એપીએમસીમાં શાકભાજીની જંગી આવકઃ ટામેટાં-કોબી ચાર રૂપિયે કિલો - Sandesh
  • Home
  • India
  • એપીએમસીમાં શાકભાજીની જંગી આવકઃ ટામેટાં-કોબી ચાર રૂપિયે કિલો

એપીએમસીમાં શાકભાજીની જંગી આવકઃ ટામેટાં-કોબી ચાર રૂપિયે કિલો

 | 4:31 am IST

મુંબઇ, તા.૩૧

નવી મુંબઇના એપીએમસી માર્કેટમાં શાકભાજીની વિક્રમી આવક થતાં લાંબા સમયથી આસમાને રહેલા શાકભાજીના ભાવો ગગડયા છે. હોલસેલ માર્કેટમાં ૫૦થી ૬૦ રૂપયે કિલો મળતા શાકનો ભાવ ઘટીને સીધો ૧૨થી ૧૫ રૂપિયા કિલો થઇ ગયો છે. તો ટામેટાં અને કોબી ચાર રૂપિયે કિલોના ભાવે વેચાયા હતા. તો કાકડી માત્ર ૧ રૂપિયે કિલો વેચાતાં ખેડૂતોને ભારે નુક્સાન થયું હતું.

આની અસર મુંબઇના છૂટક માર્કેટમાં પણ જોવા મળી હતી. ગત અઠવાડિયાની સરખામણીએ ટામેટાં, કાકડી સહિત ભીંડા, ગલકા, ટીંડોળા જેવા શાકના ભાવોમાં પણ થોડો ઘટાડો જણાયો છે.

કાંદાએ ખેડૂતોને રડાવ્યા બાદ હવે કાકડી અને ટામેટાંના ઉત્પાદકોને રડવાનો વારો આવ્યો છે. કાંદાના ભાવ પ્રતિ કિલો પચાસ પૈસા જેટલા ગગડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. કાંદાની ખેતી પાછળ થયેલા ખર્ચ જેટલી રકમ પણ ન મળતાં ખેડૂતોએ ટેકાના ભાવની માગણી કરી હતી. જેને પગલે કાંદા માટે સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા હતા. હવે આ પરિસ્થિતિ ટામેટાં અને કાકડીના ખેડૂતો માટે ઉભી થઇ છે. એપીએમસી માર્કેટમાં છેલ્લા બે દિવસથી શાકભાજીની જંગી આવક થઇ રહી છે. ૭૫૦થી ૮૫૦ગાડીઓ રોજ માર્કેટમાં ઠલવાય છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત બીજા રાજ્યોના માર્કેટમાંથી પણ એપીએમસીમાં વિવિધ શાકભાજીની આવક વધી રહી છે. જેને પગલે શાકભાજીના પૂરવઠામાં વધારો થયો છે.

દરમિયાન છૂટક બજારોમાં પણ શાકભાજીના ભાવ ઉતર્યા છે પરંતુ હોલસેલ બજારો જેટલો ધરખમ ઘટાડો હજુ છૂટક બજારોમાં જોવા મળ્યો નથી.તેથી સાધારણ ગૃહિણીના બજેટમાં ખાસ સુધારો આવ્યો નથી.

કાકડી બાદ ટામેટાં પણ રસ્તા પર ફેંકવાનો વારો  

સારા વરસાદને પગલે આ વર્ષે શાકભાજીનું સારું ઉત્પાદન થયું છે, પરંતુ સામે એટલી માગ ન હોવાથી ખૂબ સસ્તા ભાવે વેચાણ થઇ રહ્યું છે. તાજેતરમાં જ ખેડૂતોએ એક રૂપિયે કિલો કાકડી વેચાતાં વિરોધ દર્શાવવા માટે રસ્તા પર કાકડીઓ ફેંકી હતી. તે પ્રમાણે હવે ખેડૂતોને ટામેટાં ફેંકવાનો વારો આવે તેવી શક્યતા છે. એક કેરેટ ટામેટાંનો ભાવ રૂ.૧૦થી ૧૫ થતાં ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતો હોવાનું ખેડૂતોએ જણાવ્યં હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન