180X600.jpg
Jul 25,2016 05:45:11 AM IST
 

આધુનિક માનવી અને પૈસા-૨ (કેલિડોસ્કોપ)

Apr 20, 2013 19:57 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3068
Rate: 5.0
Rating:
Bookmark The Article

કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ

ગયા લેખમાં પૈસા કમાવાની બાબતમાં અમુક મુદ્દાઓ વિચાર્યા હતા. એના વિષે અહીં હવે આપણે આગળ વિચારીએ.

(૫) વ્યાજના બોજા વિષે : આજે વ્યાજ એ ધંધામાં એક સામાન્ય વ્યવહાર છે, પરંતુ તમારો વ્યવસાય વ્યાજના બોજાથી ડૂબી ન જાય એટલે ભારે વ્યાજના બોજાથી એને બચાવજો.

બેંકો, સંસ્થાઓ કે પેઢીઓ પોતે નાણાં કમાઈ શકે એટલે નાણાંની ધીરધાર કરે છે. પૈસા લેનારની ભલાઈ માટે નહીં એ વાતને નાણાં લેનારે ભૂલવી જોઈએ નહીં.

વ્યવસાય કરનારે વ્યાજે લીધેલાં નાણાંને ખૂબ જ કરકસરથી અને ગણતરીપૂર્વક વાપરવાં જોઈએ અને જલદી જલદી ભરપાઈ કરી દેવાં જોઈએ. વ્યાજનું દેવું ચોવીસ કલાક ચડે છે, એને કોઈ રજા પણ નડતી નથી. કહેવાય છે કે વ્યાજને ઘોડા પણ આંબી શકતા નથી.

પૂરતી તકેદારી ન રાખવામાં આવે તો વ્યાજ ભલભલા વ્યવસાયના પતનનું કારણ બને છે. વ્યાજની લેવડદેવડ જ્યારે ગણતરી બહાર જાય છે ત્યારે ઘણી વાર તો સફળતાના કિનારે પહોંચવા આવેલો વ્યવસાય પણ ડૂબી જાય છે.

(૬) ધંધામાં ઉપાડ અને ખર્ચ વિષે : ધંધો કમાતો ન થાય કે સ્થિર ન થાય ત્યાં સુધી એમાંથી પૈસા ઉપાડવાનું ટાળજો. ધંધામાં કરકસર અને ચોક્સાઈ ખૂબ જ જરૂરી છે. યાદ રાખજો કે કરકસર એ કંજૂસાઈ નથી. કરકસર માટે અંગ્રેજીમાં સરસ શબ્દ છે economy (ઇકોનોમી) કરકસર કરનાર economical-મિતવ્યયી હોય છે.

(૭) કમાવા ધારેલા પૈસા અને સમયની મર્યાદા : માણસને અમુક સ્થળે પહોંચવું હોય તો એની કશી ગણતરી વિના જ એ ચાલવાનું શરૂ કરે એના કરતાં ક્યાં અને ક્યારે પહોંચવું છે એની ગણતરીથી ચાલવાનું શરૂ કરે તો વધારે સારું ગણાય. એ જ રીતે ધંધામાં પણ માણસ પોતાના ધંધામાંથી કેટલા સમયમાં કેટલું કમાવા ઇચ્છે છે એની ગણતરી સાથે ચોક્કસ દિશામાં પ્રયત્નો શરૂ કરે તો એમાં સફળતા મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે, કારણ કે, એમ કરવાથી માણસની માનસિક અને શારીરિક શક્તિઓ વધુ વ્યવસ્થિત રીતે એ કામ ઉપાડી લે છે.

(૮) પૈસા કમાવા માટે તમારે કેટલુંક ખર્ચવું પડશે : કુદરતનો એ નિયમ છે કે કશું ગુમાવ્યા વિના કે કશું આપ્યા વિના કાંઈ પ્રાપ્ત થતું નથી. તમારે પૈસા કમાવા છે ત્યારે એની સામે તમે શું ગુમાવવા તૈયાર છો કે આપવા તૈયાર છો એનું આયોજન કરી રાખજો. તમે પૈસા કઈ વસ્તુના બદલામાં લેવા ઇચ્છો છો? તમારા કોઈ ખાસ ક્ષેત્રના જ્ઞાન સામે? કોઈ વિશિષ્ટ કુશળતા સામે? કોઈ ડિગ્રી સામે? કોઈક ખાસ સેવા સામે? તમે એન્જિનિયર છો? ટેક્નિશિયન છો? ડોક્ટર છો? અભિનેતા છો? શાના બદલામાં તમારે પૈસા જોઈએ છે? જો સામી વ્યક્તિને જરૂર હોય એવી કોઈક વસ્તુ તમારી પાસે હશે તો જ એના સામે તમને પૈસા આપવા માટે એ તૈયાર થશે.

પૈસા કમાવા માટે માણસે સમય, આરોગ્ય, કુટુંબસુખ, મનની શાંતિ ઘણું ખર્ચવું પડે છે. પૈસા કમાવાની ધૂનમાં માણસે એવી કેટલીયે અમૂલ્ય વસ્તુઓ ગુમાવવી પડે છે, ખર્ચી નાખવી પડે છે. એટલે કમાયેલા પૈસા એના માટે અફસોસ ન બની જાય એનું પ્રમાણભાન જાળવવાનું એના માટે ખૂબ જરૂરી છે.

(૯) ધંધાનું રહસ્ય : તમારા ધંધાનું રહસ્ય તમારી પાસે જ રાખજો, એની ચર્ચા ન કરશો કે ફાંકા ન મારશો.

