Jul 24,2014 07:38:19 AM IST
Breaking News ખરાબ હવામાનને કારણે તાઇવાનમાં પ્લેનનું ક્રેશ લેન્ડિંગ : 51ના મૃત્યુ, 7 ગંભીર ઘાયલ
 

બંગાળથી ખરીદાયેલી યુવતીઓ સુરતમાં વેચવાનું રેકેટ ઝડપાયું

Apr 21, 2013 02:58 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 967
Rate: 1.6
Rating:
Bookmark The Article

સુરતઃ શહેરના નાનપુરા વિસ્તારમાં એક મકાનમાં ગોંધી રખાયેલી બંગાળી યુવતી રાનીને સ્થાનિક લોકોએ આપેલી માહિતીના આધારે અઠવા પોલીસે ઉગારી હતી. આ યુવતીએ પોલીસને જણાવેલી કેફિયતમાં હ્યુમન ટ્રાફિકિંગ સાથે સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. રાનીને તેના વતનથી મુંબઇમાં નોકરીના બહાને લવાયા બાદ દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવાઇ હતી. મુંબઇની દલાલે રાનીને સુરતમાં વેચી દેતાં અહીં પણ તેણી ઉપર બળાત્કાર ગુજારાયો હતો. લાલીને ખરીદ્યા બાદ ગોંધી રાખીને બળાત્કાર ગુજારનારા અજય દાસની ધરપકડ કરી હાથ ધરાયેલી તપાસમાં સુરત આવી રીતે ૨૦થી ૨૫ છોકરીઓ લવાઇ હોવાની અતિ ચોંકાવનારી વાતો બહાર આવી છે.
  • બંગાળથી મુંબઇના દલાલો ઘરકામ કરવાના નામે છોકરીઓને લઇ આવે છે
  • મુંબઇમાં દેહવિક્રયના ધંધામાં ઢસડયા બાદ અન્ય શહેરોના દલાલોને વેચી દેવાય છે
  • બંગાળી યુવતીને ખરીદી સુરતના નાનપુરામાં ગોંધી બળાત્કાર ગુજારનારની ધરપકડ
  • અજય દાસની ધરપકડ બાદ કરાયેલી તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો
અઠવાલાઇન્સ પોલીસ મથકનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નાનપુરા માછીવાડમાં એકતા સર્કલ પાસે મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ આવેલું છે. આ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ૧૦૩માં એક યુવતીને ગોંધી રાખવામાં આવી હોવાનો મેસેજ પોલીસને શુક્રવારે રાતે મળ્યો હતો.
બંગાળના નાદિયા જિલ્લાના એરૂલી થાના હેઠળ આવતા ગાંગનાપુર પંથકની વતની એવી રાનીએ પોલીસને જણાવ્યું હતું કે તેણીની પડોશમાં રહેતી મહિલાના દિયર બાબુએ તેણીને મુંબઇમાં સારું એટલે કે સારા પૈસા મળે એવું કામ અપાવવાની વાતોમાં ફસાવી હતી. તેણીના માતા પિતાને વિશ્વાસમાં લઇને બાબુ રાનીને મુંબઇ લઇ આવ્યો હતો. મુંબઇમાં રાનીને હસન નામની વ્યક્તિના ઘરે રાખવામાં આવી હતી.

મુંબઇના હસને રાની પાસે દસેક દિવસ ઘરકામ કરાવ્યું હતું. ત્યારબાદ હસને ફોન કરીને રામુ નામના માણસને બોલાવ્યો હતો. રામુ તેની પત્ની સાથે હસનના ઘરે આવ્યો હતો. આ દંપતીની સાથે અજય નામનો વ્યક્તિ પણ હતો. હસને રામુ અને અજય સાથે કોઇ વાત કર્યા બાદ રાનીને તેઓ સાથે જવા માટે જણાવાયું હતું.

અજય તથા રામુ અને તેની પત્ની સાથે રાની એક સફેદ રંગની કારમાં બેસાડી દેવાઇ હતી. કારમાં રાનીને સુરત લાવવામાં આવી એ દરમિયાન તેણીને દેહવિક્રયના ધંધા માટે સમજાવવામાં આવી હતી. રાનીએ તેને તો ઘરકામ કરવાની વાત કહેવાય હતી એવું જણાવતાં આ ટોળકીએ તેણીને ધાકધમકી આપી હતી. આ ટોળકી રાનીને નાનપુરાના મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં લાવી અને ગોંધી દીધી હતી.

