મુંબઈ, 31 ડિસેમ્બર
સાઉથનાં જાણીતા સ્ટાર અભિનેતા અને નિર્દેશક કમલ હસન દ્વારા નિર્દેશિત ફિલ્મ વિશ્વરૂપમ 11મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ એકસાથે તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. 150 કરોડનાં ખર્ચે બનેલ આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ફિલ્મ માનવામાં આવે છે. ફિલ્મમાં કમલ હસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
સસ્પેન્સ અને એકશન ફિલ્મમાં નિર્દેશક શેખર કપૂર પણ અભિનય કરતાં જોવા મળશે. આ ફિલ્મ મોંઘા બજેટ સાથે ભારતમાં બની હોવાથી રિલીઝ થયાં પહેલાં જ ચર્ચામાં આવી ગઈ છે. જો કે આ ફિલ્મની સાથે અન્ય બે ફિલ્મો 'મટરૂ કી બીજલી કા મંડોલા' અને 'જિલા ગાજિયાબાદ' પણ રિલીઝ થઈ રહી છે. 'વિશ્વરૂપમ' ફિલ્મની ખાસિયત એ છે કે આ ફિલ્મનાં રાઈટ્સ ડીટીએચને પણ વેચી દેવામાં આવ્યાં છે, જેથી ફિલ્મનાં રિલીઝના દિવસે જ લોકો આ ફિલ્મને ટીવી પર પણ જોઈ શકશે. જો કે કમલ હસનનાં આ પ્રયોગથી થિએટરોનાં માલિકોમાં નારાજગી જોવા મળી છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આ ફિલ્મનાં વિતરણનું કામ એકતા કપૂર જોઈ રહી છે. આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ અમેરિકા અને કેનેડામાં કરવામાં આવ્યું છે.કમલ હસન જણાવે છે કે તેની શેખર કપૂર સાથે ઘણાં સમયથી કામ કરવાની ઈચ્છા હતી.