180X600.jpg
Jul 26,2016 03:29:32 AM IST
 

વેકેશન પડતાં જ બંધ મકાનોમાં ઘરફોડ તસ્કરોના 'કલાસ' શરૂ

Apr 21, 2013 02:37 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 532
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા. ૨૦

શાળાઓમાં પરીક્ષા પુરી થતાં ઘણાં લોકો મકાન બંધ કરીને વેકેશન ગાળવા માટે ઉપડી ગયા છે. આ સાથે શહેરમાં ઘરફોડ ચોરીઓનો સિલસીલો શરુ થયો છે.

શહેરના ગોરવા તથા રાવપુરા અને પાણીગેટ વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરો ૬ બંધ મકાન અને એક દુકાનને નિશાન બનાવીને ત્રણ લાખ ઉપરાંત રુપિયાની મત્તાની સાફસુફી કરી ગયા હતા. આ પૈકીના ગોરવા બાપુની દરગાહ પાસે આવેલાં પરિશ્રમ પાર્ક કોમ્પલેકસના ૪ ફલેટના તાળા તુટતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ ચાર પૈકીના એક ફલેટમાં ચોરીની મત્તા પોલીસને જાણવા મળી છે જયારે બાકીના ત્રણ ફલેટમાં કેટલાની ચોરી થઈ છે તે રહિશો બહારગામથી પાછા આવ્યા બાદ જાણવા મળે તેમ છે.

  • ગોરવામાં ૪ ફલેટના તાળા તૂટયાં અમદાવાદી પોળ પાસે દુકાનમાં ચોરી

શહેરના રાવપુરા મેઈન રોડ પર અમદાવાદી પોળના નાકે આવેલી રેડીમેઈડ ગારમેન્ટની દુકાનમાં ચોરી થઈ હતી. ગઈકાલે મધરાતના સમયે તસ્કરો દુકાનના છતના ભાગે પતરુ કાપીને દુકાનમાં ઘુસ્યા હતા. દુકાનમાંથી રોકડા રૂ. ૬ હજાર અને કપડા લત્તા સહિત કુલ રૂ. ૪૬ હજાર ઉપરાંતની મત્તાની સાફસુફી કરી ગયા હતા. દુકાનના માલિક નવિનચંદ્ર શાહે નોંધાવેલી ફરિયાદના આધારે રાવપુરા પોલીસે તપાસ શરુ કરી છે.

  • પાણીગેટ અને વાઘોડિયા રોડના બે મકાનમાં ચોરી ૩ લાખ ઉપરાંતની મત્તા ડૂલ

ગોરવા બાપુની દરગાહ પાસે પરિશ્રમ પાર્ક કોમ્પલેકસમાં ત્રણથી ચાર લો રાઈઝ એપાર્ટમેન્ટ આવેલા છે. આ પૈકીના ૨-૧૭ નંબરના ફલેટમાં રહેતાં યશવંતભાઈ રાજારામ કારખાનીસ તેમના પત્ની ઉષાબેન સાથે બે દિવસ પહેલા મકાન બંધ કરીને મુંબઈ રહેતા પુત્રના ઘરે ગયા હતા. આ દરમિયાનમાં તેમના બંધ મકાનમાં ચોરી થઈ હતી. લોખંડના ઓજારથી દરવાજાનું મુખ્ય તાળુ તોડીને ઘુસેલા તસ્કરો ચોરી કરી ગયા હતા. યશવંતભાઈના જમાઈ શ્રીરંગ જયરામ સિલીમકર (રહે, કૈલાશધામ,લક્ષ્મીપુરારોડ) આજે સવારે સસરાના ફલેટમાં ગયા હતા અને તપાસ કરતાં રૂ.૨૭,૮૦૦ની મત્તાની ચોરી થઈ હોવાનું જાહેર કર્યું હતું. આ સિવાય ૪-૪૪માં રહેતાં નિરવ પટેલ, ૫-૫૩માં રહેતાં ઘનશ્યામસિંહ ચૌહાણ તથા ૭-૮૬ નંબરના બંધ ફલેટમાં પણ ચોરી થઈ હતી. સ્થાનીક લોકોમાં ચાલતી ચર્ચા પ્રમાણે ૬ કરતાં વધુ બંધ ફલેટના તાળા તુટયા છે.અન્ય એક બનાવમાં શુક્રવારે સાંજથી શનિવાર સુધીના ગાળામાં વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયાના એક બંધ મકાનમાંથી ઘરવખરી સામાન સહિત કુલ રૂ.૩૦ હજારની મત્તાની ચોરી કરી ગયા હતા. શાંતાબેન ગોડિયાએ નોંધાવેલી ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે તપાસ શરુ કરી છે.

