180X600.jpg
Jul 29,2016 05:40:26 AM IST
 

૧૧ માસ પહેલા યુવતીને નસાડી જનાર યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા

Apr 21, 2013 18:38 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 747
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૨૦

રાજકોટમાં નવાગામ નજીક દેવનગર ઢોરા તરીકે ઓળખાતાં વિસ્તારના દિનેશ ઉર્ફે ઘુસો નાગજીભાઈ રોરીયા (ઉ.વ.૨૧) નામના યુવકની કુવાડવારોડ પોલીસ મથક નજીક જ હાઈવે પર હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. દોડી ગયેલી કુવાડવા રોડ પોલીસની પ્રાથમિક તપાસમાં મરનાર ૧૧ માસ પહેલાં પાડોશમાં રહેતી પ્રેયસી ભરવાડ યુવતીને લઈને નાસી ગયો હતો. જેનો બદલો લેવા યુવતીના ભાઈ સહિતના શખ્સોએ મળી દિનેશની હત્યા નિપજાવ્યાનું બહાર આવ્યુ છે.

  • પીઠ તથા માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા, યુવતીનાં ભાઈ સામે ફરિયાદ

કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરેન્ટના સામેના ભાગે લોહીથી ખરડાયેલી હાલતમાં યુવકની લાશ પડી હોવાની ખબર મળતાં બનાવ સ્થળે પહોંચેલી કુવાડવારોડ પોલીસે અજાણ્યા યુવકની પીઠના ભાગે છરી જેવા તિક્ષ્ણ હથિયારના બે તેમજ માથાના ભાગે એક ઘા અને બે છરકા હોય કોઈ શખ્સોએ હત્યા કર્યાનું માની મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ કર્યા હતા. લાશના પગલે એકત્રિત થયેલાં ટોળા પૈકીના રવિ નામના યુવકે લાશ પોતાના ભાઈ દિનેશની હોવાનું ઓળખ આપી હતી.

બનાવ સંદર્ભે પોલીસ હાથ ધરેલી તપાસમાં એવી વિગતો ખુલવા પામી હતી કે મરનાર દિનેશને દેવનગર ઢોરામાં જ ઘરની સામે રહેતાં ભરવાડ પરિવારની યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો અને ગત મે માસમાં દિનેશ અને ભરવાડ યુવતી નાસી છુટયા હતા. જે તે સમયે દિનેશ સામે યુવતીના પરિવારે લગ્નની લાલચ આપી બદઈરાદે યુવતીનું અપહરણ કરી ગયાની કુવાડવારોડ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. ભરવાડ પરિવાર બંનેની શોધખોળ કરી રહ્યો હતો. એક માસ પહેલાં બંને કાલાવાડ તરફ હોવાની વિગતો મળતાં યુવતીના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. દિનેશ હાથમાં આવ્યો ન હતો યુવતી મળી આવી હતી. યુવતીને લઈ આવી પોલીસમથકે રજુ કરાઈ હતી જ્યાં પોલીસે મેડિકલ ચેકઅપ સહિતની જરૃરી કાયદાકીય કાર્યવાહી કરી યુવતી ભરવાડ પરિવારને સોંપી આપી હતી.

દિનેશ બેક દિવસથી નવાગામ દેવનગર ઢોરા વિસ્તારમાં આવ્યો હોવાની યુવતીના ભાઈ ગડીયો વાલા ભરવાડને ખ્યાલ આવ્યો હતો જેથી દિનેશનો શોધવા ગડીયો એક વિધવા મહિલા સાથે સબંધો ધરાવતાં અને તેની સાથે જ રહેતાં દિનેશના ભાઈ રવિના ઘરે પહોંચ્યો હતો. ઘરે હાજર વિધવાને રવિનો ભાઈ દિનેશ ક્યાં છે મારી નાખવો છે કહીં ધાક,ધમકી આપી હતી. ધમકીના બે દિવસ બાદ આજે દિનેશની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પી.એસ.આઈ. એચ.વી. રાઠોડ, હિરાભાઈ રબારી, સંજયસિંહ જાડેજાએ રવિની ફરિયાદના આધારે ભરવાડ યુવતીના ભાઈ ગડીયા વાલા ભરવાડ તેમજ તપાસમાં ખુલે તે અન્ય ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી કેટલાંક શકમંદોને ઉઠાવી લઈ પુછતાંછ હાથ ધરી છે.મૃતક દિનેશ ત્રણ ભાઈમાં નાનો હતો. દિનેશનો મોટો ભાઈ શૈલેષ ઉર્ફે વાંદરી હિસ્ટ્રીશીટર હતો. લૂંટ, મારધાડ તેમજ હત્યાના ત્રણ ગુનામાં સપડાઈ ચુક્યો હતો અને જામનગરની જેલમાં આપઘાત કરી લીધો હતો. જ્યારે વચેટ રવિ રિક્ષા ચલાવે છે અને વિધવા સાથે આંખ મળી જતાં તેના જ ઘરે રહે છે. દિનેશ તેની માતા સાથે દેવનગર ઢોરા ખાતે રહેતો હતો જ્યાં પાડોશી ભરવાડ યુવતી સાથે આંખ મળી જતાં આજે મોત મળ્યુ હતું.

 
Share This
 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com