180X600.jpg
Jul 25,2016 05:44:51 AM IST
 

ભરઉનાળે ચોમાસું : વાવાઝોડા સાથે વરસાદ

Apr 21, 2013 03:04 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 499
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૨૦

પૂર્વ રાજસ્થાન અને તેની ફરતેના વિસ્તારોમાં સર્જાયેલા અપર એર સાઈક્લોન સરક્યુલેશનની સ્થિતિ યથાવત રહેતા સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી માવઠાંએ ઉપાડો લીધો છે અને ગત મોડી રાત્રિથી શરૂ થયેલા વરસાદને કારણે અત્યાર સુધીમાં બેનાં મોત થયાં છે જ્યારે અંદાજે ૩૫ કિલો મીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે નિઝર તાલુકામાં બે બાઈક સવાર રસ્તા ઉપરથી ફંટાઈને ઝાડ સાથે ભટકાતા એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે. જ્યારે સુરત ઉપરાંત નવસારી, વલસાડ, વાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે પણ દિવસ દરમિયાન સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળ છવાયેલા રહેતાં હજુ પણ એક તોફાની વાવાઝોડાની સંભાવના વ્યકત કરાઈ રહી છે. જ્યારે આજે રાત્રેૈ નવ વાગ્યાથી બારડોલીમાં ફરી મૂશળઘાર વરસાદ શરૂ થયો હતો. જ્યારે સુરત શહેરમાં ઝરમરીયો વરસાદ ચાલુ રહ્યો હતો.


  • દક્ષિણ ગુજરાતમાં ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વંટોળિયું
  • એંધળ ગામે બસ પલટી જતાં માતા અને માસૂમ બાળકનાં મોત
  • નિઝરમાં ભારે પવનની ઝપેટમાં બે બાઈક સવાર ઝાડ સાથે ભટકાયા
  • સુરત અને બારડોલીમાં અનેક સ્થળોએ મકાનોના છાપરા ઊડી ગયા
  • શુક્રવારે મોડી રાત્રે ચારે બાજુ ઘૂળની ડમરીનો માહોલ છવાયો
  • રસ્તાઓ ભીના થઈ જતાં અનેક સ્થળોએ વાહનચાલકો પટકાયા
  • બારડોલીમાં ફરી મુશળધાર વરસાદ શરૂ થયો

ગત રાત્રિ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુતરાતમાં એકાએક વરસાદ તૂટી પડયો હતો જેમાં સુરત શહેરમાં ચારે બાજુ ધૂળની ડમરીઓ આકાશમાં છવાઈ જતાં અડધો કલાક ઉપરાંતના સમય સુધી વાહનચાલકોએ રસ્તાની એક બાજુએ ઊભા રહેવાની સ્થિતિ સર્જાવા પામી હતી. જ્યારે સુરત અને બારડોલીમાં અનેક મકાનોના છાપરાઓ ઊડી ગયાં હતાં. જેમાં સૌથી વધુ જિલ્લાના માંડવી તાલુકામાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. તેમજ ભારે પવનને કારણે લાંબા સમય સુધી વીજળી પણ ડૂલ થઈ જતાં લોકોએ અંધારપટનો સામનો કરવો પડયો હતો. આ ઉપરાંત સુરત જિલ્લામાં આજે દિવસ દરમિયાન પણ ઝરમરિયો વરસાદ ચાલુ રહેતાં

ભારે પવનને કારણે માંડવીના અમલસાડી અને કાકડવા બોર્ડર ઉપર બે વીજપોલ ધરાશયી થઈ ગયા હતા જ્યારે માંડવી અને કીમ રસ્તા ઉપર બે કલાક સુધી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. ઉપરાંત માંગરોળમાં પણ મોસાલી, કોસાડી, ડુંગરી, આંબાવાડી, વાંકલ અને ઝંખવાવમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાતા ખેતીના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. બારડોલીમાં તો ગઈ કાલ રાત્રિથી ડૂલ થઈ ગયેલી વીજળી આજે સાંજે પાંચ વાગ્યા સુધી નહીં આવતા માવઠાંને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. મહુવા તાલુકામાં પણ અનાવલ, કુમકોતર રોડ સહિતના રસ્તાઓ ભારે વરસાદને કારણે ચીકણા થઈ જતાં અનેક વાહન સ્પિલ થઈ ગયા હતા.

