180X600.jpg
Jul 31,2016 04:04:52 AM IST
 

આત્મહત્યા મજબૂરી કે મૂર્ખામી? (મંથન)

May 03, 2013 18:14 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2750
Rate: 0
Rating:
Bookmark The Article

મંથન - શાંડિલ્યા

આવા સમયે સમસ્યાઓના કાંટાને હિંમતની કુહાડીથી કાપતાં જવું પડે છે. ત્યારે ખરી જરૂર પડતી હોય છે ધીરજની અને સહનશક્તિની.જરૂર પડે છે નવા દૃષ્ટિકોણથી વિચારવાની

ભારતમાં વરસે દહાડે લાખો કિસ્સા આત્મહત્યાનાં બને છે. તેનાં કારણો ભલે જુદાં જુદાં હશે, સંજોગો જુદાં હશે પણ માનસિક્તા લગભગ આવી જ હશે તે ચોક્કસ!

એક મુસાફર હતો, એક વાર જંગલના રસ્તે થઈને તે બીજે ગામ જતો હતો. ગાઢ જંગલમાંથી પસાર થતાં તેનાં રસ્તામાં ગીચ ઝાડીઓ આવી. તેને તોડતો, ખસેડતો તે આગળ વધતો ગયો. તેના હાથપગમાં કાંટા વાગવાથી લોહી પણ વહેવા લાગ્યું. ઘણું મથ્યા છતાં ઝાડીનો કોઈ અંત જ દેખાતો નહોતો. તે ખૂબ થાકી ગયો. હારીને નિરાશ થઈ ગયો. તેને મરવાનો વિચાર આવતાં લટકતી ડાળીનું દોરડું બનાવી ગળાફાંસો જ ખાઈ રહ્યો હતો ત્યાં એક માણસે તેને અટકાવીને આવું કરવાનું કારણ પૂછયું. હતાશા સાથે પેલા મુસાફરે જણાવ્યું કે મારાં તો નસીબ જ વાંકા છે. આ જુઓને આટલી બધી ગીચ ઝાડીઓ મારા આખા રસ્તા પર પથરાયેલી છે. હું આગળ વધી શક્તો નથી. હવે મંજિલ મળવાની જ નથી પછી જીવીને શું કરવાનું!

પેલો માણસ તેનો હાથ પકડીને થોડે દૂર ખેંચી ગયો. તેના રસ્તાની આજુબાજુ બીજી બે-ત્રણ કેડીઓ જતી હતી તે બતાવીને બોલ્યો,'' ભલા માણસ... તું નાહકનો ગુંચવાયો છે, વગર વિચાર્યે અટવાય છે. આટલી જલદી હાર માનીને મહામૂલી જિંદગીનો અંત આણવાને બદલે જરા આમતેમ નજર તો દોડાવ! ભલે આ નવા રસ્તાઓ થોડા લાંબા હશે, સાંકડા પણ હશે પણ તને તારી મંજિલ ભણી તો લઈ જશે! આમ આગળ-પાછળનું વિચાર્યા વગર સીધી મરવાની વાત કરનારા તારા જેવો મૂરખ મેં આજ દીઠો...! પેલો મુસાફર આભાર માનીને માથું ખંજવાળતો બતાવેલા રસ્તા પર ચાલતો થયો.

ભારતમાં વરસે દહાડે લાખો કિસ્સા આત્મહત્યાનાં બને છે. તેનાં કારણો ભલે જુદાં જુદાં હશે, સંજોગો જુદાં હશે પણ માનસિક્તા લગભગ આવી જ હશે તે ચોક્કસ!

દરેકનાં જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે, જેને ટાળી શકાતી નથી. એવાં અણીદાર સંજોગો ઊભાં થતાં હોય છે જેને બદલી શકાતા નથી. તેમનો સામનો કરવો એ જ એકમાત્ર ઉપાય બચતો હોય છે. આવા સમયે સમસ્યાઓના કાંટાને હિંમતની કુહાડીથી કાપતાં જવું પડે છે. ત્યારે ખરી જરૂર પડતી હોય છે ધીરજની અને સહનશક્તિની.જરૂર પડે છે નવા દૃષ્ટિકોણથી વિચારવાની.

પણ જેઓ પાસે એવી ધીરજ તથા સહનશક્તિ નથી હોતી તેઓ હાર માની લેતાં હોય છે. નવા રસ્તા શોધી આગળ વધી જવાના બદલે હથિયાર હેઠાં મૂકી દેતાં હોય છે. તોડી નાખતી સમસ્યાના મૂળને જ ઊખેડી નાંખવાના બદલે ખુદનો ખાત્મો બોલાવી દેનારાં લોકોને પેલાં મુસાફરની જેમ જ મૂરખ ગણી શકાય.

