Nov 23,2014 03:04:05 PM IST
 

ગ્રહોનાં યંત્રો દ્વારા લાભ મેળવો

Apr 17, 2013 18:16 Supplements > Nakshatra
 
comment     E-Mail     Print    
 
Viewed: 7037
Rate: 3.9
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી

ગ્રહોની અનુકૂળ અસર મેળવવા માટે નવગ્રહ યંત્રનું પૂજન કરી શકાય. જન્મકુંડળીમાં કોઈ વિશેષ ગ્રહ જ ખરાબ પરિણામ આપતો હોય તો તે ગ્રહના યંત્રનું પૂજન કરવું જોઈએ. ગ્રહોનાં યંત્રો અને તેનાથી થતા લાભ જાણીએ...

જન્મકુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય કે ખરાબ ફળ આપતો હોય ત્યારે તેને સબળ કે અનુકૂળ બનાવવો જોઈએ. કુંડળીનો અશુભ ગ્રહ વ્યક્તિના દરેક પ્રકારના વિકાસને અટકાવી દે છે તથા તેને માંદગીમાં પણ ધકેલી દે છે. ગ્રહને અનુકૂળ બનાવવા માટે રત્ન ધારણ, મંત્ર જાપ, દોષ નિવારણ વિધિ, દાન વગેરે કરી શકાય, પરંતુ આ બધાંમાં સૌથી અસરકારક અને ઓછો ખર્ચાળ ઉપાય યંત્રપૂજન છે. જે-તે ગ્રહનાં યંત્રોનું પૂજન કરવાથી તે અનુકૂળ બને છે અને શુભ ફળ આપે છે. સાથે-સાથે તે વ્યક્તિને રોગમુક્ત પણ કરે છે.

સૂર્ય યંત્ર

જન્મકુંડળીમાં સૂર્ય ગ્રહ અશુભ હોય, નબળો હોય અથવા સૂર્ય ગ્રહની મહાદશા કે અંતર્દશા ચાલી રહી હોય તો આંખોમાં કોઈ ને કોઈ પ્રકારની પીડા કે રોગ તથા હાડકાંસંબંધી રોગ થવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં સૂર્ય યંત્રના પૂજનથી વિશેષ લાભ મળે છે.

ચંદ્ર યંત્ર

ચંદ્ર યંત્રની સાધના માનસિક સુખ-શાંતિ તથા આર્થિક સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. આ યંત્રનાં દરરોજ દર્શન કરવાથી વ્યક્તિનું મન પ્રસન્ન રહે છે. જેનાથી અન્ય લોકો સાથે તેનો વ્યવહાર સરળ બને છે અને પોતાની મૃદુલ પ્રકૃતિથી તે સફળતાનાં શિખરો સર કરે છે. મન સતત અશાંત રહેતું હોય કે કોઈ કાર્યમાં ન લાગતું હોય એવી સ્થિતિમાં ચંદ્ર યંત્રનું દરરોજ પૂજન-દર્શન કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે.

મંગળ યંત્ર

જન્મકુંડળીમાં મંગળ ગ્રહ અશુભ હોવાથી રક્તચાપ, ખરજવું, ફોડા-ફુન્સી, રક્તસ્રાવ, કોઢ, આકસ્મિક દુર્ઘટનાથી થતા રોગ, ગુપ્ત રોગ, શરીરે સોજા, વાત અને પિત્તસંબંધી રોગ થાય છે તથા અગ્નિભય રહે છે. અથાક પરિશ્રમ કરવા છતાં પણ મનોવાંછિત સફળતા ન મળે અને નિષ્ફળતાનું પ્રમાણ વધી જાય. વારંવાર અપયશનો સામનો કરવો પડે એવી સ્થિતિમાં મંગળ ગ્રહ ખૂબ જ લાભકારી સિદ્ધ થાય છે. આ યંત્રની સન્મુખ સિદ્ધિ વિનાયક મંત્રનો જાપ કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે. ક્યાંય અપમાન થતું નથી, પરંતુ પ્રતિષ્ઠા વધે છે.

બુધ યંત્ર

જન્મકુંડળીમાં બુધ ગ્રહ અશુભ હોય તો ગળાના રોગ, હિસ્ટિરિયા, ચક્કર આવવા, ત્રિદોષ જ્વર, ક્ષય રોગ, મંદાગ્નિ, ઉદર રોગ વગેરે થાય છે. બુધ ગ્રહનો સંબંધ સૌમ્યતા તથા બુદ્ધિ સાથે છે. ખાસ કરીને તેનો પ્રભાવ બુદ્ધિ પર વધારે રહે છે. બુધ યંત્રની સાધના-પૂજા બુદ્ધિ તથા વિદ્યાના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે લાભદાયી છે. આ યંત્રનાં દરરોજ દર્શન માત્ર કરવાથી વ્યક્તિની બુદ્ધિ કુશાગ્ર બને છે, વ્યવહારમાં સૌમ્યતાની વૃદ્ધિ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.

