180X600.jpg
Jul 28,2016 05:51:40 PM IST
 

ગ્રેટેસ્ટ ઓફ ઓલટાઇમ

May 02, 2013 18:35 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2520
Rate: 0
Rating:
Bookmark The Article

એવરગ્રીન

હીરા-ઝવેરાતના ઝગમગતા શૃંગારના ઢગલા પડયા હોય, સપ્તરંગીના મેઘધનુષની જેમ રંગોની શોભા વરસી રહી હોય, અનેક સુગંધોની ફોરમો છોડતાં પુષ્પોની હારમાળા પડી હોય અને તેમાંથી તમારે ગણતરીની પસંદગી કરવાની હોય તો? બસ, આટલી જ વિકટતા હિન્દી સિનેમાના ટોચનાં કલાકારોની પસંદગી કરવામાં નડી શકે. ભારતીય સિનેમાનું નભોમંડળ ચમકતાં સિતારાઓથી હર્યુંભર્યું છે. એક એકથી ચડિયાતા માંધાતાઓની દેનથી જ ભારતને મજબૂત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મળી છે. દરિયાના અમાપ પાણીમાંથી એક ટબૂડી પાણી લેવાનું હોય ત્યારે ઘણું બધું રહી જતું હોય છે! પણ સમય, સ્થાન અને પરિવર્તનના આધારે 'સિને સંદેશે' ભારતીય સિનેમાનાં સો વર્ષની ઉજવણીના ભાગરૂપે દસ અભિનેતા અને દસ અભિનેત્રીની પસંદગી કરી છે

અમિતાભ બચ્ચન (મિલેનિયમ સ્ટાર)

સમય બદલાયો, સિનેમામાં અનેક પરિવર્તનો આવ્યાં, પણ ભારતીય સિનેમાનો ઇતિહાસ બે ભાગમાં વહેંચાશે, અમિતાભ પહેલાંનો યુગ અને અમિતાભ પછીનો યુગ. અમિતાભ જેટલી લોકપ્રિયતાનો જલવો કોઈને મળ્યો નથી અને મળવાની શક્યતા નહિવત્ છે. હિન્દી સિનેમામાં 'અજૂબા' બનીને અનેક રેકોર્ડની 'જંંજીર' તોડીને નિર્માતાનો 'મુકદ્દર કા સિકંદર' બનનાર આ 'શહેનશાહ' આજે પણ બધાને 'બુઢ્ઢા હોગા તેરા બાપ' કહી સિનેમાના 'પા' બનીને દર્શકોનાં દિલમાં 'સરકાર' બની વસ્યા છે.

રાજ કપૂર (સર્વકાલીન શો મેન)

અભિનયના નવ રસ જેની સામે ઝાંખા પડી જાય તેવા રાજ કપૂરની ફિલ્મ પ્રત્યેની નિષ્ઠા કાબિલે દાદ હતી. ફિલ્મ બાબતે તેઓ વધુ પડતા સેન્સિટિવ હતા. તેમને કોઈ કહી જાય તે તેમને મંજૂર હતું, પણ ફિલ્મકલા પર કોઈ દખલગીરી કરે તે તેમને જરાય મંજૂર નહોતું. પછી ભલેને તેના માટે સેન્સર બોર્ડ સામે બાંયો ચડાવવી પડી હોય. સામાન્ય માનવીની વાત કહેતો 'આવારા' રાજુ બધાને હસતો હસાવતો 'મેરા નામ જોકર'ના જોકરે દર્શકોના પ્રેમમાં 'બરસાત'ની જેમ અકબંધ વરસતા રહ્યા છે.

ગુરુદત્ત (ફિલ્મ પુજારી)

આહ! ભારતીય સિનેમા કેટલું નસીબદાર છે કે તેણે ગુરુદત્ત જેવા મહાન કસબીને તેના રંગમંચ પર અભિનય કરતા જોયા છે. ભગવાનનો સાધક પુજારી બનીને જેમ સાધના કરે તેમ ગુરુદત્તે સિનેમાની સાધના કરી છે. તેઓ સતત સારું શોધવાની ધૂનમાં જ રહેતા. 'બાજ' નજરે સાવચેત રહીને ભારતની સિનેમાને વિશ્વની 'આરપાર' લઈ જઈને ઓડિયન્સને ગ્રેટ ફિલ્મ આપવા હંમેશાં 'પ્યાસા' રહેનાર ભારતીય સિનેમાના આકાશમાં 'ચૌદવી કા ચાંદ' રહી હંમેશાં ચમકશે.

