180X600.jpg
Jul 29,2016 07:33:13 AM IST
 

ભારતના એક ખૂણામાં પાંગરી રહ્યું છે : મહિલા રાજ (કવર સ્ટોરી)

May 03, 2013 18:14 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3520
Rate: 3.6
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - રીના બ્રહ્મભટ્ટ

હવે સ્ત્રી સમાનતા સંબંધિત  કેટલાય કાયદા અમલમાં લાવવામાં આવ્યા છે. પરંતુ મુદ્દો અસલમાં સમાજની પોતાની માનસિક્તાનો છે અને જ્યાં સુધી તે નહીં સુધરે ત્યાં સુધી દુનિયાનો કોઈ સખત કાયદો પણ તેની સ્થિતિ સુધારી શકે તેમ નથી

ઊકળતા ચરુ જેવી સ્થિતિનો અનુભવ કેવળ વાતાવરણને કારણે જ નથી અનુભવાઈ રહ્યો પરંતુ દેશમાં જે સ્થિતિ છે તેના કારણે પણ અનુભવાઈ રહ્યો છે. હાલ જે ઝડપે મહિલા તરફી ગુનાઓ, હિંસા અને અસમાનતા વધી છે તેણે સ્ત્રીઓની ગૂંગળામણ વધારી દીધી છે. સલામતી શોધવા જતાં ખુદ શિકાર બને તેવી સરકારની નવી બળાત્કાર અંગેની જોગવાઈઓએ એક તરફ લોકોના દિલમાં અશાંતિની આગ પેદા કરી છે. તો બીજી તરફ અમાનુષી દિલ્હી ગેંગરેપ બાદ પણ બળાત્કારના કેસો ઉત્તરોત્તર વધી રહ્યા છે. જેને કારણે વિશેષપણે સ્ત્રીઓ ને કે નીતિ ઘડવૈયાઓને તે સમજાતું નથી કે, સ્ત્રીઓની સલામતી અને સુરક્ષા માટે તેઓ કરે તો શું કરે? તો સ્ત્રીઓ પોતે પણ સતત ડરેલી છે અને ચિંતામાં છે કે, તે જાયે તો જાયે કહાં? કે પછી કઈ નીતિ કે કયો સામાજિક બદલાવ તેમની જિંદગી બદલી શકે તેમ છે. આ માટેના સુઝાવો તો વખતોવખત ઘણા બધા આવતાં હોય છે તેમ છતાં આપણે આજદિન લગી ન તો સમાજની માનસિક્તા બદલી શક્યા છીએ કે ન હીચકાની જેમ ઘર-પરિવાર અને ઓફિસ વચ્ચે ઝુલતી સ્ત્રીની સ્થિતિને. વધુમાં વાત આટલેથી અટકતી નથી. સમાજની નવી બદલાયેલ માનસિક્તામાં આધુનિક્તાનો આંચળો ઓઢી નફફટાઈથી સ્ત્રીનું બેવડું શોષણ કરવાનો શિરસ્તો પણ શરૂ થયો છે. તેમ છતાં તેઓ તેમના ઘર- પરિવારમાં કે સમાજમાં તેટલા માન સન્માનની હકદાર નથી કે જેટલી તે હોવી જોઈએ. બાકી હવે સ્ત્રી સમાનતા સંબંધિત કેટલાય કાયદા અમલમાં લાવવામાં આવ્યા છે. પરંતુ મુદ્દો અસલમાં સમાજની પોતાની માનસિક્તાનો છે અને જ્યાં સુધી તે નહીં સુધરે ત્યાં સુધી દુનિયાનો કોઈ સખત કાયદો પણ તેની સ્થિતિ સુધારી શકે તેમ નથી.

