180X600.jpg
Jul 29,2016 09:24:33 PM IST
 

૯૦ કિ.મી.ની સ્પીડે કાર ચલાવતા ૬૦ વર્ષના ઉદ્યોગપતિએ સ્કૂટી સવાર દંપતીને કચડી માર્યા

Apr 21, 2013 01:17 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 939
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૨૦

મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં ટેલિફોન એક્ષચેન્જ સામે આજે સવારે એક ઉદ્યોગપતિની કારે સ્કૂટી પર સવાર વૃધ્ધ દંપતીને અડફેટે લીધા હતા. જેના પગલે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા સાઇકલ પર જતાં શ્રમજીવીને પણ જોરદાર ટક્ક્ર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની વણઝાર સર્જાતા આસપાસના લોકો ભેગા થતાં માહોલ ગરમાયો હતો. જો કે કાર ચાલકે ૧૦૮ મારફતે ત્રણેય ઇજાગ્રસ્તોને સયાજીમાં ખસેડયા હતા. પરંતુ ગંભીર પ્રકારે ઘવાયેલ પતિ-પત્નીનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જે બાદ ઉદ્યોગપતિ હળવેકથી હોસ્પિટલમાંથી સરકી ગયા હતા. બાદમાં માંજલપુર પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે.

  • ગાદલા પીંજવા સ્કૂટી પર નીકળેલા પતિ-પત્નીએ સયાજીમાં દમ તોડયો

પ્રાપ્ત વિગત મુજબ, જાંંંબુવા વુડાના મકાનમાં રહેતા ભીખાભાઇ અલીજી વોરા (ઉ.વ.૭૦) મૂળ પાદરા તાલુકાના મુજપુર ગામના વતની હતા. ભીખાભાઇ તેમની પત્ની ફાતમાબીબી (ઉ.વ.૬૫) સાથે રહેતા હતા. જ્યારે એક પુત્ર તેમની નજીકમાં અને બીજો તાંદલજા વિસ્તારમાં રહે છે. અગાઉ વોરા પરિવાર એકતાનગરમાં રહેતું હતું. પરંતુ વુડાના મકાનો ફળવતા તે જાંબુવા સ્થાઇ થયા હતા. વૃધ્ધ દંપતી એક બીજાની હૂંફથી ગાદલાં પીંજવાનું કામ કરતા હતા. તદ્ઉપરાંત વર્ષોથી તેઓ ઘરેથી સાથે જ કામ કરવા નીકળતા હોવાનું તેમના પુત્ર ઇલીયાસે સયાજીમાં જણાવ્યું હતું.

આજે સવારે ભીખાભાઇ અને ફાતમાબીબી સ્કૂટી પર કામ અર્થે ઘરેથી નીકળ્યાં હતા. પોણા આઠ વાગ્યાના સમયગાળામાં વૃધ્ધ દંપતી જીઆઇડીસીમાં ટેલિફોન એક્ષચેન્જ ઓફિસ સામેથી પસાર થઇ રહયું હતું. દરમ્યાન જ્યુપીટર ચાર રસ્તા તરફથી સિલવર રંગની હુન્ડાઇ આઇ ટેન કાર (જીજે ૬ એફસી ૭૮૦૭) ના ચાલક બિપીન દરૂભાઇ દેસાઇના (રહે.૧૭, ગણપતિ નગર સિંધવાઇ માતા રોડ) ગફલતભર્યા ડ્રાઇવિંગને પગલે પહેલા વોરા દંપતીના સ્કૂટીને જોરદાર ટક્ક્ર મારી હતી.

જેના પગલે ભીખાભાઇ અને ફાતમાબીબી હવામાં ફંગોળાઇ બંને સ્કૂટી પરથી લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયા હતા. આટલાથી ન અટકેલી કારે સાઈકલ પર જતાં સુનિલ રામદેવ યાદવ (ઉ.વ.૩૩) (રહે.સતલોક નગર વડસર રોડ) ને અથડાતાં તેને પણ શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. એક પછી એક અકસ્માતને પગલે ત્યાં લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. ભેગા થયેલા લોકોએ તાત્કાલિક ૧૦૮ બોલાવી હતી. જે બાદ ત્રણેય ઇજાગ્રસ્તોને કારચાલક બિપીનભાઇ સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.