દિલીપકુમાર (ઇમોર્ટલ કિંગ ઓફ ટ્રેજેડી)

સુપરસ્ટાર્સ બન્યા પહેલાં સ્ટારડમ મેળવનાર ટ્રેજેડી કિંગ દિલીપકુમાર હતા. તેમનું નામ ફિલ્મને હિટ કરવા પર્યાપ્ત હતું. સ્ટાર્સ પાછળની લોકોની દીવાનગી, ગાંડપણ અને લોકચાહના ઊભી કરવાના પાયામાં ગ્રેટ એક્ટર દિલીપકુમાર છે. 'દીદાર'માં પ્રેમ માટે ભટકતા આ 'દેવદાસ'ની 'મધુમતી' જ એવી હતી કે આ 'સૌદાગર' ફિલ્મ્સ માટે 'શક્તિ'નો પર્યાય બનીને 'મુઘલ-એ-આઝમ' જેવી સલ્તનત ઊભી કરી છે. બચ્ચન હોય કે શાહરુખ ખાન, તેઓ દિલીપસા'બની અભિનય કલાના વારસ ગણાય છે!

રાજેશ ખન્ના (ગ્રેટર ધેન એક્ટર)

હિન્દી સિનેમામાં અસાધારણ ઘટના તો ત્યારે બની હતી જ્યારે રાજેશ ખન્નાએ હીરો તરીકે સિનેમામાં પદાર્પણ કર્યું હતું. છોકરીઓ જેના ફોટા સાથે લગ્ન કરતી હતી, મહિલાઓ જેના ફોટા ચોરી ચોરીને તેમનાં વોલેટમાં રાખતી હતી અને યુવાનો જેના જેવા વાળ કપાવવા હેર સલૂનમાં લાઇનો લગાવતા તે રાજેશ ખન્નાનું સ્ટારડમ આબાદ હતું. 'આરાધના'નો મશહૂર પ્રેમી મોતની સામે હસતાં હસતાં 'આનંદ'ની જેમ જિંદગીને 'કટી પતંગ' સમા 'અવતાર'માં બદલીને રાજેશ બાબુ ખરેખર 'સ્વર્ગ'ના મહેમાન બન્યા છે.

દેવ આનંદ (ગાઇડ ઓફ સિનેમા)

દરેક પળને સદાબહાર આનંદની ક્ષણોમાં જીવતા દેવ આનંદ વાસ્તવમાં ભારતીય સિનેમાના ગાઇડ હતા. એવરગ્રીન એક્ટર દેવસાહેબ જીવનના અંત સુધી પોતાના નિયમો પ્રમાણે જ ફિલ્મ બનાવતા રહ્યા. 'ગાઇડ'ના રાજુએ બેવડી ભૂમિકા કરીને બધાને 'હમ દોનોં'માં ઊલટપૂલટ કરી દીધા હતા, તો દર્શકોની 'જાલ'માં સદાબહાર 'અવ્વલ નંબર' પર રહીને બધાનાં દિલમાં પોતાની 'ચાર્જશીટ' રાખતા ગયા છે.

અશોકકુમાર (ફોરેવર સુપરસ્ટાર)

સુપરસ્ટાર નામનું બિરુદ મેળવનાર ભારતીય સિનેમાના પ્રથમ અભિનેતા. તેમની પાસે સાઇલન્ટ અભિનેતા જયરાજ જેવી અદા હતી, તો કે. એલ. સાયગલ જેવી ગજબ પ્રતિભા હતી. તેમની એક્ટિંગનો મુકાબલો કરવો અસંભવ હતો. સોળ વર્ષ સુધી ગ્રેટ એક્ટરે ફિલ્મ પર રાજ કરેલું. ભારતીય સિનેમાની 'કિસ્મત' બનીને બોક્સઓફિસ પર ધનવર્ષા કરાવનાર 'પરિણીતા'ના મર્દ બનીને મહિલાને આઝાદ 'બંદિની' દેખાડનાર સિનેમા ક્ષેત્રમાં સદા ભાઈચારામાં માનનાર 'ભાઈ ભાઈ' તે અશોક જ હતા.

