180X600.jpg
Jul 23,2016 02:39:31 PM IST
 

નારાયણ મૂર્તિ

Apr 27, 2013 20:47 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1368
Rate: 0
Rating:
Bookmark The Article

ધ સક્સેસ સ્ટોરી -

કેટલાક લોકોની સફળતા એવી નોંધપાત્ર હોય છે કે એ અનેક લોકોને સફળતાની નવી વ્યાખ્યા શીખવે છે, સફળતાની નવી દિશા ચીંધે છે. તેમની સફળતા દેશ માટે એક મોટી વૈચારિક થાપણ ગણાય છે, જેમાંથી આવનારી પેઢીને ઘણું સિંચન મળે છે. બહુ ઓછા વીરલા સફળતાની આવી નમૂનેદાર કેડી કંડારે છે. આવી માપદંડરૃપ સફળતાના ધણી એટલે નારાયણ મૂર્તિ.

૧૯૮૧માં છ મિત્રો સાથે મળીને માત્ર દશ હજાર રૃપિયાની મૂડીથી નારાયણ મૂર્તિએ ઇન્ફોસિસની સ્થાપના કરી હતી. આજે એનો કારોબાર ૩૦,૦૦૦ કરોડને આંબી ગયો છે. નારાયણ મૂર્તિએ એવી કંપનીનો પાયો નાખ્યો જે આજે માત્ર ભારત જ નહીં, પણ દુનિયા માટે દાખલારૃપ ગણાય છે. દુનિયામાં આજે ભારતના આઇટી(ઇન્ફર્મેશન ટેક્નોલોજી) ક્ષેત્રનું નામ ગાજે છે, એમાં નારાયણમૂર્તિની ચાવીરૃપ ભૂમિકા છે.

નિષ્ફળતામાંથી શીખવું સરળ છે, સફળતામાંથી શીખવું કઠિન છે

નારાયણ મૂર્તિના અનુભવના નિચોડને આપણે માત્ર આઇટી ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત રાખીએ તો એ તેમના યોગદાનને થયેલો અન્યાય ગણાશે. માત્ર સફળતા કે ધંધાકીય પ્રગતિ જ નહીં, પણ સારા માણસ બનવાની કૂંચી નારાયણ મૂર્તિની જીવનશૈલી અને તેમના વાક્યોમાંથી મળે છે. આખરે કોઈ વ્યક્તિ સારી વ્યક્તિ બને એ જ ખરી સફળતાનું પહેલું સોપાન છે ને!

નારાયણ મૂર્તિએ અમુક શિરસ્તા તોડયા છે અને નવા દાખલા બેસાડયા છે. જેમ કે, તેઓ સાઠ વર્ષના થયા એટલે કંપનીનું ડિરેક્ટર પદ છોડી દીધું હતું. નારાયણ મૂર્તિએ ડિરેક્ટર પદ છોડીને એ સંદેશ આપ્યો હતો કે જો કંપનીએ સતત આગળ વધવું હોય તો એમાં નવલોહિયાઓને આગળ આવવા દેવા જ જોઈએ. યુવાઓની એમાં નિર્ણાયક ભૂમિકા હોવી જોઈએ, કારણ કે નવા વિચાર યુવાઓ લઈને આવે છે અને નવા વિચારોને યુવાહવા જ જલદી આવકારે છે.

કોઈ પણ ધંધાનો ઉદ્દેશ માત્ર પૈસા કમાવવાનો નથી હોતો. સફળતાનો અર્થ થાય છે, ખેડાણ. નારાયણ મૂર્તિ મુદ્દાની વાત કહે છે કે જે પણ સંપત્તિ તમારી પાસે છે એ માત્ર દેખરેખ માટે છે. તમે એના રક્ષક છો. રક્ષક પણ માત્ર કેટલાંક વર્ષ પૂરતાં જ. એવું ન માનવું કે તમામ સંપત્તિ માત્ર તમે જ ભોગવશો. કોઈ પણ સંપત્તિનો અસલી આનંદ તમે ત્યારે જ ઉઠાવી શકો જ્યારે સમાજ પણ એનો ઉપયોગ કરી શકે. જો તમે ખૂબ નાણાં કમાઈ લીધાં હોય અને ખરી મજા માણવા માગતા હો તો એને લોકોની સાથે વહેંચો

નારાયણ મૂર્તિએ એક ઠેકાણે યુવાઓને આહ્વાન કરતાં કહ્યું હતું કે, 'તમે કંઈ પણ શીખો છો તો એ કઈ રીતે શીખો છો એ મહત્ત્વપૂર્ણ નથી. મહત્ત્વપૂર્ણ એ છે કે તમે શું શીખ્યા અને શીખેલું કેટલું અમલમાં મૂક્યું. તમે તમારી નિષ્ફળતામાંથી કંઈક શીખો છો તો એ ખૂબ સરળ છે, પણ તમારી સફળતામાંથી શીખવું કઠિન હોય છે, કારણ કે આપણી દરેક સફળતા લીધેલા દરેક જૂના નિર્ણયોને પુષ્ટિ આપે છે. જો તમારામાં નવું શીખવાની કળા હોય અને નવા વિચારો ઝડપથી સ્વીકારી શકતા હો તો જ તમે સફળ થઈ શકો છો. સફળતા માટે નવા નિર્ણયોને આવકારવા અને સ્વીકારવા માટે મન ઉદાર હોવું જોઈએ. મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ હાઇડ્રોપાવર પ્લાન્ટમાં નોકરી કરવાનું વિચાર્યું હતું. અભ્યાસ દરમ્યાન એક વક્તાના ભાષણે મારી જિંદગી બદલી નાખી. કમ્પ્યૂટર અને આઇટી ક્ષેત્ર ભવિષ્ય છે એવું તેમણે કહ્યું હતું. મારું મગજ એ દિશામાં દોડવા માંડયું હતું. મેં મૈસુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને કાનપુર આઇઆઇટી(ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી)માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. અમદાવાદ આઇઆઇએમ(ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ)માં ચીફ સિસ્ટમ્સ પ્રોગ્રામરની નોકરી કરી. ત્યારબાદ પેરિસમાં નોકરી કરી. એ પછી પૂણેમાં ઇન્ફોસિસની સ્થાપના કરી અને બેંગ્લુરુુમાં કંપનીનો કારોબાર વધાર્યો. જે જગ્યાએ મન લાગે ત્યાં કામમાં જોતરાઈ જાવ. મનમાં કોઈ ચોક્કસ આગ્રહ અને પૂર્વાગ્રહ ન રાખવા.'