ગુરુ યંત્ર

ગુરુને બૃહસ્પતિના નામે પણ ઓળખવામાં આવે છે. ગુરુ યંત્રની સાધના મુખ્યત્વે વિદ્યાપ્રાપ્તિ, યશ, ધન, આધ્યાત્મ સુખ-શાંતિ માટે વિશેષ લાભદાયી હોય છે. આ યંત્રનાં દર્શન કરનાર વ્યક્તિની અભ્યાસ કરવાની ક્ષમતા અને યાદશક્તિમાં વૃદ્ધિ થાય છે. જેથી તેનામાં નવી ચેતનાનો ઉદય થાય છે. આ યંત્રનું પૂજન કરનાર વ્યક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની બુદ્ધિ-વિવેકથી સફળ થાય છે. જો કન્યાના વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ગુરુ યંત્રની ઘરના મંદિરમાં સ્થાપના કરીને તેનું દરરોજ ધૂપ-દીપ સહિત પૂજન કરવું જોઈએ. જો અભ્યાસમાં કોઈ પ્રકારની બાધાઓ આવતી હોય, કોઈ બાબતમાં મન ન લાગતું હોય એવી પરિસ્થિતિમાં ગુરુ યંત્રનું દરરોજ પૂજન કરવાથી લાભ મળે છે.

શુક્ર યંત્ર

શુક્ર યંત્રની સાધના કે પૂજન ભૌતિક સુખ, સંપત્તિ, ધન, ઐશ્વર્યની વૃદ્ધિ માટે કરવું જોઈએ. શુક્ર યંત્રનાં દરરોજ દર્શન-પૂજન કરવાથી સાધકને જીવનમાં ક્યારેય ભૌતિક સુખ-સંપત્તિની ઊણપ વર્તાતી નથી. લગ્નજીવનમાં દાંપત્ય સુખની વૃદ્ધિ થાય છે તથા પતિ-પત્નીના સંબંધોમાં સરળતા અને પ્રેમ જળવાઈ રહે છે.

શનિ યંત્ર

મૃત્યુ, દેવું, કોર્ટકેસ, આર્થિક નુકસાન, વાત અને હાડકાંના રોગ તથા અન્ય તમામ પ્રકારના રોગોથી બચવા માટે શનિ યંત્રનું પૂજન ખૂબ જ ઉપયોગી સિદ્ધ થાય છે. નોકરિયાતવર્ગને ઉન્નતિ શનિ દ્વારા જ મળે છે, તેથી આ યંત્ર ખૂબ જ ઉપયોગી છે. તેના દ્વારા શીઘ્ર લાભ મેળવી શકાય છે.

રાહુ યંત્ર

અથાક પરિશ્રમ કરવા છતાં પણ તે પરિશ્રમનું પૂરતું ફળ ન મળતું હોય તથા વારંવાર વ્યવસાયમાં પરિવર્તન કરવું પડતું હોય તો આવી સ્થિતિમાં રાહુ યંત્રની પૂજા-આરાધના કરવી જોઈએ. તેનાથી મનોવાંછિત લાભ થાય છે. કોર્ટ-કચેરી વગેરે કારણસર આવનારી મુશ્કેલીઓથી બચવા માટે જ રાહુ યંત્રની ઘરના મંદિરમાં સ્થાપના કરીને વિધિવત્ પૂજા કરવાથી રાહુના અનિષ્ટ ફળમાંથી મુક્તિ મળે છે.

કેતુ યંત્ર

કેતુ યંત્રની પૂજા માનસિક વેદના તથા બિનજરૂરી આકસ્મિક વ્યાધિઓથી બચવા માટે કરવામાં આવે છે. જો મન સતત અશાંત રહેતું હોય તો આ યંત્રની પ્રતિષ્ઠા કરીને દરરોજ પૂજન-દર્શન કરવાથી મન શાંત થાય છે. જેનાથી માનસિક તથા શારીરિક રીતે સ્વાસ્થ્ય લાભ થાય છે.

લાભકારક યંત્રો ગાયત્રી યંત્ર

ગાયત્રી યંત્રને પાપને નષ્ટ કરનારું અને પુણ્યનો ઉદય કરવાની અદ્ભુત શક્તિનો પૂંજ કહેવામાં આવે છે. ગાયત્રી યંત્રની પૂજા-ઉપાસના કરવાથી વ્યક્તિને સુખ-સંપત્તિ અને શાંતિ મળે છે તથા સમય આવે વિષ્ણુલોકમાં સ્થાન મળે છે. સાથે-સાથે અનેક જન્મોનાં પાપ નષ્ટ થાય છે અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

સરસ્વતી યંત્ર

બુદ્ધિને કુશાગ્ર કરવા માટે, મંદબુદ્ધિની વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરવા માટે તથા સ્મરણ શક્તિ વધારવા માટે સરસ્વતી યંત્ર ખૂબ જ ઉપયોગી સિદ્ધ થાય છે. જો વિદ્યાર્થી અથવા કલા સાથે સંકળાયેલી વ્યક્તિ દરરોજ સરસ્વતી યંત્રનું પૂજન કરે તો સફળ થાય છે.

બગલામુખી યંત્ર

બગલામુખી એ શત્રુઓની સંહારક શક્તિ છે. બગલામુખી તથા તેના યંત્રની સાધના-પૂજા કરવાથી શત્રુભયમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિમાં વાક્ચાતુર્ય વિકસે છે. બગલામુખી યંત્રના પૂજનથી શત્રુઓનો નાશ થાય છે અને સાધકનું જીવન નિષ્કંટક બની જાય છે. આ યંત્રના પૂજન થકી શત્રુઓ પર વિજય અને મનોવાંછિત સફળતા મળે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com