અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે

અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે

 | 3:09 am IST

એક વાતની સો વાતઃ દીપક સોલિયા

પેલું જૂનું ને જાણીતું ગીત તમે કદાચ સાંભળ્યું હશેઃ

તદબીર સે બિગડી હુઇ તકદીર બના લે

અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે.

આમાં તકદીર એટલે પ્રારબ્ધ એ તો બરાબર, પણ તદબીર એટલે શું? પુરુષાર્થ? ના, તદબીર એટલે ઉકેલ, ગોઠવણ, વ્યવસ્થા. સાદી ભાષામાં કહીએ તો ‘જુગાડ’. તો, આ ગીત (ગીતકાર સાહિર લુધિયાનવી) કહે છેઃ જુગાડ વડે નસીબનાં પાસાં પલટી નાખ, જાત પર ભરોસો હોય તો દાવ ખેલી નાખ.

આહવાન મોહક છેઃ અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે. દાવ લગાડવા માટેનું જગતનું સૌથી મોટું પ્લેટફેર્મ છે, શેરબજાર. આજકાલ આખી દુનિયાના શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આપણે ફ્ક્ત ભારતીય શેરબજારની વાત કરીએ તો ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારથી બજાર સરવાળે ભારે જોરમાં છે. ૨૦૧૪ની ચૂંટણી અગાઉ નિફ્ટી (દેશની ટોચની ૫૦ કંપનીઓનો સરવાળારૂપ સૂચકાંક) ૬૦૦૦ હતો, જે અત્યારે, આ લખાઈ રહ્યું છે ત્યારે ૧૦,૫૦૦ની આસપાસ છે. મતલબ કે નિફ્ટીમાં ૭૫ ટકાનો ઉછાળો આવ્યો. હવે જો છેલ્લા પોણા ચાર વર્ષમાં નિફ્ટી ૭૫ ટકા વધ્યો હોય તો નિફ્ટીની (એમાંની ૫૦ કંપનીઓની) ઇપીએસ-અર્નિંગ્સ પર શેર-શેરદીઠ કમાણી પણ ખાસ્સી વધી હોવી જોઈએ, બરાબર? ના, નિફ્ટીની ઇપીએસ જે પોણા ચાર વર્ષ અગાઉ, ૨૦૧૪ના એપ્રિલ મહિનામાં ૪૧૦ હતી, તે અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે ૪૧૪ છે. સમજો કે લગભગ એકાદ ટકાનો વધારો થયો. આ કેવું? કમાણીમાં એક ટકાના વધારા સામે બજારમાં ૭૫ ટકાનો ઉછાળો? આવું કેમ?

‘આશા. એવી એક આશા કે અત્યાર સુધી હાથતાળી દેનારા સારા દિવસો હવે હાથવેંતમાં છે.’ આ શબ્દો છે, દેશના ટોચના આર્થિક પત્રકાર, સીએનબીસી ટીવી૧૮ના કન્સલ્ટિંગ એડિટર ઉદયન મુખરજીના, જેમણે ઇપીએએસના નજીવા વધારા સામે સૂચકાંકના પ્રચંડ વધારા પાછળનું એક મહત્ત્વનું કારણ સ્પષ્ટ કરતાં પોતાની પોતાની કોલમમાં લખ્યું છેઃ ‘એ કોઈ છૂપી વાત નથી કે શેરબજાર જમણેરીઓનો ગઢ છે અને મોટા ભાગના દલાલો તથા રોકાણકારો નરેન્દ્ર મોદીના ચાહકો છે.’ તો, થયું છે એવું કે અગાઉની સરકારની સરખામણીમાં નવી સરકાર પરના ભરોસાના જોરે દલાલો અને રોકાણકારોએ શેરબજારને ઊંચક્યું છે, બહુ ઊંચક્યું છે, મસ્ત ઊંચક્યું છે.

