180X600.jpg
Jul 26,2016 07:35:49 PM IST
 

નેતા કુંવારો ભલો કે પરણેલો?

Apr 20, 2013 19:56 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3349
Rate: 4.0
Rating:
Bookmark The Article

પાવર પોઇન્ટ - વિનોદ પંડયા

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હમણાં નિવેદન કર્યું હતું કે પોતે લગ્ન કરવાં માગતા નથી. લગ્ન કરવાથી બાળકો થાય, તેનાં પણ બાળકો થાય. એ બધાનું ભલુ કરવા પાછળ ધ્યાન કેન્દ્રિત થઈ જાય અને તે માટે ખોટાં કામો પણ કરવાં પડે. ભ્રષ્ટાચાર આચરવો પડે.

મન મક્કમ હોય, હેતુ માટેનો પાકો નિર્ધાર હોય તો કુંવારા રહેવાથી ફાયદો છે. એ ન હોય તો બાવાના બેઉ બગડે છે. સંતાનોનો પ્રેમ માનવીને મોહાંધ બનાવી શકે છે છતાં તેમાં પણ અપવાદ છે. સંતાનો પેદા નહીં કરવાથી બુદ્ધિ અને બળ આવી જતાં નથી

આ લપસીંદર અથવા વિસિયસ સર્કલ ચાલ્યા કરે એવો સાર રાહુલના કથનનો હતો. રાહુલ એ ચક્ર તોડવા માગે છે.

સો ફાર સો ગૂડ. રાહુલ કહે છે તે વાત સાચી હોઈ શકે પણ તે પોતાના માટે સાચી હોઈ શકે. તે દરેકને લાગુ ન પડે. દરેકનું લગ્નજીવન અલગ હોય છે, કારણ કે દરેકની પ્રકૃતિ અલગ હોય છે. તેમાં વળી બે સ્વભાવના મિલનનાં અનુસંધાનો અને અંત અલગ અલગ હોય છે. છતાં લગ્નસંસ્થાની અને ત્યાગજીવન બંનેની પ્રસંશા કરવામાં આવે છે. વિરોધાભાસો પણ ઊડીને આંખે વળગે તેવા હોય છે. બધા પરણેલા લોકો સંતાનો માટે ભ્રષ્ટ બનતા નથી અને બધા અપરિણીતો સંનિષ્ઠ હોતા નથી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાઓએ સંતાનોને ક્યારેય આગળ કર્યાં ન હતાં. મહાત્મા ગાંધી પર સંતાનોની ઉપેક્ષા કરવાનો સૌથી મોટો આક્ષેપ છે જે સાચો પણ હતો પણ જે વ્યક્તિ દેશનાં તમામ સંતાનોને પોતાનાં સંતાન માનતો હતો તે પોતાનાં બાળકો પ્રત્યે પક્ષપાત રાખી ન શકે. સરદાર પટેલે લગ્નસંસ્થાથી નિપજતી આડખીલીઓને ક્યારેય એમના જાહેરજીવનમાં આવવા દીધી ન હતી. દેશના ગૃહપ્રધાન હતા ત્યારે મુંબઈમાં રહેતા પુત્રના ઘરના ફળિયામાં બીજી એક વધુ એમ્બેસેડર કાર જોઈને એ દિલ્હી જતા રહ્યા હતા અને પુત્ર સાથે ઘણો સમય સુધી બોલ્યા ન હતા. કોઈક ઉદ્યોગપતિએ આપેલી કાર પાછી વાળી દીધી પછી જ વલ્લભભાઈ એમના પુત્ર સાથે બોલ્યા હતા. એ સામે હાડોહાડ સિદ્ધાંતવાદી મોરારજી દેસાઈના પુત્ર કાન્તિલાલ દેસાઈની બાબતમાં થોડી ઘણી બાંધછોડ કરી લેતા હતા. કાંતિભાઈ સામેના કેટલાંક આરોપો બાબતમાં મોરારજીભાઈ આંખો આગળ એમના સૂપડાં જેવા કાન કરી દેતા હતા. અપત્ય પ્રેમ માનવીને ચલિત કરી મૂકે છે એવી રાહુલની વાતમાં પણ દમ છે. છતાં કુંવારા એટલા કામણગારા એવું પણ નથી. અટલ બિહારી આજીવન કુંવારા રહ્યા પણ રાજકીય વર્તુળમાં ડોન જુઆન તરીકેની, સુંદર સ્ત્રીઓના આશક તરીકેની એમની છાપ હતી. દિલ્હીમાં રાજકુમારી નામની સ્ત્રીથી એમને એક પુત્રી પણ છે જે રંજન ભટ્ટાચાર્યને પરણી છે. એ પુત્રીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ''લોકો મને કહે છે કે અટલજી મારા ખરા પિતા છે. જો એ સાચું હોય તો તેને હું મારું સદ્ભાગ્ય માનું છું." ભટ્ટાચાર્યના ભ્રષ્ટાચારે એનડીએ સરકાર પર મોટી આફત ઊભી કરી હતી. માણસ પરણ્યા વગર પણ પરણ્યા પછીના પ્રોબ્લેમ ઊભા કરી શકે છે. દેશ માટે અને પોતાના માટે પણ. નારાયણ દત્ત તિવારીનો દાખલો તાજો છે. તિવારીની ખુવારી થઈ ગઈ. ૮૬ વર્ષની જૈફ ઉંમરે હૈદરાબાદના રાજભવનમાં ગ્રૂપ સેક્સનું આયોજન કર્યું. બીજા એક કેસમાં મહા અનિચ્છાએ વીર્યના નમૂના આપવા પડયા અને શેખર નામના યુવાનના પિતા સાબિત થયા. શું તિવારી કુંવારા રહ્યા હોત તો કોઈ ફરજ પડવાની હતી? ઈટાલીના ભૂતપૂર્વ વડા પ્રધાન સિલવિયો બર્લુસ્કોની પણ આવા વ્યવહાર માટે પકડાઈ ગયા. દરેક જગ્યાએ દરેક પ્રકારનાં ઉદાહરણ મળી રહે છે.