૧૯૮૧માં ઇન્ફોસિસ કંપની રજિસ્ટર્ડ થઈ ત્યારે નારાયણ મૂર્તિ પાસે કમ્પ્યૂટર તો શું, ટેલિફોનની લાઇન પણ નહોતી. જ્યારે ઇન્ફોસિસ પોતાનું આઇપીઓ(ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) લઈને આવ્યું ત્યારે બજારમાં એને ઉમળકો મળ્યો નહોતો. પહેલો ઇશ્યુ માત્ર એક રૃપિયાના પ્રીમિયમ પર એટલે કે અગિયાર રૃપિયાના પ્રતિ શેરદીઠ રજૂ થયો હતો.

નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, 'ક્યારેક ક્યારેક સંકટમાં જ સૌભાગ્ય છુપાયેલું હોય છે, તેથી સંકટની ઘડીએ ધીરજને વળગી રહેવું. તમારી સફળતા એમાં છુપાયેલી હોય છે કે સંકટની ઘડીને તમે કઈ રીતે હેન્ડલ કરો છો, એ વખતે તમે કઈ રીતે પ્રતિક્રિયા આપો છો. ઇન્ફોસિસની સ્થાપના અમે સાત લોકોએ મળીને કરી હતી. હું તથા મારા સાથીઓ ઇચ્છતા હતા કે અમે કંપની વેચી દઈએ, કારણ કે વર્ષભર મહેનત કર્યા પછી અમને દશ લાખ ડોલર મળતા હતા. એ મારા માટે સૌભાગ્ય નહીં પણ સંકટ હતું. હું એ કંપનીનું ભવિષ્ય જાણતો હતો, તેથી મેં મારા સાથીઓને સમજાવ્યા અને ઇન્ફોસિસ વેચવા ન દીધી.'

સંકટ તો દરેક કંપનીની સામે અવારનવાર આવતાં જ રહે છે. કોઈ કંપની સેટ થઈ જાય એ પછી એના પડકાર વધતા જાય છે, કારણ કે એની જવાબદારી વધતી જાય છે. ઇન્ફોસિસ સામે પણ મોટું સંકટ આવ્યું હતું. નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે ૧૯૯૫માં ઇન્ફોસિસ સામે મોટું સંકટ આવ્યું હતું. ઇન્ફોસિસની ટોટલ ર્સિવસમાંથી ૨૫ ટકા જેટલી ર્સિવસ લેતી એક વિદેશી કંપનીએ પોતાનો ભાવ અચાનક જ ખાસ્સો ઘટાડી દીધો હતો, તેથી ઇન્ફોસિસ પાસેથી પણ એ કંપની ખૂબ ઓછા ભાવે ર્સિવસ માગતી હતી. એ કંપનીને ગુમાવવાનો મતલબ ૨૫ ટકા વેપાર ગુમાવવો. એ વખતે નિર્ણય લેવામાં આવ્યો કે ટેક્નોલોજીની વાત હોય કે એપ્લિકેશન્સ એરિયાની, ક્યારેય કોઈ એક પર નિર્ભર નહીં રહેવાનું. કામકાજ એટલું ફેલાવી દેવાનું કે કોઈ તમને આદેશ ન આપી શકે.'

મૂર્તિની ઝાંખી

નારાયણ મૂર્તિ ગ્લોબલ સોફ્ટવેર કન્સલ્ટિંગ કંપની ઇન્ફોસિસના ફાઉન્ડર છે. એનું મથક બેંગ્લુરુમાં છે. ૧૯૮૧થી ૨૦૦૨ સુધી તેઓ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા. ૧૯૮૧ - ૨૦૧૧ સુધી તેમણે ચેરમેન અને ચીફ મેન્ટર તરીકે કંપનીમાં ફરજ બજાવી હતી. તેમની લીડરશિપ હેઠળ ઇન્ફોસિસ ૧૯૯૯માં નેસ્ડેકમાં રજિસ્ટર્ડ થઈ હતી. નારાયણ મૂર્તિએ ડિઝાઇન કરેલું ગ્લોબલ ડિલિવરી મોડલ આઇટી ક્ષેત્રે ખૂબ પોપ્યુલર બન્યું હતું. કેટલાક એશિયન દેશોમાં તેઓ આઇટી એડવાઇઝર છે. વિખ્યાત ફોર્ચ્યુન મેગેઝિને ૨૦૧૨માં તેમને 'ટ્વેલ ગ્રેટેસ્ટ એન્ટરપ્રેન્યોર્સ ઓફ અવર ટાઇમ'માં સ્થાન આપ્યું હતું.

 
Share This
 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com