માણસમાત્રને દેખાવ કરવાની ટેવ હોય છે. એમાંય જેમને યુવાનવયે પ્રથમ સાહસમાં જ સફળતા મળી હોય એવી વ્યક્તિ એનો દેખાવ કરવામાંથી ભાગ્યે જ બચી શકતી હોય છે. સફળતાનો નશો માણસને ગમે ત્યારે ભૂલ ખવરાવી દે છે. તમે જ્યારે તમારા ધંધામાં કેવી કેવી મુસીબતો વેઠીને કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી એની વાત બીજાને કરો છો ત્યારે તમારું રહસ્ય કહી દો છો અને તમારા પોતાના હિતને જ નુકસાન કરો છો, કારણ કે તમારી નબળાઈઓ પણ અજાણતાં જ જાહેર કરી દો છે. સાંભળનાર તેનો ગેરલાભ લઈ શકે છે અને એ જ ધંધામાં વધારે સફળતા પ્રાપ્ત કરી શકે છે. એ તમારો આવતીકાલનો હરીફ બની શકે છે. પોતાના ધંધાનું રહસ્ય પોતાની પાસે જ રાખવું એ અનેક રીતે ફાયદાકારક છે. સૌ કોઈ જાણે છે કે, 'કોકાકોલા' કંપનીએ એના જાળવી રાખેલા રહસ્યને કારણે જ અબજો રૂપિયાની કમાણી કરી છે. કહેવત છે કે, 'બોર સૌને ખવડાવજો, પણ બોરડી કોઈને ન બતાવશો.'

(૧૦) યોગ્ય બચત : ધંધામાં તમે કમાણી ગમે તેટલી કરો, તેમાંથી યોગ્ય બચત કરતા રહેજો. બચત કરવા માટેનું એક ખાસ કારણ એ છે કે દરેક ધંધામાં, પછી તે એક રૂપિયાની મૂડીથી શરૂ થયો હોય કે કરોડ રૂપિયાની મૂડીથી શરૂ થયો હોય, એમાં ક્યારેક તો કટોકટીની સ્થિતિ આવે જ છે અને એવા વખતે માણસને એણે કરેલી બચત જ ઉપયોગી થાય છે. સારા દિવસોમાં કરેલી બચત બૂરા દિવસોમાં ધંધાને જીવતદાન આપી દે છે.

બચત કરવાની સારી રીત તો એ જ છે કે વ્યવસાયમાં કમાણી શરૂ થાય કે તરત જ બચત કરવાનું શરૂ કરી દેવું. વ્યવસાય નવો હોય અને વ્યવસાય કરનાર પણ નવો હોય ત્યારે કમાણી શરૂ થતાં જ એ ગર્વ અનુભવે છે અને આ ગર્વ એને જરૂર કરતાં વધુ પૈસા વાપરવા ઉશ્કેરે છે. એક વાર એ કુટેવ પડયા પછી એની જાત ઉપર કાબૂ રાખવાનું એના માટે મુશ્કેલ બની જાય છે. એ ટેવ છેવટે એને ખરાબ સ્થિતિમાં ઘસડી જાય છે.

કમાણી કરવાની શક્તિ અકબંધ હોવા છતાં, આવકજાવકના હિસાબમાં કચાશ રહી જવાના કારણે માણસ રસ્તે રઝળતો થઈ જાય છે. યોગ્ય પ્રમાણમાં, યોગ્ય સમયે થયેલી બચત એને બચાવી શકે છે. હેન્રી ફોર્ડ કહેતાં કે, માણસ પૈસા કમાવાથી નહીં, પણ પૈસા બચાવવાથી પૈસાદાર બની શકે છે.  .

 (૧૧) સફળ વ્યક્તિ તરીકેની છબિ : તમારી સામે હંમેશાં સફળ વ્યક્તિ તરીકેની જ છબિ રાખજો. માણસના કામ ઉપર સૌથી મોટી અસર એના હકારાત્મક વિચારોની થાય છે.

મહાકવિ ર્વિજલનું એક વાક્ય છે , 'ધે કેન, બીકોઝ ધે થિંક ધે કેન' જે લોકો એમ માને છે કે તેઓ તે કરી શકશે તેઓ તે કરી શકે છે.

સફળ વ્યક્તિઓ મોટેભાગે પોતાને સફળ માનતી હોય છે અને એ પ્રમાણે જ વર્તતી હોય છે અને એવા વર્તનને કારણે જ એમને સફળતા મળતી હોય છે. એન્ડ્રુ કાર્નેગી આ બાબતમાં બહુ આગ્રહી હતા અને કહેતાં કે પૈસાદાર બનવા ઇચ્છનાર માણસે પોતે પૈસાદાર જ છે એવું દૃશ્ય પોતાની નજર સામે રાખવું જોઈએ. જે માણસ પોતાને પૈસાદાર, સફળ માને છે એ અંતે સફળ થાય છે.

સામાન્ય લાગતી હકારાત્મક કલ્પના માણસના જીવનમાં આશ્ચર્યજનક પરિણામો સર્જી શકે છે.

ઉપર લખેલા અગિયાર મુદ્દાઓ ઉપરાંત બીજા વધુ નિયમો અને રસ્તાઓ વ્યવસાયમાં સફળ થવા ઇચ્છતી વ્યક્તિએ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૈસા કમાવા ઇચ્છતી વ્યક્તિએ એના ઉપર અમલ કરવો જોઈએ, કારણ કે જીવનમાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિનો આધાર એના અમલ ઉપર છે. વિચાર અને આચાર બંનેનો સમન્વય થાય છે ત્યારે ધાર્યું પરિણામ મળે જ છે.

 
Share This
 
 
   

 
Supplements
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com