સંતાનો અનીતિ આચરવા માટેનું પ્રેરકબળ બને છે એવું રાહુલનું વિધાન નવું નથી. અગાઉ મધ્ય પ્રદેશમાં શબનમ મૌસી નામની વ્યંડળ ચૂંટણીમાં ઊભી રહી ત્યારે એ પણ બોલી હતી કે, સંસારી લોકો કરતાં અમે વ્યંડળો સારા છીએ. અમારે કોઈ સંતાનો હોતાં નથી તેથી અમે પેઢી દર પેઢી ચાલે એટલા પૈસા ભેગા કરતા નથી. શબનમના કહેવાનો બીજો અર્થ એ કે રાજનેતાઓ વ્યંડળોમાંથી પણ ગયા છે.

અંગ્રેજીમાં ઉક્તિ છે કે, 'લગ્નજીવનની તકલીફો છે પણ કુંવારાઓ ખાસ સુખી નથી! કહે છે કે પત્ની એ ઘરનું છાપરું છે અને નારીને નરકની ખાણ પણ કહે છે. કસ્તુરબા વગર ગાંધીજી, ગાંધીજી બની શક્યા ન હોત. સર્વસાધારણપણે જાહેરજીવનમાં પણ વ્યક્તિના લગ્નજીવનને પ્રેરકબળ માનવામાં આવે છે. અમેરિકાના પ્રમુખો પત્નીને વફાદાર હોય, કુટુંબવત્સલ હોય એવો અમેરિકન પ્રજા આગ્રહ રાખે છે. દુનિયા જાણે છે કે દુનિયાની સૌથી કુછંદી, બેવફા પ્રજા અમેરિકનોની છે. તો આવો વિરોધાભાસ શા માટે? અમેરિકનોની દલીલ છે કે અમે ભલે ખરાબ હોઈએ પણ અમારો લીડર, અમારો સેનાપતિ સુદૃઢ ચારિત્ર્યવાળો હોવો જોઇએ. અન્યથા એ પોતાનાં સ્ખલનો પૂરાં કરવા અમેરિકાને નુકસાન પહોંચાડે. તેઓ બિલ ક્લિન્ટનને સંસદ સમક્ષ માફી પણ મંગાવે. મોનિકા લેવેન્સ્કીને કોરાણે મૂકી, બીકિની ક્લેડ હિલેરીને જાહેરમાં ચુંબન કરવાનું અને તેની તસવીરો પ્રસિદ્ધ કરવાનું પી.આર.વર્ક પણ કરવું પડે. મિશેલ અને બરાક ઓબામાને આ વર્ક સારી પેઠે ફાવી ગયું છે.

