180X600.jpg
Jul 27,2016 10:41:02 PM IST
 

શંકરના અંશી અવતાર અને અનન્ય રામભક્ત : હનુમાનજી

Apr 24, 2013 18:38 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 8481
Rate: 2.5
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - પ્રશાંત પટેલ

શ્રીરામના અનન્ય ભક્ત અને ભોળાનાથ શંકરના અંશી અવતાર એવા હનુમાનજીએ પર્વતરાજ કેસરીને ત્યાં અંજની માતાની કૂખે ચૈત્રી પૂનમના દિવસે જન્મ લીધો હતો. હ્ય્દયે રામધારી હનુમાનજી રામનામ-કીર્તન સાંભળવા મળે એ માટે આજે પણ જ્યાં ક્યાંય રામકથા કે રામનામ લેવાય ત્યાં ઉપસ્થિત રહે છે. પૃથ્વી પર જે સાત ચિરંજીવીઓ છે, તેમાંના એક હનુમાનજી પણ છે. આજે હનુમાન જયંતી નિમિત્તે તેમનું પુણ્યસ્મરણ કરીએ...

એક સેવક તો માત્ર સેવા કરી શકે, પરંતુ હનુમાનજી એવા સેવક હતા, જેમણે પોતાના સ્વામીનાં કષ્ટો હર્યાં હતાં. સીતાજીના વિયોગથી દુઃખી અને વિહ્વળ બનેલા શ્રીરામ માટે હનુમાનજી લંકામાં જઈને સીતા માતાની ભાળ મેળવી લાવ્યા હતા. શ્રીરામ અને લક્ષ્મણ નાગપાશમાં બંધાઈ ગયા હતા ત્યારે હનુમાનજી ગરુડજીને લઈ આવ્યા હતા અને તેમનું રક્ષણ કર્યું હતું. લક્ષ્મણ ર્મૂિછત થયા હતા ત્યારે તેઓ સંજીવની વનસ્પતિ માટે આખો પહાડ ઉપાડી લાવ્યા હતા અને લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતા. લવ-કુશ સાથે સૌએ યુદ્ધ કર્યું ત્યારે હનુમાનજીએ પોતાની શક્તિના પ્રભાવે જાણી લીધું હતું કે લવ-કુશનાં માતા-પિતા કોણ છે અને પછી અનિષ્ટ ટાળવા માટે તેઓ સ્વેચ્છાએ દોરડાંથી બંધાઈ ગયા હતા. સીતામાતાએ હનુમાનજીને આ દશામાં જોયા ત્યારે ખૂબ દુઃખી થયાં અને આંસુ સારતાં બોલ્યાં, "આ તમે યોગ્ય નથી કર્યું, હનુમાન મારો તમારાથી પણ પહેલો પુત્ર છે." આ ઘટના પરથી જાણવા મળે છે કે સીતામાતાને પણ શ્રીરામ પછી હનુમાનજી પ્રિય છે. તેઓ તેમને પોતાનો પુત્ર માને છે. આમ હનુમાનજી સૌને પ્રિય છે. હનુમાનજીના બાળપણ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. જેમ કે, તેઓ સૂર્યને ફળ સમજીને ગળી ગયા હતા. હનુમાનજી બળ અને બુદ્ધિના દેવતા છે. ભૂત-પિશાચો તેમને જોઈને દૂર ભાગે છે. શ્રીરામનું નામ લેનારનું તેઓ રક્ષણ કરે છે.

મોટેભાગે દરેક માસની પૂનમ એટલે કે પૂર્ણિમા તિથિને પવિત્ર જ માનવામાં આવે છે. આ દિવસે સૌ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દેવદર્શન કરે છે. આ દિવસે ઘરની સ્ત્રીઓ ભગવાન લક્ષ્મી નારાયણને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે અને સત્યનારાયણની કથા પણ સાંભળે છે. વર્ષની બાર પૂર્ણિમાઓમાં ચૈત્રી માસનું વિશેષ માહાત્મ્ય છે. ચૈત્ર માસની પૂર્ણિમાને ચૈત્રી પૂનમ પણ કહેવામાં આવે છે. આ જ શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની અનંત યોગશક્તિના બળે અસંખ્ય રૂપ ધારણ કરીને જેટલી ગોપી તેટલા કાન્હાનું સ્વરૂપ ધારણ કરીને વિષયલોલુપતાના દેવ કામદેવ પર યોગશક્તિના બળે વિજય મેળવ્યો હતો.

સંકટમોચન કેવી રીતે પ્રસન્ન થાય છે?

