180X600.jpg
Jul 23,2016 08:33:01 PM IST
 

ઉફ... આ ગરમી! સમરમાં સાચવો સ્વાસ્થ્ય

Apr 15, 2013 18:40 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2868
Rate: 1.5
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - તૃપ્તિ ભટ્ટ

બળબળતા તાપના દિવસો શરૂ થઈ ગયા છે ત્યારે જો આકરો તાપ તમારું રૂપ ન બાળી નાખે તે જોજો. તાપમાં નીકળતા પહેલાં સ્વાસ્થ્ય અને સૌંદર્યની કેર કેવી રીતે કરવી, તે વિશે થોડું સમજી લઈએ. દરેક સીઝનની એક મજા હોય છે જો સીઝનની પ્રકૃતિ પ્રમાણે વર્તવામાં આવે તો હેલ્થની સાથે સીઝનની મજા માણી શકાય છે

સીઝન પ્રમાણે આપણી જીવનશૈલીમાં થોડા ઘણા ફેરફાર કરવા જરૂરી બની જાય છે. આઉટફિટથી માંડીને ઇન્ટીરિયર સુધી બધું જ ચેન્જ કરવાથી સમરને સુટેબલ બનાવી શકાય છે. સમરમાં સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ કિરણો રૂપને દઝાડે છે, તો સ્મૂધ હેરની પણ અવદશા કરી નાખે છે ત્યારે સમરમાં ઘરમાં થોડું કૂલ વાતાવરણ રહે તેવું ઇન્ટીરિયર કરીએ અને સ્વાસ્થ્ય માટે થોડા કેરફુલ રહીએ તો સમરની સજાને મજામાં ફેરવી શકાય છે.

સ્કિનકેર ઇન સમર

ઉનાળામાં સૂર્યનાં આકરાં કિરણોથી સ્કિનનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. સનબર્ન થઇ જવાથી સ્કિન ઓરિજિનલ કલરથી વધુ ડાર્ક થઈ જાય છે. સૂર્યનાં યુવી કિરણોને લીધે સ્કિનના કોષનું જાળું ડેમેજ થાય છે જેના લીધે સનબર્ન થાય છે. સૂર્યનાં કિરણોની તીવ્રતાને હિસાબે તેને ત્રણ સ્ટેજમાં વહેંચવામાં આવ્યાં છે. યુવીએ, યુવીબી અને યુવીસી. યુવીબી અને યુવીસીની તીવ્રતા ઓછી હોવાથી તે સ્કિન માટે ઓછાં નુકસાનકારક છે જ્યારે યુવીએને લીધે સનબર્ન થાય છે અને યુવીએ કિરણોને લીધે સ્કિન કેન્સર પણ થઇ શકે છે. એટલા માટે જ ઉનાળામાં સવારના દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લા તાપમાં ન ફરવું જોઇએ. જો બપોરે બહાર જવાનું થાય તો શક્ય તેટલું શરીર કવર થાય તેવા જ આઉટફિટ પ્રિફર કરવા. સમરમાં સ્લિવલેસ કે હાફ સ્લિવને બદલે ફુલ સ્લિવના આઉટફિટ જ પસંદ કરવા જોઇએ. બપોરે બહાર જાવ ત્યારે વીસ મિનિટ પહેલાં જ સનસ્ક્રીન લગાવીને નીકળવું. સમરમાં જેમની ઓઇલી સ્કિન હોય તેમની સ્કિન વધુ ઓઇલી બની જાય છે તેથી ચહેરાને ઠંડા પાણીથી દિવસમાં ત્રણથી ચાર વખત ધોવાનો આગ્રહ રાખો. સ્કિનને રિલેક્સ આપવા માટે વીકમાં એક વાર ફ્રૂટનું ફેશિયલ કરો. જે સ્ટ્રેસ રિલિવરનું કામ કરે છે. નિયમિત પેડિક્યોર અને મેનિક્યોર પણ સ્કિન અને નેઇલમાં મોઇશ્ચરને ટકાવી રાખવા માટે જરૂરી છે. આઉટફિટ માટે સિન્થેટીક કપડાને બદલે પ્યોર કોટનને પ્રિફર કરો.

સનબર્નનો ઉપાય

પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. સૌ પ્રથમ તો બળબળતા તાપથી જાતને બચાવીને જતન કરવું એ શાણપણભર્યું પગલું છે અને છતાં પણ જો સનબર્ન થઇ જાય તો તેનો ઉપાય શું કરવો તે પણ સમજી લઇએ. તાપમાં સ્કિન કાળી પડી ગઇ હોય તે માટે અનેક ઘરેલુ નુસખાઓ છે. કાચું દૂધને સ્કિન પર લગાવવાથી પણ સનબર્નમાં રાહત મળે છે. મધ અને લીંબુનો રસ મિક્સ કરીને સ્કિન પર લગાવવાથી તાપમાં કાળી પડેલી સ્કિનની કાળાશ ઓછી થાય છે. તદુપરાંત એલોવેરા ક્રીમ પણ સનબર્નમાં અકસીર છે. એલોવેરા બેઇઝડ મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવવાથી પણ સનબર્નમાં થતો દાહ ઓછો થાય છે અને શીતળતા મળે છે. સમરમાં સ્કિન ડિહાઇડ્રેટ થઈ જતી હોય છે તેના લીધે સ્કિન ડ્રાય બની જાય છે આ માટે પણ એલોવેરા બેઇઝડ મોઇશ્ચરાઇઝર ક્રીમ અકસીર ઉપાય છે. સનબર્નમાં હંમેશાં ઠંડા પાણીથી નાહવાનો આગ્રહ રાખો.