ભારતમાં બ્રહ્મચર્ય અને બ્રહ્મચારીનો પણ મહિમા મોટો છે. ખ્રિસ્તી ધર્મમાં રોમન કેથોલિક સાધુ, સાધ્વીઓએ કુંવારાં રહેવું પડે છે. કેથોલિકોની સુધારેલી આવૃત્તિ સમાન પ્રોટેસ્ટંટોમાં બિશપે કે પાસ્તરે કુંવારા રહેવાની જરૂર નથી. એક સ્થિતિમાં સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવવા બીજી સ્થિતિ સ્વીકારો. પણ એ સ્થિતિની પણ સમસ્યાઓ છે. સી, લાકડાના લાડુ. છતાં જે સારું રાજ ચલાવી ગયા તેવા ભારતીય રાજાઓના સલાહકારો અને રાજ્યગુરુઓ બ્રહ્મચારીઓ હતા. ભારતમાં હજી આ સંસ્કારને રાજકારણમાં મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. સંઘના સર્મિપત કાર્યકરો આજીવન કુંવારા રહે છે. દેશના હવે પછીના વડાપ્રધાનપદ માટેના બે મુખ્ય દાવેદારોમાં એક નરેન્દ્ર મોદી છે જે સંઘના સર્મિપત સેવક છે અને તેથી વૈવાહિક જીવન જીવતા નથી. બીજા રાહુલ ગાંધી છે, જે પોતાના શબ્દોથી સંઘની થિયરીને અનુમોદન આપી રહ્યા છે.

ભારતમાં બેચલર જીવન જીવતાં ઘણાં અગ્રગણ્ય નેતાઓ છે. મમતા દીદી, માયાવતી, નવીન પટનાયક, ઉમા ભારતી વગેરે. ભારતમાં તેઓનાં અંગત જીવનને માન આપવામાં આવે છે. વિદેશમાં આવા નેતાઓનાં અંગત જીવનની વાતો છાપવા માટે પત્રકારોનો કાફલો રોકવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની કોઈ તથાકથિત મેક્સિકન ગર્લફ્રેન્ડ સાથેની એક તસવીર વરસો અગાઉ અખબારોમાં પ્રસિદ્ધ થઈ હતી. એ પછી કશું છપાયું નથી. રાહુલ હવે લગ્નની ના પાડે છે તેથી માનવું રહ્યું કે એમના જીવનમાં હવે કોઈ પ્રેમિકા નહીં હોય. વિદેશી અખબારોએ એ કન્યાની અને એના કુળની જન્મકુંડળીઓ ખોળી કાઢી હોત. એ તેઓની સભ્યતા છે. ભારતની સભ્યતા અને શાલીનતા અલગ છે. હવે આ સદ્ગુણ પણ સશર્ત છે. જયલલિતા પ્રસિદ્ધ તમિલ કલાકાર એમ જી.રામચંદ્રનનાં રખાત હતાં. પોતે પણ અભિનેત્રી હતાં. જાગી બદનમેં જ્વાલા, એ ગીત એમણે બિકીનિ પહેરીને ગાયું હતું. અમ્માની એ બિકીનિધારી તસવીર ક્યારેક અખબારમાં પ્રસિદ્ધ થતી રહે છે.

