કોઈ વસ્તુ કેટલી જડ છે એ જાણી શકાય? - Sandesh
  • Home
  • Kids Corner
  • કોઈ વસ્તુ કેટલી જડ છે એ જાણી શકાય?

કોઈ વસ્તુ કેટલી જડ છે એ જાણી શકાય?

 | 12:06 am IST

ચાલો, જાતે કરી જોઈએ… :- માલિની મૌર્ય

કોઈ માણસ પોતાનું સ્ટેન્ડ છોડવા તૈયાર ન થાય તો આપણે તેને કહીએ છીએ કે એ તો સાવ જડ છે. જે પોતાનું સ્થાન છોડવા તૈયાર ન થાય એને. જડ કહેવાય. જેમાં જીવ નથી એ બધી વસ્તુઓ એટલે જ જડ કહેવાય છે. પરંતુ શું બધી વસ્તુઓ એકસરખી જડ હોય? ચાલો જાતે કરીને તપાસીએ…

શું શું જોઈશે?

મોટી સાઈઝના રબર બેન્ડ, પાણીની બોટલ, કાતર અને સપાટ ટોપ ધરાવતું ટેબલ.

શું કરવાનું છે?

પાણીની બોટલ ખોલો અને એનું પાણી કોઈ વાસણમાં કાઢી લો.

રબર બેન્ડ એક જગ્યાએથી કાપી લો. એનો એક છેડો ચિત્રમાં દેખાય છે એ રીતે બોટલ ફરતે બાંધી લો.

ટેબલ ઉપર એક જગ્યાએ બોટલ મૂકીને એના તળિયા ફરતે પેન્સિલથી ગોળ લીટી બનાવી લો.

હવે બોટલને ટેબલના ટોપની સપાટી ઉપર એમ જ મૂકી રાખો.

હવે રબર બેન્ડનો બીજો છેડો તમારી આંગળીઓ વડે પકડો. એ છેડો ખેંચીને બોટલને ટેબલ ઉપર ખસેડવાનો પ્રયાસ કરો.

જુઓ કે બોટલ ખેંચાય એ પહેલાં રબરબેન્ડ કેટલું ખેંચાય છે. રબર બેન્ડ જ્યાં સુધી બોટલ ખસેડયા વગર ખેંચાય એ જગ્યાએ પેન્સિલથી નિશાની કરો. એને નંબર આપો, ૧.

બોટલ ખેંચાવા લાગે તો ખેંચવાનું બંધ કરી દો.

હવે બોટલમાં અડધું પાણી ભરો.

બોટલને ટેબલ ઉપર પેલો ગોળ દોર્યો હતો ત્યાં ગોઠવી દો. પછી રબર બેન્ડનો એક છેડો આંગળીઓમાં પકડી લો અને ધીમેધીમે ખેંચો.

બોટલ ખસવાની શરૂ થાય એ પહેલા રબર કેટલું ખેંચાયું એ જગ્યાએ પેન્સિલથી એક માર્ક કરી લો. એને નંબર આપો, ૨.

બોટલ ખેંચાઈને ખસવા લાગે તો રબર છોડી દો.

હવે બોટલ આખી ભરાઈ જાય ત્યાં સુધી પાણી ભરો.

બોટલને ટેબલ ઉપર પેલો ગોળ આકાર દોર્યો છે ત્યાં મૂકી દો.

રબરબેન્ડનો બીજો છેડો આંગળીઓ વડે પકડીને તેને ધીમેધીમે ખેંચો.

બોટલ ખસે એ પહેલાં રબર ખેંચાશે. બોટલ ખસતાં પહેલાં રબર જેટલું ખેંચાય એ જગ્યાએ પેન્સિલથી વધુ એક માર્ક કરો અને તેને નંબર આપો, ૩.

આમ કરવાથી શું થશે?

ખાલી બોટલ ખેંચાય એ પહેલા રબર બેન્ડ ખેંચાયું હતું એનો માર્ક નંબર ૧ બોટલ મૂકવાના ગોળ વર્તુળ આકારની સૌથી નજીક જોવા મળશે.

અડધી ભરાયેલી બોટલ ખેંચાય એ પહેલાં જેટલું રબરબેન્ડ ખેંચાયું હતું એનો માર્ક નંબર બે બોટલ મૂકવાના વર્તુળથી માર્ક નંબર એક કરતાં વધારે દૂર હશે.

આખી ભરાયેલી બોટલ ખસવા લાગે એ પહેલાં ખેંચાયેલા રબરબેન્ડનો માર્ક નંબર ૩ બોટલ મૂકવાના વર્તુળથી સૌથી દૂર હશે.

આમ થવાનું કારણ શું?

આ પ્રયોગમાં આપણે જોયું કે ખાલી બોટલ ખસેડતાં પહેલાં રબરબેન્ડ સૌથી ઓછું ખેંચાયું. અડધી ભરેલી બોટલ ખસેડતાં પહેલાં રબરબેન્ડ ખાલી બોટલ કરતાં વધારે ખેંચાયું. આખી ભરેલી બોટલ ખેંચતાં પહેલાં રબરબેન્ડ સૌથી વધારે ખેંચાયું.

રબર બેન્ડનું ખેંચાણ બોટલને ખસેડવા માટે એની જડતા દૂર કરવામાં વપરાયેલું જોર બતાવે છે. ન્યૂટનનો ગતિનો પહેલો સિદ્ધાંત છે કે કોઈપણ પદાર્થ જ્યારે સ્થિર હોય તો એ પોતાની સ્થિરતા જાળવી રાખવા પ્રયાસ કરે છે અને ગતિમાં હોય તો એ પોતાની ગતિ જાળવી રાખવા પ્રયાસ કરે છે. એટલે સ્થિર પદાર્થને ગતિમાન કરવા માટે બળ વાપરવું પડે છે અને ગતિમાન પદાર્થને સ્થિર કરવા માટે પણ બળ વાપરવું પડે છે.

બોટલ સ્થિર હોવાથી એ સ્થિરતા જાળવવા પ્રયાસ કરે છે. સ્થિરતા જાળવવા એ કેટલું જોર કરે છે એ રબરબેન્ડના ખેંચાણથી આપણે જોઈ શક્યા. પદાર્થનું દળ એટલે કે એનું વજન જેટલું વધારે હોય એટલી એની જડતા વધારે હોય.

એ નિયમ પ્રમાણે ખાલી બોટલની જડતા ઓછી હતી. તેને ગતિમાન કરવા ઓછામાં ઓછું રબરબેન્ડ ખેંચાયું. એટલે કે ઓછામાં ઓછું બળ વાપરવું પડયું. આખી ભરેલી બોટલની જડતા સૌથી વધારે હતી. એટલે એને ગતિમાન કરવા માટે સૌથી વધારે બળ વાપરવું પડયું. રબરબેન્ડ સૌથી વધારે ખેંચાયું.

[email protected]