180X600.jpg
Jul 28,2016 08:21:03 AM IST
 

સવજીભાઇ ધોળકિયા : સફળતા જેટલી મોડેથી મળે છે એટલી મજબૂત હોય છે

Apr 20, 2013 19:52 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2001
Rate: 4.0
Rating:
Bookmark The Article

ધ સક્સેસ સ્ટોરી -

કેટલાક કારોબાર એવા હોય છે કે જેમાં કોઠાસૂઝ ધરાવનારા લોકો જ કાઠું કાઢે છે. એમાં એજ્યુકેશનલ ડિગ્રી એટલો ભાગ ભજવતી નથી. હીરાનો કારોબાર એવો જ છે. એવા કેટલાય હીરા કારોબારી છે જે કોઠાસૂઝ અને જાતબળે આગળ આવ્યા છે અને પોતાનો ઝંડો લહેરાવ્યો છે. હરિક્રિષ્ના એક્ષપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના પાયોનિયર તેમજ 'કિસ્ના' જેવી દેશભરમાં લોકપ્રિય જ્વેલરી બ્રાન્ડના પ્રણેતા સવજીભાઈ ધોળકિયા આવું જ એક વ્યક્તિત્વ છે. અમરેલીના એક નાના ગામમાંથી આવેલા સવજીભાઈનો ડાયમંડ એક્ષપોર્ટનો કારોબાર ૫૦ દેશોમાં ફેલાયેલો છે. ૩૭ વર્ષ પહેલાં સવજીભાઈ અમરેલીથી સુરત આવ્યા હતા. ૧૯૭૭માં તેમણે હીરાના કારીગર તરીકે શરૂઆત કરી હતી. એ વખતે મહિને ૧૭૯ રૂપિયાના પગારે જોડાયા હતા.આજે તેમની કંપની વર્ષે ૨૧૦૦ કરોડનો એક્ષપોર્ટ કારોબાર ધરાવે છે. તેમના નેજા હેઠળ ૧૮૦૦ માણસો કામ કરે છે.

અભૂતપૂર્વ સફળતા પાછળ પરસેવાનિચોડ સંઘર્ષ રહેલો હોય છે. પોતાની સફળતા વિષે સવજીભાઈ કહે છે કે 'આટલો મોટો કારોબાર થશે એવું ક્યારેય વિચાર્યું નહોતું. તેર વર્ષની વયે હું ગામ છોડીને સુરત આવ્યો હતો. મારી તો આવવાની ઇચ્છા નહોતી, પણ મારાં માતાપિતાના આગ્રહથી હું સુરત આવ્યો હતો. તેમનું કહેવું હતું કે સુરત જઈને અભ્યાસ કર કે બીજું કંઇ પણ કર પણ ગામમાંથી તું બહાર જા. બાની ઇચ્છા એવી હતી કે દીકરો શહેરમાં જાય. મોટો માણસ બને, સારો માણસ બને.

મને સુરતમાં જરાય સોરવતું નહોતું. છ મહિનામાં હું સુરતથી પાછો ઘરે આવી ગયો હતો. મારી બાએ મને પાછો મોકલ્યો હતો.આવું વારંવાર બનતું. ૧૭ વર્ષનો થયો ત્યાં સુધી ગામ આવતો રહેતો અને બા વારંવાર સમજાવતાં કે બેટા, લોકો શહેરમાં જઈને કેટલું મોટું નામ કમાય છે, નાણાં કમાય છે. અવનવું શીખે છે. જીવનમાં કંઈક બનવું હોય તો શહેર જવું પડે. તું પણ સુરત જા અને કંઈક કર. મેં વિચાર્યું કે બા મને હવે ગામમાં નહીં રહેવા દે, હું સુરત ઠરીઠામ ન થાઉં ત્યાં સુધી એ નહીં ઝંપે. તેથી હું ૧૭ની વયે સુરતમાં ગોઠવાયો.

