Jul 07,2015 10:04:59 AM IST
 

અચાનક લોકોના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ગાયબ થઈ ગયા

Apr 21, 2013 03:05 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 902
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા.૨૦

શુક્રવારની રાતથી શહેરમાં એક અલગ પ્રકારના ફ્રોડના ઉપરા-છાપરી બનેલા કિસ્સાઓએ લોકોમાં ચકચાર મચાવી હતી. તમારા એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા રૂપિયા ઉપાડવામાં આવ્યા છે એવો મેસેજ આવતાં લોકોએ તો પોતાનો એટીમ કાર્ડ ચેક કરવા માંડયો હતો. કાર્ડ પોતાની પાસે હોવાનું તથા કોડ નંબર પણ કોઇને આપવામાં આવ્યો ન હોય તેઓ સવારે બેંકમાં દોડી ગયા હતા. બેંકે જે એટીએમમાંથી રૂપિયા ઉપાડાયા એ રાંદેર વિસ્તારમાં હોવાથી રાંદેર પોલીસ મથકે ફરિયાદ કરવા દોડયા હતા. આવી રીતે દિવસ દરમિયાન સત્તર વ્યક્તિઓ આવતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી.

  • સત્તર વ્યક્તિઓ એકસરખી ફરિયાદ સાથે આવતાં રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ
  • રાંદેરના એટીએમમાંથી જ ૧૭ વ્યક્તિના ખાતામાંથી ચારેક લાખ રૂપિયા ગાયબ

અંકલેશ્વરમાં રહેતા મહંમદ ફૈયાઝખાન શબ્બીર એહમદ ખાન ૧૦૮માં ઓપરેટિંગ મેનેજર છે. તેઓ એકિસસ બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. ગત રાતે તેમના મોબાઇલ ફોન ઉપર ૭૦૦૦ રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાનો મેસેજ આવ્યો હતો. મહંમદ ફૈયાઝે મેસેજ વાંચતાં જ પહેલું કામ પર્સમાં એટીએમ ચેક કરવાનું કર્યું હતું. પર્સમાંથી કાર્ડ મળ્યું અને ફૈયાઝે કોઇને કોડ નંબર પણ આપ્યો ન હોવાથી રૂપિયા એટીએમમાંથી ઉપાડયા કોણે અને કેવી રીતે ? એ પ્રશ્ને તે મૂંઝાયો હતો.

આવું જ કંઇક ફૈયાઝ ખાનના મિત્ર રોહિત સાથે પણ બન્યું હતું. અડાજણમાં રહેતા રોહિત રામગોપાલ શ્રીવાસ્તવ ઉપર પણ તેમના એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા ૭૦૦૦ રૂપિયા ઉપાડાયા હોવાનો મેસેજ આવ્યો હતો. આ બંને જણા સવારે બેંકમાં ગયા તો રાંદેરમાં આવેલા એટીએમમાંથી આ રકમ ઉપાડાય હોવાનું જણાવી પોલીસ ફરિયાદ કરવા કહેવાયું હતું. આ બે જણા પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા અને જોયું તો ત્યાં તેમના જેવા બીજા ઘણાં લોકો આવીને ઊભા હતાં. આ બધા સાથે એકસરખી જ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કરાયું હતું.

રાંદેર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પરાક્રમસિંહ રાઠોડે આ અંગેની વાતચિતમાં જણાવ્યું હતું કે એટીએમમાંથી બારોબાર રૂપિયા ઉપાડી લેવાયાની ફરિયાદ સાથે લગભગ સત્તર વ્યક્તિઓ આવી છે. આ બધા અલગ અલગ વિસ્તારમાં રહે છે. જો કે જે એટીએમમાંથી રૂપિયા ઉપાડાયા છે એ બધા જ રાંદેર વિસ્તારના છે. ૧૭ જણા વતી અમે મહંમદ ફૈયાઝ ખાનની ફરિયાદ લઇ બોગસ કાર્ડ બનાવી એટીએમમાંથી બિનઅધિકૃત રીતે રૂપિયા ઉપાડી ચીટિંગ કરવાનો ગુને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 
 
વરના કારમાં આવેલા બુકાનીધારીની કરતૂત ?
સુરત : રાંદેર પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર રાંદેરના જે એટીએમમાંથી રૂપિયા ઉપાડાયા હતા એમાંના એક એટીએમના સીસી કેમેરામાં યુવકની તસવીર આવી ગઇ છે. આ યુવક વીસેક મિનિટ સુધી એટીએમમાં રહ્યો હતો. તેના ચહેરા ઉપર રૂમાલ બાંધેલો હતો. એટીએમના સિક્યૂરિટી ગાર્ડે ચહેરા ઉપર રૂમાલ બાંધીને એટીએમની અંદર જતાં રોક્યો પણ તે તેને ગાંઠયો ન હતો. આ યુવકની પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ એટીએમની બહાર હુન્ડાઇ વરના કાર પડી હોવાની વાત પણ પોલીસને કેટલાક લોકોએ જણાવી હતી. કારમાં આવેલા બે યુવકો એટીએમમાંથી પૈસા ઉપાડી લીધા બાદ ત્યાં જ ભાગલા પાડયા હતા. તથા ભાગ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઇ હોવાની વાતો પણ પોલીસ સુધી પહોંચી છે. જો કે આ બધી બાબત હજુ પોલીસ ક્રોસ ચેક કરી રહી છે.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com