Nov 29,2014 03:07:20 PM IST
 

ગોહિલવાડમાં મીની વાવાઝોડા સાથે અડધોથી ત્રણ ઈંચ વરસાદ

Apr 21, 2013 01:10 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 518
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા.ર૦

ભાવનગર સહિત રાજ્યભરમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે હવામાનમાં પલ્ટો આવતા કમોસમી વરસાદ સાથે છેલ્લા ત્રણ ચોમાસુ બેઠુ હોય તેવો માહોલ જામ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે બીજા દિવસે શુક્રવારે વરસાદી માહોલ જામવાની સાથે કરા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બપોર બાદ વરસાદી માહોલ ગોરંભાયા બાદ ઝંઝાવાતી પવન અને કરા સાથે અડધોથી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

ભાવનગર શહેરમાં બપોરે બાદ જામેલા વરસાદી માહોલમાં કરા અને ૬૦થી ૭૦ કિ.મી.ની ઝડપે ઝંઝાવાતી પવન ફૂંકાવાની સાથે જોરદાર વરસાદ તૂટી પડયો હતો. શહેરમાં ભારે પવન સાથેના જોરદાર વરસાદથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તથા દુકાનો અને ઘરમાં પાણી ધૂસ્યાની ઘટનાઓ બનવા પામી હતી. શહેરમાં ભારે પવનના કારણે અનેક સ્થળે તોતીંગ વૃક્ષો, હોર્ડીગ અને કેટલીક જગ્યાએ વીજપોલ ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી.

ભાવનગર શહેરમાં બપોર બાદ એક કલાકમાં ધોધમાર વરસાદને કારણે અઢીથી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા થોડીવાર માટે વાહન વ્યવહાર પણ અટવાઈ પડયો હતો. શહેરમાં થયેલા ધીંગા વરસાદના કારણે શોટસર્કીટ સાથે મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ જતા મોડીસાંજ સુધી અંધારપટ્ટ રહ્યો હતો. શહેરમાં વીજ પુરવઠો ચાલુ કરવા માટે વીજ તંત્રવાહકોના નાકે પણ દમ આવી ગયો હતો. શહેરમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ૮૦ ટકા ભેજથી ઠંડક પ્રસરતા રાત્રીનું તાપમાન ગગડીને રર.૧ ડિગ્રી નોંધાયુ હતું.

ભાવનગર શહેર ઉપરાંત તળાજા તાલુકામાં વીજળીના ગડગડાટ અને વાઝડી સાથે જોરદાર કમોસમી તૂટી પડયો હતો. તળાજાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર તળાજા શહેર ઉપરાંત આસપાસના ત્રાપજ, અલંગ, દિહોર, ફુલસર,કુંઢેલી, ભદ્રાવળ સહિતના ગામોમાં ભારે બેથી અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

તળાજા પંકથમાં થયેલા મીની વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદથી શહેર ઉપરાંત તાલુકાના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ્ટ થઈ ગયો હતો. તેમજ ઝંઝાવાતી પવન સાથેના વરસાદથી કેરી સહિતના પાકોને નુકશાન થયું હતું. તળાજાના બોરડા પંથકમાં ભારે વરસાદથી નદી પણ વહેતી થઈ ગઈ હતી.

પાલિતાણા તાલુકાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર પાલિતાણા શહેર અને તાલુકાના ઠાડચ, રાજપરા સહિતના ગામોમાં વિસ્તારોમાં બપોર બાદ ચાર વાગ્યાથી મોડીસાંજ સુધી ભારે પવન અને વીજળીના ચમકારા સાથે એક ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. પાલિતાણા પંથકમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદથી ખેતીવાડીમાં સૂકો ઘાસચારો પલળી જવાને કારણે ખેડુતોને નુકશાન થયુ હતું. ઉમરાળાના પ્રતિનિધિએ ઉમરાળા પંથકમાં સાંજ પછી ઝંઝાવાતી પવન સાથે ઉમરાળા, ધોળા, રતનપર, ચોગઠ સહિતના ગામોમાં કમોસમી વરસાદથી એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જણાવ્યુ હતુ.

વલભીપુરના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર વલભીપુર શહેર ઉપરાંત આસપાસના પાટણા, કલ્યાણપુર, કાનપર, પચ્છેગામ, પીપળી, રાજસ્થળી, રામપર સહિતના ગામોમાં હળવા-ભારે ઝરમર ઝાપટાંથી એક ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. સિહોર તાલુકામાં કમોસમી વરસાદ અંગે પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મોડીસાંજ સુધીમાં સિહોર શહેર તેમજ તાલુકાના કાજાવદર, આંબલા, વડીયા, ઉસરડ, ટાણા સહિતના ગામો વાઝડી સાથે વરસાદી ઝાપટાંથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેમા ટાણા ભારે પવનના કારણે વીજ પોલ ધરાશાયી થવાને કારણે વીજ પુરવઠો ખોરવાય ગયો હતો.

મહુવા તાલુકાના પ્રતિનિધિના અહેવાલ અનુસાર મહુવા તાલુકામાં દિવસભર વાતાવરણ સામાન્ય રહ્યા બાદ સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. મહુવા શહેર ઉપરાંત કળસાર, કોટીયા, માવવાવ, બગદાણા સહિતના ગામોમાં વાઝડી સાથે હળવા-ભારે વરસાદ તૂટી પડતા અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

 જિલ્લામાં આ ઉપરાંત ગઢડા પંથકના ભીમડાદ,ધ્રુફણીયા, કતપરમોટા અને ઘોઘા પંથકમાં પણ મોડીસાંજના ભારે વરસાદથી અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભાવનગર તાલુકાના ભંડારિયા પંથકમાં પણ ભારે વીજળીના ચમકારા અને ભારે પવન સાથે ભારે વરસાદ તૂટી પડતા ખેતીવાડીમાં વ્યાપક નૂકશાન થયુ હતું. ગારિયાધાર તાલુકામાં પણ મોડીસાંજ સુધીમાં વરસાદી માહોલ વચ્ચે ઝરમર ઝાપટાં વરસ્યા હતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com