180X600.jpg
Sep 03,2015 04:19:00 PM IST
 

છાંયડાના ભાગ

May 03, 2013 19:03 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3373
Rate: 3.8
Rating:
Bookmark The Article

બે ભાઈઓ હતા. એકનું નામ વીરુ અને બીજાનું નામ ટીરુ. બેઉ ભાઈઓ શરીરે હટ્ટાકટ્ટા હતા, પણ અક્કલના ઓથમીર હતા. તે બેઉ કોઈ ને કોઈ વાતે કાયમ ઝઘડતા જ રહેતા. તેમની એક ફોઈ હતી તે મૃત્યુ પામી હતી અને પોતે રોપેલો એક લીમડો વારસામાં આપતી ગઈ હતી. ફોઈએ પંચાયતમાં વસિયત કરેલી અને શરત રાખેલી કે લીમડાની માલિકી બેઉની રહેશે, પણ તે લીમડો કાપી શકશે નહીં. લીમડો ઘટાદાર હતો. સહિયારી માલિકીના લીમડા વિશે બેઉ જણા શરૂઆતમાં તો બહુ ઉદાસીન હતા, પણ ઉનાળો આવતાં જ લીમડાનો છાંયો બેઉને મીઠો લાગવા માંડયો અને તે ખટરાગનું કારણ બન્યો. વીરુની ફરિયાદ એ હતી કે ટીરુ લીમડાનો છાંયો વધારે વાપરે છે અને સામે ટીરુનું કહેવું એમ હતું કે વીરુ લીમડાનાં લાકડાં વધારે બાળે છે. બેઉ ગયા પંચાયત પાસે. પંચાયતે તેમને ખૂબ સમજાવ્યા, પણ તે કોઈ વાતે એકમત ન થયા. તેમનું તો બસ એક જ રટણ હતું, "અમને લીમડાના બે ભાગ કરી આપો." છેવટે ગામના એક વડીલે લીમડાના થડ પર વચ્ચેથી ઊભો લીટો કર્યો અને ભાગ કરી આપ્યો. લીટાની જમણી બાજુનો લીમડો વીરુનો અને ડાબી બાજુનો ટીરુનો એમ નક્કી થયું.

આ વ્યવસ્થા થોડો વખત ચાલી. અચાનક વીરુના ધ્યાનમાં આવ્યું કે ટીરુના ભાગમાં વધારે છાંયો હોય છે અને મારા ભાગમાં ઓછો છાંયો હોય છે. તેણે પંચાયતને ફરિયાદ કરી અને કહ્યું કે, "લીમડાનો છાંયો સરખો વહેંચી આપો." સામે ટીરુએ પણ વીરુ જેવી જ ફરિયાદ કરી. તેણે કહ્યું કે, "ખરેખર તો છાંયો વધારે તેને મળે છે." વાત ખરેખર તો એમ હતી કે સૂરજ ચડે-ઊતરે તે મુજબ સ્વાભાવિક છાંયો વધઘટ થતો હતો. પંચાયતે તેમને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ બેઉ જણા પોતાની વાત પર જ વળગી રહ્યા. પંચાયતે છાંયડાના ભાગ ન થઈ શકે તેવો ચુકાદો આપી તેમને રવાના કરી દીધા.

બીજે દિવસે સવારે સૂરજ હજી ઊગ્યો જ હતો એવામાં વીરુ ઊઠયો. તેણે જોયું કે છાંયડો ટીરુની બાજુમાં વધારે છે. તે તરત જ ધારિયું લઈ આવ્યો અને લીમડા પર ચડી ટીરુના બાજુની અમુક ડાળીઓ કાપી નાખી. બપોર પછી ટીરુ આવ્યો. તેણે જોયું કે છાંયડો તો વીરુની બાજુ વધારે છે તોપણ તેણે મારી બાજુની ડાળીઓ કાપી છે. તેણે ધારિયું લીધું અને વીરુના બાજુની અમુક ડાળીઓ કાપી નાખી. આવું પછી તો રોજ થઈ ગયું. છેવટે એ સ્થિતિ આવી કે લીમડો સાવ બોડો થઈ ગયો. છાંયડાના ભાગ કરવાની લાયમાં બેઉ જણા સાવ છાંયડા વગરના થઈ ગયા. વીરુ અને ટીરુએ લીમડો કાપવાની કોશિશ કરતાં તેમની ફોઈએ કરેલી વસિયત મુજબ લીમડાની માલિકી ગામે લઈ લીધી.

- મેહુલ મકવાણા
બોધ

મૂર્ખાઓની લડાઈમાં હંમેશાં બંને પક્ષે ભોગવવાનું આવે છે. કોઈ બાબતે તકરાર હોય ત્યારે તેનો ઉકેલ બુદ્ધિપૂર્વક લાવવો જોઈએ.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com