ભુજના આર્મી સ્ટેશનમાં પંજાબ રેજિમેન્ટમાં ફરજ બજાવતા એક ર૬ વર્ષીય જવાને બાથરૃમ બંધ કરી પોતાની સર્વિસ રાઈફલ વડે ફાયરિંગ કરી અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધાના બનાવને હજી ગણતરીના જ કલાકો થયા છે, ત્યારે કચ્છ બોર્ડર બાંધા કેમ્પ ખાવડા ખાતે વધુ એક જવાન હવાલદારે પોતાના મશીનગનથી આત્મહત્યા કરી લેતાં લશ્કરી બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.

ખાવડા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ઓએમસી રેજિમેન્ટમાં હવાલદાર તરીકેની નોકરી બજાવતા ક્રિપાલદત્ત મુરલીધરદત્ત (ઉ.વ.4૩) નામના જવાને સવારના 9.૩૦ વાગ્યાના અરસામાં રૃમમાં પોતાની સર્વિસ કાર્બન મશીનગનથી જમણી બાજુના ગળાના સાઈડમાં એક ફાયર કરીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ લાન્સ નાયક કાંતિપ્રસાદે ભુજની એમએસ હોસ્પિટલ ખાતેથી ખાવડા પોલીસને કરી હતી. બનાવની જાણ થતાં ખાવડા પીએસઆઈ ચૌધરી સહિતનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને આ હવાલદાર ક્રિપાલ દત્તે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગેની છાનબીન હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ભુજ કેમ્પ ખાતે ગઈકાલે જ એક જવાને આત્મહત્યા કરી લીધી હતી અને આજે અન્ય એક જવાને આત્મહત્યા કરી લીધી છે. ઉપરાઉપરી આત્મહત્યાના બે બનાવો બનતાં આર્મીના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે અને આત્મહત્યા શા કારણોસર જવાનો કરી રહ્યા છે તે શોધવા માટે કવાયત કરી રહ્યા છે. આત્મહત્યા કરવા પાછળનો કારણ શું કોઈ ઉપલી અધિકારીનું દબાણ કે પછી નોકરીના ટેન્શનના લીધે જવાનો આત્મહત્યા કરી રહ્યા છે?. હવાલદાર ક્રિપાલ બાંધા કેમ્પ ઓએમસી રેજિમેન્ટની કંપની નં.6935317-ટી યુનિટમાં ફરજ બજાવી રહ્યો હતો. હવાલદારના મૃતદેહને ભુજની જનરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ આવવામાં આવ્યો છે. પીએમ કર્યા બાદ તેમના મૃતદેહને તેમના વતન લઈ જવામાં આવશે. આ અંગે જ્યારે ખાવડા પીએસઆઈ ચૌધરી સાથે વાત થતાં તેમણે જણાવ્યું હતું કે, જવાનની આત્મહત્યા પાછળની તપાસ હજુ ચાલુમાં છે માટે વધુ વિગત મળી શકી ન હતી.