આ ઘરે પણ રાનીને દેહવિક્રય માટે સમજાવાઇ હતી જો કે રાનીએ દાદ ન આપતાં તેણીને ત્રાસ આપવામાં આવ્યો હતો. રાનીએ કોઇની વાત નહીં માનતા તેણીને વશમાં કરવા માટે જોર જબરદસ્તી કરાઇ હતી. પહેલા રામુએ રાની સાથે બળાત્કાર ગુજાર્યા બાદ અજયે પણ જબરદસ્તીથી બદકામ કર્યું હતું. રામુ અને અજયે બળાત્કાર ગુજાર્યા બાદ રાનીને ઘરમાં ગોંધી રાખી હતી. શુક્રવારે રાતે રાનીએ બારીમાંથી બહાર પાણી નાંખીને લોકોનું ધ્યાન ખેંચ્યું અને પછી મદદ માંગી હતી. સ્થાનિક લોકોના મેસેજથી પોલીસે રાનીને ઉગારી હતી.

રાનીની આ કેફિયતના આધારે પોલીસે બાબુ, અજય, હસન અને રામુ વિરુદ્ધ અપહરણ તથા બળાત્કાર ઉપરાંત ઇન્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેન્સ એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 
નોકરીના બહાને ફસાવાય છે

સુરત : અજય ચિતરંજન દાસે પોલીસની તપાસમાં કેટલાક અતિ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેના કહેવા પ્રમાણે હસન ખૂબ ચાલાકીથી આ રેકેટ ચલાવી રહ્યો છે. હસન પાસે બંગાળના યુવકોની આખી ટોળકી છે. જેઓ ગામમાંથી મુંબઇમાં સારુ કામ મળશે એવી વાતોમાં ગરીબ પરિવારોને ફસાવી તેમની સગીર બાળકીઓને મુંબઇ લઇ આવે છે.મુંબઇમાં થોડો સમય ઘરકામ કરાવ્યા બાદ તેણીને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવાય છે. આ યુવતીઓના વાલીઓને લાંબો સમય સુધી તેમનું સંતાન સલામત અને સારી જગ્યાએ કામ કરતું હોવાનો અહેસાસ પણ કરાવાય છે. આ માટે તેઓ વાલીઓ પાસે બેંકમાં એકાઉન્ટ ખોલાવે છે. આ એકાઉન્ટમાં હસન મુંબઇમાં પૈસા જમા કરાવી તેઓને મેસેજ પહોંચાડી દેતો હોય વાલીઓ યુવતીઓ અંગે ઝાઝી પૂછતાછ કે તપાસ કરતાં નથી.

સુરતમાં વીસેક યુવતી વેચાઇ

સુરત : બંગાળથી મુંબઇ અને ત્યાંથી સુરત લાવવામાં આવેલી રાનીએ જણાવેલી કેફિયતના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં અજય ચિતરંજન દાસ નામના યુવકની ધરપકડ કરી છે. બત્રીસ વર્ષીય અજયે પોલીસને જણાવ્યું હતું કે તે મુંબઇમાં હસન સાથે સોદો કરી રાનીને સુરત લઇ આવ્યો હતો. સોદાની રકમનો ફોડ નહી પાડનાર અજયનો ઇરાદો દેહવિક્રય કરાવવાનોે હતો. હસન બંગાળથી મોટા પાયે યુવતીઓ મુંબઇ લાવે છે. જ્યાં તેણીને સારા કામના નામે અન્ય શહેરોના દલાલોને વેચી દેવાય છે. હસને રાની જેવી અન્ય ૨૦થી ૨૫ યુવતીઓને સુરતમાં વેચી હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ અજય દાસે કર્યો હોવાનું જાણવા મળે છે. આ ટોળકીએ અમદાવાદમાં પણ આ જ રીતે ઘણી યુવતીઓ સપ્લાય કરી હોવાની વાત પણ બહાર આવતાં પોલીસે મામલાને ગંભીરતાથી લઇ તપાસ હાથ ધરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com