આવામાં ક્યારેક ભરોસાના અતિરેકને કારણે માણસ ન ખેલવા જેવી બાજી ખેલવા માટે પણ લલચાઈ શકે. જ્યારે બીજી તરફ્, ભરોસો ન હોય તો ખેલવા જેવો દાવ પણ લોકો નથી ખેલતા. અહીં પણ શેરબજારનો દાખલો આપી શકાય કે મોટા કરેક્શન બાદ શેરબજારમાં પ્રવેશવાથી લાભ થઈ શકે, પરંતુ છોડો, શેરબજારની આંટીઘૂંટી તમને અઘરી લાગતી હોય તો સૌ સમજી શકે એવા છૂટાછેડા અને ભરણપોષણના ઉદાહરણ દ્વારા મામલો સમજીએ.

છૂટાછેડા અમેરિકામાં પણ થાય છે અને ભારતમાં પણ. ભરણપોષણના કેસ અમેરિકામાં પણ લડાય છે અને ભારતમાં પણ, પરંતુ બન્ને દેશોમાં એક મોટો ફ્રક એ છે કે ભારતમાં ભરણપોષણના મોટા ભાગના કેસ મહિલા દ્વારા દાખલ કરવામાં આવે છે, જ્યારે અમેરિકામાં ભરણપોષણનો વિવાદ કોર્ટ સુધી લઈ જવામાં પુરુષો અગ્રેસર હોય છે. આનું કારણ છે, ભરોસો. ભારતમાં છૂટાછેડા થાય ત્યારે સ્ત્રીને પૂરેપૂરી ખાતરી હોય છે કે એ કોર્ટમાં જશે તો જ કંઈક હાથમાં આવશે, બાકી પતિ કશું આપશે નહીં. બીજી તરફ્, અમેરિકામાં સામાન્ય રીતે છૂટાછેડા થાય ત્યારે ભણેલીગણેલી, આધુનિક સ્ત્રી ભરણપોષણની રકમનો એક આંકડો નક્કી કરીને પુરુષને જણાવે છે. અલબત્ત, મોટો આંકડો માંડયા બાદ એમાં વાટાઘાટ દ્વારા થોડી બાંધછોડ કરવા એ તૈયાર હોય છે,

પરંતુ પુરુષને સ્ત્રીની માગણી વધારે પડતી લાગવાને કારણે એ કોર્ટમાં જઈને રકમને વાજબી કરાવવા મથે એવા કિસ્સા અમેરિકામાં વધુ જોવા મળે છે.

સરવાળે આ ખેલ ‘મેળવનાર’ અને ‘ગુમાવનાર’ પાર્ટીઓ વચ્ચે છે. છૂટાછેડા વખતે સ્ત્રી ભરણપોષણ માગે ત્યારે એ દુખિયારી હોય તો પણ સરવાળે એ ‘મેળવનાર’ છે, જ્યારે પુરુષ લુચ્ચો અને જબરો હોય તો પણ પૈસાના મામલે એ ‘ગુમાવનાર’ પાર્ટી છે. અહીં ‘મેળવનાર’ અને ‘ગુમાવનાર’ની માનસિકતા સમજવા માટે ગયા લેખમાં ટાંકેલું ઉદાહરણ યાદ કરો. ઉદાહરણ એવું હતું કે દસ લાખની મૂડી ધરાવનાર રાજેશ અને ૪૦ લાખની મૂડી ધરાવનાર મુકેશને જો એવું કહેવામાં આવે કે, ૧) દાવ ખેલીને જીતો તો તમે ૪૦ લાખ રૂપિયાના ધણી બની રહેશો અને હારશો તો તમારી પાસે ૧૦ લાખ રૂપિયા જ રહેશે. ૨) દાવ ન ખેલો તો ૨૦ લાખ રૂપિયાની મૂડી પાક્કી. મતલબ કે દસ લાખના ધણી રાજેશે અને ૪૦ લાખના ધણી મુકેશે છેવટે નક્કી એ કરવાનું છે કે ૨૦ લાખની ગેરંટી સારી કે ૪૦-૧૦નો જુગાર સારો. આ કિસ્સામાં ૧૦ લાખના ધણી રાજેશે સરવાળે મેળવવવાનું જ છે એટલે એ એવું વિચારશે કે ‘૪૦ લાખ કે ૧૦ લાખ?’નો જુગાર ખેલવાનું ટાળીશ તો બદલામાં ૨૦ લાખ તો પાક્કા છે, માટે હું ૨૦ લાખ લઈને મારી મૂળ મૂડી બમણી કરીને ચાલતી પકડવાનું પસંદ કરીશ. બીજી તરફ્ મુકેશ કંઈ પણ કરે, એણે કશું મેળવવાનું નથી. એ જો જુગાર ખેલે અને જીતે તો તેની પાસે જેટલી છે એટલી જ એટલે કે ૪૦ લાખની મૂડી ટકી રહેશે પણ જો એ હારે તો એની મૂડી પોણા ભાગની (દસ લાખની) થઈ જાય. અને જો એ દાવ ન ખેલે તો નક્કી જ છે કે એની મૂડી અડધી (વીસ લાખની) થઈ જવાની. આવામાં, મુકેશ મોટે ભાગે દાવ ખેલશે, કારણ કે એના માટે દાવ ન ખેલવાથી અડધી મૂડી (૨૦ લાખ) ગુમાવવાનું પાક્કું છે, જ્યારે દાવ ખેલીને હારવાથી મૂડી પોણા ભાગની (૧૦ લાખની) થવાની શક્યતા હોવા છતાં દાવ જીતવાથી પૂરેપૂરી મૂડી (૪૦ લાખ) બચાવી શકવાની ૫૦ ટકા શક્યતા હોવાને લીધે મુકેશ દાવ ખેલવા પ્રેરાય એ શક્ય છે.