ધર્મેન્દ્ર (મેન ઓફ સ્ટીલ)

કોર્મિસયલ સિનેમા પર દાદુ રાજ કરનાર હિ-મેન ધર્મેન્દ્રમાં રોમાન્સ, એક્શન અને કોમેડીનું અદ્ભુત કોમ્બિનેશન છે. આમ તો તેમને 'મેન ફોર ઓલ સીઝન' તરીકે જ ઓળખવામાં આવે છે. જો તેમણે 'હકૂમત' કરીને દર્શકોને તેના પ્રેમમાં 'બંદિની' કર્યા છે તો 'ચુપકે ચુપકે' બ્લોકબસ્ટર ફિલ્મ આપીને આજે પણ બધાંને તેમના દીવાનાપનમાં 'યમલા પગલા દીવાના' કરી દે છે.

આમિર ખાન (લિટલ મેન વિથ બિગ બ્રેન)

અત્યારે જમાનો આમિર ખાનનો છે. ભારતીય સિનેમાની આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને એક કદમ આગળ લઈ જવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. એક દિવસ માર્કેટિંગની યુનિવર્સિટીઓ આમિરને કિંગ ઓફ માર્કેટિંગની માનદ્ ડિગ્રી આપે તો નવાઈ ન પામશો. 'જો જીતા વહી સિકંદર'નો ટીખળી સંજુ જ્યારે અંગ્રેજો સામે ભુવન બનીને 'લગાન'નો વિરોધ કરે છે, તો ડીજે બનીને દેશપ્રેમની 'રંગ દે બસંતી' કરાવે છે. હા, રેન્ચો જેવો '૩ ઇડિયટ્સ' બનીને ભણવાના પાઠ શીખવે છે તો સાહેબ બનીને બાળકોને 'તારે ઝમીં પર' પણ કહે છે.

શાહરુખ ખાન (રાઇઝિંગ એન્ડ રાઇઝિંગ)

અનેક પડકારોને પોતાના માઇલસ્ટોન બનાવીને હિન્દી સિનેમામાં પ્રગતિનો પથ હાંસલ કરનાર શાહરુખ ખાનની સફળતા કાબિલે દાદ છે. હિટ કલાકારોના જમાવડા વચ્ચે શાહરુખે જબરદસ્ત સ્ટારડમ મેળવ્યું હતું અને તે પણ કેવું ગાંડું કે શાહરુખ જ્યારે પડદા પર બે હાથ લાંબા કરીને ઊભો રહે છે ત્યારે દર્શકો તેનામાં ઓતપ્રોત થઈ જતા. અનેક રેકોર્ડ કરનાર 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નો રાજ દેશની ર્ચાિંમગ બ્યુટી માટે 'મોહબ્બતેં'નો 'દેવદાસ' બની જાય છે, તો લોકોને દેશપ્રેમ માટે સાચું 'સ્વદેશ' બતાવીને 'ચક દે ઇન્ડિયા'નું જોમ પૂરું પાડે છે.

મધુબાલા (સૌંદર્ય સમ્રાજ્ઞા)

બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ જેની સુંદરતા રંગબેરંગી થઈને સ્ક્રીન પર રેઇનબો બની જતી હોય છે તે મધુબાલા જેવું સૌંદર્ય ભારતીય સિનેમામાં કોઈને નસીબ નથી થયું. જેટલી તેમની સુંદરતા લાજવાબ હતી તેટલો જ તેમનો અભિનય અજોડ હતો. સો વર્ષના સુવર્ણકાળમાં આટલી ગજબ અભિનેત્રી જવલ્લે જ જોવા મળે. જે હીરો તેમની સાથે ફિલ્મ કરે તે તેમના પ્રેમમાં પડયા વગર રહી જ ન શકે! સવાર પડે એટલે તેમના ઘરના દરવાજે ફિલ્મ પ્રસ્તાવ કરતાં પ્રેમ પ્રસ્તાવ વધારે આવતા. મધુબાલા એ કુદરતે આપેલી ભારતીય સિનેમાને અમૂલ્ય ભેટ છે. ચાહકોનાં દિલમાં 'મુઘલ-એ-આઝમ'ની આ અનારકલી સદા માટે 'મહલ'ની રાની બનીને રહી છે. તેમનું સાચું નામ મુમતાઝ જહાન બેગમ હતું.