 વહેલી સવારે તુલસીના પાંદડા લેવાના બહાને ઘરે આવેલી મહિલાએ ચોરી કરી

ઘરફોડ ચોરીના આ બનાવોમાં પાણીગેટ આર્યુવેદિક કોલેજ પાસેની ત્રીલોક નગર સોસાયટીમાં વહેલી સવારે થયેલી ચોરીનો કિસ્સામાં તરકીબ નવી અજમાવી હતી. ત્રીલોકનગર સોસાયટીમાં મધુબેન જગન્નાથ પ્રસાદ પંડિત તેમની પુત્રવધુ સાથે રહે છે. જે બંન્નેના પતિ હયાત નથી. મધુબેનના અન્ય બે પુત્ર જુદા રહે છે. આજે સવારે ૭ વાગે આશરે ૪૦ વર્ષની ઉંમરની જણાતી એક મહિલા ભગવાનની પૂજા માટે તુલસીના પાંદડા લેવાના બહાને મધુબેનના ઘરે આવી હતી. મધુબેને આ અજાણી મહિલાને કહયું કે અમારો તુલસીનો છોડ તો સુકાઈ ગયો છે. પાંદડા મળી શકે તેમ નથી. મધુબેને આ મહિલાને ઘરમાં બોલાવીને ચ્હા પણ પીવડાવી હતી. અજાણી મહિલા મધુબેન અને તેમના વહુ સાથે વાતો કર્યા કરતી હતી આ વખતે અજાણી મહિલાની સાગરીત મનાતી અન્ય એક મહિલા ઘરમાં ઘુસી હતી અને ઉપરના માળે બેડરુમમાં જઈને કબાટમાંથી અમેરિકન ડાયમંડ અને સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ. ૧.૮૯ લાખની મત્તાની ચોરી કરીને નાસી છુટી હતી. આ બંન્ને મહિલાઓ ઘરેથી ગયા પછી મધુબેનને ચોરીની જાણ થઈ હતી. પાણીગેટ પોલીસે જાણભેદુ મહિલાઓ વિરુધ્ધમાં ગુનો નોંધીને તેઓના વર્ણનના આધારે તપાસ આરંભી છે.

 દંતેશ્વરમાં મહિલાના ગળામાંથી મંગળસૂત્રની લૂંટ

શહેરના દંતેશ્વર વિસ્તારમાં ગઈકાલે રાતે બાઈક સવાર લૂંટારુઓ એક રાહદારી મહિલાના ગળામાંથી રૂ. ૭૫ હજારની કિંમતનું ૩ તોલા વજનનું સોનાનું મંગળ સૂત્ર લુંટીને નાસી છુટયા હતા. દંતેશ્વર સાંઈબાબાના મંદિર પાસે રાજરત્ન સોસાયટીમાં રહેતાં વાસુદેવભાઈ માલુસરે રેલવેના નિવૃત્ત કર્મચારી છે. તેઓ પત્ની વિમલબેન (ઉ.વ.૫૬) સાથે રહે છે. ગઈકાલે મોડીસાંજે વિમલબેન નજીકમાં રહેતાં પુત્રના ઘરેથી ચાલતા રાજરત્ન સોસાયટી તરફ આવી રહયાં હતા. ત્યારે સોસાયટી પાસે જ સાંઈબાબાના મંદિર નજીક પાછળથી આવેલા પલસર સવાર લૂંટારુઓ વિમલબેનના ગળામાંથી રૂ. ૭૫ હજારની કિંમતનું ૩ તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થઈ ગયા હતા. મકરપુરા પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

 
Share This