હનુમાનજીએ શનિ મહારાજને કષ્ટોમાંથી મુક્તિ અપાવી હતી. પોતાની રક્ષાનું ઋણ ચૂકવવા માટે તેમણે હનુમાનજીને વચન આપ્યું કે તમારી પૂજા-ઉપાસના કરનારને તે ક્યારેય કષ્ટ નહીં આપે, પરંતુ તેની રક્ષા કરશે. શનિ મહારાજની સાડાસાતી કે ઢૈયાની પનોતીને કારણે જો કષ્ટ ભોગવવાં પડતાં હોય તો હનુમાનજીની પૂજા-આરાધના કરવી જોઈએ. હનુમાનજીને પ્રસન્ન કરવા આટલું કરો.

* મંગળવારના દિવસે સૂર્યોદયના સમયે સ્નાનાદિકાર્યથી પરવારી શ્રી હનુમંતે નમઃ । મંત્રનો યથાશક્તિ જાપ કરવો.

* મંગળવારે સવારે તાંબાના લોટામાં જળ તથા સિંદૂર અર્પણ કરવાં. ત્યારબાદ તેમની મૂર્તિ પર તેલ અને સિંદૂર ચઢાવવું.

* કોઈ પણ માસના સુદ પક્ષના પહેલા મંગળવારથી શરૂ કરીને સતત દસ મંગળવાર સુધી હનુમાનજીને ગોળનો ભોગ ધરાવવો.

* મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઈને તેમને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરો.

* દર મંગળવારે હનુમાન ચાલીસા અથવા બજરંગબાણનો પાઠ કરવો.

* હનુમાન યંત્રને સિદ્ધ કરીને લાલ દોરામાં બાંધી ગળામાં ધારણ કરવું.

રામભક્તનાં વિવિધ નામ અને સ્વરૂપ

રામભક્ત હનુમાનજી તો એક જ છે, પરંતુ તેમનાં જુદાં-જુદાં સ્વરૂપ છે જેનું ભાવિક ભક્તો પૂજન કરે છે. જેમ કે, એકમુખી હનુમાન, પંચમુખી હનુમાન, એકાદશ (અગિયાર) મુખી હનુમાન, બાલ હનુમાન, રામભક્ત હનુમાન, વીર હનુમાન, દાસ હનુમાન, યોગી હનુમાન, હાથમાં પહાડ ધારણ કરેલ હનુમાન, ધ્યાનમગ્ન હનુમાન અને રામાયણી હનુમાન વગેરે સ્વરૂપ પ્રસિદ્ધ છે. તેમનાં વિવિધ સ્વરૂપની પૂજા કરવાનું વિશેષ માહાત્મ્ય છે. હનુમાનજીને વિવિધ નામથી પણ બોલાવવામાં આવે છે. આ નામ મહિમા આ પ્રમાણે છે.

* હનુમાનઃ ઈન્દ્રના વજ્રને કારણે હનુમાનજીની હનુ (હડપચી) તૂટી ગઈ હતી, તેથી તેમનું નામ હનુમાન પડી ગયું.

* મહાવીરઃ ઈન્દ્રના વજ્રના પ્રહારથી ર્મૂિછત બજરંગબલીને જ્યારે જળનો છંટકાવ કરીને સચેત કરવામાં આવ્યા ત્યારે પવનદેવે સૃષ્ટિમાં પ્રાણવાયુને અટકાવી દીધો. જેથી ચિંતિત થઈને દેવતાઓએ તેમને સમજાવ્યા અને બદલામાં દરેક દેવતાઓએ તેમને પોતપોતાનાં અસ્ત્ર-શસ્ત્ર અને શક્તિઓ આપી તેથી તેમનું નામ મહાવીર પડી ગયું.

* અંજની પુત્રઃ હનુમાનજીના પિતા કેસરી હતા તથા તેમની માતાનું નામ અંજના હતું. તેથી તેમને માતાના નામ પરથી અંજનીપુત્ર અને પિતાના નામ પરથી કેસરીનંદન પણ કહેવાય છે.

* બજરંગબલીઃ વજ્રને ધારણ કરનાર અને વજ્ર સમાન મજબૂત એટલે કે બળવાન શરીર ધરાવતા હોવાને કારણે. વજ્રાંગબલી કહેવાયા. સમય જતા શબ્દનું અપભ્રંશ થઈને બજરંગબલી થઈ ગયું. ભક્ત કોઈ પણ નામે બોલાવે, માત્ર તેમાં શ્રદ્ધા જ હોવી જરૂરી છે.

* પવનપુત્રઃ હનુમાનજીને વાયુ દેવના પુત્ર પણ કહેવાય છે, તેથી તેમનું નામ પવનપુત્ર પડયું છે. હનુમાનજીને મારુતિ પણ કહેવાય છે. મારુતિનો અર્થ પણ પવન જ થાય છે. જોકે તેમનામાં વાયુવેગે ઊડવાની શક્તિ હોવાને કારણે પણ તેમને આ નામ આપ્યું હોઈ શકે.