નવસારી જિલ્લામાં પણ ચારે બાજુ ભારે વરસાદે કેર વર્તાવ્યો હતો. જેમાં ગણદેવી તાલુકાના એંધળ ગામે ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળતાં નેશનલ હાઈવે નંબર ૮ ઉપર ધોલધરા ખાડી પાસે પાલનપુરથી મુંબઈ જોગેશ્વરી તરફ જઈ રહેલી એક લકઝરી બસ નંબર જીજે-૮- ૯૦૦૨ પલટી ગઈ હતી. રસ્તા ઉપર પાણી દેખાતા ડ્રાઈવરે શોર્ટ બ્રેક મારતા બસ પલટી ગઈ હતી જેમાં આબેદાબેન મંજૂર અલી મોમીન (ઉ.વ. ૩૨) અને તેમનો પુત્ર ઈમરાનઅલી મોમીન (ઉ.વ. ૩) દબાઈ જવાને કારણે ઘટનાસ્થળે જ મોતને ભેંટયા હતા. જ્યારે બસના અન્ય ૨૫ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા સાથે આલીપોર દવાખાના ખાતે સારવાર અર્થે દાખલ કરાયા હતા. બસ પલટી જતાં મુસાફરોએ મોડી રાત્રે બૂમાબૂમ કરતા નજીકના લોકોએ તત્કાળ આવીને તમામ મુસાફરોને બહાર કાઢીને બચાવી લીધા હતા નહીં તો મૃત્યુઆંક વધવાનો ભય સેવાઈ રહ્યો હતો. જાણવા મળ્યા મુજબ બસના ચાલક હનીફભાઈ અબ્દુલભાઈ સુણાસરા સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

તાપી જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદે ભારે ખાનાખરાબી સર્જતા કઠોળના પાકને ભારે નુકસાન થયું હતું જ્યારે નિઝર તાલુકામાં બાઈક ઉપર સવાર બે વાહનચાલકો ભારે પવન અને ધૂળની ડમરીને કારણે રસ્તા ઉપરથી ફંટાઈ ગયા હતા અને એક ઝાડ સાથે ભટકાતાં બાઈકસવારની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. બાઈકસવાર રાજુ પાડવી નામના ચાલકને વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યારે જિલ્લામાં અનેક સ્થળોએ વૃક્ષો તૂટી પડવાને કારણે વાહન-વ્યવહારને અસર પડવાના બનાવો પણ નોંધાયા હતા. સોનગઢમાં પણ આમલીપાડા ગામે એક તોતિંગ વૃક્ષ તૂટીને મકાન ઉપર પડતાં રોશનભાઈ ગામીતના પરિવારનો આબાદ બચાવ થયો હતો. હાલમાં આદિવાસીઓમાં લગ્નસરાની સિઝન ચાલી રહી હોવાને કારણે વરસાદે અનેક લગ્ન પ્રસંગોમાં ભંગ પાડયો હતો.

વલસાડ જિલ્લામાં પણ મળસકે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. જિલ્લામાં સૌથી વધુ પારડીમાં પાંચ મી.મી., ધરમપુરમાં ૩, કપરાડામાં ૨ અને વલસાડ તથા ઉમરગામમાં એક એક મી.મી. વરસાદ નોંધાયો હતો. વાપી પંથકમાં પણ અનેક સ્થળોએ ર્હોિંડઝ, ઝાડ તેમજ વીજપોલ પત્તાની જેમ ધરાશયી થઈ ગયા હતા.

 

નૈઋત્યના સૂસવાટાભેર પવનોએ માહોલ બદલ્યો

નવસારી : આમ તો એપ્રિલ માસના છેલ્લા દિવસો કાળઝાળ ગરમીના હોય છે. કેલેન્ડરમાં પણ બે દિવસ પૂર્વે જ ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ બતાવાયો છે. આમ આ દિવસો દરમ્યાન માથું ફાડી નાંખે તેવી સખત ગરમીના હોવા જોઈએ. જો કે તેને બદલે છેલ્લા બે-ત્રણ દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહો કે પછી ગ્લોબલ ર્વોિંમગની અસર કહો, વાતાવરણમાં સમૂળગો પલ્ટો જોવા મળી રહ્યો છે.

બે દિવસ ઝાંપટા બાદ શનિવારનો દિવસ સવારથી કોરો જોવા મળ્યો હતો. આકાશ સ્વચ્છ રહ્યું હતું પરંતુ દરિયા પરથી એટલે કે નૈઋત્ય દિશામાંથી વાતા ઝડપી પવનોને પગલે એકંદરે ઠંડક રહી હતી. જો કે જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સાંજે પાંચેક વાગ્યાના સુમારે નૈઋત્યના પવનોની ઝડપ વધીને ૧૨ કિ.મી. કરતાં પણ વધુ થઈ હતી અને તેની સાથે જ ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. ક્ષિતિજનો પણ રંગ બદલાયો હતો અને ગણતરીની મિનિટોમાં જ આકાશમાં વાદળોનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. ક્યાંક ક્યાંક વાદળોના ગડગડાટ તો ક્યાંક વિજળીના ચમકારા પણ જોવા મળ્યા હતાં.

