180X600.jpg
Jul 01,2016 03:17:55 PM IST
 

પુસ્તક એટલે પારસમણિ (સમય-સંકેત)

Apr 20, 2013 19:54 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2111
Rate: 5.0
Rating:
Bookmark The Article

સમય-સંકેત - દિવ્યેશ વ્યાસ

પુસ્તક આપણું પરમ મિત્ર તો છે જ સાથે એ પથદર્શક પણ બની શકે છે. પુસ્તક દેખાવે ભલે નદીના કાંઠા જેવું બરછટ લાગતું હોય, પણ એમાં અનેક જિંદગીઓની સંવેદનાની સરવાણી વહેતી હોય છે. પુસ્તકમાં માત્ર આપણને જ નહીં, પણ આપણી દુનિયાને બદલી નાખવાની તાકાત હોય છે. પરમ દિવસે એટલે કે

૨૩મી એપ્રિલ, મંગળવારે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે ચાલો, પુસ્તકની તાકાતનો પરિચય મેળવીએ...

પુસ્તક અંગે વાત શરૂ થાય એટલે પહેલાં તો હેલન હેઝનું સુંદર વાક્ય યાદ આવી જાય, "માતા-પિતા સ્નેહ અને ઉલ્લાસ આપે છે, પણ પુસ્તક ખોલીએ ત્યારે માલૂમ પડે છે કે આપણને પાંખો ફૂટી છે." પુસ્તક આપણી આંખ પણ ખોલે છે અને પુસ્તક આપણને પાંખ પણ આપે છે. જ્ઞાનનાં દ્વાર સમું પુસ્તક અજ્ઞાનના અંધારાને ઉલેચીને આપણા જીવનમાં ઉજાસ પાથરતું હોય છે. બર્ટ્રાન્ડ રસેલે તો કહ્યું છે કે પુસ્તક આપણું પરમ મિત્ર છે, પણ રસેલની વાત સાથે સાથે એ પણ જોડવું રહ્યું કે પુસ્તક માત્ર પરમ મિત્ર જ બનીને રહેતું નથી પણ તે આપણું પથદર્શક પણ બને છે.

માનવી અને પ્રાણી વચ્ચે સૌથી મોટો તફાવત જ્ઞાનનો છે. શહેરમાં વસતા માનવીની ઇન્દ્રિયો (સેન્સીસ) કદાચ પ્રાણીઓ જેટલી પાવરફુલ નથી, પણ માહિતી અને જ્ઞાનની ખોજમાં માનવીને કોઈ પહોંચી શકે એમ નથી. પશુ-પંખીઓ સદીઓથી એક જ અવસ્થામાં જીવે છે જ્યારે માનવી સતત બદલાતો રહ્યો છે, 'સુધરતો' (ઇમ્પ્રોવાઇઝ) જાય છે, તેનું પાયાનું કારણ આપણી જ્ઞાનપિપાસા છે. માણસને સતત કંઈક નવું જાણવું હોય છે, સતત કંઈક નવીન અનુભવ કરવો હોય છે. જ્ઞાનપ્રેમી માનવીએ જાણકારી મેળવીને સંતોષ નથી માન્યો, પરંતુ અન્ય લોકો તેમજ આવનારી પેઢીઓ સુધી તે પહોંચે એ માટે જાતજાતના અખતરા પણ કર્યા છે. શિલાલેખથી માંડીને તામ્રપત્રો જેવાં સાધનો તેણે વિકસાવ્યાં-અજમાવ્યાં છે અને આખરે કાગળ, બીબાં અને છાપકામનાં યંત્રોની શોધ કરીને તે પુસ્તક સુધી પહોંચ્યો છે. આજે તો ઇન્ફર્મેશન ટેક્નોલોજીના યુગમાં હવે ઈ-બુક્સની બોલબાલા વધી રહી છે. પણ, પુસ્તક જ્ઞાનના ભંડાર માટે સદીઓથી માનવીનું ગમતું સાધન રહ્યું છે.

