ પાગલ નહિ બનતાં જે શાશ્વત છે, કાયમી છે તેવા પ્રભુના પ્રેમમાં ડૂબવાથી આત્માનું કલ્યાણ થાય છે. ભગવાન કહે છે કે, આત્મા અમાપ છે. એટલે કે તેનો કોઈ ચોક્કસ આકાર પણ નથી. ઈશ્વરની જેમ આત્મા પણ કોઈ નિશ્ચિત આકાર સમાઈ શકે તેવો નથી. હા, આત્મા અમુક ચોક્કસ સમય માટે કોઈ દેહને ધારણ કરે છે તેમ છતાં તેમાં જે આકાર છે તે દેહનો આકાર હોય છે, અને એ આકારને આપણે કોઈ ચોક્કસ નામથી ઓળખીએ છીએ. આમ આપણે જે નામ પાડીએ છીએ તે દેહનું નામ પાડીએ છીએ. આત્માનું કોઈ જ નામ હોતું નથી.

આમ મનુષ્યનો દેહ નાશવંત છે. તેનો કોઈ ચોક્કસ સમયે-રક્ષણે અંત આવવાનો છે એટલે તેની ચિંતા કર્યા વિના ભગવાન અર્જુનને યુદ્ધ કરવા કહે છે. યુદ્ધ એટલે કર્મ, નાશવંત દેહની માયામાં ડૂબીને જો માણસ પોતાના કર્મમાં પ્રવૃત્ત થવાનું ટાળી દે તે પણ ઈચ્છવા યોગ્ય નથી. તમારો પોતાનો દેહ પણ એક દિવસ પડી જ જવાનો છે એટલે તેનો ઉપયોગ કરીને જેટલાં કલ્યાણલક્ષી કામો કરી શકો તેટલાં કરી લેવાનાં છે. માણસને નશ્વર દેહના રૂપની, વાણીની કે લાગણીની માયા થઈ જાય છે, પરંતુ એ માયા આગળ જતાં તેના આત્માના કલ્યાણમાં નડતરરૂપ થતી હોય છે. એટલે નશ્વર શરીરની માયા છોડીને વ્યક્તિએ પોતાને સોંપાયેલી ફરજ નિષ્ઠાપૂર્વક અને ઉત્તમ રીતે બજાવવી જોઈએ.

[email protected]