Hindu Children Should Educate Their Self In Sanskrit Language
  • Home
  • Supplements
  • Sanskar
  • ‘કોઈપણ હિન્દુ બાળકે સંસ્કૃતનાં સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ.’

‘કોઈપણ હિન્દુ બાળકે સંસ્કૃતનાં સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ.’

 | 5:46 pm IST

સંસ્કૃત કોઈ એક ધર્મ સાથે સંકળાયેલી ભાષા નથી, પરંતુ એક સમગ્ર સંસ્કૃતિની, પરંપરાની ભાષા છે. ગાંધીજીએ આ વાત આત્મકથામાં નોંધી છેઃ ‘સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. વિદ્યાર્થીઓ માંહે માંહે વાત કરે છે કે ફારસી તો બહુ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો, તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણાશંકર માસ્તરનો ઉપકાર માને છે, કેમ કે, જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. મને તો એ પૃાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે હું પાછળથી સમજ્યો કે કોઈપણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ.’

ગાંધીજી આજે હયાત હોત તો એમણે પોતાના ઉપરોક્ત વિચારમાં લગરીક ફેરફાર કરીને કોઈપણ ‘હિંદુ’ બાળકની જગ્યાએ કોઈપણ ‘ભારતીય’ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ એવું જરૂર કહ્યું હોત કારણકે સંસ્કૃત માત્ર હિંદુ ધર્મની ભાષા નથી, હિંદુ સંસ્કૃતિની ભાષા છે, ભારતનો જન્મ જેમાં થયો એ વાતાવરણની ભાષા છે અને ભારતમાં જેમનો જન્મ થયો એ સૌના સંસ્કાર વારસાની ભાષા છે.

ગુજરાતી ભાષાના વિદ્વાન વિવેચક અનંતરાય રાવળે સંસ્કૃતના અભ્યાસની પૂર્વભૂમિકા બાંધી આપતાં સંસ્કૃતનો સંક્ષિપ્ત ઈતિહાસ આપ્યો છે. ભારતના વિવિધ પ્રાંતોમાં જ્યારે જુદી જુદી ભાષાઓ બોલાતી (આજે પણ બોલાય છે) ત્યારે કોઈ એક સામાન્ય ભાષાની, કહો કે રાષ્ટ્રભાષાની ગરજ સંસ્કૃતે પૂરી પાડી. આર્ય ભાષાઓની માતૃભાષારૂપ સંસ્કૃત ઈ.સ. પૂર્વે બીજા સૈકામાં, આજથી સવા બે હજાર વર્ષે અગાઉ, વિંધ્યાચળ અને હિમાલયની વચ્ચે આવેલા પ્રદેશમાં, મધ્ય ભારતમાં બોલાતી ભાષા હતી, જનસાધારણ માટે વાતચીતની ભાષા હતી, એવું સંશોધકોએ પુરવાર કર્યું છે.

સંસ્કૃત એટલે સંસ્કાર ફેલાવનારી ભાષા. સમાજ અને સંસ્કૃતિની સાથે એકરૂપ થઈ ગયેલી ભાષા. કાળક્રમે આ ભાષા બોલાતી બંધ થઈ અને એમાંથી પ્રાકૃત ભાષાનો જન્મ થયો. પ્રાકૃત એટલે પ્રકૃતિની ભાષા જેને લોકો સામાન્ય વપરાશમાં વાતચીત વખતે બોલે છે.

(વખત જતાં ઓહ, વાઉ અને આઉચ પણ પ્રાકૃત ભાષાના શબ્દો ગણાતા થઈ જશે.)

એક જમાનો હતો જ્યારે છાપકામની કળાની તો શું, લખવાની કળાની જ શોધ નહોતી થઈ. ભાષા માત્ર બોલાતી હતી. એના સ્વર-વ્યંજનોને દૃશ્યાકાર મળ્યો નહોતો. ભાષા કેવી રીતે શોધાઈ, લિપિ કેવી રીતે શોધાઈ એનું સંશોધન એક રસપ્રદ વિષય છે.

તાડપત્રી કે ભોજપત્રી પર અણીદાર કલમ વડે કાજળ દ્વારા લખવાની શોધ નહોતી થઈ એ જમાનામાં સંસ્કૃત બોલાતી હતી. ભાષાનો મુખ્ય આધાર જ્યારે જીભ, હોઠ અને સ્મરણશક્તિ પર હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાં વિકારો પ્રવેશવાના. ઈ.સ. પૂર્વે ચારસોના અરસામાં વિખ્યાત વ્યાકરણકાર પાણિનિનું ધ્યાન આ બાબત તરફ ગયું. પતિત થતી ભાષાનો ઉદ્વાર કરવા પાણિનિએ એક મોટું વ્યાકરણ રચીને ભાષાને સુધારી. ‘સંસ્કૃત’ એવું નામ આપ્યું. સંસ્કૃત એટલે નિયમબદ્ધ. માણસ નિયમમાં બંધાઈને વર્તન કરે તો એ સંસ્કૃત માણસ કહેવાય. આચાર્ય પાણિનિએ પોતાના વ્યાકરણના જટિલ નિયમો દ્વારા સંસ્કૃતને વૈજ્ઞાનિક અને પદ્ધતિસરની બનાવી. આ દરમિયાન સંસ્કૃત સાહિત્યોમાં લાલિત્ય લાવવાની ખૂબ સફળ કોશિશો થઈ, શબ્દ ભંડાર ખૂબ વધ્યો. સંસ્કૃતની વિભિન્ન લેખનશૈલીઓનો આવિષ્કાર થયો.

ભારતમાં રહેતી જે પ્રજા પોતાના દેશના સંસ્કાર ક્યાંથી આવ્યા એ વિશે બેખબર હોય એ પ્રજાને સંસ્કૃત ભણવાનું કહેવું એ કંઈ ગુનો નથી.

પાન બનાર્સવાલા

  • હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં મારું કે તમારું કોઈ કામ કરવા આવ્યો છું.
  • નિરંજન ભગત

તડકભડક :- સૌરભ શાહ

www.facebook.com/Sau­rabh.a.shah

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન