કેનેડા જવા ટ્રાય કરો છો તો ખાસ વાંચો આ સ્ટોરી નહિં તો પસ્તાશો - Sandesh
  • Home
  • Ahmedabad
  • કેનેડા જવા ટ્રાય કરો છો તો ખાસ વાંચો આ સ્ટોરી નહિં તો પસ્તાશો

કેનેડા જવા ટ્રાય કરો છો તો ખાસ વાંચો આ સ્ટોરી નહિં તો પસ્તાશો

 | 5:33 pm IST

આપણે ત્યાંથી અનેક યુવાઓ વિદેશમાં સ્થાયી થઇને સારી આવક મેળવવાની ઇચ્છા ધરાવતા હોય છે. આ  માટે કેટલીક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવી જેતે દેશમાં જવા વીઝા કન્સલટન્ટની મદદ લેતા હોય છે. જો તમે કે તમારા સંબંધી પણ આમાંના એક હોય તો સાવધાન થઈ જાઓ. વીઝા પરમીટના નામે છેતરપીંડી કરતી અનેક ફર્મ પણ કામ કરે છે અને યુવાનો છેતરાય જાય છે. આવી એક અમદાવાદમાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. અમદાવાદના નારણપુરામાં રહેતા તરૂણ શર્મા નામના યુવકે આ ફરિયાદ નોંધાવી તેની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાવ્યું છે.

અમદાવાદના નારણપુરામાં રહેતો અને એમબીએ સુધી અભ્યાસ કરેલો યુવક તરુણ શર્મા કેનેડા જઇને સેટલ થવા ઈચ્છતો હતો. જેથી ગત જાન્યુઆરી 2017માં મોબાઇલ ફોનથી વીઝા અંગે ઓનલાઇન તપાસ કરતા, ચેન્નાઇમાં મારીયો કન્સલ્ટન્સી હોવાની જાણ થતાં, ત્યાં કોલ કર્યો હતો જ્યાં ગ્રેસી નામની એક યુવતીએ તેમને ખાતરી આપી હતી કે માત્ર ચાર લાખ રૂપિયામાં તેમની ફર્મ કેનેડાના વીઝા અને નોકરીની વ્યવસ્થા કરી આપશે.

તરૂણને વિશ્વાસ આવતા તે ચેન્નાઇ ગયા હતા અને મારીયો વીઝા ફર્મના માલિક પી રાજેશ અને રાજકુમારી મુરગનને મળ્યા હતા.જ્યાં તેમણે બે લાખ રૂપિયા એડવાન્સ રૂપિયા માંગ્યા હતા અને જરૂરી કાગળો પણ મંગાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ પરત આવીને તરૂણે જરૂરી કાગળો મોકલી આપ્યા હતા અને બે લાખ રૂપિયા પણ ફર્મના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ 30 દિવસમાં વીઝા આપવાની વાત પણ કરવામાં આવી હતી પણ 30 દિવસ બાદ ફોન કરતા તેમને સંતોષકારક જવાબ મળતો ન હતો. જો કે એક વાર ફોન કરતા ફર્મના માલિકે ફાઇનલ વીઝા પ્રોસેસ માટે ઓરીજીનલ પાસ પોર્ટ અને કાગળો મંગાવ્યા હતા. જેથી તરૂણે ચેન્નાઇ ખાતે કાગળો મોકલી આપ્યા હતા.

એક મહિના બાદ વીઝા વિશે તપાસ કરતા તે ફર્મને તાળા મારી દેવામાં આવ્યું હોવાનું જણાયું હતું. આથી તરુણને આંચકો લાગતા તેણે વધું તપાસ હાથ ધરી હતી. જેમાં તેને ખબર પડી હતી કે આરોપીઓ હજારો લોકોના કરોડો રૂપિયા લઇને જવાબ આપતા  ન હતા. તેમણે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પણ કોઈ જવાબ ન મળતાં આખરે સીટી પોલીસ કમિશનર એ કે સિંગનો સંપર્ક કર્યો હતો. તેમની સાથે થયેલી છેતરપીંડી અંગે જાણ કરી હતી. પોલીસ કમિશનરે આ બાબતને ગંભીરતાથી લઇને ઘાટલોડીયા પોલીસને ફરિયાદ નોંધી તપાસ કરવાના આદેશ કરતા છેવટે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. જોકે પૈસા લઈને ભાગી જનારાના હજીસુધી કોઈ સુરાગ મળ્યા નથી.