જનદેવતા શ્રી હનુમાનજી

રામભક્ત હનુમાનજીનું સ્વરૂપ, ઉદાત્ત ગુણ અને ઉત્તમ ચરિત્રથી પ્રભાવિત થઈ આપણા દેશની જનતા ભારે શ્રદ્ધાપૂર્વક તેમની આરાધના કરે છે. ભારતનાં ગામેગામ, નગરેનગર, ગલીઓમાં, મહોલ્લાઓમાં, બજારોમાં, નદીઓના કિનારા પર, જળાશયોના કિનારાઓ પર, બગીચા અને અખાડાઓમાં હનુમાનજીનાં મંદિરોનું અસ્તિત્વ હોવું એ તેના સાક્ષીરૂપ છે. આમ, તેઓ જન,ગણ અને મનના દેવતા છે. આસ્તિક જનતામાં મોટા ભાગના લોકોનું હનુમાન ચાલીસા અને બજરંગબાણનો નિયમિત પાઠ કરવો એ હનુમાનજીનું જનદેવતા હોવાનું સૌથી મોટું પ્રમાણ છે. તેમની નિયમિત ઉપાસના કરનારાઓમાં સઘળી જાતિઓ, સઘળા વર્ણો અને સઘળા સંપ્રદાયોના લોકોની સંખ્યા મહત્તમ છે. તેનું કારણ લોકમાનસનો એક વિશ્વાસ જ છે.

રાશિઓ અનુસાર સ્મરણીય નામો આનંદ રામાયણમાં રામભક્ત શ્રી હનુમાનજીના ચારિત્રિક ગુણોના દ્યોતક એવાં બાર નામોનું વર્ણન કરાયું છે. હનુમાનજીનાં આ બાર નામોનું સ્મરણ કરવાથી વ્યક્તિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. સાથે-સાથે સમસ્ત પ્રકારનાં સાંસારિક સુખ પણ મળે છે. વ્યક્તિ આ બારેય નામમાંથી કોઈ પણ માળાનો જાપ કરી શકે છે, પરંતુ આમ કરવું શક્ય ન હોય તો પોતાની રાશિ પ્રમાણે હનુમાનજીના નામનો મંત્રજાપ કરવાથી વિશેષ લાભ થાય છે.

રાશિ
નામ
મેષ
ૐ હનુમાન
વૃષભ
ૐ અંજની સૂત
મિથુન
ૐ વાયુપુત્ર
કર્ક
ૐ મહાબલ
સિંહ
ૐ રામેષ્ઠ
કન્યા
ૐ ફાલ્ગુણ સખા
તુલા
ૐ પિંગાક્ષ
વૃશ્ચિક
ૐ અમિત વિક્રમ
ધન
ૐ ઉદધિક્રમણ
મકર
ૐ સીતા શોક વિનાશન
કુંભ
ૐ લક્ષ્મણ પ્રાણદાતા
મીન
ૐ દશગ્રીવ દર્પહા
હનુમાન નામનો મહિમા

* પ્રાતઃકાળે ઊઠીને ઉપર જણાવેલાં હનુમાનજીનાં બારેય નામોનું અગિયાર વાર સ્મરણ કરનાર વ્યક્તિ દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે.

* નિત્ય ક્રમ કરતાં-કરતાં પણ આ બારેય નામનું સ્મરણ કરનાર વ્યક્તિને ઈષ્ટની પ્રાપ્તિ થાય છે.

* બપોરના સમયે હનુમાનજીનાં આ નામોનું સ્મરણ કરનાર વ્યક્તિ ધનવાન બને છે તથા સંધ્યા સમયે જાપ કરનાર વ્યક્તિને પારિવારિક અને ભૌતિક સુખ મળે છે.

* રાત્રે સૂતી વખતે હનુમાનજીનું નામ સ્મરણ કે એક માળા જાપ કરનાર વ્યક્તિ શત્રુ પર વિજય મેળવે છે.

* ઉપરોક્ત સમય સિવાય પણ આ બાર નામોનો નિરંતર જાપ કરનાર વ્યક્તિનું હનુમાનજી દસે દિશાઓ તથા આકાશ-પાતાળમાં પણ રક્ષણ કરે છે.

* મંગળવારના દિવસે લાલ શાહીથી ભોજપત્ર ઉપર હનુમાનજીનાં બારેય નામ લખીને તેને તાવીજમાં બંધ કરી તે તાવીજ હાથે બાંધવાથી કે ગળામાં પહેરવાથી ક્યારેય માથાનો દુખાવો થતો નથી. તાંબામાંથી બનાવેલું તાવીજ ઉત્તમ રહે છે. ભોજપત્ર પર નામ લખવા માટે ઉપયોગમાં લેવાતી પેન કે કલમ નવી હોવી જોઈએ.

 
Share This
 
 
   

 
Columns/Editorial