180X600.jpg
Feb 07,2016 09:16:42 AM IST
 

લિકર એક્સાઇટમેન્ટ ટૂરિઝમ

Apr 30, 2013 18:47 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1425
Rate: 0
Rating:
Bookmark The Article

ફન રંગ - મેહુલ વ્યાસ

ગુજરાતને દારૂબંધીમાં બહુ મોટો ટૂરિઝમનો બિઝનેસ દેખાય છે. ડ્રાય સ્ટેટમાં ડ્રાયફ્રૂટ કદાચ ન પોસાય પણ લોકોને દારૂ તો પોસાય જ છે! નહીંતર ત્રણ કરોડનો દારૂ પકડાય ખરો?

એક વાર ત્રણ વાંદરા દારૂ પીને લાસ્ટ સ્ટેજના ટાઇટ થઈ ગયા. ત્રણેય બારમાંથી નીકળ્યા એટલે છોટા ચેતન ટેક્સી લઈને હાજર. ત્રણેયની હાલત જોઈ છોટા ચેતને જાતે એમને ટેક્સીમાં ઘુસાડયા. ક્યાં જવું છે? એ બોલવાના એકેયના હોશ નહોતા એટલે છોટા ચેતનના જાદુઈ દિમાગમાં ચાલીસ વોટનો બલ્બ સળગ્યો. એણે ટેક્સીને સ્ટાર્ટર માર્યું.. હૂં... હૂં...હૂં... થયું કે એણે ન્યુટ્રલ ગિયરમાં જ જોરજોરથી એક્સિલેટર દબાવ્યું. બે મિનિટ બાદ ગાડી બંધ કરી અને મોટેથી બોલ્યો, ચલો, જંગલ આવી ગયું.

ચાઇનીઝ નૂડલ્સની જેમ એકબીજામાં વીંટળાઈને પડેલા ત્રણમાંથી મૂંગો વાંદરો ટેક્સીમાંથી બહાર નીકળ્યો. પૈસા આપીને ચાલવા માંડયો. બીજો બહેરો હતો એ પણ પહેલાંની પાછળ ચાલ્યો. ત્રીજો આંધળો બેસી રહ્યો. છોટા ચેતનના દિમાગમાં સળગેલો બલ્બ લબૂકઝબૂક થવા લાગ્યો. એ કંઈ બોલે એ પહેલાં વાંદરો બોલ્યો, "તું બહુ હોશિયાર છે હેં?" છોટા ચેતનના મોંમાંથી ગેંગેફેંફેના ઉચ્ચાર સાથે નીકળ્યું. "શું થયું, બોસ?" તો વાંદરો કહેઃ "ટેક્સી બહુ ફાસ્ટ ચલાવી, આટલી સ્પીડમાં એક્સિડન્ટ થઇ ગયો હોત તો...?"

બોસ, બોલો ગુજરાતમાં દારૂબંધી દૂર કરવી જોઈએ? આવી વાત પૂછીએ તો ઘણા લોકો સામસામે આવી જાય છે, છતાં પીવાવાળા પીવે જ છે. ડ્રાય સ્ટેટમાં ડ્રાયફ્રૂટ કદાચ ન પોસાય પણ લોકોને દારૂ તો પોસાય જ છે! નહીંતર ત્રણ કરોડનો દારૂ પકડાય ખરો? અને બોસ, આ તો ગુજરાતનો પંદર દિવસનો જ ક્વોટા હશે.

હવે તમને થશે આમાં ટૂરિઝમ ક્યાં ઘુસાડયું.. કહું છું સાહેબ... કહું છું... પણ પહેલાં એક બીજી વાત તમને ખબર છે? વડોદરા, અમદાવાદ કે સુરતના કેટલાંક લોકો આબુ, દમણ કે ગોવા જેવા ભીના અર્થાત ડ્રાય ન હોય તેવાં સ્થળે જાય છે ત્યારે દારૂની બોટલ કેવી રીતે હોટલના રૂમમાં લઈને જાય છે? બોસ, કેટલાંક લોકો તેવાં સ્થળે પણ બોટલ શર્ટમાં સંતાડીને લઈ જાય છે. આદત સે મજબૂર બીજું શું...

બોસ, હવે તમે વિચાર કરો.ગુજરાત બહારનાં રાજ્યોના લોકોને કે ફોરેનર્સને આપણે એક્સાઇટમેન્ટ લિકર ટૂરિઝમના નામે આપણાં મહેમાન ના બનાવી શકીએ? તમે પૂછશો પણ એમાં કરવાનું શું? કંઈ જ નહીં, આપણે ત્યાં જેવી રીતે બોટલની સાથે જે એક્સાઇટમેન્ટ્સ જોડાયેલાં છે એમાં આ મહેમાનોને જોડવાના.

હજી થોડું સ્પષ્ટ કરું. પહેલાં તો મહેમાનોને પીવા માટેનો પ્લાન બનાવતાં શીખવવાનું, એટલે કે ચાર-પાંચ મિત્રોને ફોન કરવાનો. ઇચ્છા છે? ઇચ્છા છે? પુછાવડાવવાનું. ત્યાંથી એક્સાઇટમેન્ટનું ઇન્સ્ટોલેશન શરૂ. પછી બોટલ ક્યાંથી લાવવી? તેની પળોજણમાં જોતરી દેવાના. બૂટલેગરોના નંબરો આપવાના. આખા વિસ્તારને ખબર હોય તેવી સિક્રેટ જગ્યાએ જઇને જેમ્સ બોન્ડની અદામાં બોટલને પ્રાપ્ત કરવાની. બોટલ મળી જાય એટલે હવે બેસીશું ક્યાં? તે પ્રશ્નનું નિરાકરણ લાવવાનું, એકને બાઇટિંગનું કહેવાનું વગેરેમાં ભારોભાર એક્સાઇટમેન્ટ રહેલું છે અને ત્યારબાદ એક એક ઘૂંટડે પોલીસના ડરને દૂર કરવાનો અને છેવટે રાતે પોલીસવાળા જાગે છે કે કેમ એ જોવા આખા શહેરમાં ભટકવું. બોસ, ગેરેન્ટી છે કે દારૂબંધી અકબંધ રાખીને ધમધોકાર ટૂરિઝમ વિકસાવવાની શક્યતાઓ છે.

ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવાના પક્ષમાં મત વ્યક્ત કરી ચેતનભાઈ ભગત એક મિસ્ટેક કરી રહ્યા છે. માટે બોસ, ચાર પેઢીઓથી ગુજરાતની નસેનસમાં દોડતી દારૂબંધીને કોઇએ હાથ અડાડવાની જરૂર નથી. એના કરતાં દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી જેવું કરવા જેવું છે. બોસ, તમે શું કહો છો?  

mehul.v.vyas@gmail.com
 
Share This 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com