મહિલા સાથે અણછાજતું વર્તન કરનારને જાહેરમાં ફાંસી અપાશે - Sandesh
  • Home
  • India
  • મહિલા સાથે અણછાજતું વર્તન કરનારને જાહેરમાં ફાંસી અપાશે

મહિલા સાથે અણછાજતું વર્તન કરનારને જાહેરમાં ફાંસી અપાશે

 | 4:35 pm IST

મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જણાવ્યું હતું કે મહિલાઓ સાથે અણછાજતું વર્તન કરનારને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાશે. શિવરાજસિંહે આ સાથે રાજ્યોમાં અનેક યોજનાઓનો આરંભ કર્યો હતો. તેમણે મહિલાઓના હિતમાં શરૂ કરાયેલી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાજ્યના પાટનગર ભોપાલમાં મહિલા દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે મહિલાઓ માટે માત્ર એક જ દિવસ કેમ ? મહિલા વિના ઘર, દેશ અથવા વિશ્વનું સંચાલન શક્ય છે ? ના. ભારતમાં આપણે આદિકાળથી મહિલાઓની પૂજા તથા સન્માન કરીએ છીએ. આજે અનેક મહત્વના હોદ્દાઓ પર મહિલા બિરાજમાન છે.

મહિલા સુરક્ષા મુદ્દે આકરો સંદેશો આપતાં શિવરાજસિંહે જણાવ્યું હતું કે મહિલા સાથે અણછાજતું વર્તન કરનાર કોઈ પણ વ્યક્તિને બધાની સામે જ ફાંસીએ લટકાવી દેવાશે.
મુખ્યપ્રધાન શિવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે તેમણે મુખ્યપ્રધાન મહિલા કોશનો આરંભ કર્યો છે. આ યોજનામાં 50 વર્ષ કરતાં વધુ વયની અપરિણિત મહિલાઓને પેન્શન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર પણ મહિલાઓના હિતમાં અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓને સફળ ગણાવતાં તેમાં સામેલ થવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.