માધુરી દીક્ષિત (લીડ લેડી)

જેની સ્માઇલ પર ફિદા થઈને કવિઓ કવિતા લખી નાખે, રૂપ જોઈને ચિત્રકારો ચિત્રો દોરી નાખે તેવી મસ્ત ધક ધક ગર્લ માધુરી દીક્ષિત છે. ભારતીય સિનેમામાં બહુ ઓછી હિરોઇનો હશે જેની આજુબાજુ ફિલ્મની વાર્તા ફરતી હોય. માધુરીની મોટાભાગની ફિલ્મમાં તે હીરો જ હોય છે. 'તેજાબ'ની વન-ટુ-થ્રી ગર્લ જ્યારે 'દિલ' દઈને 'બેટા' જેવું કામ કરનાર તેના 'સાજન'ને 'હમ આપકે હૈ કૌન!' કહીને દર્શકોનાં દિલમાં 'દિલ તો પાગલ હૈ' કરાવી દે છે.

સ્મિતા પાટિલ (પ્યોર આર્ટ)

ભારતીય સિનેમાની ફાઇનેસ્ટ સ્ટેજ એક્ટ્રેસ અને ક્વીન ઓફ આર્ટ ફિલ્મ્સ ગણાતા સ્મિતા પાટીલ લાજવાબ હતા. તેમની મોટાભાગની ફિલ્મ્સ સ્ટ્રોન્ગલી પોલિટિકલ એશોસિયેટેડ હતી. જોકે અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના સાથે તેમની જોડી જબરદસ્ત હિટ રહી હતી. રાજેશ ખન્ના અને સ્મિતાએ સાથે મળીને છએક સુપર હિટ ફિલ્મ આપી છે. ફિલ્મ એક્ટ્રેસ તરીકે મહિલાની 'ભૂમિકા'માં પોતાનું અલાયદું 'બાજાર' બનાવનાર 'મંડી'ની ઝિન્નતે અનેક 'ચક્ર' પાર કરીને ભારતીય સિનેમામાં પોતાની 'શક્તિ' બતાવી છે.

રેખા (એક્ટ ઓફ લાઇફ)

આજે પણ ફૂલપરી જેવી લાગતી મસ્ત મોહક મોહિની રેખાની જવાનીની વાત જવા જ દો. આજે જો તેના ચાહકોની આટલી ભરમાર છે તો ત્યારની કલ્પના કરો. અભિનયમાં જાન રેડીને પાત્રને અમર કરી દેતી આ અભિનેત્રીએ મોટાભાગની ફિલ્મ્સ તેના દમ પર હિટ કરાવી છે. 'મુકદ્દર કા સિકંદર'ની પ્રેમના વિરહમાં તરસતી પ્રેમિકા 'ઉમરાવજાન' બનીને દર્શકો સાથે પ્રેમના 'સિલસિલા'ને અકબંધ રીતે અવિરત રાખ્યો છે. તેમનું બાળપણનું નામ ભાનુરેખા હતું.

હેમા માલિની (ડ્રીમગર્લ)

'૬૦-'૭૦ના દશકમાં છોકરીઓ જેના જેવું બનવા માગતી હતી એ હેમા માલિનીની લોકપ્રિયતાનો આંક આજે પણ બરકરાર છે. અજબ ફિલ્મની ગજબ અભિનેત્રીએ પડદા પર ધૂમ મચાવી હતી.'શોલે'ની બસંતી બનીને ચાહકોની 'ડ્રીમગર્લ' બનનાર હેમા માટે સિને સ્ક્રીન હંમેશાં 'બાગબાન' બનીને રાહ જુએ છે.