માયાવતી અને મમતા દીદીને કોઈ સંતાન નથી. છતાં માયાવતી પાસે પેઢીઓની પેઢી ખાય એટલું ધન છે. એમનો આઇએએસ અમલદાર એમના શૂઝ સાફ કરી આપે, જીવતા જગતિયા જેવી પોતાની પ્રતિમાઓ ઊભી થાય તેથી તેમનું મન આનંદમાં રહે છે અને એ બધું થાય તે માટે હાથમાં સત્તા હોવી જોઈએ. સંતાનપ્રેમ સિવાયના બીજા મનોભાવોને કારણે વ્યક્તિ ભ્રષ્ટ બની શકે છે. મમતાદીદીનું જીવન સરળ અને સાદગીભર્યું છે. લગ્ન નથી કર્યાં એટલે સંતાનો નથી પણ એમના ભત્રીજાએ હમણાં કોલકાતામાં ટ્રાફિક પોલીસને લાત મારી દીધી. સગાંવાદ માટે અંગ્રેજીમાં નેપોટિઝમ શબ્દ છે જેનું મૂળ લેટિનમાં છે. નેપોનો અર્થ છે ભત્રીજો. હવેના ભત્રીજાવાદમાં પ્રિયંકાનાં સંતાનો અને રોબર્ટ વાડરા પણ આવી જાય.

ભત્રીજા પર તો મમતા દીદીએ કેસ થવા દીધો પણ દીદીની કોઈ ટીકા કરે, એમના ઈગોને ઈજા કરે એ પસંદ નથી. એ ન થાય તે માટે પણ એમને સત્તા જોઈએ છે. આ થયો મનોભાવનો અન્ય એક પ્રકાર.

વિદેશોમાં ઘણાં વડાપ્રધાનો હોમોસેક્સ્યુઅલ હતા. હિટલર પણ કુંવારા રહેવામાં માનતા હતા. ઇવા બ્રાઉન સાથે એમણે શા માટે લગ્ન કર્યાં હતાં તેની ચર્ચા હજી થઈ રહી છે. ઇંગ્લેન્ડના જાણીતા વડાપ્રધાન એડવર્ડ હીથ આજીવન કુંવારા રહ્યા હતા. હમણાં મૃત્યુ પામ્યાં તે એક્સ બ્રિટિશ પી.એમ.માર્ગારેટ થેચર ભર્યા ભર્યા સુખી કૌટુંબિક જીવનનાં આગ્રહી હતાં. બ્રાઝિલના હાલનાં પ્રમુખ ડિલ્મા રોસેફે બે વખત છૂટાછેડા લીધા છે પણ પ્રમુખ તરીકે લોકપ્રિય છે. બેલ્જિયમના વડાપ્રધાન ઇલિયો ડી રૂપો સજાતીય છે અને તેમણે પોતે એ બાબતનો સ્વીકાર કર્યો છે. નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટ પરણ્યા નથી અને એ ગે છે એવી વાત છે, પણ તેઓ એ સ્વીકાર કરતા નથી. લગ્નજીવન અને સેક્સનાં લાખો રંગરૂપ છે. જે કુંવારા રહે છે તે પ્રામાણિક રહે છે અને પરણેલાનું નૈતિક પતન થઈ જાય છે એવું નથી. ભારતમાં લાખો સાધુ સંતાનોએ અપરિગ્રહ અને ત્યાગની વાતો કરીને જ કરોડો અને અબજો રૂપિયા એકઠા કર્યા છે. કરચોરી અને હવાલાના ધંધા કર્યા છે. એમાંના મોટા ભાગના સાધુઓને સંતાનો નથી તો પછી કોના માટે?

[email protected]
 
Share This
 
 
   

 
Columns/Editorial