આ ઘટનાની જાણ ઇજાગ્રસ્તોના પરિવારને થતાં તેઓ પણ અધ્ધર જીવે સયાજી ખાતે દોડી ગયા હતા. પરંતુ અગિયાર વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત ભીખાભાઇ અને ફાતમાબીબીનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જે બાદ બિપીન દેસાઇ ત્યાંથી અલોપ થઇ ગયા હોવાનું સુનિલના એક કુટુંબીજને સયાજીમાં વાતચીત દરમિયાન જણાવ્યું હતું. બીજી તરફ, મકરપુરા પીઆઇ સહિતનો સ્ટાફની હાજરીમાં મૃતક વોરા દંપતીનું પોસ્ટમોર્ટમ થયું હતું. સમગ્ર બનાવ અંગે સુનિલ યાદવની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી બિપીન દેસાઇની ધરપકડ કરી હતી.

કારની જોરદાર ટક્ક્રને પગલે સ્કૂટીના ટુકડા થઇ ગયા

વડોદરાઃ જીઆઇડીસી બીએસએનએલની ઓફિસ પાસે સવારે રમફાટ દોડતી આઇ ટેન કાર અને સ્કૂટી વચ્ચેની ટક્ક્રે એટલી જોરદાર હતી કે, મૃતક ભીખાભાઇના સ્કૂટીના રીતસરના બે ટુંકડા થઇ ગયા હતા. ત્યારે ઢળતી ઉંમરનું વોરા દંપતીની હાલત જોઇને ત્યાં ભેગા થયેલા લોકો પણ ચોકી ઉઠયા હતા.

બેકાબૂ કાર શનિવારે હનુમાનજીની ડેરી સાથે ભટકાઇ

વડોદરા- આઇ ટેન કારના ચાલક બિપીન દેસાઇના નિષ્કાળજી ભર્યા ડ્રાઇવિંગને પગલે પહેલો અકસ્માત સ્કૂટીના ચાલક ભીખાભાઇ અને તેમની પત્ની સાથે, બીજો અકસ્માત સાઇકલ સવાર રામદેવ સાથે કર્યા બાદ ૧૦૦ મીટર દૂર આવેલી 'ચેતન હનુમાનજીની' ડેરી સાથે ભટકાઇ હતી. અને કારમાંથી પડેલું ઓઇલ હનુમાનજીની ડેરી પર પણ પડયું હતું. પરંતુ શનિવારના દિવસે ડેરીની એક ઈંટ પણ તૂટી ન હતી. એક સાથે ત્રણે અકસ્માતને પગલે કારની આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ હિટ એન્ડ રનનો બનાવ નથી- પીઆઇ પરમાર

વડોદરા- માંજલપુર પીઆઇ ડી.એચ.પરમારે જણાવ્યું હતું કે, આ અકસ્માતને હિટ એન્ડ રનનો બનાવ ના કહીં શકાય. કારણ કે ઉપરા છાપરી અકસ્માત કર્યા બાદ પણ કાર ચાલક બિપીન દેસાઇ સ્થળ પરથી ભાગી છૂટયા ન હતા. તદ્ઉપરાંત ઇજાગ્રસ્ત ભીખાભાઇ, ફાતમાબીબી અને સુનિલને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જે દેસાઇની માનવતા છતી કરી છે.

... આ લો મારા નાના-નાની ફોટો

વડોદરા- વોરા દંપતીના મોત બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે બંનેના મૃતદેહને કોલ્ડરૂમ ખાતે લઇ જવાયા હતા. તે સમયે મૃતક ભીખાભાઇને બે પુત્રો, પુત્રવધૂ અને પૌત્ર સહિતનો પરિવાર ત્યાં હાજર હતો. 'સંદેશે' મૃતકના પુત્ર ઇલીયાસ પાસે તેમનો ફોટો માંગ્યો હતો. ત્યારે મૃતકના પૌત્રએ 'આ લો મારા નાના-નાનીના ફોટા' તેમ જણાવી પાકીટમાંથી ફોટો કાઢીને આપ્યો હતો. આ લાગણીસભર દ્રશ્યને પગલે એક તબક્ક્ત્યાં હાજર સૌ કોઇ અવાક થઇ ગયા હતા.

૯૦ કિ.મી.ની ઝડપે કાર હતી- પીએસઆઇ ચૌધરી

વડોદરાઃ ડબલ ફેટલની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કેસમાં કાર ચાલક બિપીન દેસાઇ (ઉ.વ.૬૦)ની ધરપકડ કરી છે. મકરપુરા જીઆઇડીસીમાં તે કોઇ ચીજવસ્તુઓના સ્પેર પાટૃસ બનાવવાની કંપની ચલાવે છે. તેમની પ્રાથમિક પૂછપરછમાં કાર સામાન્ય ગતિએ હોવાનું કહયું હતું. પરંતુ કાર લગભગ ૯૦ ની સ્પીડમાં હશે.

 
Share This