હેરકેર ઇન સમર

સમરમાં જો વાળની કેર ન રાખવામાં આવે અને સીધાં જ સૂર્યનાં આકરાં કિરણો વાળ પર પડે તો વાળની સ્મૂધનેશ જતી રહે છે વાળ બટકણા અને રફ બની જાય છે તેથી તાપમાં જતાં પહેલાં સ્કાર્ફ અથવા કેપથી વાળને બરાબર કવર કરી લો. જેથી સૂર્યનાં આકરાં કિરણો સીધાં જ હેર પર ન પડે. સમરમાં હેરની કેર કરવા માટે વાળને ખુલ્લા રાખવાનું ટાળો. સમરમાં ચોટલો, પોનીટેઇલ બેસ્ટ હેરસ્ટાઇલ છે. હેર સ્પા અને કૂલિંગ હેરપેક પણ સમરમાં હેરકેર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જે હેરને શાઇની અને સ્મૂધ બનાવે છે. જેવી રીતે સમરમાં ઓઇલી સ્કિન વધુ ઓઇલી બની જાય છે તેવી જ રીતે માથાની સ્કિન પણ ઓઇલી બની જાય છે. તેથી વીકમાં બેથી ત્રણ વખત હેર વોશ કરો. હેરને હર્બલ શેમ્પૂથી જ વોશ કરો અને કંડિશનર કરવાનું ન ભૂલો. સ્કિનની જેમ સમરમાં હેર પણ ડિહાઇડ્રેટ થઇ જતાં હોય છે તેથી તેના માટે એલોવેરા સિરમનો ઉપયોગ કરો જે વાળને પોષણ આપીને સ્મૂધ બનાવે છે.

આઇકેર ઇન સમર સીઝન

જેવી રીતે સૂર્યનાં યુવી કિરણો સ્કિનને નુકસાન કરે છે તેવી જ રીતે આંખ પણ બહુ જ નાજુક અંગ છે તેથી સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખ માટે નુકસાનકારક સાબિત થાય છે. સ્કિનને તાપથી બચાવવા માટે ૧૦૦ ટકા યુવી કિરણોથી પ્રોટેક્ટ કરતાં સન ગ્લાસ જ પ્રિફર કરો. યુવી પ્રોટેક્ટેડ લેન્સવાળા ગોગલ્સ જ ખરીદવાનો આગ્રહ રાખો. સ્કિનની જેમ સમરમાં આઇની કેર ન લેવામાં આવે તો આંખ પણ ડિહાઇડ્રેટ થઈ જાય છે તેથી આંખની સુરક્ષા માટે પણ દિવસમાં બે લિટર પાણી પીવો. સમરમાં ગરમીમાં આંખ બળતી હોય કે આંખને રિલેક્સ કરવી હોય તો આંખને માટલાના ઠંડા પાણીથી ધોવાનું રાખો. સમરમાં સ્વિમિંગ કરવાનો શોખ ધરાવતા હો તો પણ સ્વિમિંગ પુલનું ક્લોરિનવાળું પાણી આંખને નુકસાન કરી શકે છે તેથી સ્વિમિંગ કરતી વખતે પણ ગોગલ્સનો ઉપયોગ કરવાનું ન ભૂલો.

ઘરને કૂલ રાખો

ઘરને કુદરતી રીતે કૂલ રાખવામાં આવે તો તેની મજા કંઈક ઔર જ હોય છે. આ માટે ઘરની બારીમાં વાંસની ટટ્ટીના પડદા લગાવો. પડદાને ઠંડા પાણીમાં પલાળીને લગાવવાથી સુંદર મહેક પણ આવે છે અને રૂમમાં શીતળતા અનુભવાય છે.

 ફાઉન્ટન પણ એક સુંદર ઓપ્શન છે. આજકાલ ટેબલ પર, ટિપોય પર કે ઘરના સેન્ટર ટેબલ પર સજાવી શકાય તેવા નાની મોટી સાઇઝના ફાઉન્ટન મળે છે જે ઠંડક આપે છે. આ સિવાય ઘરના આંગણા માટે પણ મારબલના મટીરિયલમાં સુંદર ડિઝાઇનમાં રેડીમેઇડ ફાઉન્ટન મળે છે જે ઇન્ટીરિયરને કુદરતી ટચ આપવાની સાથે ઘરને કૂલ રાખે છે. તદુપરાંત ઇન્ડોર પ્લાન્ટ પણ એક સારો ઓપ્શન છે. મની પ્લાન્ટથી માંડીને એવા અનેક ઇન્ડોર પ્લાન્ટ છે જે સમરમાં પણ લીલાછમ રહે છે અને આસપાસનું વાતાવરણ ઠંડું રાખે છે.