બાય ધ વે આ સઘળી પરિસ્થિતિ પાછળ સમાજના પોતાના જ રીત-રિવાજો અને રસમો જવાબદાર હોય છે. સ્ત્રીઓને પિતાની મિલકતમાં સમાન અધિકારનો કાયદો તો લાવી દેવામાં આવ્યો. પરંતુ આજે પણ ક્યા મા-બાપ કે ભાઈઓ આગળ આવીને બહેનના આ અધિકારને સ્વીકારવા રાજી હોય છે? અગર બહેન આ મિલકતમાં હક ઈચ્છે તો પણ શું તેને ખુશી ખુશી આપી દેવાય છે તો જી ના, આ માટે આ બહેનોએ કોર્ટમાં ધા નાંખવી પડે છે અને લાંબી કાનૂની લડાઈ બાદ તેને સાર વિનાનો હક મળે છે. આ છે આપણી આજની સામાજિક સ્થિતિ. જો કે, આ પરિસ્થિતિ પાછળ પણ સમાજે ચાતરેલ શિરસ્તો જ જવાબદાર છે. ત્યારે નેચરલી આ માનસિક્તાના કળણમાંથી નીકળવું તેટલું આસાન નથી. બીજું કે, મિલકતના અધિકારને જવા દઈએ તો મુદ્દો તે છે કે, સ્ત્રી પોતે કમાણી કરે તેના પર જ તેનો કેટલો અધિકાર હોય છે? પતિ મૃત્યુ પામ્યો હોય તે સંજોગોમાં પતિની મિલકતમાં કે સાસરિયાંની મિલકતમાં તેને કેટલો અધિકાર લડાઈ વિના પ્રેમથી મળે છે, તેના ક્યા હક્કોને કે અધિકારોને લોકો રાજી રાજી માન્ય રાખવાની ક્ષમતા ધરાવે છે. જેવા સવાલો તો દરેક મામલે ઊભાને ઊભા છે ત્યારે લાગે છે કે, સમાજની આ માનસિક્તા બદલવામાં ઘણો લાંબો સમય, ઘણી કાનૂની કશમકસ અને ઘણી બધી રીતિ-રિવાજોને તિલાંજલિ આપવાની પ્રક્રિયા બાદ બની શકે કે થોડો ઘણો બદલાવ આવી શકે. કે પછી સ્ત્રીને પુરુષો જેવા અને જેટલા જ સમાન અધિકારો બક્ષીને પણ લોકોની માનસિક્તા બદલી શકાય અને આવો વિચાર આવવા પાછળની મિશાલ બન્યું છે ભારતના જ એક રાજ્યનો અજાણ્યો એક ખૂણો કે, જ્યાં દુનિયાના ધારાથી તદ્દન અલગ જ ધારા સ્ત્રી-પુરુષની ખ્યાલો અંગે વહી રહી છે અને તે પણ ભરપુર સફળતા સાથે. તો આ સાથે સ્ત્રી-પુરુષના ધારા-ધોરણ અંગેની એક નવી જ દુનિયામાં ડોકિયું કરીએ તો,

પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વોત્તર ભારતના ગંવઈ વિસ્તારમાં એક ગામમાં સ્ત્રીઓને ભારે ઈજ્જત અને માન- સન્માનથી જોવામાં આવે છે. વિશેષપણે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં દસ લાખ લોકોનો વંશ મહિલાઓ આધારિત ચાલી રહ્યો છે. વધુ આશ્ચર્યની વાત છે કે, જે સમયે સમગ્ર દુનિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવી રહી હતી ત્યારે અહીંના પુરુષો ભારે કચવાતા મને કોશિશમાં લાગેલા હતા કે, અહીં ચાલી આવતી પુરુષ વિરોધી માનસિક્તાને બદલવામાં આવે. અસલમાં આ વિસ્તારમાં ખાસી જાતિના સમુદાયમાં અન્ય સમાજોની વિરુદ્ધ મહિલાઓ કેન્દ્રસ્થાને હોય છે. અર્થાત્ મહિલા પ્રધાન સમાજ ચાલે છે. આ અંગે પુરુષ અધિકાર કાર્યકર્તા કીથ પારિયાતનું કહેવું છે કે, અગર તમે અહીંની કોઈ પણ હોસ્પિટલમાં જઈને જોશો અને જાણશો કે, અહીં છોકરો પેદા થયો છે તો લોકો અફસોસ સાથે કહેશે કે, ચલો કંઈ નહીં તેનું ચલાવી લેશે. પરંતુ અગર દીકરી પેદા થઈ તો લોકોની ખુશીનો કોઈ પાર રહેતો નથી અને મોટી ધુમધામ સાથે તેના જન્મની ઉજવણી કરવામાં આવે છે. પારિયાત, સીંગખોંગ રિમ્પાઈ થિમ્માઈ સંગઠનના કાર્યકર્તા છે કે, જેઓ આ પરંપરા વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.

