180X600.jpg
Jul 23,2016 02:40:18 PM IST
 

પતિ પત્ની ઔર ગેઝેટ્સ

Apr 29, 2013 17:46 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2301
Rate: 4.5
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - તૃપ્તિ ભટ્ટ

માહિતી ક્રાંતિએ દુનિયાને નાની બનાવી દીધી છે. મોબાઇલ અને ઇન્ટરનેટ લોકોને નજીક લાવે છે, છતાં તેને કારણે જ અંગત લોકો વિખૂટા પડતા હોય, અંગત સંબંધોમાં અંતર આવતું હોય એવું પણ બનવા લાગ્યું છે. જેનો લાઇફ પાર્ટનર કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઇલ પર સતત વ્યસ્ત રહેતો હોય તેનું દાંપત્યજીવન મસ્ત રહેતું નથી, એ હકીકત છે. દૂરિયાં મિટાવતો મોબાઇલ ક્યારેક પતિ-પત્નીમાં શંકાનાં બીજ રોપી દે છે અને સાથે સાથે હોવા છતાં દૂર હોવાનો અહેસાસ કરાવે છે. મોબાઇલને કારણે મેરેજ લાઇફની મજા મરી જાય, એ કેમ ચલાવી લેવાય?

ઈન્ફર્મેશન ટેક્નોલોજીએ આખી દુનિયાને આપણા ટેરવે રમતી કરી દીધી છે. મોબાઇલ અને ઇન્ટરનેટ જેવાં માધ્યમો થકી જોજનો દૂર રહેતી વ્યક્તિનું સાંનિધ્ય આપણે અનુભવી શકીએ છીએ. દુનિયાના કોઈ પણ ખૂણે રહીને પણ આપણે પ્રિયજનોના સંપર્કમાં રહી શકીએ છીએ અને તેમની સારસંભાળ લઈ શકીએ છીએ. દૂર રહેનારની દૃષ્ટિએ મોબાઇલ સહિતનાં ગેઝેટ્સ આશીર્વાદરૂપ છે, પણ નજીક રહેનારા માટે તે અભિશાપ પુરવાર થઈ રહ્યાં છે. દૂરિયાં મિટાવતાં આ ગેઝેટ્સની એક સાઇડ ઇફેક્ટ એ પણ છે કે તેનાથી નજીકના સંબંધો દૂર જઈ રહ્યા છે. ખાસ કરીને મેરેજ લાઇફને આ બધી બાબતો બહુ જ સીધી રીતે અસર કરી રહી છે. જો લાઇફ પાર્ટનર ઘરે આવીને પણ સતત ફોન અને લેપટોપમાં જ બિઝી રહે તો આવી લાઇફસ્ટાઇલ લગ્નજીવનની મજાને મારી નાખે છે. મોબાઇલ જેવા ઉપકરણોથી દૂરના નજીક આવી શકે છે, પણ કમનસીબે મોબાઇલના વળગણને કારણે નજીકની, અંગત વ્યક્તિ દૂર થઈ જાય, એવું પણ બનતું હોય છે.

ગેઝેટ્સ બને છે વિલન

ટીવી, મોબાઇલ, લેપટોપ, કમ્પ્યુટર વગેરે એવાં ગેઝેટ્સ છે કે જેનો વિવેકપૂર્વક મર્યાદામાં રહીને ઉપયોગ ન કરવામાં આવે તો આ બધાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેરેજ લાઇફને ડિસ્ટર્બ કરી દે છે. ઘણી વાર મેરેજ લાઇફમાં ઝઘડાનું કારણ માત્ર મોબાઇલ ફોન જ હોય છે. મોબાઇલ હવે ઘરે ઘર પહોંચી ચૂક્યા છે ત્યારે તે મેરેજલાઇનના સાર્વત્રિક વિલન તરીકે ઊભરી રહ્યાં છે. ઘણા લોકો પોતાનો લાઇફ પાર્ટનર મોબાઇલમાં સતત બિઝી રહીને તેમને અવોઇડ કરે છે તેવી ફરિયાદ કરતા હોય છે. કેટલાકના મનમાં લાઇફપાર્ટનરના મોબાઇલમાં આવતાં મેસેજ અને કોલ શંકાનો કીડો પણ પેદા કરી દેતા હોય છે.

ગંભીર મુદ્દા પર ચર્ચામાં અડચણ

ઘણી વાર એવું બને છે કે ઓફિસેથી સાંજે ઘરે આવીને હસબન્ડ-વાઇફ કોઈ ગંભીર મુદ્દા પર શાંતિથી બેસીને ચર્ચા કરવાનાં હોય, પણ જ્યારે વાત કરવાની શરૂઆત જ થાય કે તરત મોબાઇલની રિંગ વાગે અને બધી જ વાત અધૂરી રહી જાય. લાઇફ પાર્ટનર મોબાઇલમાં બિઝી થઈ જાય. આ પ્રકારના ડિસ્ટર્બન્સ પછી વાત કરવાનો મૂડ જતો રહે છે અને આ બાબત ઝઘડાનું સ્વરૂપ પણ લઈ લે છે. ઘરે આવ્યા પછી પણ વ્યક્તિ એટલી વ્યસ્ત રહે છે કે તેની હાજરીનો કોઈ અર્થ રહેતો નથી.