આ લખાય છે ત્યારે મોડી સાંજ સુધી વાતાવરણ ખુશનુમા રહ્યું છે. ઝડપી પવનો અને આકાશમાં કાળા વાદળોની હાજરી વચ્ચે વરસાદ ગમે ત્યારે તૂટી પડે તેવો માહોલ સર્જાયો છે. ત્યારે ભર ઉનાળે ચોમાસુ બેસી ગયું હોય તેવો અનુભવ નવસારીના લોકો કરી રહ્યાં છે. હવામાન કચેરીના સૂત્રો મુજબ આજે મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૨૦.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૫ ટકા જ્યારે બપોરે ૪૮ ટકા નોંધાયું હતું. પવનો નૈઋત્ય દિશાના સવારે ૮ કિ.મી.ના જ્યારે બપોરે ૧૨ કિ.મી.ના સક્રિય જોવા મળ્યા હતાં. નવસારી કૃષિ યુનિ. સ્થિત મિટિરીયોલોજીકલ વિભાગના સૂત્રો મુજબ આજે મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૨૦.૦ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮૧ ટકા જ્યારે બપોરે ૬૨ ટકા નોંધાયું હતું. પવનો ૧૧.૮ કિ.મી.ની ઝડપના નૈઋત્ય દિશાના નોંધાયા હતાં.

 
ઊભા પાકને વ્યાપક નુકસાન

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજંુ ફરી વળ્યું છે. ખાસ કરીને કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે તેના પાકને વધુ નુકસાન થવાની ભીતિ છે. કેટલાક વિસ્તારોમાં હજુ આંબા પરથી બેડવાની બાકી રહી ગયેલી કેરીઓ ભારે પવનના કારણે તૂટી પડતા ખેડૂતોને મોટું નુકસાન થયાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. કેરી ઉપરાંત જાંબુ, ચિકુના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત પશુઓ માટેનો ઘાસચારો, બળતણનાં છાણાં તેમજ ખળીમાં મૂકેલા કઠોળના પાકને બચાવવા માટે ખેડૂતોએ ગત આખી રાત્રિ દરમિયાન કવાયત કરવી પડી હતી. હાલમાં તૈયાર થવા આવેલા પાકમાં જુવાર, શણ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયું છે તેમજ ચીકુ અને શાકભાજીને પણ મોટા પાયે નુકસાન થવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે શેરડી, લીલો ઘાસચારો તેમજ ઉનાળુ ડાંગર તેમજ મગફળીના તુલોને માટે વરસાદ ફાયદાકારક સાબિત થયો છે. એકંદરે ભરઉનાળે વરસી રહેલા વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર બની ગયો છે.

પારો સામાન્યથી છ ડિગ્રી નીચે
છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરમાં મોસમના બદલાયેલા મિજાજને કારણે ભરઉનાળે વાદળ છવાયા હતા જે શુક્રવારે રાત્રિ દરમિયાન એકાએક તૂટી પડયા હતા. જ્યારે આજે પણ મોડી સાંજથી ઝરમરિયા વરસાદને કારણે શહેરના રસ્તાઓ ભીના થઈ ગયા હતા. બીજી તરફ આજે સતત ત્રીજા દિવસે શહેરનું તાપમાન સામાન્યથી છ ડિગ્રી નીચું રહ્યું હતું. આજે સુરતમાં પારો મહત્તમ ૩૧.૦ અને ન્યૂનતમ ૨૬.૦ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકાથી વધુ અને પવન દરિયાપારનો પ્રતિ કલાક પંદર કિ.મી.થી વધુની ઝડપનો રહ્યો હતો. દરમિયાન હવામાન વિભાગના અનુમાન ર્પૂિવય રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોનું અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન યથાવત રહેતાં આગામી બેથી ત્રણ દિવસ વાતાવરણમાં મોટો કોઈ પલટો આવવાના અણસાર નથી. સાથે કમોસમી વરસાદનું વધુ એક માવઠું દક્ષિણ ગુજરાતને ઘમરોળે એવી શક્યતા છે.
 
Share This
 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com