નેશનલ ક્રાઈમ બ્યુરોના રેકોર્ડ અનુસાર ભારતમાં દર કલાકે સોળ જણ આત્મહત્યા કરે છે. વરસે દહાડે આ આંકડો લાખને વટાવી જાય છે. મહત્ત્વની વાત એ નોંધાઈ છે કે આત્મહત્યા કરનારા મોટાભાગે ૧૪થી ૪૫ વર્ષની વયજૂથના હોય છે. કેમ કે આ જ એ વયગાળો હોય છે જેમાં જોઈતી પરિપક્વતાનો અભાવ હોય, આવેશ વધારે હોય અને દૂરર્દિશતા પણ ઓછી હોય. આમ પણ આત્મહત્યા કરનારા બુદ્ધિ- દિમાગનાં દરવાજા સજ્જડ બંધ કરી માત્ર લાગણીઓના જોરે જ કામ લેતાં હોય છે.

કોઈ કારણોસર લાગી આવે કે આ મરવા દોડયાં, કોઈ ઠપકો આપે, કે આપશે તેવો ડર લાગે તોયે મરવાનું નક્કી કરી લે. ચારેબાજુથી ફસાઈ ગયાનો અહેસાસ થાય, કોઈ આરો-ઓવારો દૂર સુધી નજરે ના પડે કે મોતને જ કિનારો માનીને ગળે લગાવી લેવાય. પણ એ એક અવિચારુ, અવ્યવહારુ પગલું સાબિત થશે.

સમજી શકાય કે દિલ તૂટે, મન ઘવાય અને હિંમત ખૂટી જાય ત્યારે કેવી હાલત થતી હોય છે પણ તેનો અર્થ એ નહીં કે મરવું જ તેનો એક માત્ર રસ્તો હોય.... ઈશ્વરની બનાવેલી આ દુનિયામાં એક વાતની નિરાંત એ ખરી કે જેમને જીવવું હોય, કંઈક હાંસલ કરવું જ હોય તો વિકલ્પો અનેક મળી રહેતાં હોય છે. બસ થોડું દિમાગને કામે લગાવવું પડે છે.

સમસ્યાઓથી ભલે બધા બારણાં બંધ થઈ ગયેલાં લાગે પણ નાની મોટી બારીઓ તો ખૂલ્લી જ હોય છે, પસંદ કરી લો અનુકૂળતા મુજબની એકાદ બારી...! બાકી મરી જવાથી કોનું શું જશે? કોણ કાચું ખાશે કે કોણ જિંદગીભર મરનારાનું બલિદાન કે તેની યાદને સંઘરીને ભૂખ્યું- રોતું બેસી રહેશે, કદાચ કોઈ નહીં!

જે કાંઈ જવાનું છે તે મરનારનું ખુદનું જ! અને મર્યા પછી પણ ઉપર શું મળશે તે કોને ખબર! તો જે કરવાનું છે તે અહીં આ દુનિયામાં જ રહીને જ ના કરી લેવાય! પણ આવું કંઈ વિચારવાની ક્ષમતા જ જ્યારે મન અને હૈયું ખોઈ બેસે તેમને કોણ સમજાવી શકે!

૪ એપ્રિલે ખેરાલુ તાલુકાના બળાદ ગામની સીમમાં રહેતી પરિણીતાએ ખેતરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તેને લટકતી જોઈ તેની મસિયાઈ બહેને પણ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો. આમાં વાત એટલી હતી કે એ સ્ત્રીનો માસીનો દીકરો અગાઉથી જ એમની સાથે રહેતો હતો અને આ મરનાર માસીની દીકરી પણ સાથે રહેવા આવતાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થતાં પત્નીને લાગી આવ્યું હતું. વાત પતિ-પત્નીની અંગત હોય કે પારિવારિક કારણોસર હોય સંસાર લઈને બેઠાં હોય ત્યારે નાની મોટી તકરારો, મતભેદો, અથડામણો તો અસંખ્ય વાર થતા રહે, એ જીવનનો સ્વાભાવિક ક્રમ છે. એ વખતે જે મુદ્રા પર મનદુઃખ થયું હોય તેને ચર્ચાથી હલ કરી શકાય છે. આ કેસમાં પણ યોગ્ય ઉકેલ આણી શકાતો હતો. માની લો કે પતિને આટલી મોંઘવારીના વધારાના બે સભ્યોનો ખર્ચ પોસાતો નહોતો તો તે તેની રીતે સાચો હોઈ શકે છે. તેની લાગણી સમજવાના બદલે નાના બાળકને દુનિયાના હવાલે કરીને મરી જવાનું કેટલું વાજબી ગણાય!