બે પૂંઠા વચ્ચે ધબકતું પુસ્તક માત્ર જ્ઞાન જ પીરસતું નથી, પણ તે સંવેદનાની સરવાણી પણ વહાવતું હોય છે. રૃંવાડાં ખડાં કરી દે એવો રોમાંચ પણ પ્રસરાવતું હોય છે અને આપણા આત્માને સ્પર્શે એવી આધ્યાત્મિકતાની અલખ પણ જગાવતું હોય છે. પુસ્તકના માધ્યમથી જ આપણે શોધેલા જ્ઞાન કે અનુભવેલાં સંવેદનોને અમર બનાવી શકાય છે. ચાણક્યએ શિક્ષક માટે કહેલી વાત થોડી ફેરફાર સાથે પુસ્તક માટે પણ કહી શકાય કે પુસ્તક ક્યારેય સાધારણ હોતું નથી. પુસ્તક આપણને ખબર ન પડે એમ આપણી દુનિયા બદલાવી નાખતું હોય છે. માણસને બદલવાની જોરદાર તાકાત તે ધરાવે છે. આપણને ખ્યાલ પણ ન આવે એ રીતે તે આપણી દૃષ્ટિને વિશાળતા-ઉદારતા બક્ષતું હોય છે અને આપણી માનસિક અસ્પષ્ટતાઓ અને અવઢવને દૂર કરી યોગ્ય અભિગમને ઘડતું હોય છે. એક સારું પુસ્તક પારસમણિ જેટલું જ અસરકારક હોય છે.

મહાત્મા ગાંધીએ પુસ્તક વિશે એક સરસ વાત કરેલી છે, "પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો તો બાહ્ય ચમકદમક આપે છે, જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે."

વાંચન અને પુસ્તકના મહત્ત્વને ધ્યાનમાં રાખીને જ યુનેસ્કો દ્વારા વિશ્વ પુસ્તક દિવસ મનાવવાની પરંપરા શરૂ કરાઈ છે. ૨૩ એપ્રિલના રોજ દુનિયાના અનેક દેશોમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ પુસ્તક દિવસ માટે ૨૩મી એપ્રિલ પસંદ કરવામાં આવી એ માટે બે મોટા સર્જકો-સાહિત્યકારો કારણભૂત છે. એક તો મહાન નાટયકાર-સર્જક શેક્સપિયર. ૨૩મી એપ્રિલ શેક્સપિયરનો જન્મદિન પણ છે અને નિર્વાણદિન પણ. બીજું કે ૨૩મી એપ્રિલ સર્વાન્ટિસનો પણ નિર્વાણ દિન છે. ૨૩ એપ્રિલને પુસ્તક સાથે જોડવાનો ખયાલ ૧૯૨૩માં સ્પેનના એક બુકસેલરને હતો, જે સર્વાન્ટિસનો ફેન હતો. સર્વાન્ટિસની યાદમાં તેણે ૨૩મી એપ્રિલે પુસ્તક દિન ઊજવવાની શરૂઆત કરેલી. યુનેસ્કો દ્વારા ૧૯૯૫થી આ દિવસની ઉજવણીની પરંપરા શરૂ કરાઈ છે.

વાંચન એ ધ્યાન અને યોગ જેટલી જ ગુણકારી પ્રવૃત્તિ છે. આધુનિક માનવી જ્યારે માનસિક શાંતિ ઝંખે છે ત્યારે મનની શાંતિ માટે વાંચનથી વિશેષ ઉપાય મળવો મુશ્કેલ છે. વાંચન વિના વિકાસ સંભવ નથી. જ્યાં વાંચન હશે ત્યાં જ જ્ઞાનનો વિકાસ થશે. આપણે ત્યાં 'વાંચે ગુજરાત'ની એક સારી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, આવી પરંપરા આગળ વધારવાની તાતી જરૂર છે. ગુજરાત જો ખરેખર વાંચતું થશે તો પછી આપણા ગૌરવનાં ગાન આપણે પોતે નહીં ગાવાં પડે, પણ આખી દુનિયા આપોઆપ આપણું ગૌરવ કરશે. તો ઊઠો, જાગો અને વાંચ્યા કરો!

પુસ્તક મૃત્યુ પામશે ખરું?