ડાયમંડ કંપની હરિક્રિષ્ના એક્ષપોર્ટ્સ પ્રા.લિ.ના ફાઉન્ડર તેમજ 'કિસ્ના' જ્વેલરી બ્રાન્ડના પ્રણેતા સવજીભાઈ ધોળકિયાએ મહિને ૧૩૯ રૂપિયાના પગારે પહેલી નોકરી કરી હતી. આજે તેમની કંપનીનું વર્ષનું એક્સપોર્ટ રૂપિયા ૨૧૦૦ કરોડ છે

પૈસા કઈ રીતે કમાવાય અને મોટા માણસ કઈ રીતે થવાય એ માટે હું મારા એક પિતરાઈ ગોપાલભાઈને મળ્યો. ગોપાલભાઈ સુરતમાં હીરાનું મોટું કારખાનું ધરાવતા હતા. તેમને હું મળ્યો અને જીવનની દિશા બદલાઈ ગઈ. અમારો પરિવાર ત્રણ પેઢીથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો છે. અમારા પરિવારમાં ગોપાલભાઈ સૌથી ધાર્મિક માણસ હતા. એ જેટલા ધાર્મિક હતા એટલા જ સારા ધંધાર્થી પણ હતા. ખૂબ સારો બિઝનેસ કરતા હતા. જોકે એના કેસમાં પાછું એવું પણ હતું કે એ ત્રણ-ચાર લાખ રૂપિયા કમાય અને ફરીથી એટલું નુકસાન કરે. આવું વારંવાર બનતું. મને થયું કે હું તેની પાસેથી સલાહ લઉં, કારણ કે તેનાથી સારું માર્ગદર્શન મને કોઈ નહીં આપી શકે.

મેં તેમને પૂછયું કે ગોપાલભાઈ, મારે પૈસા કમાવા છે. મને એ પણ કહો કે તમે આટલા ધાર્મિક છો, તમે ખૂબ પૈસા કમાવ છો અને નુકસાન પણ જાય છે. એનું કારણ શું છે. ગોપાલભાઈએ કહ્યું કે હું નિષ્કામ ભક્તિ કરું છું. મને સમજાયું નહીં. તેમણે ફોડ પાડયો કે બે પ્રકારની ભક્તિ હોય છે, સકામ અને નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિમાં વ્યક્તિ જે ભક્તિ કરે છે એની સાથે તેની લૌકિક ઇચ્છા સંકળાયેલી હોય છે, સ્વાર્થ હોય છે જ્યારે કે નિષ્કામ ભક્તિમાં એવી કોઈ ઇચ્છા સંકળાયેલી નથી હોતી. નિષ્કામ ભક્તિ એટલે માત્ર ભક્તિ. એમાં કોઈ સ્વાર્થ સંકળાયેલો ન હોય. મેં તેમને કહ્યું કે મને સકામ ભક્તિ શીખવાડો, મારી જીવન પાસે કેટલીક ઇચ્છા-અપેક્ષાઓ છે. મારે તો આ ભવમાં જ સુખી થવું છે.'