આવી જ રીતે રિઝલ્ટ ખરાબ આવે, સાસરિયાં ત્રાસ આપે, ગમતી નોકરી કે છોકરી ના મળે, ગંભીર બીમારીથી અકળાઈ જવાય જેવાં અનેક કારણોસર મરવાનો નિર્ણય લઈ લેતાં લોકોએ ખૂબ ધીરજપૂર્વક કામ લેવાનું હોય છે. આત્મમંથન કરવાનું છે કે પોતે અમુક-તમુક ભૂલો ના કરી હોત, સમયસર જાગૃતિ આણી યોગ્ય પગલાં લીધાં હોત, ખોટી જીદ, અહંકાર કે બેદરકારી ના દાખવ્યાં હોત તો આવી સ્થિતિ ઊભી ના થઈ હોત. અને જે થયું છે તેને પણ સુધારી લેવાય તો કોણ પકડી રાખે છે ભલા! બની શકે કે જેમને બતાવી આપવા માંગો છો તેમને જ તમારા મોતથી કોઈ ફરક ના પડે, તો બલિદાન આપવાનો હેતુ જ મૂર્ખામી ગણાઈ જાય. એના કરતાં મોડું મોડું પણ સારું પરિણામ લાવી બતાવવાનો નિશ્ચય કેમ ના કરવો. જીવ તો બચી જાય. ખરાબ કે નબળુ રિઝલ્ટ લાવનાર વિદ્યાર્થીના માતા-પિતાને તો વળી બેવડું દુઃખ મળે છે. ખર્ચેલા રૂપિયા તો નકામા જાય સાથે વહાલું સંતાન પણ ગુમાવાનો વારો આવે. તેમની આશા, અપેક્ષા અને લાગણીઓનું શું?

છેલ્લાં એકાદ દાયકાથી આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધવા પામ્યું છે. આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે. આત્મવિલોપનનો. પોતાના શરીર પર કેરોસીન છાંટીને બળી મરવાના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ગરમ વસ્તુને અડી જવાય કે દાઝી જવાય તો દિવસમાં દસ વાર પાટો બદલી નાંખતા લોકો આખા શરીરને દઝાડી મૂકતાં સહેજ પણ અચકાતાં નહીં હોય!

પળેપળ જતનથી જાળવીને ઉછેરેલી જિંદગીનો આમ ઘડીના છઠ્ઠા ભાગમાં અંત આણી દેવાનો! અધૂરી અપેક્ષાઓ સાથે હજુ પણ જીવવું સહેલું હોય છે કેમ કે મોત તો તેની સાથે બધું જ તાણી જતું હોય છે. કંઈ જ બચતું નથી.

પાછળ રહી ગયેલાંઓનો પસ્તાવો, આંસુ, વેદનાઓ અને ઊભી થતી નવી સમસ્યાઓની વણઝાર જિંદગીને દોઝખ બનાવી દેનાર નીવડતી હોય છે.

આવા દરેક આત્મહત્યાના બનાવો થોડી સમજદારી અને સૂઝબૂઝથી વર્તાય તો ટાળી શકાતાં હોય છે. કોઈ ઈચ્છા કે માગણી પૂરી થાય કે ના થાય, બધું જ ગમતું કે ધાર્યું ના પણ થાય તો મરવાનાં ત્રાગાં કરવાના બદલે થોડું જતું કરીને પણ જે મળે તેમાં સંતોષ માનવાનું વલણ કેળવવું પડે. શાંતિથી વિચારાય તો ઘણીવાર પોતાની કોઈ ભૂલ, જીદ કે ગેરસમજ પણ નજરે પડી જતી હોય છે. આવું લાગે તો તરત તે સુધારવા મથવાનું.

અનેક દુઃખ આવે, સતત હતાશા અનુભવાય, માથે આભ તૂટી ગયાનું લાગે ત્યારે એવું નહીં સમજવાનું કે મારા એકલાની જિંદગીમાં જ આવું છે. સંસારમાં જીવતાં દરેક સ્ત્રી-પુરુષો નાની મોટી સમસ્યાઓનો સામનો કરતાં જ હોય છે. એમ આવેશમાં આવી જઈને મરવા બેસે તો દુનિયાનો સફાયો જ થઈ જાય!

મરવાનો વિચાર આવે અને તે નિર્ણયમાં પલટાઈ જાય તે પહેલાં ખોટા આવેશોને નાથવાના હોય. એવાં વિચારોને ઉગતાં જ ડામી દઈ અન્ય રસ્તા શોધવા મન-બુદ્ધિ દોડાવવાનાં હોય. આત્મહત્યા એ કાયરતા છે, ગુનો છે અને પલાયનવાદ પણ છે. જ્યારે જે મળે તેમાં હિંમતપૂર્વક સંતોષથી જીવી લેનારા ઝિંદાદિલ હોય છે. નાનાં મોટાં, ક્ષુલ્લક કારણોસર મરવા કે બળવા દોડી જનારાં લોકોને એ અંતિમ શ્વાસે આવું પગલું ભર્યાનો ભરપૂર પસ્તાવો તો થતો જ હશે. કોને ખબર !!

 
Share This
 
 
   

 
Supplements