પ્રેમની મધુર ક્ષણમાં વિક્ષેપ

મેરેજ લાઇફને મોબાઇલ, લેપટોપ અનેક રીતે ઇફેક્ટ કરે છે. જ્યારે લાઇફ પાર્ટનર ફુરસદની પળોમાં ઘરમાં પ્રેમભરી થોડી ક્ષણો વિતાવવા માંગતાં હોય અથવા તો પતિ-પત્ની બંનેમાંથી કોઈ એક રોમેન્ટિક મૂડમાં હોય પણ બેમાંથી એકનું ધ્યાન લેપટોપમાં કે મોબાઇલમાં ઇન્વોલ હોય ત્યારે આ બાબત પણ પ્રેમની સુંદર ઘડીઓને યાદગાર કરવાને બદલે ઝઘડામાં ફેરવી દેતી હોય છે અને આ બધી જ બહુ નાની નાની વાતો છે, પણ સતત આવી લાઇફસ્ટાઇલ કે સતત ઇન્ટરનેટ સાથેનું લાઇફ પાર્ટનરનું જોડાણ નજીકના સંબંધોના તારને ઢીલા પાડી દે છે. લાઇફ પાર્ટનર સાથે મધુર ક્ષણો માણી રહ્યા હોઈએ અને મોબાઇલ રણકતાં તેના પર અપાર ગુસ્સો આવે છે અને તે પાર્ટનર પર જ ઠલવાતો હોય છે.

ઓફિસ બાદ પણ

જો લેપટોપ, કમ્પ્યૂટર, મોબાઇલનો વિવેકબુદ્ધિ સાથે મર્યાદિત ઉપયોગ કરવામાં આવે તો કોઈ જ સમસ્યા ઉત્પન્ન નથી થતી, પરંતુ ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળે છે કે પતિદેવ ઓફિસેથી આવ્યા બાદ પણ લેપટોપ પર ઓફિસનું જ કામ કરવામાં બિઝી હોય અથવા તો મોબાઇલ પર ઓફિસિયલ કામ વર્કઅવર બાદ ઘરે પણ ચાલતું રહે છે. આવી પરિસ્થિતિમાં લાઇફ પાર્ટનરને ફરિયાદ રહે તે સ્વાભાવિક છે. આ સમસ્યાના ઉકેલ માટે ઓફિસનું કામ ઘરે ન લાવતાં લાઇફ પાર્ટનર સાથે પણ સમય સ્પેન્ડ કરવો જોઈએ.

શંકાનું સ્ત્રોત બની ગયો મોબાઇલ

આજકાલ મેરિડ લાઇફમાં સૌથી વધુ ઝઘડા જો કોઈ વસ્તુને લીધે થતાં હોય તો તે છે મોબાઇલ. જો મોબાઇલની રિંગ વાગે અને પતિદેવ તરત જ જરા દૂર જઈને વાત કરવાનું પસંદ કરે ત્યારે ચોક્કસ પ્રશ્ન ઉપસ્થિત થાય કે, 'એવી તે શું પર્સનલ વાત કરવાની છે કે મારી હાજરીમાં નથી થઈ શકતી, નક્કી તેનું કોઈ સાથે અફેયર ચાલી રહ્યું છે.' ફોન પર વધુ પડતા મેસેજ આવે તોપણ આ બાબતે રામાયણ અને મહાભારત શરૂ થઈ જાય છે. ક્યારેક એકબીજાના મોબાઇલ ચેક કરવાનું અને જાતજાતના સવાલ પૂછીને ઇન્ક્વાયરી શરૂ થઈ જાય છે. જો મોબાઇલનો મર્યાદિત ઉપયોગ કરવામાં આવે અને સાથે સાથે નાની નાની વાતમાં શંકા કર્યા વગર વિશ્વાસથી કામ લેવામાં આવે તો શંકાનું સમાધાન મેળવી શકાય છે.

મોબાઇલથી સંબંધને બનાવો વધુ મજબૂત

મોબાઇલ, લેપટોપ, કમ્પ્યૂટરના અનેક ફાયદા છે જેનાથી આપણે વાકેફ છીએ. જે રીતે મોબાઇલ, લેપટોપ, કમ્પ્યૂટરનો અમર્યાદિત ઉપયોગ નજીકના વ્યક્તિને દૂર કરી દે છે તેવી જ રીતે મોબાઇલ દૂર રહેતાં પ્રિયજનોને સતત સાથે રહેવાનું સાંનિધ્ય પણ પરોક્ષ રીતે અપાવી શકે છે. મોબાઇલ, સોશિયલ વેબસાઇટ એ દૂર રહેનાર લોકો માટે એટલા બધા આશીર્વાદરૂપ છે કે ગમે તેટલા જુદાઈના દિવસો આ ગેઝેટના સહારે નીકળી જાય છે. આ રીતે ટૂંકમાં કહીએ તો ગેઝેટનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે નજીકના સંબંધો દૂર ન થઈ જાય અને દૂર રહેનારનું સાંનિધ્ય પણ મેળવી શકાય. મોબાઇલને સંબંધોને મજબૂત કરતું સાધન બનાવવું જોઈએ, નહીં કે મજબૂરી ઊભી કરતું માધ્યમ.

મોબાઇલની સાઇડ ઇફેક્ટ્સથી કઈ રીતે બચશો?
- કોઈ પણ સંબંધોને લાઇફ પાર્ટનરથી છુપાવો નહીં.
- વ્યવહારમાં પારદર્શિતા લાવો.
- એકબીજા પર વિશ્વાસ રાખો.
- પર્સનલ લાઇફમાં વધુ પડતું ઇન્ટરફિઅર ન કરો.
- વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ ન મારો.
- સ્વતંત્ર રીતે જીવવાની થોડી સ્પેસ આપો.

- પાર્ટનરને શંકા ઊપજે તેવું બિહેવિયર ક્યારેય ન કરો..

 
Share This
 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com