ન્યૂ બોર્ન બેબીની કેર કરો

જો આપના ઘરમાં ન્યૂ બોર્ન બેબી હોય તો તાપથી તેમને બચાવવા માટે ન્યૂ બોર્ન બેબીની વિશેષ કાળજી લેવી પડે છે. તેમને ભરબપોરે બહાર લઇ જવાનું હંમેશાં અવોઇડ કરો અને કોઈ કારણસર બહાર જવાનું થાય તો બાળકને કપડામાં કવર કરીને જ બહાર નીકળો. ઘરમાં પણ બાળકને તાપ કે ગરમીનો અનુભવ ન થાય તેવા ઠંડા માહોલમાં જ રાખો. ગરમીને લીધે બાળકની સ્કિન પર તરત રેશિસ પડી જાય છે તેથી બેબી પાઉડરનો ઉપયોગ કરો. બાળકને નિયમિત સ્નાન કરાવીને ફ્રેશ રાખો. ન્યૂ બોર્ન બેબી હોય એટલે સ્વાભાવિક છે કે તે બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય. તો માતા જ્યારે તાપમાંથી ઘરે આવે તો તરત જ ફીડિંગ ન કરાવતા થોડી વાર ઘરના ઠંડા વાતાવરણમાં રહીને ત્યારબાદ જ ફીડિંગ કરાવે. તાપમાંથી આવીને તરત ફીડિંગ કરાવવાથી પણ બાળકને નુકસાન થાય છે.

લૂ લાગવાનાં લક્ષણો

શરીરમાં જ્યારે પાણીનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે શરીરમાં તાપમાન વધી જાય છે અને પેશન્ટને ચક્કર આવવા લાગે છે. પરસેવો વળતો સંપૂર્ણ બંધ થઈ જાય છે. પેશાબ રોકાઈ જાય છે. ઉબકા આવે છે. આ પરિસ્થિતિને મેડિકલ ભાષામાં હાઇપરથરમિયા કહે છે. જ્યારે ટેમ્પરેચરને લૂ લાગી જાય છે તેને હાઇપરથરમિયા કહે છે અને ખૂબ જ ઠંડીમાં જો ઠંડી લાગી જાય તો તેને હાઇપોથરમિયા કહે છે.

 લૂ લાગવાના ઉપાય 

સૌ પ્રથમ તો ગરમી ન લાગી જાય તે માટે સમરમાં વધુ લિક્વિડ લેવુ જોઇએ. પાણીથી ભરપૂર હોય તેવાં ફળ તરબૂચ, ટેટી લેવાં જોઈએ. ખસ, ધાણા,વરિયાળી, ફાલસાનું શરબત પીવું જોઇએ. ખાસ કરીને ઘરેથી નીકળતા પહેલાં લીંબુનું શરબત પીને જ નીકળો. જો બેકાળજી રાખવાથી લૂ લાગી જાય તો પહેલાં ડોક્ટરને જ તાત્કાલિક બતાવવું જોઇએ. ઘરગથ્થુ ઉપચારમાં ઠંડા પાણીનાં પોતાં શરીર પર મૂકી શકાય. આખાય શરીરમાં ઠંડા પાણીથી સ્પંજ કરો. પગનાં તળિયાંમાં કાંસાની વાટકીથી ગાયનું ઘી ઘસો અથવા ડુંગળીનો રસ પણ ઘસી શકાય. કાચી કેરી અને ડુંગળીનું કચુંબર પણ લૂમાં હિતકારી છે.

ડાયટ ટિપ્સ ફોર સમર

- પાણીવાળાં ફ્રૂટ અને શાકભાજી લેવાં. જેમ કે, તુરિયાં, ગલકાં, તરબૂચ, ટેટી.

- દસથી બાર ગ્લાસ પાણી પીવું. તાપમાં ફરવાનું હોય તો ચૌદ પંદર ગ્લાસ દિવસ દરમિયાન પાણી પીવું જોઇએ.

- બરફનું પાણી અવોઇડ કરવું. બરફનું પાણી પીવાથી શરીરનું ટેમ્પરેચર એકદમ ચેન્જ થાય છે જે નુકસાનકારક છે.

- વધુ પડતાં સ્પાઇસી ખોરાક ન લેવા અને સાંજનું ભોજન હળવું જ લેવું.

- ઉનાળામાં વધુ ઠાંસી ઠાંસીને ન ખાવું પણ ભૂખથી થોડું ઓછું ખાવું જોઇએ.

- પરસેવામાં નમક જતું હોવાથી નમકવાળો ખોરાક વધુ પડતો અવોઇડ ન કરવો નહીંતર નમક શરીરમાંથી ઘટી જાય છે.

 
Share This
 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com