વાસ્તવમાં ખાસી જાતિની પરંપરા અનુસાર, પરિવારની સૌથી નાની પુત્રી પરિવારની તમામ મિલકતની વારસ બને છે. તેમજ અહીં પુરુષાએ લગ્ન કરીને પત્નીના ઘરે જવાનું અને રહેવાનું હોય છે. અને બાળકોના નામની પાછળ પણ માતાનું જ નામ લખવામાં આવે છે અને તેનાથી પણ વિશેષ તો જો કોઈ પરિવારમાં બાળકી ન હોય તો તેમણે ક્યાંયથી પણ એક બાળકીને દત્તક લેવી પડે છે કે જેથી કરીને તે વંશ ચલાવી શકે. અહીંના પરંપરાગત નિયમો મુજબ, તેમની સંપત્તિ કોઈ સંજોગોમાં બેટાને આપી શકાતી નથી. વળી આ પરંપરા આજથી નહીં હજારો વર્ષથી ચાલી આવી રહી છે અને તે પણ ખૂબ જ સફળતાપૂર્વક. પરંતુ આ રીતથી ત્રસ્ત પુરુષો હવે આ પરંપરાને તોડવા ઈચ્છે છે અને તેમાં પારિયાત જેવા લોકો આગેવાની લઈ આંદોલન ચલાવી રહ્યા છે. આ અંગે પારિયાતના જણાવ્યા અનુસાર, પુરુષોએ તેમની સાસુના ઘરે રહેવું પડે તો તેમણે ચૂપચાપ રહેવું પડે છે. તમારો ઉપયોગ ફક્ત બાળક પેદા કરવા માટે કરવામાં આવે છે. કોઈ પણ તમારી ફરિયાદ કે તમારો અવાજ સાંભળવા આગળ આવતું નથી. કે ન તો તમારો કોઈ મામલે અભિપ્રાય લેવામાં આવે છે કે, ન તો તમારો કોઈ નિર્ણય માન્ય રાખવામાં આવે છે. શિલાંગના ૬૦ વર્ષના પારિયાત વધુમાં જણાવે છે કે, ખાસી જાતિના પુરુષો માટે આ પરંપરા ઘણી ઘાતક બની રહી છે. અહીંના મર્દો પર કોઈ જાતની જવાબદારી ન હોવાથી તેઓ બેકાર થઈ જાય છે અને અંતે થાકીને તેઓ કેટલીકવાર ડ્રગ્સ કે શરાબની લતમાં ફસાઈ જાય છે. અને તેમનું જીવન વ્યર્થ થઈ જાય છે. આ સિવાય આ સમુદાયની મહિલાઓ પાસે તે વિશેષ અધિકાર હોય છે કે, તેઓ ઈચ્છે તો સમાજ બહાર પણ લગ્ન કરી શકે છે.