નરગિસ (લેડી ચાર્મ ઓફ સિનેમા)

ભારતીય સિનેમાની પ્રથમ સુપરસ્ટાર અભિનેત્રી. બ્યુટી, સ્ટારડમ અને એક્ટિંગના દમ પર નરગિસે સિનેમાને સર્વોત્તમ ફિલ્મ આપી છે. કેમેરા સામે તેમની નેચરલ અદાના દીવાના હતા રાજ કપૂર અને દિલીપ કુમાર. મધુબાલાની જેમ નરગિસના સ્ટાર્સ ચાહકોની સંખ્યા ઓછી નહોતી. તેમની કઈ ફિલ્મને મહાન કહેવી અને કઈ ફિલ્મને સર્વોત્તમ તે જ મોટી દુવિધા છે. નરગિસ એ ભારતીય સિનેમાની સર્વાધિક લોકપ્રિય અભિનેત્રીમાનાં એક છે. 'મેલા'ની એ માસૂમ 'આવારા' રાજુની પ્રેમિકાનું દાયિત્વ કેટલું 'ચોરી ચોરી'ને 'મધર ઇન્ડિયા'ની જેમ નિભાવે છે! તેમનું સાચું નામ ફાતિમા રશિદ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન (ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ)

અભિનયમાં વોલ્કેનો જેવી ટેલેન્ટ, સુંદરતામાં અજોડ અને પર્સનાલિટીમાં બેજોડ ઐશ્વર્યા રાય ભારતીય સિનેમાને ઇન્ટરનેશનલ લેવલે રજૂ કરે છે. 'દેવદાસ'ની પારો હોય કે 'ગુરુ'ની સુજાતા દર્શકો હંમેશાં તેની 'મહોબતે'માં 'તાલ'ની જેમ નાચે છે.

વહિદા રહેમાન (માસ્ટર ઓફ આર્ટ)

ગુરુદત્તની દીવાનગી, દેવ આનંદની કિસ્મત જ્યારે જ્યારે પડદા પર આવી છે ત્યારે ત્યારે ઇતિહાસ બનાવી દીધો છે. વહિદાની ખૂબસૂરતીમાં અભિનયનો રસ રંગ જમાવી આપતો હતો. વહિદાની સુપરહિટ ફિલ્મ્સની સંખ્યા દેવ આનંદ અને ગુરુદતેત સાથે વધારે હતી. પ્રેમની 'પ્યાસા' હોય કે 'ગાઇડ'ની 'ખામોશી' બનીને પોતાને 'કાગઝ કે ફૂલ' સમજીને દર્શકોનાં દિલમાં રાજ કરનાર આ અભિનેત્રીનો કિરદાર આજે પણ જીવે છે.

મીના કુમારી (આંખનો અફીણી)

કવિઓની દુનિયા તેમની કવિતામાં હોય છે તેમ મીના કુમારીની અદા તેમની આંખોમાં સમાયેલી હતી. જીવનના અનેક સંગ્રામો સામે લડીને અભિનયની દુનિયામાં અવ્વલ દરજ્જો હાંસલ કરનાર મીનાનું નામ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીમાં સદા માટે અંકિત થયેલું છે. 'બૈજુ બાવરા'ની 'પરિણીતા'ના રિસ્તા જેવી 'એક હી રાસ્તા'માં માનનાર 'શારદા' દર્શકોનાં દિલમાં 'દિલ અપના ઔર પ્રીત પરાઈ'ની જેમ કંડારાયાં છે. તેમનું સાચું નામ મ્હાજબીન બાનો છે.

કાજોલ (આઇડલ ઓફ એક્ટ્રેસ)

કાજોલ તેની દુનિયા બેમિશાલ પર્ફોમન્સના દમ પર કાયમ કરી છે. હિરોઇન બનવા માટે જે જોઈએ તેમાંથી ઝીરો ફિગર, એક્સ્ટ્રીમ બ્યુટી જેવું તેની પાસે કંઈ નહોતું, પરંતુ તેની પાસે જે લાઇવ એક્ટિંગ કરવાની આવડત હતી તે બીજા કોઈ પાસે નહોતી. 'બાજીગર'ની દુલ્હન 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં તેના પ્રેમીને તેના પ્રેમમાં 'ફના' કરીને આજે પણ દર્શકોને 'કુછ કુછ હોતા હૈ' કરાવી દે છે.

 
Share This
 
 
   

 
Columns/Editorial