'આજે કોઈ વાંચતું નથી' એવી ફરિયાદ વ્યાપક છે, છતાં ભ્રામક છે. ક્યારેક તો શંકા જાગે છે કે લેખકોને કોપીરાઇટનાં નાણાં ન ચૂકવવા માટે પ્રકાશકો દ્વારા જ કદાચ આવી વાતો પ્રસારિત-પ્રચારિત કરાતી હશે. નવી પેઢી વાંચન પ્રત્યે ઉદાસ છે, એવી ધારણા કરી લેવા કરતાં તેમના સુધી સારાં પુસ્તકો પહોંચાડવાની જહેમત કરવા જેવી છે. ટીવી-ઇન્ટરનેટ અને એમાંય સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ પર બિઝી રહેતી નવી પેઢી પણ સારાં પુસ્તકો વાંચવા આતુર છે જ. હા, નવી પેઢીમાં બે પૂંઠા વચ્ચેના પુસ્તકનું વાંચન કરવા કરતાં ડબલ ક્લિક કરીને વાંચવાની આદત વધી ગઈ છે, એ જોતાં પુસ્તકનું સ્વરૂપ બદલવાનો સમય પાકી ગયો છે. પુસ્તક આઉટ ઓફ ડેઇટ થઈ જશે? એવો સવાલ કરવા કરતાં એ સમજવું જરૂરી છે કે પુસ્તકનું વર્તમાન સ્વરૂપ આઉટ ઓફ ડેઇટ બની રહ્યું છે. નવી પેઢી નવા સ્વરૂપના (ઈ-બુક્સ વગેરે) પુસ્તકો વાંચતી રહેવાની જ છે. જ્ઞાનની ભૂખ અગાઉની કોઈ પેઢીમાં નહોતી એટલી વર્તમાન અને ભાવિ પેઢીમાં રહેવાની છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પુસ્તક તો આત્મા જેવું અમર છે, હા એ દેહ જરૂર બદલી શકે!

કોપીરાઇટને કેમ ભુલાય?

૨૩મી એપ્રિલ એ માત્ર વિશ્વ પુસ્તક દિવસ જ નથી પરંતુ તેની સાથે કોપીરાઇટ પણ જોડાયેલો છે. આપણે ત્યાં કોપીરાઇટ અંગે સામાન્ય સમજનો જ અભાવ પ્રવર્તે છે ત્યારે સભાનતાની વાત શું કરવી? આપણે જો લેખક-સાહિત્યકાર-સર્જકનું સન્માન થવું જોઈએ, એમ માનતા હોઈએ તો કોપીરાઇટ અંગે સભાનતા કેળવવી રહી. કોપીરાઇટનો સાદો અર્થ છે - નકલ કરવાનો અધિકાર. લેખક પોતાના લખાણની એકથી વધુ નકલ કરવાનો અધિકાર પ્રકાશકને સોંપે ત્યારે જ એ તેનું કાયદેસર પ્રકાશન કરી શકે છે. જોકે, કોપીરાઇટ અંગેનો કાયદો હોવા છતાં મોટા ભાગના લેખકો તેનાથી અજાણ હોય છે. પોતાનું પુસ્તક છપાશે, એના ઉત્સાહમાં અને કોઈ છાપવા તૈયાર થયું છે, એના ઉમંગમાં કોપીરાઇટને કોરાણે મૂકી દેતા લેખકોની આપણે ત્યાં કમી નથી અને પછી આ જ લેખકો પ્રકાશકોને ગાળો આપે છે અને લેખકોના સ્વમાન અને સન્માનની વાત કરતા હોય છે. પુસ્તક દિવસની સાથે સાથે આપણે કોપીરાઇટ અંગે પણ સભાનતા કેળવવી પડશે. લેખકો-સર્જકો પોતાના અધિકાર બાબતે સભાન રહેશે તો તેમનું સન્માન પણ આપોઆપ જળવાશે. આપણે પણ કોઈ લેખક-સર્જકની કોઈ કૃતિ કે તેના અંશને ખપમાં લઈએ ત્યારે તેમની સ્વીકૃતિ લેવાનું ભૂલવું ન જોઈએ.

divyeshvyas.amd@gmail.com
 
Share This
 
 
   

 
Supplements
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com