અહીં મુકેશની ગુમાવનારની માનસિકતાથી અને રાકેશ મેળવનારની માનસિકતાથી વિચારશે. એમ, અમેરિકન સ્ત્રી મેળવનારની માનસિકતાથી એવું વિચારશે કે કોર્ટની બહાર વાટાઘાટથી મામલો પતી જાય તો સારું, પરંતુ પૈસા ગુમાવનાર પુરુષ એવું વિચારશે કે કોર્ટનો ખર્ચ વેઠયા પછી પણ સ્ત્રીને આપવાની રકમ ઘટાડી શકાતી હોય તો કોશિશ કરવા જેવી ખરી. પછી શક્ય છે કે પુરુષ કોર્ટમાં હારી જાય. એવું થાય તો ભરણપોષણ તો સ્ત્રીએ જેટલું ઠરાવેલું એટલું આપવું જ પડે અને ઉપરથી કોર્ટનો ખર્ચ પણ ભોગવવો પડે. છતાં, છૂટાછેડાના અનેક કિસ્સાઓમાં સ્ત્રીએ માગેલી રકમ ઘટાડવા માટે પુરુષો કોર્ટના પગથિયાં ચડવા પ્રેરાય છે. એ વખતે એનું પ્રેરકબળ હોય છે એક એવો ભરોસો કે ‘કોર્ટ મારી ‘ખોટ’ ઘટાડશે.’

તો મુદ્દો એ છે કે મેળવવા-ગુમાવવાના ખેલના મોટા ભાગના કિસ્સામાં મોટા ભાગના માણસો કોરા તર્ક કે આંકડાથી નથી વિચારતા, પરંતુ લાભ પર ભરોસો મૂકીને કે નુકસાનના ડરથી પ્રેરાઈને વિચારે છે. આ ભરોસો કે ડર, એ તર્કનો નહીં, લાગણીનો મામલો છે. અહીં સવાલ એ થાય કે માણસ પૈસા જેવા હાર્ડકોર લોજિકલ મામલામાં લાગણીથી શા માટે પ્રેરાય છે? શું માણસના મગજનું વાયરિંગ જ એવું થયેલું છે? શું આ વાયરિંગ બદલવું જોઈએ? શું આ વાયરિંગ બદલી શકાય? આવા બધા પાયાના સવાલો વિશે વધુ વાત, આવતા લેખમાં. (ક્રમશઃ)