વધુમાં પારિયાતની લડાઈમાં સામેલ ૪૧ વર્ષના ટીબોર લંગખાંગજી જણાવે છે કે, ખાસી જાતિના પુરુષોની સુરક્ષાના નામે મીંડું હોય છે. ન તો તેમની પાસે કે તેમના નામે જમીન હોય છે કે, ન તો કોઈ વ્યવસાય તેમનો પોતાનો હોય છે કે જેને તેઓ ચલાવી શકે. આ સ્થિતિ સામે કેટલાક પુરુષોએ છેક ૧૯૬૦થી જંગ શરૂ કર્યો હતો. પરંતુ તે સમયે જ ખાસી જાતિની મહિલાઓએ આ જંગ સામે એક વિશાળ શસ્ત્ર પ્રદર્શન યોજયું હતું. જેને કારણે આ વિરોધ ઠંડો પડી ગયો હતો. ત્યારબાદ પારિયાતે ૧૯૯૦માં આ પરંપરા સામે અવાજ ઉઠાવવા એક સંગઠન ઊભું કર્યું. જેનો મુખ્ય હેતુ ખાસી જાતિની પરંપરાને બદલવાનો છે. જો કે, ભારતીય સંવિધાન અનુસાર, ભારતની જનજાતિઓ તેમના પારંપારિક નિયમો જાતે બનાવી શકે છે. આ સ્થિતિમાં છેલ્લા કેટલાક સમયથી જાતિની પરંપરાઓ અને ભારતીય સંવિધાન વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. જો કે, લૈંગિક ભેદભાવ વધી જાય તો ન્યાયાલયોએ દખલ દેવી પડે છે. પરંતુ શિલોંગની મહિલાઓ આવા કોઈ પણ પ્રકારના જાતીય ભેદભાવોને નકારે છે.

જો કે, આ સમગ્ર સ્થિતિની કેટલીક બાબતો તેવી પણ છે કે, જે ભારતભરમાં ખાસ ક્યાંય જોવા મળતી નથી. આ અંગે શિલોંગ ટાઈમ્સની સંપાદક પેટ્રીશીઆ મુખીમનું કહેવું છે કે, મા-બાપ પરિવારની સૌથી નાની દીકરીને મિલકતનો વારસો આપીને એક સલામતી અનુભવે છે તેમને લાગે છે કે, તેમની દીકરી તેમની દેખભાળ મરતાં સુધી કરશે અને તેઓ બેટી પર નિશ્ચિંત રહી આશ્રિત રહી શકે છે. અને કદાચ આવી માન્યતાઓને કારણે જ ભારતભરમાં સ્ત્રી-પુરુષોના રેશિયા કરતાં અહીં ૧૦૫૦ પુરુષોની સામે ૧૦૩૫ મહિલાઓ છે. જ્યારે ભારતમાં અન્ય સ્થાનોમાં સરેરાશ ૧૦૫૦ પુરુષોની સામે ૧૦૦૦ મહિલાઓ જ હોય છે. તેમજ અહીં ભારતના અન્ય રાજ્યો કે શહેરોની જેમ સ્ત્રીઓ સામેના ગુનાનું પ્રમાણ નહિવત છે. એટલે કે આ વાતાવરણમાં મહિલાઓ કદાચ આખી દુનિયાના સૌથી વિકસિત શહેરો કરતાં પણ વધુ સલામત બનીને રહી શકે છે. આ અંગે શિલોંગની એક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતી ૨૫ વર્ષની પેસુંન્દ્રા રેસલિંખોએનું માનવું છે કે, દિલ્હીની ઘટના બાદ માતૃસત્તાત્મક પરિવારની પ્રાસંગિક્તા વધી ગઈ છે. હું માનું છું કે, આ એક ખૂબ જ સારી અને અનોખી પરંપરા છે. આ પરંપરાને કારણે અધિકારો મહિલાઓ સાથે રહે છે અને કેટલીય ખરાબ બાબતો પણ તેનાથી દૂર રહે છે, અને સ્ત્રીઓની સલામતી અંગે ચિંતા કરવી પડતી નથી. જો કે પારિયાત જેવા લોકો આ પરંપરાને દૂર કરવા ઈચ્છે છે. પરંતુ મેઘાલયના લોકો પરંપરાવાદી હોવાથી તેમ આસાનીથી આ પરંપરાને દૂર કરી શકે તેમ નથી.

 
Share This
 
 
   

 
Supplements
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com