પોતાની વાત આગળ ધપાવતાં સવજીભાઈ કહે છે કે 'સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પાઠ આવે છે જેમાં ભગવાનનાં ૧૦૮ નામ હોય છે. મોટા ભાઈએ કહ્યું કે એના અગિયાર લાખ પાઠ કર. અઢાર વર્ષની ઉંમરે મેં પાઠ કરવાના શરૂ કર્યા હતા. રોજ હું મોટી સંખ્યામાં પાઠ કરતો હતો. બાવીસ વર્ષની ઉંમરે મેં પાઠ પૂરા કર્યા હતા. અગિયાર લાખ પાઠ પૂરા થયા એટલે મારા સબકોન્સિયસ માઇન્ડમાં એ ગડ બેસી ગઇ કે હવે તો હું કંઈ પણ કરીશ મને સફળતા મળશે જ. ખરું કહું તો ત્યારે મેં માત્ર પાઠ નહોતા કર્યા પણ મારો મોટા માણસ બનવાનો ગોલ પાક્કો કર્યો હતો. મારી બાએ મને કહ્યું હતું કે તારે મોટો માણસ બનવાનું છે તેથી પાઠની સાથે સાથે હું હંમેશાં મારા ગોલને યાદ કરતો હતો. તેથી હું ખરેખર તો મોટો માણસ થવા અને નામ કમાવા પાઠ કરતો હતો. આને વિઝ્યુલાઇઝેશન સમજો. શ્રદ્ધાનું બળ સમજો. ઇચ્છાની બળવત્તરતા સમજો કે ધ્યેયનું દૃઢીકરણ સમજો, હું મારા ગોલની બાબતમાં વધુ દૃઢ બન્યો હતો. જીવનમાં કસોટી ઘણી આવી છે પણ એનાથી હું ડગ્યો નથી. દરેક કસોટી મને મજબૂત બનાવવા જ આવી છે એમ હું વિચારતો રહું છું. મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે હું નિષ્ફળ જઈશ. હું હંમેશાં હિંમત ખેડવામાં માનું છું. મેં અગિયાર લાખ પાઠ પૂરા કર્યા પછી મારા મનના કોઈ ખૂણે એ વાત દૃઢ થઇને બેસી ગઇ હતી કે હવે તો હું કંઈ પણ કરીશ ને સફળ થઇશ જ. મારા મનમાં કોઈ શંકા ક્યારેય ઊઠતી જ નથી. શંકા સફળતામાં બાધા લાવે છે. વિઝ્યુલાઇઝેશનમાં પણ શંકા જ બાધા લાવે છે. શ્રદ્ધામાં વિશ્વાસ હોવો જોઇએ. શ્રદ્ધામાં જો શંકા હોય તો એ ન ઠરે.'

દરેકના જીવનમાં માતાનું મહત્ત્વ અનેરું જ હોય છે પણ કોઈ માણસ વ્યવસાયમાં સફળ બને અને એ સફળતા માટે મુખ્ય પ્રેરણાસ્ત્રોત માતા હોય એ ખરેખર નોંધપાત્ર ઘટના છે. સવજીભાઈ કહે છે કે, 'મારી બાએ મારું મનોબળ મજબૂત કરવામાં મોટો રોલ ભજવ્યો છે. માણસ મોટો કે પૈસાદાર તો બની જાય છે પણ એ સારો માણસ બને એ વધુ જરૂરી હોય છે. બાએ મને મોટો બનવાની સાથે સારો બનવાની પણ શીખ આપી હતી જે મેં બરાબર પાળી છે. છેલ્લાં ૨૫ વર્ષથી હું દર વર્ષે વ્યવસાય અર્થે બેલ્જિયમ જાઉં છું. મેં ક્યારેય કોઈ વ્યસનને હાથ લગાડયો નથી. ધંધાની હરીફાઈમાં કોઈનું ખરાબ થાય એવું મેં ક્યારેય વિચાર્યું નથી.એવું નથી કે હું સત્યવાદી રહ્યો છું. એવું પણ નથી કે લોભ-પ્રલોભન નથી આવ્યાં. અમે તો ધંધો લઇને બેઠા છીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે મારી બાએ કહેલા શબ્દો હૃદયમાં કોતરાઈ ગયા છે. તેથી ઘણી ખોટી બાબતોથી સભાનપણે હું દૂર રહી શક્યો છું. કેટલાક સદ્ગુણ જ્યારે ફેલાય છે ત્યારે એનો પ્રકાશ વધુ ઉજળો બને છે. મને તો કોઈ વ્યસન નથી જ. મારી ફેક્ટરીમાં કામ કરતાં અનેક માણસો પાસે મેં વ્યસન છોડાવી દીધાં છે. ફેક્ટરીમાં કામ કરવા બાઇક કે સ્કૂટર લઇને આવતા દરેક માણસે હેલ્મેટ પહેરીને જ આવવું એવો નિયમ છે.'

આજે સવજીભાઈની કંપનીનો દબદબો છે. તેમણે લોન્ચ કરેલી કિસ્ના જ્વેલરી બ્રાન્ડ ખૂબ લોકપ્રિય બની છે. દેશભરમાં કિસ્નાનાં આઉટલેટ્સ ફેલાયેલાં છે. ૧૯૯૧માં તેમની કંપનીનું ૧ કરોડનું એક્ષપોર્ટ હતું. અત્યારે ૨૧૦૦ કરોડનું એક્ષપોર્ટ ધરાવે છે. તેમની જ્વેલરી બ્રાન્ડ કિસ્નાની સફળતા વિષે તેઓ કહે છે કે 'જો ધંધો મોટો કરવો હોય તો જ્વેલરી બ્રાન્ડિંગ જરૂરી છે. મેન્યુફેક્ચરિંગમાં અમારી માસ્ટરી છે. અમે મુંબઈમાં કન્સલ્ટન્ટ જગદીશ કપૂરને મળ્યા હતા. ઊંચા દામ આપીને તેને અમારા માટે રોક્યા હતા. તેમની માર્કેટિંગ વિશેની સલાહ લીધા બાદ ત્રણ મહિને 'કિસ્ના'નું અમારું પહેલું આઉટલેટ ખૂલ્યું. આજે રોજ ત્રણ આઉટલેટ ખૂલે છે. માર્કેટિંગના અમારી પાસે અઢીસો માણસો છે જે હંમેશાં ઠેર ઠેર ફરતા રહે છે અને લોકોનો ફીડબેક મેળવતા રહે છે. અમને જે કંઈ સફળતા મળી છે એમાં ક્વોલિટી ઉપરાંત અમારી સર્વિસ ગ્રાહકોને વિશેષ પસંદ પડી છે. અમે ટીવી સહિત વિવિધ પ્રસાર માધ્યમોમાં એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ, પરંતુ એડનો અમે ઓવરડોઝ નથી કરતા. ભોજનમાં જેટલું નમક જરૂરી છે એટલી અમે એડ કરીએ છીએ. બ્રાન્ડ કિસ્નાને માઉથ પબ્લિસિટીનો ખૂબ ફાયદો મળ્યો છે. અમારી પાસે ઇનહાઉસ ડિઝાઇનર્સ છે. અમે ત્રણસો ડિઝાઇન્સ માર્કેટમાં રજૂ કરીએ છીએ જેમાંથી ૩૦ ડિઝાઇન્સ દર મહિને બદલીએ છીએ.

પરિણામોની પરવાહ નહીં કરનારો માણસ સફળ થાય છે

સફળતા ને નિષ્ફળતા આવતાં જતાં રહે છે. સફળતા પછી નિષ્ફળતા અને નિષ્ફળતા પછી સફળતા આવે છે. સફળ માણસો એ છે જે પોતે નિષ્ફળ જાય ત્યારે લીધેલું કામ છોડી દેતા નથી. જે માણસ છોડી દે છે એ નિષ્ફળ ઠરે છે. બંનેમાં આ જ અંતર છે. જ્યારે સફળતા આવવાની હોય છે ત્યારે નિષ્ફળ માણસ એને છોડી દે છે. સફળ એ છે એ પરિણામોની પરવા કર્યા વગર પોતાના ધ્યેય તરફ કૂચ કરતો રહે છે. સફળતા જેટલી મોડેથી મળે છે એટલી મજબૂત હોય છે. જે કંપની પોતાના કર્મચારીઓની સુખાકારીની ચિંતા કરે અને તેનું કૌશલ્ય કઈ રીતે વધે એ બાબતે સતર્ક હોય એ કંપની આપોઆપ પ્રગતિ કરે છે.

 
Share This
 
 
   

 
Columns/Editorial